ડૉ. કાલી શંકર પ્રખર ક્રાંતિવાદી પરિવારના છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૨૦૧૦માં ભારતીય રાષ્ટ્રધ્વજની ઉત્ક્રાંતિના શોધ-નિબંધ બદલ તેમને પી.એચ.ડી.ની ઉપાધિ મળી. તેમણે ૧૯ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ આપેલ પ્રવચનને આધારે તૈયાર કરીને “Bulletin of the Ramakrishna Mission Institute of Culture’માં ઓગસ્ટ, ૨૦૧૨માં પ્રકાશિત લેખનો શ્રીનવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
પ્રાચીન ભારત એ ધ્વજનું જન્મસ્થાન છે. પરંતુ ૧૮૮૩ સુધી રાષ્ટ્રીય ધ્વજનો વિચાર અસ્તિત્વમાં ન હતો. ધાર્મિક ધજાઓ ઘણી હતી. રાજાઓ અને શાસકોના પણ ધ્વજો હતા. તે ધ્વજો ત્રિકોણ, લંબચોરસ, પંચકોણ, ષટ્કોણ, વર્તુળ અને અર્ધ વર્તુળ એમ ઘણા આકારના હતા.
એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા (વિશ્વકોષ) પ્રમાણે તેનો અર્થ થાય છે : ‘ધ્વજ તરીકે તેનો આવિષ્કાર લગભગ નિશ્ચિતરૂપે પ્રાચીન ભારત દ્વારા થયો હતો.’ (આવૃત્તિ – ૧૫, અંક – ૪, પાનાં ૮૧૧-૮૧૨) તેનું મૂળ વૈશ્વિક માન્યતા મુજબ સૌથી પ્રાચીન એવા ઋગ્વેદમાં મળે છે. પરંતુ અફસોસની વાત છે કે ૧૮૮૩ સુધી આપણને રાષ્ટ્રધ્વજનો વિચાર નહોતો આવ્યો.
૧૮૮૩માં લાહોરની પાણિનીની ઓફિસના શ્રી શ્રીશ ચંદ્ર બોઝ નામના બંગાળીએ ‘ભારતીય રાષ્ટ્રગીત અને કાવ્યો’ નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેના પ્રથમ પાના ઉપર તેમણે પ્રકાશમાન સૂર્યથી અંકિત ‘રાષ્ટ્રીય સ્તર’ મુજબનો એક સફેદ ધ્વજ દર્શાવ્યો હતો. ‘રાષ્ટ્રીય’ શબ્દનો પ્રથમ ઉપયોગ અહીં થયો હતો. તે જ વર્ષમાં ત્યારના સમયની રાજધાની કોલકાતામાં રાષ્ટ્રગુરુ સુરેન્દ્રનાથ બેનર્જીએ ‘ઇન્ડિયન નેશનલ કોન્ફરન્સ’ (ભારતીય રાષ્ટ્રીય પક્ષ) નામના પહેલા રાજકીય પક્ષની સ્થાપના કરી. ‘ભારતીય’ શબ્દ તેમણે પહેલીવાર અહીં જ પ્રયોજ્યો હતો. આ જ કારણે તેમને ભારતીય રાષ્ટ્રવાદના પિતા માનવામાં આવે છે.
૧૮૯૭ના વર્ષમાં વિનાયક અને દામોદર નામના બે ચાપેકર બંધુઓએ એક અત્યાચારી અંગ્રેજ અધિકારીની હત્યા કરી. આ બંને ચાપેકર બંધુઓને ૧૮૯૮માં મોતની સજા થઈ. તે જ વર્ષમાં મુંબઈના હિંદી અખબાર ‘પંચ’ના કાર્ટૂન ચિત્રોના સંપાદક શ્રી દાદાભાઈ નવરોજી (પારસી)એ એક ધ્વજનું ચિત્ર રજૂ કર્યું અને તેનું નામ હતું – રાષ્ટ્રિય ધ્વજ. આ ચિત્ર હાલમાં ઉપલબ્ધ નથી.
૧૯૦૫નું વર્ષ બંગાળના ભાગલાનું વર્ષ હતું. અનુશીલન સમિતિ નામના એક બંડખોર પક્ષે પારસી બાગાન નામના સ્થાન પર ૭ ઓગસ્ટ, ૧૯૦૫માં ધ્વજ ફરકાવ્યો. સરકારી પ્રકાશનમાં આ વર્ષને ૧૯૦૬ એમ દર્શાવાયું છે જે પી. ટી. નાયરના મતે એક ભૂલ છે. તે ધ્વજ ત્રિરંગો હતો, જેનો ઉપરી પટ્ટો લાલ રંગનો હતો અને તેમાં આઠ કમળો અંકિત કરેલાં હતાં. વચ્ચેના પીળા હિસ્સામાં દેવનાગરી લિપિમાં ભૂરા રંગમાં વંદેમાતરમ્ લખેલું હતું. નીચે લીલા ભાગના – કાઠીના ભાગમાં સૂર્ય તથા ફરકાવવાના ભાગમાં અર્ધચંદ્ર અને તારલાઓ અંકિત કરેલા હતા. ધ્વજના આરોહણ અને ચિત્રની રૂપરેખા વિશે મારી પાસે કોઈ પુસ્તકની આધારભૂત માહિતી ન હતી તેથી મેં કેટલાક અતિ પ્રસિદ્ધ લોકોનો સંપર્ક કર્યો અને તેમના અભિપ્રાયો માગ્યા, જે નીચે મુજબ છે.
શ્રી સતીષ પક્રાશીએ કહ્યું : ‘હું ત્યારે અનુશીલ સમિતિમાં જોડાયો ન હતો. પરંતુ હું જાણું છું કે તમારા પિતા વેણુ બાબુ (નરેન્દ્રનાથ ભટ્ટાચાર્ય) એ આપણા ધ્વજની રચના કરી છે અને આ ધ્વજ પહેલાં તેમણે જ ચિત્રિત કર્યો હતો. થોડા ફેરફાર સાથે મા’દામ કામા આ ધ્વજનો ઉપયોગ કરતાં. વધુ માહિતી તમને ત્રૈલોક્ય મહારાજ પાસેથી પ્રાપ્ત થશે.’
એક દિવસ હું મહાન ક્રાંતિકારી ત્રૈલોક્યનાથ ચક્રવર્તી (મહારાજ)ને મળ્યો અને આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે કહ્યું : ‘તે સમયે હું ઘણો જ યુવાન ક્રાંતિકારી હતો. ૭ ઓગસ્ટ, ૧૯૦૫ના રોજ પારસી બાગાનમાં અનુશીલન સમિતિના પ્રમુખ બેરિસ્ટર પી. મીત્તરે તેને ફરકાવ્યો હતો. તે જ દિવસે શ્રીસુરેન્દ્રનાથ બેનર્જીએ પણ કલુટોલા કાલીવાડીમાં ધ્વજારોપણ કર્યું હતું. એક બીજો ધ્વજ અમારા નેતા સુરેન્દ્ર મોહન સેને વહેલી સવારે ગવર્નર હાઉસ પાસે ધર્મતલા પાર્કમાં ફરકાવ્યો હતો. હું ધર્મતલા અને પારસી બાગાન, એ બંને સ્થળે હાજર રહ્યો હતો. અમે ધ્વજ વિશે અમારા કોઈ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તમે તે વિશે જાણવા ઉત્સુક છો તેથી તમે વારાણસી રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, લક્સા નરેન મહારાજને મળી શકો છો.’ કદાચ નરેન મહારાજ સ્વામી રાઘવેશાનંદ તરીકે ઓળખાતા હતા (?)’
જ્યારે હું નરેન્દ્રમોહન સેન (નરેન મહારાજ)ને મળ્યો ત્યારે તેઓ બોલ્યા : ઓ હો ! તમે વેણુ (નરેન્દ્ર)ના દીકરા અને કનુ (પાર્શ્વનાથ)ના ભત્રીજા છો ? અંદર આવો. તમે ૭મી ઓગસ્ટના ધ્વજ આરોપણ વિશે જાણવા ઘણા આતુર છો, તેમ મને લાગે છે. મારે થોડું સિંહાવલોકન કરવું પડશે. તે દિવસે ભાગલાના વિરોધરૂપે ત્રણ સ્થળોએ ધ્વજારોહણ થયું હતું. પારસી બાગાનના સ્થળની જાહેરાત થઈ હતી. પરંતુ સરકારી અવરોધના અંદેશાથી અમે અન્ય બે સ્થળોએ તેમ કરવાનો નિર્ણય કર્યો હતો. એક સ્થળ હતું, કલુટોલા કાલીવાડી અને બીજું એક જાહેર સ્થાન મારે પસંદ કરવાનું હતું. ત્રણેય ધ્વજો માટે અમે ૬ઠ્ઠી ઓગસ્ટની રાત્રે કેટલાક ઉત્સાહી યુવકોને તૈયાર કર્યા હતા. પારસી બાગાન અને કાલી બાગાનમાંથી મીત્તર અને સુરેન બાબુએ દોરી ખેંચવાની પદ્ધતિથી ધ્વજ લહેરાવ્યો હતો. અને ત્રીજો ધ્વજ એક વાંસના ઉપલા છેડા સાથે બાંધવામાં આવ્યો હતો. ૭મીની સવારે હું, ત્રૈલોક્ય, જોગેશ અને બીજા કેટલાક રીપન સ્ટ્રીટ થઈને ધર્મતલા પાર્કમાં આવ્યા અને સૂર્યોદય પહેલાં ધર્મતલા પાર્કના ગવર્નર હાઉસના પૂર્વના દરવાજાની સામે ધ્વજ લહેરાવ્યો હતો. ધર્મતલા પાર્ક હવે કર્ઝન પાર્ક તરીકે જાણીતો છે.
‘તમારા બીજા પ્રશ્નનો ઉત્તર એ છે કે ધ્વજની રચનાકૃતિ અનુશીલન સમિતિએ કરેલી.’ તેમણે વધુમાં જણાવ્યું કે ‘અમે કોઈનું નામ આપતા નથી.’
ક્રાંતિકારી બારીન્દ્રકુમાર ઘોષ તેમના સંસ્મરણમાં આમ જણાવે છે, ‘હું તે સમયે ત્યાં હાજર ન હતો. મારા મોટાભાઈ અરવિંદ ઘોષ ત્યાં હતા કે નહીં તેનું મને સ્મરણ નથી. ભાગલા વિરોધી આંદોલનની શરૂઆત પારસી બાગાનના ધ્વજારોપણથી કરવામાં આવી હતી. આની યોજના અનુશીલન સમિતિએ ઘડી હતી. એક બીજાં પારસી બાનુ માદામ કામા થોડો ફેરફાર તેવા ધ્વજનો કરીને ઉપયોગ કરતાં હતાં. તેમણે ૨૨ મી ઓગસ્ટ, ૧૯૦૭ના રોજ જર્મનીના સ્ટુગાર્ટમાં દ્વિતીય સોશિયાલિસ્ટ ઈન્ટરનેશનલમાં તેનું ધ્વજારોપણ કર્યું હતું. તે ભારતીય ધ્વજના વપરાશનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રસંગ હતો.
‘તમારા બીજા પ્રશ્નના જવાબમાં જણાવું, તો અમે, યુગાંતર પાર્ટીએ એક બીજા રાષ્ટ્રીય ધ્વજનું સૂચન કર્યું હતું. પરંતુ આપણા જાહેર રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસે તેનો સ્વીકાર કર્યો ન હતો. તે લાલ રંગના ધ્વજમાં ત્રિશૂળ અને કિરપાણ એક બીજાને કાટખૂણે દર્શાવવામાં આવ્યાં હતાં. ઉપરના ભાગમાં એક ખૂણામાં અર્ધચંદ્ર અને તારો તથા નીચેના ખૂણામાં વિષ્ણુ ચક્ર દર્શાવવામાં આવ્યાં હતાં. આ સઘળું સફેદ રંગમાં બતાવેલું. તે સમય હતો ૧૯૦૬ની સાલનો. અમારા યુગાંતરના અખબારના દરેક પ્રકાશનમાં અમે તે અંકિત કરતા. આ રચના મારી અને ભૂપેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદના ભાઈ)ની હતી. તમે ધ્વજ વિશે જાણવા આતુર છો તે જાણીને મને આનંદ થાય છે. પરંતુ અમે તે વખતે ક્રાંતિ માટે શસ્ત્રો એકઠાં કરવા માટે ઘણા ઉત્સુક હતા, તેથી રાષ્ટ્રીય ધ્વજ વિશે બહુ વિચાર્યું ન હતું. તમને મારી શુભેચ્છાઓ !’
૧૯૦૬ની તે જ સાલમાં કોલકાતાની કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભગિની નિવેદિતાએ એક રાષ્ટ્રીય ધ્વજ રજૂ કર્યો હતો. લાલ રંગના તે ચતુષ્કોણ આકારના ધ્વજમાં, કાળા રંગમાં એક બોધિ વજ્ર હતું અને સફેદ રંગમાં બંગાળીમાં વંદેમાતરમ્ લખેલું હતું. ધ્વજની બાજુઓ સુશોભિત કરેલી હતી.
પ્રવ્રાજિકા આત્મપ્રાણાના સિસ્ટર નિવેદિતા વિશેના તેમના પુસ્તકમાં તેઓ જણાવે છે કે ભગિની નિવેદિતા રાષ્ટ્રીય ધ્વજ વિશે ૧૯૦૪થી આયોજન કરતાં હતાં. પી.ટી.નાયર લખે છે કે ભગિનીએ તેમના માૅર્ડન રીવ્યૂમાં ૧૯૦૬ની સાલમાં તેના વિશે કેટલાક લેખો લખ્યા હતા.
પી.ટી. નાયરના વર્ણન પ્રમાણે એક ચિત્રકાર બિમાન ચૌધરીએ ભગિની નિવેદિતાના ‘વજ્ર અને કમળ’ અંકિત એક ધ્વજની રચના કરી હતી. અન્ય એક ધ્વજનું આલેખન કાર્ય લેફ્ટેનન્ટ કુંતલ હાજરાએ કરેલું તેમ પ્રો. શંકરી પ્રસાદ બસુ જણાવે છે. આ ધ્વજ પંચકોણીય આકારનો અને ગેરુઆ રંગનો હતો અને તેમાં બોધિ વજ્ર અને પૂર્ણ ખીલેલ કમળનું ચિત્ર હતું.
આપણને એક બીજી વાત એ જાણવામાં આવે છે કે મીદનાપુરના હેમ ચંદ્ર દાસ કાનુંગો નામના એક ક્રાંતિકારીએ એક ત્રિરંગો ધ્વજ પ્રસ્તુત કર્યો હતો, જેનો ઉપરનો ભાગ લાલ હતો અને તેમાં આઠ ખીલતાં કમળો અંકિત કર્યાં હતાં. વચ્ચેનો ભાગ પીળા રંગનો હતો, જેમાં સફેદ રંગથી બંગાળીમાં વંદેમાતરમ્ વિશેષ લિપિમાં લખેલું હતું. નીચેના હિસ્સાનો રંગ ભૂરો હતો. તેમાં કાઠીના ભાગમાં સૂર્ય અને લહેરાવાના ભાગમાં ચંદ્ર અને તારો દર્શાવ્યાં હતાં.
ભૂતપૂર્વ સરકારી અધિકારી શ્રી વી.કે. સિંહાએ લખેલા પુસ્તકમાંથી ધ્વજ વિશે એક બીજી માહિતી પણ મળે છે. તેની રચના ૧૯૦૬માં થઈ હતી. આ ધ્વજનો ઉપરનો ભાગ લીલા રંગનો હતો, જેમાં કમળની આઠ કળીઓ ચિત્રિત હતી. વચ્ચેનો ભાગ કેસરી રંગનો હતો અને તેમાં દેવનાગરી લિપિમાં વંદેમાતરમ્ લખ્યું હતું. નીચેના લાલ ભાગમાં સૂર્ય, અર્ધચંદ્ર અને તારાનું ચિત્રાંકન હતું.
૧૯૦૭ની સાલ ઘણી મહત્ત્વની છે. ૨૨મી ઓગસ્ટના રોજ જર્મનીના સ્ટુગાર્ટમાં બીજી આંતરરાષ્ટ્રીય સભામાં માદામ કામાએ ધ્વજારોહણ કર્યું. ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલું જ ધ્વજારોહણ હતું. ધ્વજની રચના પારસી બાગાનમાં ઉપયોગમાં લેવાયેલ ધ્વજ જેવી જ હતી. તેમાં માત્ર થોડો ફેરફાર હતો. આ ધ્વજમાં એક પછી એક એમ સાત તારાઓ સપ્તર્ષિ તરીકે દર્શાવેલા હતા.
૧૧મી ઓગસ્ટ, ૧૯૦૮માં શહીદ ખુદીરામને ફાંસી આપવામાં આવી હતી. તે જ સાલમાં બોમ્બેના હિન્દી અખબારે કાર્ટૂનના રૂપમાં એક ‘રાષ્ટ્રીય ધ્વજ’ છાપ્યો હતો. ત્યાં સુધી ભારતની રાજધાની કોલકાતા હતી.
હોમ રુલ લીગના સમય દરમિયાન સન ૧૯૦૭માં લોકમાન્ય તિલક અને શ્રીમતી એની બેસંટ દ્વારા માન્યતા પ્રાપ્ત એક ધ્વજનો ઉપયોગ થયો હતો. આ ધ્વજમાં સપાટ રીતે એક પછી બીજી એમ પાંચ લાલ અને ચાર લીલી પટ્ટીઓ હતી. ઉપરના કાઠીના ભાગમાં ‘યુનિયન જેક’ (અંગ્રેજ રાષ્ટ્ર ધ્વજ) અને લહેરાવાના ભાગમાં અર્ધચંદ્ર અને એક તારો દર્શાવવામાં આવ્યો હતો. ધ્વજના ફલક પર સાત તારાઓ એવી રીતે ચિત્રાંકિત કર્યા હતા કે જોતાં જ સપ્તર્ષિ મંડળનો મનોભાવ પેદા થતો હતો. તે પંચકોણિય ધ્વજ હતો.
૧૯૨૧માં બેજવાડામાં કોંગ્રેસ કમિટિની બેઠક યોજાઈ તે પહેલાં એક ચર્ચા દરમિયાન મહાત્મા ગાંધીએ એક રાષ્ટ્રીય ધ્વજ પ્રસ્તુત કરવાની ઇચ્છા વ્યકત કરી. સહુના આશ્ચર્ય વચ્ચે ક્રાંતિકારી પરિવારમાંથી આવતા મસલીપટ્ટન્ કોલેજના એક વિદ્યાર્થી પી. વેંકૈયાએ બે કલાકમાં તૈયાર કરેલ એક રચના મહાત્માજી સમક્ષ પ્રસ્તુત કરી. પરંતુ તે મીટિંગમાં મુકાઈ શકાયો નહીં, કારણ કે તે મુદ્દો સમિતિની કાર્યવાહીમાં સામેલ ન હતો. આ લંબચોરસ ધ્વજનો ઉપલો ભાગ લાલ હતો અને નીચેનો અર્ધભાગ લીલો હતો. વચ્ચે સફેદ રંગનું ચક્ર હતું.
૧૯૨૩માં કોંગ્રેસની (વિશેષ) બેઠકના થોડા સમય પહેલાં જ મહાત્મા ગાંધીએ તૈયાર કરેલો ધ્વજ પ્રમુખ અબુલ કલામ આઝાદે ફરકાવ્યો હતો. આ ધ્વજમાં વેંકૈયાએ બનાવેલા ધ્વજમાં થોડો ફેરફાર કર્યો હતો. તેમાં ઉપરનો પટ્ટો સફેદ હતો જે સમગ્ર લઘુમતીના વર્ગનું પ્રતિક છે. વચ્ચેનો લીલો પટ્ટો સહુથી મોટી સંખ્યા ધરાવતી જાતિનું પ્રતિક છે કે જેમણે બધા વર્ગના લોકોનો ઉત્કર્ષ સાધવાની જવાબદારી વહન કરવાની હતી. ત્રણેય રંગોને આવરી લેતું ભૂરું ચક્ર દર્શાવ્યું હતું, જે શ્રમ અને કાર્યરતતાનું સૂચન કરે છે. જાતિઓ વિશે આમ પહેલીવાર વિચાર કરવામાં આવ્યો હતો. અને તે શક્ય છે કે આ વિચાર છેલ્લીવાર કરવામાં આવ્યો હોય.
ત્યાર બાદ આ હેતુ માટે એક પેટા-સમિતિનું ગઠન કરવાનો વિચાર કરવામાં આવ્યો જે સહજ છે. આ પેટા-સમિતિ દ્વિજેન્દ્ર નાથ ટાગોરના વડપણ હેઠળ રચવામાં આવી. તેમણે એવો ધ્વજ પ્રસ્તુત કર્યો, જેનો રંગ ભગવો હતો અને કાઠીની બાજુમાં લાલ ચક્ર હતું. ખૂણામાં એક લાલ ચક્ર હોવાથી કોંગ્રેસે આનો અસ્વીકાર કર્યો.
૧૯૨૯(?)માં વલ્લભભાઈ પટેલના ચેરમેન પદ હેઠળ એક અન્ય પેટા-સમિતિ રચવામાં આવી. તેમણે પ્રસ્તુત કરેલો ધ્વજ ત્રિરંગો હતો, જેનો ઉપરનો પટ્ટો ભગવા રંગનો, વચ્ચેનો સફેદ હતો કે જેમાં ભૂરા રંગનું ચક્ર અંકિત કર્યું હતું અને નીચેનો છેલ્લો પટ્ટો લીલા રંગનો હતો. કોંગ્રેસે તેનો સ્વીકાર કર્યો અને જાહેર કર્યું કે દરેક વરસની ૨૬મી જાન્યુઆરી (૧૯૩૧થી) રાષ્ટ્રીય દિન તરીકે ઊજવવામાં આવશે અને સંપૂર્ણ ભારતમાં આ ધ્વજનું આરોહણ કરવામાં આવશે. આ ધ્વજ પાછળનો ઇતિહાસ સમૃદ્ધ છે. ભારતના ત્રણ સ્વતંત્ર ભાગો, આંદામાન સેલ્યુલર જેલ (આંદામાનનો કોઠીવાળો કારાગાર), મણીપુરના મોઈરંગ અને કોહિમા (હાલનું નાગાલેંડ) – આ ત્રણેય સ્થાનોએ પ્રથમવાર નેતાજી સુભાષે ૧૯૪૪માં આ ધ્વજને ફરકાવ્યો. બીજું, માતંગીની હાજરા, હાથમાં ધ્વજ સાથે અંગ્રેજ બંદૂકની ગોળીથી મોતને ભેટ્યાં હતાં.
૧૯૪૭થી આપણો ત્રિરંગો રાષ્ટ્રીય ધ્વજ અસ્તિત્વમાં આવ્યો જેમાં વચ્ચેના સફેદ પટ્ટામાં ૨૪ આરા સાથેનું અશોક ચક્ર ભૂરા રંગમાં અંકિત કર્યું છે. ઉપરનો પટ્ટો ભારતીય કેસરી રંગનો અને નીચેનો પટ્ટો ભારતીય લીલા રંગનો નિર્મિત થયો. પંડિત નહેરુએ ૨૨મી જુલાઈ, ૧૯૪૭માં આ ધ્વજ પ્રસ્તુત કર્યો, જેને સ્વીકૃતિ મળી. તેમણે જ ભારતના સ્વાતંત્ર્ય દિવસ, ૧૫મી ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં સવારે ૮ :૦૦ વાગ્યે આ ધ્વજને લહેરાવ્યો.
Your Content Goes Here