(ગતાંકથી આગળ…)

(૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી લીધેલી. ખરીદી, રસોઈકળા તેમજ બીજી બાબતોમાં પ્રવીણ હોવાની સાથે સાથે તેઓ અનાસક્ત તથા નિરહંકારી પણ હતા. મહારાજે મંદિરની સાતવાર પ્રદક્ષિણા કરીને તેમાં શ્રી શ્રીમાના એક નાના ચિત્રની (ફોટોગ્રાફની) સ્થાપના કરી. ત્યારબાદ કપિલ મહારાજે પૂજા કરી. દિવસભર દીયતામ્ ભુજ્યતામ્ ચાલ્યું. અનેક સાધુ તથા ભક્તો કોલકાતા તેમજ અન્ય સ્થળેથી આવેલાં. સવારે શ્રીરામકૃષ્ણ તેમજ શ્રીશારદાદેવીની પૂજા તથા રાત્રે શ્રી જગદ્ધાત્રી પૂજા સંપન્ન થઈ. તે ઉપરાંત મહારાજે ઘણાને સંન્યાસ અને બ્રહ્મચર્ય દીક્ષા આપી. આ અવસરે તેમણે કહ્યું કે આજે હું કોઈ પણ દીક્ષાર્થીને ખાલી હાથે પરત જવા નહિ દઉં. બીજે દિવસે સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી તેમણે ભક્તોને દીક્ષા પ્રદાન કરી, જેમાં મોટાભાગના ગામડાંના હતા. તેઓ ગુરુદક્ષિણામાં શું લાવી શકે? કેટલાક તો ફ્ક્ત કમળનાં ફૂલ જ લાવેલ. ત્રણ દિવસમાં તેમણે દોઢસો લોકોને દીક્ષા આપી. ઉત્સવ બાદ મહારાજ બાંકુડા ચાલ્યા ગયા.

જયરામવાટી મંદિરમાં શ્રી શ્રીમાના શિષ્ય શ્રી લલિત મોહન ચેટર્જી દ્વારા અર્પણ થયેલ એક મોટું પેઈન્ટિંગ (ચિત્ર) છે, જે તેમણે ખાસ ઈંગ્લેન્ડમાં બનાવડાવેલ. શ્રી શ્રીમાના ઘણા ભક્તોના જીવનમાં અનેક વિલક્ષણ પ્રસંગો બનેલા છે. યુવાનીમાં લલિત પૈસાવાળા હતા. તેને પોતાનું ઘર તથા ગાડી હતાં. પરંતુ તેનું ચરિત્ર બરાબર નહોતું, તેને દારૂનું વ્યસન હતું. એકવાર તેને જલોદર થવાથી અત્યંત પીડા થવા માંડી. શ્રી શ્રીમાની કૃપાથી તેને સારું થઈ ગયું. ત્યારથી તેઓ શ્રી શ્રીમાના શરણમાં આવી ગયા અને પોતાની પત્ની સાથે તેમના શિષ્ય બની ગયા. તેમને ત્રણ દીકરીઓ હતી. ત્રણેયનાં મૃત્યુ થઈ ગયાં. ત્યાર બાદ તેમણે દારૂનો ત્યાગ કર્યો તથા ધીરે ધીરે પોતાનું કામ પણ છોડી દીધું. અંતે તેઓ પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં સાદું જીવન જીવીને ભક્તોની સેવા કરવા લાગ્યા. શ્રી શ્રીમાએ તેમને જયરામવાટી માટે કંઈક કરવાનું કહેલ, જે તેમને યાદ હતું. શ્રી શ્રીમાની લીલા સમાપ્તિ બાદ તેમણે દાન માટે નાટક ભજવવા વગેરે (ચેરિટી શો) દ્વારા ધન સંગ્રહનો નિશ્ચય કર્યો, પરંતુ અચાનક રોગગ્રસ્ત થઈ જવાથી કંઈ ન કરી શક્યા. પોતાના અંતિમ સમયે તેઓ સ્વામી સારદાનંદને જોવા ઇચ્છતા હતા પરંતુ તેમને આવી દશામાં જોઈ ન શકવાને કારણે મહારાજ તેમની પાસે ન ગયા. પ્રાણ ત્યાગ કર્યો ત્યાં સુધી લલિત મોહનને એ દુ :ખ રહ્યું, કે તેઓ શ્રી શ્રીમાની ઇચ્છા પૂરી ન કરી શક્યા. પોતાના વસિયતનામામાં તેમણે લખ્યું કે તેમની બધી સંપત્તિ તથા સામાન સહિત તેમના ઘરનો ઉપયોગ જયરામવાટીમાં શ્રી માના કાર્ય માટે કરવામાં આવે. પોતાની પત્ની માટે તેમણે ફક્ત ભરણપોષણની વ્યવસ્થા કરેલી. આ કારણે સ્વામી સારદાનંદે તેમણે આપેલ ચિત્ર મંદિરમાં લગાવેલું.

જયરામવાટીના ઉત્સવ બાદ અમે વૈશાખ માસમાં (એપ્રિલના અંતે) કુમિલ્લા પાછાં ગયાં. થોડા દિવસો બાદ મહારાજે લખ્યું, કે યોગિનમા મધુપ્રમેહથી પીડિત છે, તેથી કોલકાતા આવીને તું તેમની સેવા કર. શ્રાવણ માસમાં હું કોલકાતા આવી ગઈ. મેદિનીપુરની સંયુકતા નામની એક વિધવાને મારી જગ્યાએ કુમિલ્લા મોકલવામાં આવી.

યોગિનમાની સેવામાં લગભગ એક વર્ષ હું ઉદ્‌બોધન ભવનમાં રહી. તે વર્ષે દોલપૂર્ણિમા (હોળી) ના દિવસે ચંદ્રગ્રહણ થયેલું. યોગિનમાએ મને પુરશ્ચરણ કરવા કહ્યું, હું પુરશ્ચરણ એટલે શું તે જાણતી નહોતી. મેં આખો દિવસ ઉપવાસ રાખ્યો. સાંજે યોગિનમાએ કહ્યું કે તે દિવસે હું તેમની સેવા ન કરું, પરંતુ ગંગાઘાટે જઈ ગણતરી સાથે જપ કરું અને ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ત્યાંથી પાછી આવું. ઘણા લોકો પુરશ્ચરણની સમાપ્તિ હવનથી કરે છે, કેટલાંક ફક્ત જપ કરીને કરે છે. રાત્રે દસ વાગે ઘરે પાછા આવી અમે ઉપવાસ પૂરો કર્યો. મહારાજે પૂછતાં મેં જ્યારે જપ સંખ્યા બતાવી તો મહારાજે તે વધારવા કહ્યું, તે સમયે યોગિનમા પણ ત્યાં હતાં. તેઓએ મહારાજને કહ્યું, ‘સરલાને સંન્યાસ આપી દો. કાલે ઘણા લોકો પુરશ્ચરણ – હવન વગેરે શાસ્ત્રોક્ત કાર્ય કરશે. તેની સાથે આપ આને સંન્યાસ આપી દો.’ મહારાજે હસતાં હસતાં કહ્યું, ‘સંન્યાસ લેવો એ કંઈ સહેલી વાત નથી, જાણો છો? સંન્યાસ લીધા પછી ગુરુદક્ષિણામાં સોનાનો સિક્કો દેવો પડે છે.’ યોગિનમાએ જવાબ આપ્યો, ‘સારું, તે જ અપાવીશ. ગુરુદક્ષિણામાં તે આપને એક સિક્કો આપશે.’ ત્યાર બાદ મહારાજે મને બોલાવી કહ્યું, ‘તું બહુ ભાગ્યશાળી છો. યોગિનમાએ ખુદ તારા સંન્યાસની વાત કરી. તને સંન્યાસ આપવાની મારી ઇચ્છા હતી, પરંતુ બધાંને ખબર પડી જાય તેથી મેં વિચાર્યું હતું કે તને (હવન વિના જ) સંન્યાસના મંત્રપાઠ કરાવીશ. પરંતુ હવે જ્યારે તેમણે ખુદ જ કહ્યું છે તો કોઈ સમસ્યા નથી. કાલે આખો દિવસ ઉપવાસ રાખજે.’

બીજે દિવસે ઉપવાસ કર્યા બાદ રાત્રે મહારાજે મને કહ્યું, ‘જઈને આરામ કર. સમય થયે હું તને જગાડી દઈશ.’ એ વખતે કપિલ મહારાજ ઉદ્‌બોધન ભવનમાં હતા. તેમને હવનની બધી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવેલું અને હરિપ્રેમ મહારાજને યોગિનમાની સેવામાં નિયુક્ત કરેલા. હરિપ્રેમ મહારાજ વગેરેને મારી સંન્યાસ દીક્ષાની ખબર પડી હતી. પરંતુ કોઈએ કંઈ કહ્યું નહિ. સવારે ત્રણ વાગે શરત મહારાજે મને જગાડીને ભગવું વસ્ત્ર આપ્યું અને તે પહેરીને આવવા કહ્યું. ત્યારબાદ પ્રજ્વલિત હવનના અગ્નિમાં આહુતિ આપવા કહ્યું. પછી તેમણે મને બીલીના વૃક્ષની ડાળી આપી, જેને આહુતિ બાદ તોડીને એક પાત્રમાં રાખીને કહ્યું, ‘સવારે આને ગંગામાં વિસર્જિત કરજે.’ અહીં સુધી તો થઈ ગયું, બાકીનું વારાણસીમાં થશે. પહેલાં તેમણે મને ‘સારદા’ નામ આપ્યું પરંતુ એ નામ સામે યોગિનમાએ વાંધો લેતાં કહ્યું, ‘અમે તેને એ નામથી કેવી રીતે બોલાવી શકીએ?’ તેથી તેમણે નામ બદલીને ‘શ્રી ભારતી’ રાખ્યું. ભગવું વસ્ત્ર ધારણ કરીને જ્યારે હું યોગિનમાને પ્રણામ કરવા ગઈ તો તેમણે મારા માથે હાથ રાખીને આશીર્વાદ આપ્યા તથા મહારાજને ગુરુદક્ષિણા આપવાના હેતુથી સિક્કો (ગિની) આપીને તેમને પ્રણામ કરવા મોકલી. ત્યાર બાદ યોગિનમાએ મહારાજને પૂછ્યું, ‘શું તે હવેથી ભગવાં વસ્ત્રો પહેરશે?’ તેમણે કહ્યું, ‘નહિ, તેવું જરૂરી નથી. હમણાં તો તે સફેદ વસ્ત્રો પહેરે, ભવિષ્યમાં યોગ્ય સમય આવ્યે તે ભગવાં વસ્ત્રો પહેરશે.’ મેં ભગવું વસ્ત્ર ઉતારી અજ્ઞાનવશ મહારાજને પરત કરી દીધું. મને વિચાર જ ન આવ્યો કે તે વસ્ત્ર હું મારી પોતાની પાસે તો રાખી શક્તી હતી. પછીથી તેમણે મને પોતાની એક ભગવા રંગની ચાદર આપીને કહ્યું, ‘આ તારી પાસે રાખ, સમયસર પહેરજે.’ સારદામઠમાં આવીને હું તે પહેરું છું. તે લોકોએ મારા માટે બધું જ કર્યું. તેઓની પાસે કંઈ માગવાનો મને ક્યારેય વિચાર જ આવ્યો ન હતો.

ઈ.સ.૧૯૨૪ના જૂન માસમાં યોગિનમા મહાસમાધિમાં લીન થઈ ગયાં. પંદર દિવસ બાદ હું ફરીથી સ્કૂલમાં રહેવા આવી ગઈ. થોડા સમય પછી ગોલાપમા બીમાર પડ્યાં અને તેમની સેવા માટે હું ઉદ્‌બોધન ભવન પાછી ગઈ. તે જ વર્ષે ડિસેમ્બર માસમાં તેઓ પણ મહાસમાધિમાં લીન થઈ ગયાં તથા યોગિનમા તથા ગોલાપમા બંનેએ મારા ઉપર આશીર્વાદ વરસાવેલા.

એક દિવસ આક્રંદ કરતાં મેં યોગિનમાને કહેલું, ‘મા ચાલ્યાં ગયાં, સુધીરાદી પણ ગયાં, કંઈ ગમતું નથી. હું જીવવા માગતી નથી.’ આવું સાંભળી યોગિનમાએ કહ્યું, ‘શું કહી રહી છો? પહેલાં ઈશ્વરલાભ કર પછી જજે. હું તને આશીર્વાદ આપું છું કે તને ઈશ્વરપ્રાપ્તિ થશે.’ તેઓ બધાં મને એટલો પ્રેમ કરતાં, પરંતુ પોતાની સાથે ન લઈ ગયાં, મને પાછળ મૂકીને જતાં રહ્યાં.

એક દિવસ દુ :ખ સાથે મેં શરત મહારાજને કહ્યું, ‘તેઓ બધાં જતાં રહ્યાં, આપ મને છોડીને નહિ જઈ શકો, જો આપ જશો તો હું નહિ રહી શકું.’ તેમણે કહ્યું, ‘મને તારી બહુ જ ચિંતા હતી, પણ હવે નથી.’ જ્યારે મેં તેમની ચિંતા અને પછી તેમાંથી મુક્તિનું કારણ જાણવા ઇચ્છા બતાવી તો તેમણે કહ્યું, ‘હું જાણતો હતો કે શ્રીરામકૃષ્ણ અને શ્રીશારદાદેવીએ તારો ભાર લીધો છે, પરંતુ હવે હું જોઉં છું કે તેમણે તને સંપૂર્ણ રીતે અપનાવી લીધી છે. માટે મને તારી ચિંતા નથી. તેં અત્યાર સુધી શ્રી શ્રીમાના માનવીય રૂપની સેવા કરી છે પણ હવે તેમના અસલ સ્વરૂપને જાણવાનો પ્રયાસ કર. મનુષ્ય જન્મ મળ્યો છે. શિયાળ કે કૂતરાની જેમ મરવાનું નથી, પરંતુ એ રીતે મરજે કે તેં સ્થાપેલા આદર્શનું બધાં અનુસરણ કરે, ઈશ્વર પ્રાપ્તિ બાદ જ દેહ ત્યાગ કરવાનો.’ (ક્રમશ 🙂

Total Views: 70
By Published On: July 1, 2014Categories: Pravrajika Bharatiprana0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram