‘શ્રી સારદા બુક હાઉસ’ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત “Out of the Box Thinking’ નામના પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.

માનવ મનની અસીમિત શક્તિ

કાર્યક્ષેત્રમાં આપણા દૈનંદિન કામકાજમાં આપણી સામે કેટલીયે સમસ્યાઓ આવે છે. કેટલીકવાર તો શરૂ શરૂમાં આ સમસ્યાઓ ઘણી વિકટ અને મોટી લાગે છે; પણ એમનો સામનો કરવાના ભાવાત્મક ઉપાયો શોધી લઈએ તો આ બધી સમસ્યાઓ સીધી-સરળ બની જાય છે. વ્યાપાર-ઉદ્યોગ જગતમાં મોટે ભાગે નવી કલ્પનાશીલતા, નવેસરથી વિચારણા, બૌદ્ધિક કસરત, સ્મૃતિની પેલે પાર જઈ વિચારવાની રીત, પ્રક્રિયા-સુધારણા, વિધેયાત્મક ચિંતન જેવી કેટલીક અનન્ય વાતો જોવા-સાંભળવા મળે છે. આ બધી વાતોનો સારાંશ એક વાક્યમાં આ રીતે આપી શકાય – ‘સ્મૃતિશક્તિની સીમાઓને ઓળંગીને વિચારતાં શીખવું.’ આ માટે આવશ્યકતા રહે છે – પ્રેરણા અને કલ્પનાના પ્રયોગોથી સમસ્યાઓને ઉકેલવાની અને સમસ્યાઓને એક અલગ રીતે જોવાની દૃષ્ટિ. એ માટે અલગ અને બિનપરંપરાગત રીતે કે એક નવા પરિપ્રેક્ષ્યથી વિચારવાની આવશ્યકતા રહે છે. એમાં જૂના અનુભવોને છોડવાની, પરંપરાગત વિચાર પ્રણાલીથી પર થઈને વિચારવાની અને પૂર્વગ્રહોને ત્યજવાની ભાવના કેળવવી પડે.

ચાલો, હવે આપણે એક જાણીતી વાર્તા વિશે વિચારીએ. એમાં સ્મૃતિશક્તિની સીમાને ઓળંગીને વિચાર કરવાની શક્તિના મહત્ત્વ પર ભાર મૂક્યો છે.

એક ગ્રામ્યકન્યાની નવી દૃષ્ટિએ વિચારવાની શક્તિની એક અનન્ય વાર્તા

એક ગરીબ ખેડૂત હતો. એણે એક દુર્જન અને વૃદ્ધ અમીર પાસેથી એક મોટી રકમ ઉધાર લીધી. એ વૃદ્ધ કુરૂપ અમીરની નજર આ ખેડૂતની દીકરી પર હતી. એની સાથે પરણવાની એની ઇચ્છા હતી. પેલો ખેડૂત એટલી મોટી રકમ ચૂકવી ન શક્યો. પેલા દુષ્ટે એનો લાભ લેવાની ઇચ્છા કરી અને કહ્યું, ‘તું તારી દીકરીને મારી સાથે પરણાવી દે તો તારું દેણું માફ કરું.’ ખેડૂત અને એની દીકરીએ એમ કરવા સ્પષ્ટ ઈન્કાર કર્યો. પછી તો દુષ્ટે શકુનિની ચાલ ચાલી, એણે તો એક ષડયંત્ર રચ્યું અને એ તરકટના માધ્યમથી ઈશ્વર પોતે જ સાચો નિર્ણય કરશે, એમ કહ્યું. તેણે કહ્યું કે પોતે એક ખાલી થેલામાં કાળો પથ્થર અને સફેદ પથ્થર નાખશે. આ છોકરી થેલામાં હાથ નાખીને કોઈ એક પથ્થર પસંદ કરશે. પછીનો નિર્ણય પ્રભુ જ કરશે. શરત આવી હતી.

૧. જો છોકરી કાળો પથ્થર પસંદ કરશે તો એ વૃદ્ધ સાથે લગ્ન કરશે અને ગરીબ ખેડૂતનું દેવું માફ કરી દેવાશે.

ર. જો સફેદ પથ્થર પસંદ કરશે તો તેણે લગ્ન કરવાં નહીં પડે. છતાંય ખેડૂતનું દેવું માફ કરી દેવાશે.

૩. જો ખેડૂત આ રમતમાં ભાગ લેવા ઈન્કાર કરશે તો તેણે જેલમાં જવું પડશે.

હવે બન્યું એવું કે એ દુષ્ટ વૃદ્ધે એ થેલામાં બે કાળા પથ્થર રાખ્યા, સફેદ પથ્થર તો રાખ્યો જ નહીં. છોકરી થેલામાંથી પથ્થર કાઢે તો એ કાળો જ નીકળવાનો. છોકરીએ તો એ દુષ્ટ સાથે પરણવું જ પડે. પેલો ખેડૂત અને એની પુત્રી આ લુચ્ચાની ચાલબાજીને બરાબર સમજતાં હતાં.

સદ્ભાગ્યે આ છોકરી સ્મૃતિની પેલે પાર જઈને વિચારી શકતી અને સદ્નશીબ તો ખરી જ. છોકરીએ પોતાનો હાથ થેલામાં નાખ્યો અને પથ્થર બહાર કાઢ્યો. તે પથરને જોયા વગર જાણીજોઈને તે પડી ગઈ અને હાથમાં રાખેલ પથ્થરને આસપાસની પથ્થરાળ ભૂમિ પર પડવા દીધો. થેલામાંથી કાઢેલો પથ્થર બીજા ઘણાય પથ્થરો વચ્ચે ગાયબ થઈ ગયો !

છોકરીએ સવારે ઊઠીને કહ્યું : ‘હું પડી ગઈ એનું મને ઘણું દુ :ખ છે. પરંતુ તમે થેલામાં જોશો તો ખ્યાલ આવશે કે મેં ક્યો પથ્થર હાથમાં લીધો હતો.’

વાત તો સ્પષ્ટ હતી કે થેલામાં રહેલ પથ્થર કાળો જ હતો. એનો અર્થ એ થયો કે છોકરીએ સફેદ પથ્થર જ કાઢ્યો હતો.

હવે પેલા દુષ્ટ ડોસાને પોતાની ચાલબાજીની વાત કરવાની હિંમત ન ચાલી. લાચાર બનીને શરતનું પાલન કરવું પડ્યું. છોકરીએ તેની સાથે પરણવું ન પડ્યું અને પિતાનું દેવું પણ ગયું !

મનની એકાગ્રતાની શક્તિ જ બધી બાબતો પર

સાચો પ્રકાશ પાડી શકે

મનની શક્તિઓ એ વિખરાઈ ગયેલાં પ્રકાશનાં કિરણો જેવી છે; જ્યારે તેમને એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે તે પ્રકાશ આપે છે. જ્ઞાન મેળવવાનું આપણી પાસે આ એક માત્ર સાધન છે.

સૌ કોઈ, બાહ્ય તેમજ આંતર – બંને જગતમાં તેનો ઉપયોગ કરે છે; પણ જે બારીક નિરીક્ષણ ભૌતિક વૈજ્ઞાનિક બાહ્ય જગતમાં કરે છે, મનોવિજ્ઞાનીએ તેટલું જ આંતરજગતમાં કરવાનું છે; અને આને માટે ઘણી જ સાધનાની જરૂર છે.

બાળપણથી માંડીને અત્યાર સુધી આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે, પણ અંદરની બાબતો પર કદી નહિ, તેથી આપણામાંના ઘણા ખરા અંદરની યંત્રરચનાનું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ. મનને, જાણે કે, અંદરની બાજુએ વાળવું, તેને બહાર જતું અટકાવવું અને પછી તેની સઘળી શક્તિઓને એકાગ્ર કરીને ખુદ મન પર જ લગાડવી કે, જેથી તે પોતાના સ્વભાવને જાણી શકે, તેનું પૃથક્કરણ કરી શકે; એ ઘણું જ કઠણ કામ છે અને છતાં આ વિષયમાં વૈજ્ઞાનિક પ્રવેશ જેવું કંઈ હોય, તો તેનો રસ્તો એ એક જ છે….

…મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે ? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં જો આપણને આવડે તો દુનિયા પોતાનાં રહસ્યો ખુલ્લાં કરી દેવા માટે તૈયાર પડી છે. એ આઘાતનું બળ અને વેગ આવે છે એકાગ્રતામાંથી. માનવમનની શક્તિને કોઈ સીમા નથી. જેમ જેમ તે વધુ એકાગ્ર થાય છે, તેમ તેમ તેની શક્તિ એક કેન્દ્ર પર વધુ ને વધુ એકાગ્ર કરી શકાય છે; રહસ્ય એ છે. (સ્વા.વિ. ગ્રંથમાળા : ૧.૧૪૨-૧૪૪)

Total Views: 319

One Comment

  1. Maithili July 17, 2023 at 1:52 pm - Reply

    🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.