માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.
(ગતાંકથી આગળ…)
કહે શાંતિ સૌને : અભય મુજથી હો સકલને :
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઈ, બસ હું !
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદૃઢ સંન્યાસી, વદ હે !
‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૮
પૃથ્વી પર શાંતિ હો અને તેની શરૂઆત મારાથી થાય. આ ગીત હવે સકળ જગતને આવરી લે છે. આપણે તે સાંભળીએ છીએ, ગાઈએ છીએ. આપણામાંના કેટલાક આતંકવાદી છીએ, પરંતુ કેટલી નજીવી માત્રામાં જ આપણે બીજાને ભયભીત કરીએ છીએ ! ન ગણકારતા બાળકોની માફક આપણે કીડીઓને કચડીએ છીએ. યુવાનીમાં આપણે ઝઘડા કરીએ છીએ, બીજાને ઉતારી પાડીએ છીએ, તેમની મજાક કરીએ છીએ અને હવે પુખ્ત વયમાં, વ્યર્થ ગપસપ, કડવાં વચનો અને ગંદું રાજકારણ – એ આપણાં હથિયારો છે. તજું પૃથિવી ને સ્વર્ગ, નરક – આ છે સંન્યાસીનું લક્ષ્ય. તીર સીધું મુક્તિને સાધે છે. આશા અને નિરાશા એક જ સિક્કાની બે બાજુઓ છે. છોડવાં કઠણ અરીસાનાં પ્રતિબિંબો. સ્વામીજી અન્ય એક પ્રસંગે સંન્યાસીને તદ્દન આશારહિત થવાનું કહે છે. કારણ કે તે જ છે – મુક્તિની સાચી અવસ્થા-આશારહિતતા, કારણ કે જે કંઈક પ્રાપ્ત કરવાનું છે તે સઘળું ત્યાં જ છે.
ન હો પરવા કાંઈ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કોઈ એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેવું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્રોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી !
પ્રશાન્તાત્મા થા તું પરમ : રટ ખુલ્લા સ્વર થકી
‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૯
ગરીબ કે તવંગરને, સારા કે ખરાબ સ્વાસ્થ્યમાં મૃત્યુ પર્યંત કોઈ બાબતની પરવા નથી તેવી પ્રતિજ્ઞા અહીં પ્રતિબિંબિત થાય છે. પેલા ઈર્ષ્યાગ્રસ્ત પૂજારીએ ગુરુદેવને લાત મારી હતી તે પ્રસંગનું અહીં સ્વામીજીને સ્મરણ થયું હશે. સ્વામીજીને કેટકેટલી વાર પુષ્પના હારોથી સન્માનવામાં આવ્યા હતા ! સ્તુત્ય અને સ્તુતિકાર, નિંદક અને નિન્દિત વચ્ચે સમાનતાના ભાવને સઘળા ગમા-અણગમા રહિત થઈને અનુભવાય તેવી અવસ્થાનું અહીં નિરૂપણ છે.
વસે કામ – ક્રોધો જહીં, જહીંં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દી’ નહિ સત. વધૂ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીએ પ્હોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે :
તજી દે તેથી આ બસ બધુંય : ર્હે વીર ! રટતો :
‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૧૦
સ્વામીજી અહીં ગૃહસ્થની નહીં પરંતુ સંન્યાસીની વાત કરે છે. એ સ્પષ્ટ છે કે ઉચ્ચતમ સ્થિતિ વિવાહિત જીવનમાં પ્રાપ્ત થતી નથી. કામ અને હિંસા વગર સંભોગ; કીર્તિની આતુરતા સિવાય યથાર્થ મહત્ત્વાકાંક્ષા; મોહ વગર ઘરબાર ધરાવવાં અને ક્રોધ? અલબત્ત દરેક આવી સઘળી નિર્બળતાઓથી બંધાયેલ છે. સંન્યાસીએ, વિશિષ્ટ કરીને ઉંમરના એવા તબક્કે સાવધાન રહેવું જોઈએ, તેનું મન એકાગ્ર હોવું જોઈએ, વાણી જુસ્સાદાર પરંતુ સ્વભાવ કોમળ હોવો જોઈએ. આવાં ઉદાહરણો ઘણાં છે.
ન હો તારે કોઈ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહીં શુદ્ધાત્માને કલુષિત કદી તે કરી શકે.
વહી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી ! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી :
‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૧૧
હકીકતમાં તો તું આત્મા છો તેથી કોઈ પણ ઘરમાં સમાવિષ્ટ ન થઈ શકે તેટલો મોટો છે. યુવાની અને શિશુકાળનાં પારિવારિક બંધનો તને કેવી રીતે જકડી શકે ? ઢીંગલીઓ અને રમકડાં તેં પાછળ છોડી દીધાં છે. આહાર અને નિંદ્રા, ક્યારેક સાદા, ક્યારેક સુંવાળા આહાર અને નિદ્રા જેવાં પ્રાપ્ત થાય તેવાં ભલે હોય. વળી નિવાસ ક્યારેક ગરીબની ઝૂંપડીમાં હોય અથવા રાજ્ય મહેલમાં હોય તેથી શું ? તારું ભિક્ષાપાત્ર ઘણા હાથોથી ભરાઈ જશે અને તે સઘળા હસ્તો તેના (ઈશ્વરના) છે. અહીં સ્વામીજી જાતિપ્રથા અને શુદ્ધતાના નિયમો તરફ ઈશારો કરે છે તેમાં શંકા નથી. તેમના ગુરુદેવની જેમ આપણે આજે અથવા કાલે તે સઘળાની ઉપર ઊઠવું જોઈએ અને જેના પર સંન્યાસીઓ આધાર રાખે છે તે ભક્તોએ તેમની સારસંભાળ તથા શુદ્ધ ખોરાક, પાણી અર્પણ ન કરવાં જોઈએ ? આ પદનું સમાપન કેવી સુંદર રીતે થાય છે ! – વહેતી સરિતાની સ્વતંત્રતા અને વહેતા પાણી સમાન નિર્બંધતા ! આવી નદી પણ જ્યારે કિનારાઓની મર્યાદામાં વહે છે ત્યારે સંન્યાસીને પણ કેટલાક પોતાના માનદંડો હોય છે.
ઘણાં થોડાં કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં ર્હે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુ :ખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું : વદ ઉચ્ચ સ્વર થકી :
‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૧૨
આ પદોમાં રહેલ વેધકતાને સમજવા માટે આપણે સ્વામીજીના જીવન પ્રતિ દૃષ્ટિપાત કરવો જોઈએ. તેમના વિશેનું સઘળું એક માત્ર તેમના ગુરુદેવ જ જાણતા હતા. સ્વામીજી સ્વયં તેમના પોતાના વિશે એટલા જ્ઞાત ન હતા. વિરોધીઓએ તેમના પર ટીકા વરસાવી, કંટાળાજનક દંભી ડાહ્યા લોકોએ તેમની મજાક ઉડાવી, કંઈક કહ્યું તેમ તેમણે મોટા દડાને પગ તળે કચળીને આખી દુનિયામાં ફરી વળ્યા. દરેક સંન્યાસી મહાન આત્મા છે તેવો ભાવ વૈરાગ્યવાન પુરુષો માટે હતો અને ફરી પાછું આપણને સુખ અને દુ :ખનું એ દ્વંદ્વ આવી મળે છે.
અને એવી રીતે દિન પછી દિને કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા. પુનરપિ નહીં જન્મ ધરશે.
નહીંં હું – તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ : આનન્દઘનતા :
તું છે તત્ જાણે લે પરથી પર : પોકાર કર તું :
‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૧૩
દિવ્ય જીવન વ્યતીત કરવામાં જ્યારે પ્રવૃત્ત થઈએ ત્યારે, સમર્થ સમયે આપણને મુક્તિ-બારીનો અનુભવ થાય છે, જેમાંથી આપણે અંતિમ સ્થિતિનો આભાસ પ્રાપ્ત કરીએ છીએ. થોડા અંશે જાણે કે સ્વર્ગનાં દ્વાર ખૂલે છે. પરંતુ આ ગીતમાં કથેલી અંતિમ અવસ્થાની અનુભૂતિ માટે આપણે પ્રારબ્ધક્ષય સુધી થોભવું પડે છે. પછી પુનરપિ નહીં જન્મ, ત્યાં મૃત્યુ પણ નથી, વ્યક્તિથી વ્યક્તિને, મનુષ્યથી ઈશ્વરને અલગ કરનાર ત્યાં કોઈ નથી. શું આ ભયજનક છે ? તેવું કેમ બને ? જ્યારે સ્વામીજી તેને માટે આ સ્વર્ણિમ શબ્દ – આનંદઘનતા પ્રયોજે છે.
Your Content Goes Here