જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા જ માણસો સમાજની સંજીવની છે. આ જાતની ઘેલછામાંથી જ સંસારને હચમચાવી મૂકનારી શક્તિઓ પેદા થઈ છે અને ભવિષ્યમાં પણ આવી જ ઘેલછામાંથી સંસારમાં ઊથલપાથલ મચાવનારી શક્તિઓ પેદા થશે.

આ રીતે સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખી રહેલા એ યુવકના ઘણા દિવસો, અઠવાડિયાંઓ અને મહિનાઓ પસાર થયાં; હવે એ યુવકને વિવિધ પ્રકારનાં દર્શનો થવા લાગ્યાં, અદ્‌ભુત રૂપો દેખાવા લાગ્યાં તથા પોતાના અંતરમાં અનેક રહસ્યો ઊઘડવા લાગ્યાં. તેને એવું લાગતું હતું કે પડદા પછી પડદા જાણે કે ખસી રહ્યા છે. સાક્ષાત્ જગન્માતાએ જ ગુરુસ્થાન ગ્રહણ કર્યું અને તેમણે જ આ યુવકને પોતે શોધી રહેલા સત્યપ્રાપ્તિના સાધનની દીક્ષા આપી. આ વખતે એ સ્થાને એક અદ્વિતીય વિદ્વત્તાવાળી અતિશય સ્વરૂપવતી સ્ત્રી આવી પહોંચી. આ સ્ત્રી સંબંધી મારા ગુરુદેવ ઘણી વાર કહેતા કે તે માત્ર વિદુષી હતી એમ કહેવું બરાબર નથી; તે વિદ્યાની સાક્ષાત્ મૂર્તિ હતી, જાણે કે વિદ્યા પોતે જ માનવરૂપ ધારણ કરીને પ્રગટ થઈ હોય એમ લાગતું હતું.

આ વાતમાં પણ તમને ભારતવર્ષની વિશેષતા દેખાઈ આવશે. સાધારણ રીતે હિંદુ સ્ત્રી અશિક્ષિત હોય છે. છતાં પાશ્ચાત્ય દેશોમાં જે સ્થિતિને પરતંત્રતા કહે છે એવી સ્થિતિમાં આ પરમોચ્ચ આધ્યાત્મિક ભાવસંપન્ન સ્ત્રીનો આવિર્ભાવ થયો હતો. તે એક સંન્યાસિની હતી. ભારતવર્ષમાં સ્ત્રીઓ પણ સંસારનો ત્યાગ કરી દે છે, પોતાની સર્વસંપત્તિને તિલાંજલિ આપી દે છે, લગ્ન કરતી નથી તથા પોતાનું આખું જીવન ઈશ્વર સેવામાં જ અર્પણ કરી દે છે. આ સ્ત્રી ત્યાં આવી અને જ્યારે આ જંગલમાં રહેતા યુવકના સંબંધમાં તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે જવાની તથા તેને મળવાની ઇચ્છા બતાવી. આ બાઈ તરફથી જ શ્રી શ્રીરામકૃષ્ણને સૌથી પહેલી મદદ મળી. એ સ્ત્રી આ યુવકના સંતાપનું કારણ એકદમ સમજી ગઈ; તેણે કહ્યું : ‘મારા બેટા ! તારા જેવી ઘેલછા જેને વળગે તે ધન્ય છે ! આમ તો આખુંયે વિશ્વ ગાંડું જ છે. કોઈ ધનને માટે, કોઈ દેહસુખને માટે, કોઈ કીર્તિને માટે અને કેટલાય લોકો બીજી સેંકડો વસ્તુઓ માટે, કોઈ સોના ખાતર, કોઈ પતિ ખાતર, કોઈ સ્ત્રી તથા બીજી તુચ્છ વસ્તુઓ માટે અથવા બીજા પર જુલમ ગુજારવા કે પોતે શ્રીમંત બનવા માટે, આવી આવી અનેક મૂર્ખાઈભરી બાબતો માટે ગાંડાતૂર બને છે; પણ કોઈ ઈશ્વરને માટે ઘેલા થતા નથી. જો કોઈ માણસ ધન કમાવા પાછળ ગાંડો બને છે, તો લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, સમભાવ રાખે છે અને એ વાત બરાબર છે એમ સમજે છે; દુનિયામાં પાગલ જ બીજા પાગલને સ્થિર મગજવાળો સમજે છે ને ! પરંતુ જો કોઈ માણસ ઈશ્વર પાછળ દીવાનો બને તો તેને એ લોકો કેવી રીતે સમજી શકે ? તેઓ એમ ધારે છે કે તેનું માથું ફરી ગયું છે અને તેનાથી દૂર ભાગવાનું કહે છે. આ જ કારણથી એ લોકો તેને ચસકેલ કહે છે. પરંતુ તારું ગાંડપણ બરાબર છે. જે મનુષ્યો ઈશ્વર પાછળ ગાંડા બને છે, તેમને ધન્ય છે. એવા મનુષ્યો વિરલ છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૫.૨૩-૨૪)

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.