‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્‌બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી શિવાનંદ

સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ) પ્રેમ અને પવિત્રતાની ઉજ્જવલ પ્રતિમૂર્તિ હતા. એમનાં દેહ અને મન એટલાં પવિત્ર હતાં કે તે વિરલ જ ગણાય. એમના જીવનદેવતા શ્રીરામકૃષ્ણ પ્રત્યે એમનામાં જે ભક્તિ અને શ્રદ્ધા હતાં તે અસીમ અને અસાધારણ ગણાય. શ્રી રામચંદ્ર પ્રત્યે મહાવીર હનુમાનની જે ભક્તિ હતી એની સાથે જ શ્રીરામકૃષ્ણાનંદની ગુરુભક્તિની તુલના કરી શકાય. સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને બીજા ગુરુભાઈઓ તેમને શ્રીરામકૃષ્ણનું અવિચ્છિન્ન અને અવિભાજ્ય અંગ ગણીને એમના પ્રત્યે શ્રદ્ધા રાખતા. ગુરુભાઈઓ પ્રત્યેનો એમનો પ્રેમ એક પૂજા જેવો હતો. એમની પાસે ઉચ્ચ-નીચ, ગરીબ-તવંગર જેવા ભેદ ન હતા. સર્વના કલ્યાણ માટે એમના પ્રાણ હંમેશાં તલસતા રહેતા. પોતાના બન્ને હાથ ફેલાવીને સૌ કોઈને ભેટતા અને સારા માઠાનો વિચાર કર્યા વિના બધાને પોતાની કરુણાનું એક સમાન વિતરણ કરતા. પ્રત્યેક પ્રાણીમાં શ્રીઠાકુરને જોઈને એમની સેવા કરતા. સાથે ને સાથે પ્રત્યેકની ભીતર જે દૈવત્વ રહેલું છે તેની ઉન્નતિ માટે સહાયતા કરવી એ જ એમનું જીવનવ્રત હતું. આ વ્રતની વેદીમાં એમણે પોતાની જાતને હોમી દીધી હતી. અને બીજાને પણ એવું જ કરવાનું કહેતા. અને પોતે આ કામ આરંભથી અંત સુધી સ્વયં કરતા. શ્રીશ્રીઠાકુરના કાર્ય માટે તેઓ આ સંસારમાં આવ્યા હતા. પોતાનાં સમગ્ર પ્રાણમન સમર્પિત કરીને તેમણે પોતાના જીવનને શ્રીઠાકુરની સેવા માટે અર્પણ કરી દીધું હતું. એમનું નામ સંપૂર્ણપણે સાર્થક થયું છે. સ્વામી રામકૃષ્ણાનંદ શ્રીગુરુ મહારાજના પરમ ભક્ત હતા. શ્રીગુરુની સેવા સિવાય તેઓ બીજું કોઈ કાર્ય કરી ન શકતા. તેઓ ગુરુગતપ્રાણ હતા. ગુરુસેવાની ચિંતા સિવાય બીજી કોઈ ચિંતા એમના મનમાં પ્રવેશી ન શકતી. દક્ષિણ ભારતમાં શ્રીઠાકુરના નામે જે વિરાટ કર્મક્ષેત્ર રચાયું છે એની આધારશિલા જાણે કે શ્રીરામકૃષ્ણાનંદજીના લોહીથી રચાઈ છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ લોકો એમના પ્રેમ અને પ્રભાવને સમજી શકશે.

સ્વામી અદ્‌ભુતાનંદ

એક વાર ઘણી મજાની ઘટના ઘટી. સવારે શ્રીઠાકુરના બાલભોગ માટે શીરો બનાવતી વખતે શશી મહારાજે જોયું તો શીરો બનાવવાની કડાઈ સ્વચ્છ ન હતી. રાતે લાટુ મહારાજે છોલે-ચણા બાફ્યા હતા પરંતુ એને બરાબર સાફ કરી શક્યા ન હતા. કડાઈ સાફ કરીને હલવો-શીરો તૈયાર કરીને શ્રીઠાકુરને બાલભોગ ધરવામાં વધુ વાર લાગે તેમ હતું. એને લીધે એ દિવસે શશી મહારાજે લાટુ મહારાજને જેમ તેમ અભદ્ર શબ્દો કહ્યા. શ્રીઠાકુરની સેવામાં કોઈ પણ પ્રકારની ખામી આવે તો તેઓ અત્યંત અધીર બની જતા. કડવાં વેંણ સાંભળીને લાટુ મહારાજે કહ્યું, ‘હું શ્રીશ્રીમાને એક પત્ર લખીશ; તમારાં માતાપિતા અને મારાં માતાપિતા શું અલગ છે?’

જોતજોતાંમાં ૧૮૯૦ની સાલ આવી ગઈ. એ વખતે મઠના બે મુખ્ય પેટ્રનનું અવસાન થયું. પહેલાં બલરામબાબુ ઈન્ફ્લ્યુએન્જાથી મૃત્યુ પામ્યા, ત્યાર પછી એક મહિનામાં જ ભક્ત સુરેન્દ્રનાથ મિત્ર પેટના રોગથી મૃત્યુ પામ્યા. સુરેશબાબુ માંદા પડ્યા છે એ સાંભળીને શશી મહારાજ એક દિવસ મને લઈને મઠમાંથી ઘોડાગાડી કરીને એમની તબિયત જોવા ગયા. શશીભાઈને જોઈને સુરેશબાબુએ કહ્યું, ‘જો, તારા હાથમાં ૫૦૦ રૂપિયા મૂકું છું. તું એ પૈસાથી શ્રીઠાકુર મંદિર બનાવજે’.

આ વાત સાંભળીને શશીભાઈએ એમને કહ્યું, ‘તું જે કહે છે એ મને સમજાતું નથી ! પહેલાં આ માંદગીમાંથી ઊભો થા, ત્યાર પછી પૈસા દેજે. અત્યારે હું તારી પાસેથી પૈસા નહીં લઉં.’ સુરેશબાબુએ પૈસા લેવા ઘણી તાણ કરી પણ શશી મહારાજે પૈસા લીધા નહીં અને સુરેશબાબુની તબિયત પણ સુધરી નહીં. સાંભળ્યું છે કે એ પૈસા એમણે મૃત્યુ પહેલાં કોઈની પાસે સાચવવા આપ્યા હતા. પછીના સમયમાં શ્રીઠાકુર મંદિરમાં જે આરસ લગાડ્યો હતો તેમાં આ પૈસા વપરાયા હતા. લોરેનભાઈ (નરેનભાઈ)ની સાથે બીજા અનેક ગુરુભાઈઓ મઠની બહાર તીર્થભ્રમણમાં નીકળી પડ્યા. પરંતુ શશીભાઈ તો મઠમાં (વરાહનગરમાં) જ રહ્યા અને હું ઘુસુડીમાં શ્રીશ્રીમા પાસે ચાલ્યો ગયો.

વિવેકાનંદે એક વખત શશીભાઈને આલમબજાર મઠમાં બેઠા હતા ત્યારે પૂછ્યું, ‘શશી, તું મને બહુ ચાહે છે ને ?’ એ સાંભળીને શશીભાઈએ કહ્યું, ‘હા, તને તો બહુ ચાહું છું.’ તરત જ સ્વામીજીએ કહ્યું, ‘તો પછી હું જે કહું તે કરીશ ?’ શશીએ કહ્યું, ‘હા.’ સ્વામીજીએ ફરીથી કહ્યું, ‘ચિત્તપુરના ફોઝદારી બાલાખાનાના વળાંક પાસેથી સારી, તાજી અને નરમ પાંઉરોટી લઈ આવ.’ વિવેકાનંદને ઇચ્છા થઈ કે શશીભાઈની કસોટી કરીશ. તેઓ બ્રાહ્મણના દીકરા છે. એમનામાં સ્પર્શ્ય અસ્પર્શ્યનો ભાવ છે કે નહીં એ જોઈશ. એમનામાં નિષ્ઠા હોવાથી શુચિ અશુચિ જેવું ન હતું. એટલે સાંજના પાંચ વાગ્યે તેઓ હસતાં હસતાં બધા લોકોની સામે પાંઉ રોટી ખરીદીને લાવ્યા. પાંઉ રોટી જોઈને વિવેકાનંદભાઈ પણ ઘણા ખુશ થયા. અંતે તેમણે વહાલપૂર્વક કહ્યું, ‘ભાઈ, તારે તો મદ્રાસ જવું પડશે.’ કોઈ વાંધો વિરોધ કર્યા વિના શશીભાઈ મદ્રાસ ચાલ્યા ગયા. સંન્યાસી બનીને તેમણે ક્યારેય કાશીનાં દર્શન પણ કર્યાં ન હતાં. નરેનભાઈ પર એમનો એટલો બધો પ્રેમ !

કોઈ કોઈ દિવસે લાટુ મહારાજ શશી વિશે બોલતાં ખૂબ ઉત્તેજિત થઈ જતા. એક દિવસ તો બોલી ઊઠ્યા, ‘શશી મહારાજે કરેલી સેવા એ જ શ્રીઠાકુરની સાચી સેવા છે.’ ૨૧મી ઓગસ્ટ, ૧૯૧૧માં શશી મહારાજ જ્યારે શ્રીરામકૃષ્ણધામમાં ગયા, એ દિવસે કોઈ ઉપલક્ષ્યમાં લાટુ મહારાજે કહ્યું, ‘શશી છૂટા રૂપિયાને પૈસાની જેમ ગણતા, ચંદર તને ખબર છે, રાખાલભાઈ (સ્વામી બ્રહ્માનંદજી)પાસેથી સાંભળ્યું છે કે તેઓ પોતે જ્યારે મદ્રાસ ગયા હતા ત્યારે શશી એમને ક્યાં ઉતારવા, ક્યાં રાખવા જેવી બાબતોમાં વ્યસ્ત હતા. એની જ તેઓ ચિંતા કરતા રહેતા. રાખાલભાઈને તો તેઓ પ્રથમવર્ગ સિવાય (ટ્રેઈનમાં) બીજા કોઈ વર્ગમાં જવા ન દેતા. ઘણા પૈસા ખર્ચાઈ જશે એમ કહીને તેઓ શશીભાઈને સમજાવતા.

શશીભાઈ તેનો ઉત્તર આપતાં કહેતા,‘તમે તો અમારા રાજા છો. રાજાની જેમ આગતા સ્વાગતા તો તમારે સ્વીકારવી જ પડશે.’ સ્વામીજી પછી તેઓ રાખાલભાઈનું વધારે સન્માન જાળવતા.

Total Views: 78
By Published On: August 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram