શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શીખીશ.’ મનુષ્ય પોતાનું આખું જીવન શીખતો જ રહે છે એવું નથી, પણ એમની શીખવાની ક્ષમતા પ્રકૃતિનાં બીજાં પ્રાણીઓ કરતાં વધુ વિકસિત થતી જાય છે. એટલે કે માનવીનો જન્મ અન્ય પ્રાણીઓની જેમ કેવળ જીવવા માટે જ શીખવા માટે નથી પણ એના મનુષ્યત્વના વિકાસ માટે છે.

હજારો વર્ષોના માનવ ઇતિહાસમાં જ્ઞાનનો ભંડાર નિર્મિત થયો છે જેમાં સતત વૃદ્ધિ થતી જાય છે. સમગ્ર વિશ્વમાં અત્યંત ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે, જેથી જ્ઞાનપ્રાપ્તિની સંસ્થાઓ વધે અને એમાં શિક્ષાપ્રાપ્ત કરવાવાળાની સંખ્યા પણ વધતી જાય. વિકસિત કે અવિકસિત સમાજ હોવાનો મુખ્ય માપદંડ એ છે કે કેટલા ટકા લોકોએ કયા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. અને દરેક સમાજમાં સમસ્ત શિક્ષા વ્યવસ્થાનો આધાર કેળવણી આપનાર શિક્ષકો છે.

અત્યારે શિક્ષકોની ભૂમિકા નિર્ધારિત પાઠ્યક્રમને અનુસરીને દર વર્ષે વિદ્યાર્થીઓના કેટલાક સમુહોને જ્ઞાન અથવા માહિતી હસ્તાંતરિત કરવા પૂરતી સીમિત છે. વ્યવસ્થાસ્થિતિ જાણે કે અધ્યાપન લેવા અને દેવાનો વ્યાપાર બની ગઈ છે. અર્થાત્ શિક્ષકોને નિયમિત પગાર મળે છે અને યથાસાધ્ય ભણાવવાનો પ્રયાસ કરે છે, વિદ્યાર્થી ફી આપે છે અને થોડી ઘણી માહિતી મેળવે છે અને અમુક વ્યાવહારિક કળાઓ શીખે છે. પરિણામ સ્વરૂપે માહિતીનો ભંડાર તો એકત્રિત થાય છે પરંતુ વિકાસની દૃષ્ટિએ વિદ્યાર્થી ત્યાં ને ત્યાં રહી જાય છે.

માનવ સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકાનું વિશ્લેષણ કરીએ તો ત્રણ મૂળભૂત આધારબિંદુઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બને છે.

પહેલી ધારણા – શિશુના જન્મ વખતે એની માનસિક સ્થિતિ સંબંધિત છે. પાશ્ચાત્ય મત પ્રમાણે જન્મ વખતે બાળકનું મન કોરું અથાત્ અનુભવહીન હોય છે. આનું તાત્પર્ય આવું થાય છે કે બાળકનું અંતર્નિહિત જ્ઞાન શૂન્ય હોય છે અને જ્ન્મ પછી એને વાતાવરણ, સમાજ અને પરિસ્થિતિઓ પ્રમાણે ઢાળી શકાય છે. આ વિચાર વિશેષ કરીને ૧૮૩૫ પછી લોર્ડ મેકાૅલે દ્વારા પરાધીન ભારત પર લાદી દેવામાં આવેલી શિક્ષણપ્રણાલીની દેન છે. આજ પાશ્ચાત્ય મૂળ વિચારને આપણા શિક્ષણનો આધાર માનવામાં આવે છે. આજે પણ આપણે માનીએ છીએ કે બાળક શૂન્યથી જ શીખવા અને શિક્ષક શીખવવાનો પ્રારંભ કરે છે. પરંતુ ધીરે ધીરે મનોવિજ્ઞાન, તંત્રવિજ્ઞાન, જીવવિજ્ઞાન આદિ અનેક ક્ષેત્રોના વૈજ્ઞાનિકોએ એ સ્વીકાર્યું છે કે જન્મ્યા પહેલાં જ બાળકોમાં થોડું થોડું જ્ઞાન અંતર્નિહિત કે સુષુપ્ત રીતે રહેલું હોય છે. જીવશાસ્ત્રના વૈજ્ઞાનિકો એને કોષમાં રહેલા ડી.એન.એ. દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે.

હવે તો આધુનિક વિજ્ઞાન એ પણ સ્વીકારે છે કે ગર્ભાવસ્થામાં જ બાળક સંવેદનાઓને ન કેવળ પ્રાપ્ત કરે છે પરંતુ એનું વિશ્લેષણ અને સંગ્રહ પણ કરતું હોય છે, જેની અસર આપણને એમના જીવન વિકાસમાં જોવા મળે છે.

સ્વામી વિવેકાનંદે કોરા મનની આ ભૂલભરી અવધારણાને નકારીને વારંવાર કહ્યું છે કે સંપૂર્ણ જ્ઞાન મનુષ્યની અંદર જ સુષુપ્ત રીતે રહેલું હોય છે અને કેવળ પ્રસ્ફુટિત થવા માટે રાહ જુએ છે.

સ્વામી વિવેકાનંદ કહે છે :

‘જ્ઞાન માનવીમાં વારસાનુગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી, એ બધું આંતરિક છે. આપણે જ્યારે એમ કહીએ કે માણસ ‘જાણે છે’, ત્યારે ખરી રીતે શુદ્ધ માનસશાસ્ત્રની ભાષામાં એનો અર્થ, માણસ ‘ઉઘાડે છે’, એવો થાય.

માણસ જે ‘શીખે’ છે તે ખરી રીતે એને ‘જડ્યું છે’ – જ્ઞાનની અનંત ખાણ જેવા પોતાના આત્મા પરના આવરણને દૂર કરીને જે ‘જડે’ છે તે છે.’ (કેળવણી – પૃ.૧)

આ બાબત વિશેની વૈજ્ઞાનિક શોધનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તેઓ આપે છે :

‘આપણે કહીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. આ ગુરુત્વાકર્ષણનો નિયમ જગતના કોઈ ખૂણામાં શું એની રાહ જોતો બેઠો હતો ? એ નિયમ ન્યૂટનના મનમાં જ હતો; સમય પાક્યો ત્યારે એ ન્યૂટનને જડ્યો. જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે.

બાહ્ય જગત એ માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને તમારા મનનો અભ્યાસ કરવા પ્રેરે છે; પણ તમારા અભ્યાસનો વિષય હંમેશાં તમારું મન જ હોય છે. સફરજનના પડવાથી ન્યૂટનને સૂચન મળ્યું. અને ન્યૂટને પોતાના મનનો અભ્યાસ કર્યો; એણે પોતાના મનમાં વિચારોની પૂર્વ કડીઓને ફરીવાર ગોઠવી, અને એમાંથી એને વિચારની નવી કડી મળી. આ નવી કડી એટલે આપણે જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ તે છે. આ ગુરુત્વાકર્ષણનો નિયમ સફરજનમાં છુપાયો ન હતો, એ પૃથ્વીના કોઈ મધ્યબિંદુમાં છુપાયો ન હતો.’ (કેળવણી – પૃ.૧)

આવા જ વિચારોથી સ્વામીજીનું પ્રસિદ્ધ સૂત્ર ઉદ્ભવે છે :

‘કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.’ (કેળવણી – પૃ.૧)

સ્વામી વિવેકાનંદના આ મૂળભૂત વિચાર કે મનુષ્યની અંદર રહેલા જ્ઞાનના ખજાનાને એક પુષ્પ કે એક અંકુરને ખીલવવાની પ્રક્રિયાની જેમ બાળક માટે સુવ્યવસ્થાની રચના કરવી એ જ ખરું શિક્ષણ છે.

પાશ્ચાત્ય કે કહેવાતા આધુનિક શિક્ષણની બીજી અવધારણા છે કે શિક્ષકનો ઉદ્દેશ માનવ-પશુને મનુષ્ય બનાવવાનો છે. પાશ્ચાત્ય સામાજિક વૈજ્ઞાનિક માને છે કે મનુષ્ય કેવળ એક સામાજિક પશુ (social animal) છે.

એ લોકોએ આ વાતને સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે જન્મના સમયે નવજાત શિશુ અન્ય પ્રાણીઓની જેમ પશુ જેવો જ હોય છે અને ધીરે ધીરે સામાજીકરણની પ્રક્રિયા દ્વારા એને સામાજિક બનાવવામાં આવે છે.

એવી જ રીતે કોઈ કોઈ એને રાજનૈતિક પ્રાણી (political animal) કે કોઈ જૈવિક પશુ (biological animal) કે આર્થિક પશુ (economic animal) કે ઓજાર બનાવનાર પશુ (machine-making animal) તરીકે માને છે.

આવી અવધારણાઓએ વિશ્વમાં મૂડીવાદ (capitalism) કે સામ્યવાદ (communism) જેવી સંસ્કૃતિનો વિકાસ કર્યો છે. (ક્રમશ 🙂

Total Views: 592

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.