જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડાે.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

સંગીત કલ્પતરુ : એક અવલોકન

અત્યાર સુધી પુસ્તકનો પ્રથમ ભાગ વિચારણા હેઠળ હતો. આપણું ધ્યાન જાય છે કે સ્વામીજીએ ઓછી વત્તી રીતે સંગીતનાં અનેક પાસાંઓની વાત કરી છે, તો ‘સંગીત સંગ્રહ’ના ભાગમાં પણ તેમણે મર્યાદિત સંખ્યામાં ગીતો સાથે વિશાળ વિષયો રજૂ કર્યા છે. સંગીત કલ્પતરુ પૂરવાર કરે છે કે ભલે તે આધ્યાત્મિક સાધક હતા, પણ તેમણે માનવ સંવેદનાઓની વિવિધ અભિવ્યક્તિઓને અવગણી ન હતી. પુસ્તક વિશેનાં ગીતોનો સંગ્રહ જ્યારે ચાલુ હતો, ત્યારે સ્વામીજી વરાહનગર મઠની સ્થાપનાના કાર્યમાં સક્રિય રીતે રોકાયેલા હતા. બીજા શબ્દોમાં, ભલે તેમણે કુટુંબ સાથેના સંબંધો તોડી નાખ્યા ન હતા, પણ તે આધ્યાત્મિક સાધનામાં પૂર્ણ ઊંડા ઊતરી ગયા હતા. તે છતાં, તત્કાલીન બ્રાહ્મો કે ખ્રિસ્તી મિશનરીઓ જેમ, જેઓ તેમના સંકલન માટે કેવળ ભક્તિ ગીતોને જ પસંદ કરતા હતા, તેમનાથી વિસંગતપણે તેમણે માતૃભૂમિ, પ્રેમ, ઇતિહાસ, ધર્મથી માંડીને સામાજિક મુદ્દાઓ પરનાં ગીતો સંકલિત કર્યાં હતાં. આ દૃષ્ટિએ પણ તે દેશ ભક્તિનાં ગીતોના સંકલન માટે અલગ તરી આવે છે, કારણ કે ૧૯મી સદીનાં ‘વિશ્વ સંગીત’, ‘ગીત રત્નમાળા’ અને બીજાં ગીત સંકલનો ભક્તિ ગીતો સાથે જ શરૂ થતાં હતાં. સંગીત કલ્પતરુએ ધાર્મિક, સામાજિક, પ્રેમ, પુરાણો વગેરે જેવા મુદ્દાઓ પર ૧૭૬થી વધારે રચનાકારોએ રચેલ ગીતોને રજૂ કર્યાં હતાં.

સંગીત કલ્પતરુ અને અન્ય સંકલનોનો તુલનાત્મક અભ્યાસ મૌલિકતા અને સમાનતા બન્ને પ્રગટ કરે છે. નવકાંત ચૌધરીનું ‘સંગીત સંગ્રહ’ (૧૮૮૨) અને ‘ભારતીય સંગીત મુકતાવલી’ (૧૨૯૧ બંગાળી) જેવાં પહેલાંનાં સંકલનોમાંથી ઘણાં ગીતો સ્વામીજીના પુસ્તકમાં સ્થાન પામ્યાં છે, પણ કૃષ્ણાનંદના ‘સંગીત રાગ કલ્પદ્રુમ’માંથી માત્ર ૩ ગીતોનો જ સમાવેશ કર્યો છે. વળી, એ ગીતના કિસ્સામાં રચનાકારનું નામ બદલાવેલ છે. એટલે એ સ્પષ્ટ છે કે સંગીત કલ્પતરુનાં ગીતના સંકલનમાં સંગીત રાગ કલ્પદ્રુમ એક મહત્ત્વનું સંકલન હોવા છતાં તેનો ખાસ પ્રભાવ પડ્યો ન હોત. પણ સંગીત કલ્પતરુના ‘નાના વિષયક સંગીત’ વિભાગ પર, જેમાં સંસ્કૃત, ઓરિયા, આસામી, સંથાલી વગેરે ગીતો રજૂ થયાં છે, તેના માટે તે આદર્શ રહેલ હતું.

સંગીત કલ્પતરુ પ્રગટ થયું ત્યાં સુધી ‘ભારતીય સંગીત મુક્તાવલી’ એક માત્ર એવું પુસ્તક હતું જે બંગાળી ગીતોનું પ્રતિનિધિત્વ કરતું હતું. પાછળ આવેલ પુસ્તકો માટે પણ તે આદર્શરૂપ રહ્યું, કારણ કે સંગીત કલ્પતરુમાં પણ તેમાંથી ૫૧ ગીતકારોનાં ૯૩ જેટલાં ગીતો સમાવાયાં હતાં. આગળનાં પુસ્તકમાં રહી ગયેલ કેટલાક રચનાકારોનાં નામ પણ આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. કેટલાંક ગીતોના કિસ્સામાં આપણે પૂરવણી પણ જોઈ શકીએ છીએ. ‘ભારતીય સંગીત મુકતાવલી’માં બધા જ પ્રકારનાં ગીતો સંગીત કલ્પતરુમાં જોઈ શકાય છે. અલબત્ત, મુદ્દાઓનો ક્રમ બદલાય છે, પણ બન્ને પુસ્તકો દેશભક્તિનાં ગીતોથી શરૂ થાય છે અને બીજા કરતાં ભક્તિ ગીતોની સંખ્યા પણ વધુ છે.

તેમ છતાં, ભક્તિ સંગીતમાં તેની સમૃદ્ધ વિવિધતાથી – બ્રાહ્મો, શાક્ત, વૈષ્ણવ, બાઉલ, દેહતત્ત્વ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે – સંગીત કલ્પતરુ તે વખતનાં બધાં જ સંકલનોને પાર કરી જાય છે અને બધા જ સંપ્રદાયોના સમન્વયનો એક આદર્શ રજૂ કરે છે. પાછળનાં સંકલનો પર તેનો નોંધનીય પ્રભાવ પડ્યો હતો.

બીજું મહત્ત્વનું પાસું હતું શ્રીરામકૃષ્ણ અને ચરિત સંગીત (ચરિત્ર સંગીત) પરનાં ભક્તિ ગીતોની હાજરી. ૧૯મી સદીના અંતે શ્રીરામકૃષ્ણ સંબંધી નવાં બંગાળી ગીતોનો ફાલ આવ્યો, જેની સંગીત કલ્પતરુએ શરૂઆત કરી.

સંગીત કલ્પતરુમાં ભક્તિ સંગીત સાથે જ પ્રેમ ગીતો પણ છે. પહેલાં ભારતીય સંગીત મુક્તાવલીમાં આ સંયોજન જોવા મળ્યું ન હતું. પણ બ્રાહ્મો સમાજના નેતા નવકિશોર ચટ્ટોપાધ્યાયને શરૂઆતમાં પ્રેમ ગીતો સ્વીકૃત ન હતાં, પણ તેમણે પાછળથી ભારતીય સંગીત મુકતાવલીના બીજા ભાગમાં ઉમેર્યાં હતાં. તેમણે ગીતોનો એક નવો પ્રકાર ‘ગ્રામ્ય સંગીત’ પણ ઉમેર્યો હતો. અલબત્ત, આ પ્રકાર સંગીત કલ્પતરુમાં જોવા નથી મળતો, પણ આપણે તેને તેના ‘નાના વિષયક સંગીત’માં ‘ગ્રામ્ય ગીતિ’ વિભાગમાં જોઈ શકીએ છીએ. સંગીત કલ્પતરુ પ્રસિદ્ધ થયા પછી ‘ભારતીય સંગીત મુકતાવલી’ના સંયુક્ત બીજા અને ત્રીજા ગ્રંથોમાં બંગાળી ગીતો સાથે સાથે હિન્દી ગીતો, ધ્રુપદ, ખ્યાલ અને ટપ્પા પણ જોવા મળે છે. એ નોંધવું જોઈએ કે સંગીત કલ્પતરુ એ પ્રથમ સંકલન છે જેમાં આપણે આવો સંગ્રહ જોઈ શકીએ છીએ. સંગીત રાગ કલ્પદ્રુમમાં ભલે બંગાળી ગીતો સાથે હિન્દી ધ્રુપદ અને ખ્યાલ છે, પણ તે સંગ્રહ ભારતના વિવિધ ભાગોમાં તેની અનેક ભાષાઓમાંથી પસંદ કરેલ ગીતોમાંનો એક હતો. તેને સમૃદ્ધ ગીતોના ક્રમમાં ગોઠવી રજૂ કરેલ હતાં. જો કે બંગાળી ગીતોના સંગ્રહોમાં પાછળથી હિન્દી શાસ્ત્રીય ગીતોનું જે મહત્ત્વ દેખાય છે, તેનાં મૂળ સંગીત કલ્પતરુમાં હતાં અને તે નરેન્દ્રનાથના શાસ્ત્રીય સંગીતના પ્રેમના કારણે જ પ્રેરિત હતાં તે નિ :શંક છે.

ગીતોની બાબતમાં સંગીત કલ્પતરુ તેના રચનાકારો બાબતે પણ નવીન વિચારો પ્રગટ કરે છે. તે રજૂ કરે છે તે જયદેવથી રવીન્દ્રનાથ સુધીના ૧૭૬ રચનાકારોમાંથી ‘સંગીત રાગ કલ્પદ્રુમ’, ‘સંગીત સંગ્રહ’, ‘ભારતીય સંગીત મુકતાવલી’ અને બીજા સંગ્રહોમાંથી થોડાને જ નથી લેવાયા. સંગીત કલ્પતરુએ તેમાંના મોટા ભાગનો વિશાળ સ્તરે પરિચય કરાવ્યો અને તેમાંના ઘણા તો પહેલી વાર સંગ્રહમાં આવતા હતા. આ રચનાકારોમાંથી ભરતચંદ્ર ખાસ ધ્યાન માગે છે. સંગીત સાર સંગ્રહના બે ભાગના સંપાદક હરિ મોહન મુખોપાધ્યાયે પુસ્તકની પ્રસ્તાવનામાં કહ્યું, ‘પહેલી વાર ભરતચંદ્રનાં ગીતોને સૂર અને તાલમાં બેસાડવામાં આવ્યાં છે. આશા છે કે તેમનાં ગીતોની કદર કરવામાં આવશે અને આખા બંગાળમાં ગાવામાં આવશે.’ હકીકતે, આ પહેલાં જ સંગીત કલ્પતરુમાં તેમનાં ગીત સૂર અને તાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં અને કદાચ પહેલી વાર તે ગીતો સંગ્રહમાં આવ્યાં હતાં.

જેમ ભરતચંદ્ર મધ્ય કાળનાં બંગાળી સાહિત્યના ‘મંગળકાવ્ય’ના છેલ્લા પ્રતિનિધિ હતા, તેમ બિહારીલાલ આધુનિક બંગાળી ગીતોના પ્રથમ ધ્યાનાર્હ કવિ હતા. બન્નેનાં ગીતોને સંગીત કલ્પતરુમાં પાસે પાસે મૂકવામાં આવ્યાં હતાં. કાવ્યાત્મક કળામાં પરંપરા સાથે આધુનિકતાના અજોડ મિલાવટને તેણે અસર કરી. અલબત્ત, તે પરંપરાને આદર આપતા હતા, છતાં સંગીત કલ્પતરુના સંકલનકારની ગીતોની પસંદગી બાબતે દૃષ્ટિ ખૂબ જ પ્રગતિશીલ હતી. એટલે જ ભરતચંદ્રનાં બે જ ગીત છે જ્યારે બિહારીલાલનાં ૧૬ છે. રામપ્રસાદનાં ૧૧ ગીતોની સંખ્યાને પણ તે પાર કરી જાય છે. ૧૯મી સદી અને ૨૦મી સદીના શરૂઆતના સમયમાં પ્રકાશિત થયેલ કોઈ પણ પુસ્તકમાં આપણે બીજાઓ સાથે બિહારીલાલનાં આટલી મોટી સંખ્યામાં ગીતો જોતા નથી. જે ગીતો પસંદ થયાં છે તેની સંખ્યાના આધારે બિહારીલાલ સંગીત કલ્પતરુમાં રચનાકાર તરીકે છઠ્ઠું સ્થાન ધરાવે છે. તેમાં રવીન્દ્રનાથે રચેલ નવાં ૧૧ ગીતો પણ હતાં. તેમણે લખેલ બીજું ગીત (દેખો રે જગત) જ્યોતીન્દ્રનાથના નામે હતું. ગીતકાર તરીકે બિહારીલાલ અને રવીન્દ્રનાથને અપાયેલ મહત્ત્વ આ સંગ્રહની આધુનિકતાનો પૂરાવો છે. ગીતની અને રચનાકારોની પસંદગી, તેમનાં સાપેક્ષ મહત્ત્વ બાબતની વિવેકબુદ્ધિ એ આ પુસ્તકનાં મહત્ત્વનાં લક્ષણો છે. આ પુસ્તકનું એક બીજું પાસું છે તેની નક્કરતા. જૂનાં બંગાળી ગીતોના અનેક વ્યાપક સંગ્રહ છે, પણ સંગીત કલ્પતરુ તેનાં ૬૪૭ પાનાંમાં તેના વિવિધ મુદ્દાઓ અને રચનાકારોની સંખ્યાના સંદર્ભમાં વિશિષ્ટ છે અને પાછું એક ગ્રંથમાં ! વ્યાપક બંગાળી ગીતોના પ્રતિનિધિત્વ બાબતે આ પુસ્તકની તે દિવસોમાં ખૂબ જ માંગ હતી. બંગાળી ગીતોના મર્યાદિત વિસ્તાર તથા તત્કાલીન પ્રકાશિત થયેલ બંગાળી ગીતોના સંગ્રહના ઇતિહામાં સંગીત કલ્પતરુ પુસ્તક એક માત્ર એવું છે જેણે માત્ર નવ માસમાં ત્રણ આવૃત્તિ પ્રકાશિત થયાનું વિરલ માન મેળવેલ છે.

પુસ્તક વિશે અદ્યતન માહિતી

ચોથી આવૃત્તિમાં કમનસીબે, નરેન્દ્રનાથના સહયોગી વૈષ્ણવ ચરણે કેટલાક ફેરફારો કર્યા. તેમાં સંગીત કલ્પતરુ નામ બદલાવી તેણે વિશ્વ સંગીત કરી નાખ્યું અને તેના સંપાદક તરીકે નરેન્દ્રનાથના બદલે પોતાનું નામ ઘુસાડી દીધું. પુસ્તકની જાહેરાતમાં તેણે કહ્યું, ‘આ પુસ્તક સંગીત કલ્પતરુનું જ નવું સ્વરૂપ છે, તેને સુધારવામાં આવ્યું છે અને મોટું કરવામાં આવ્યું છે, તેથી હવે સંગીત કલ્પતરુનું પુન : મુદ્રણ કરવામાં આવશે નહીં.’

આમ, સંગીત કલ્પતરુનું મુદ્રણ અટકી ગયું. સમય જતાં સ્વામીજીનું સંગીતમાં આ નોંધનીય પ્રદાન અંધકારમાં વિસ્મૃત થઈ ગયું. તાજેતરમાં ૧૧૨ વર્ષના અવકાશ પછી, ‘રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર’ના પ્રયાસોથી આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. આ લેખકના સદ્નસીબે તેને જ તેનું સંપાદન સોંપવામાં આવ્યું હતું. ૨૦૦૦ની ૨૭મી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રખ્યાત સંગીતજ્ઞ પંડિત રવિશંકરે વિધિવત્ રીતે ઈન્સ્ટિટ્યુટના વિવેકાનંદ હોલમાં તેનું વિમોચન કર્યું. એને લોક પ્રતિભાવ એવો તો ઉમળકાભેર મળ્યો કે ત્રણ જ માસમાં પહેલી આવૃત્તિ ખલાસ થઈ ગઈ. જે પુસ્તક ઇતિહાસના મૂળપ્રવાહથી એકવાર વિખૂટું પડ્યું હતું. તે આ રીતે પુન :જીવિત થયું. સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક પ્રતિભા, એક બહુમુખી વ્યક્તિત્વ હતા. તેમની અસાધારણ પ્રતિભા આ પુસ્તક દ્વારા પ્રગટ થાય છે, અલબત્ત, તે તેમની વિરાટ પ્રતિભાનું એક જ પાસું છે.

(નોંધ : સંગીત કલ્પતરુ : લેખક : નરેન્દ્રનાથ દત્ત અને શ્રી વૈષ્ણવ ચરણ બસાક. રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, ગોલ પાર્ક, કોલકાતા. પાકું પૂઠું પાનાં ૮૭૨. એપ્રિલ, ૨૦૦૦. કિંમત : રૂ. ૨૦૦/-)

Total Views: 68
By Published On: July 1, 2014Categories: Sarvananda Chaudhary, Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram