(ગતાંકથી આગળ…)

દર્દીઓ પ્રત્યે પ્રેમ

એક વાર મહારાજે અમને કહ્યું, ‘જો તમે દર્દીઓને પ્રેમ નથી કરતા તો પછી સેવાશ્રમમાં ન જાઓ. જો તમે આ કામ પ્રેમથી નથી કરતા તો ત્યાં ન જાઓ.’ બે છોકરાઓ કેટલાક દિવસ સેવાશ્રમ આવ્યા નહીં. મેં પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું, ‘અમને તે કામ માટે પ્રેમ નથી.’ ‘શું તમે લોકોએ તેમના શબ્દોને આ જ રીતે સમજ્યા છે ?’ ‘હા, તેમણે કહ્યું છે કે જો તમને પ્રેમ ન હોય તો ન જાઓ.’ મેં પ્રત્યુત્તરમાં કહ્યું, ‘માની લો કે તમે દર્દી બનીને અહીં આવો છો, તો તમે અમારી પાસેથી શું આશા રાખશો અને અમારી પાસેથી શું ગ્રહણ કરશો ? ફક્ત એટલું જ ને કે ‘અમે તમને પ્રેમ કરતા નથી અને અમે તે કામ પસંદ કરતા નથી.’ ત્યારે તમારી શું દશા થશે ? આપણે ધીરજવાળા અને સહનશીલ બનવું જોઈએ. આપણે દર્દીઓ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. તે નગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર-હોસ્પિટલમાં જવાને બદલે અહીં શા માટે આવે છે. આપણે સંન્યાસીઓ તેમની સેવા કરીએ છીએ, તેમના પ્રત્યે પ્રેમ રાખીએ છીએ અને તેમની સારસંભાળ લઈએ છીએ અને આ જ કામ સ્વામી કલ્યાણાનંદજી ૩૭ વર્ષથી કરતા આવ્યા છે. થોડું વિચારો તો ખરા કે આવા લોકો જીવે છે ત્યાં સુધી આપણા માટે યોગ્ય અવસર છે. આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ.’ ત્યારથી તેઓ સમજ્યા અને તેમણે આવીને કામ કર્યું. તેઓને તેમની જરૂરિયાતનો અનુભવ થયો.

સેવા પ્રત્યે સાચી મનોવૃત્તિ

કેટલાક લોકો કહેતા, ‘હું તો માત્ર મંદિર કે પુસ્તકાલયમાં જ કામ કરીશ, સેવાશ્રમમાં નહીં.’ તેઓ સેવાશ્રમનાં કામો ટાળતા હતા કેમ કે અમારે ત્યાં બધાં જ કામ જાતે કરવાં પડતાં હતાં; મળ-મૂત્રવાળાં વાસણો તથા ઓરડાની ફરસની સફાઈ જેવાં હલકાં ગણાતાં કામ પણ તેમાં આવી જતાં. કેટલાક લોકો આને પસંદ કરતા નહીં. મહારાજે ઘણું જ સ્પષ્ટ કહ્યું હતું, ‘તમારે આ કામ પોતાનું સમજીને કરવાનું રહેશે.’ અમારી પાસે એક કચરો વાળનારને છોડીને બીજા કોઈ નોકર-ચાકર ન હતા. મહારાજે અમને શીખવેલું કે આપણે પ્રત્યેક કામ કરવા તૈયાર રહેવાનું છે અને તેઓ આ વાતની ખાસ ચીવટ રાખતા હતા કે અમે કામ યોગ્ય રીતે કરીએ. એટલું જ નહીં, તેઓ પોતે પણ તેવી જ રીતે કામ કરતા. એકવાર અમે લોકો ત્યાં ન હતા અને મહારાજ કોઈ દર્દીને જોવા ગયા તો ત્યાં હાલત ઘણી ખરાબ હતી. તેમણે દર્દીનાં કપડાં અને તે બધી જ જગ્યાની સફાઈ કરી દીધી; તેમણે કોઈને બોલાવ્યા નહીં. તેમણે નવી ચાદર પાથરી દીધી. ત્યાં પાણીથી ભરેલું એક વાસણ હતું જેમાં તેમણે કપડાં ડુબાડી દીધાં. પછી તેમણે કપડાં ધોઈને તેને તડકામાં સૂકાવા માટે રાખ્યાં. જ્યારે અમે આવ્યા ત્યારે આ બધું જોઈને બધાને પૂછ્યું, ‘આ કામ કોણે કર્યું ?’ તેઓએ કહ્યું, ‘અમારામાંથી કોઈએ કર્યું નથી.’ આમ એ કામ છેવટે તો મહારાજે પોતે જ કર્યું હતું.

અનેક લોકો ફક્ત ધ્યાન અને સ્વાધ્યાય કરવાનું ઇચ્છતા હતા. એક છોકરો મને કહ્યા કરતો, ‘હું જ્ઞાનયોગી બનવા માગું છુંં.’ ‘બહુ સારું, જ્ઞાનયોગી બનો. સ્વામી વિવેકાનંદનો જ્ઞાનયોગ વાંચો અને આના માટે પણ તમારે તૈયાર થવું પડશે. કર્મયોગ સહુથી સારો છે.’ મેં તેને એમ પણ કહ્યું, ‘કર્મયોગને પૂરો કર્યા વિના તું જ્ઞાનયોગી બની શકે નહીં.’ બધાને પોતપોતાના તર્ક હોય છે. તેઓ ગમે તેવું કહેવા શાસ્ત્રોને ટાંકે છે.

જ્યારે હું કનખલમાં હતો ત્યારે મેં જોયું કે કેટલાક લોકો (સેવાભાવના ઉદ્દેશ્ય સાથે) આવતા હતા અને પછી જતા રહેતા. સ્વસ્થ લોકોમાંથી બહુ જ થોડા ત્યાં રહ્યા. આપ જાણો છો શા માટે ? આ ખૂબ મહેનતનું કામ હતું. જ્યારે હું ત્યાં હતો ત્યારે મેં આવા ૨૦૦ લોકોના નામની યાદી બનાવેલી જેે આ નવ વર્ષો દરમિયાન ત્યાં આવ્યા, કેમ કે જેમ મહારાજ કર્યા કરતા હતા તેવી જ રીતે હું પણ બધાને આવવા દેતો, બે-ત્રણ દિવસ રહેવા માટે સુવિધા કરી આપતો અને તેમને કામ કરવા દેતોે. ત્યાં સુધીમાં તો તેઓ ચાલ્યા જતા. ફક્ત ત્રણ જણા જ તેમાંથી સંન્યાસી બન્યા. આ અંગે કશું કરી શકાય નહીં. તીર્થસ્થાન હોવાને લીધે ત્યાં બધા જ પ્રકારના લોકો આવતા હતા. કેટલાક આ કામ પસંદ કરતા હતા, કેટલાક નહીં. આપણે કોઈને બળપૂર્વક તો રાખી શકીએ નહીં. ક્યારેક તો અમને એ પણ જાણ રહેતી નહીં કે તેઓ ક્યારે જતા રહ્યા. તેઓ એમ જ નીકળી જતા અને તેમની બાબત સમાપ્ત થઈ જતી. મહારાજે આ અંગે કોઈ પણ નિયમ-કાનૂનમાં વિશ્વાસ કર્યો નહીં.

આ જ કારણ છે કે તેઓ કોઈ એવી વ્યક્તિને મેળવી ન શક્યા કે જેના પર તેઓ આધાર રાખી શકે. પ્રત્યેક વ્યક્તિ પોતાની ઇચ્છા અનુસાર આવતી અને જતી રહેતી. આવા લોકોએ ક્યારેય એની ચિંતા પણ કરી નહીં કે સેવાશ્રમમાં શું કામ ચાલી રહ્યું છે.

સાંધ્ય ભ્રમણ

સાંજના સમયે દરેક ફરવા માટે જતા હતા જો કે સેવાશ્રમમાં કેટલુંય કામ કરવાનું બાકી રહેતું. હું ક્યારેય ફરવા માટે ગયો નહીં. મેં કહ્યું, ‘તમે બધા ફરવા શા માટે જાઓ છો ? ફરવા જવાનું તો આળસુ અને વૃદ્ધો માટે હોય છે, નહીં કે કામ કરવાવાળા યુવાનો માટે. આપણા માટે તો કામ કરવું એ જ ફરવાનું છે. તમારે બધાને ફરવા માટે બીજે ક્યાંય જવાની શું જરૂર છે ? આપણી આવી અયોગ્ય પ્રવૃત્તિ હોવી જોઈએ નહીં. સ્વામી વિવેકાનંદ વ્યાયામ કરતા હતા, તે જ ઘણું છે.’ એટલે સુધી કે તીર્થયાત્રા કરવા આવેલા બેલુર મઠના સ્વામીજીઓને પણ હું આમ કહેતો રહેતો. અમે ફરી શકતા નથી, તે માટે સમય જ ક્યાં હતો. સંધ્યાકાળનો સમય સંધ્યા-વંદના તથા સેવાશ્રમમાં દેખરેખ માટે હતો. કલ્યાણ મહારાજ હંમેશાં આવો જ અભિગમ પસંદ કરતા હતા. તેમને પોતાને પણ ફરવાનો સમય ન હતો. અમે તેમને છોડીને મજાથી ફરવા કેવી રીતે જઈ શકીએ ? બંગાળીમાં કહેવત છે, ‘બેડાતે જાઓ’ – એટલે કે ‘ફરવા જાવ.’ પણ અહીં આવું ન હતું. સ્વામી નિશ્ચયાનંદજી ક્યારેય ફરવા માટે ગયા નહીં. કલ્યાણ સ્વામી ક્યારેય ફરવા ગયા નહીં. બન્નેએ આટલી ભારે મહેનત કરી અને આપણે ફરવા જઈએ ! સંધ્યા સમયે આ ભ્રમણ કરનારા બ્રહ્મકુંડની ગંગા આરતીનાં દર્શને જતા. હું ત્યાં ક્યારેય ન ગયો. અહીં અમારા મંદિરમાં ઠાકુર બિરાજમાન છે; સર્વ કંઈ અહીં જ વિદ્યમાન છે. આ બધું છોડીને ગંગા આરતી જોવા શા માટે જવું જોઈએ? તો પછી અહીં મંદિર શા માટે બનાવ્યું ? કલ્યાણ મહારાજે અમને સ્પષ્ટ કહેલું, ‘તમારી પૂજા, ધ્યાન અને પ્રાર્થનાનું સ્થળ આ મંદિર જ છે અને સેવા માટે સેવાશ્રમ છે. બન્ને એક જ છે.’ આને છોડીને વળી ફરવા શા માટે જાઓ છો ? હું કોઈની પણ સાથે આ ફરવા જવાના ચક્કરમાં પડ્યો નહીં.

સેવાશ્રમમાં સાદગીપૂર્ણ કઠોરતાની પરિસ્થિતિઓ

એક બીજી વાત : બે વર્ષ સુધી અમે સવારનો નાસ્તો કર્યો નહીં. અમને આ ખર્ચ કરવાનું પોષાય તેમ ન હોતું. બપોરે ૧૨ વાગ્યે ભોજન માટે થોડા ભાત અને રસાદાર શાક રહેતું અને રાત્રે બે રોટલી અને જરાક અમથું શાક મળતું. મારું વજન ૯૪,૯૬,૯૮ પૌંડ (લગભગ ૪૫ કિલોગ્રામ)ની આસપાસ હતું. એનાથી વધુ નહીં. એ નવ વર્ષમાં મારું વજન એક સરખું જ રહ્યું. એમાં કોઈ શંકા નહીં કે હું ઘણો સશક્ત હતો, પરંતુ ઘણું જ ઓછું ભોજન લેવાને કારણે મારું વજન વધ્યું નહીં.

અમારા ભોજન માટે અમે સેવાશ્રમના ભંડોળની રકમને હાથ ન લગાવી શકતા. જો કોઈ વ્યક્તિ સાધુસેવા માટે દાન આપતા તો તેનો ઉપયોગ કરી શકતા હતા; નહીં તો અમે આ અંગે સજાગ રહેતા કે સેવાશ્રમના પૈસાનો ઉપયોગ અમે અમારા માટે કરીએ નહીં. અમારે આ રીતે ચલાવી લેવું પડતું. આમ લોકો આવતા અને ચાલ્યા જતા.

મારા આવ્યા પછી બે-ત્રણ વર્ષ પછી એક ભક્ત અમારી સાથે રહેવા આવ્યા હતા. અમારા ભોજનની વ્યવસ્થા જોઈને તેમણે એક મોટી રકમનું ભંડોળ કાયમ માટે કરી આપેલું. ત્યારે અમે અમારી સાથે રહી શકે તેવા સંન્યાસીઓને આમંત્રણ આપવા સમર્થ બન્યા. નહીં તો અમારા ભોજનની વ્યવસ્થા ઘણી નિરાશાજનક હતી. પણ કલ્યાણ મહારાજે આ બાબતની ક્યારેય પરવા કરી નહીં – તેમણે પણ અમારી જેમ જ દુ :ખ ભોગવ્યું. (ક્રમશ 🙂

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.