(ગતાંકથી આગળ…)

એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને

આધ્યાત્મિક જગતમાં

જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે ‘સ્મૃતિની સીમાઓને ઓળંગીને વિચારવા-જોવાની શક્તિ’ ભૌતિક-સાંસારિક જગત અને આધ્યાત્મિક વિશ્વમાં ઉપયોજવામાં આવે છે. અલબત્ત, ધ્યેય એક હોવા છતાં એનો પ્રયોગ ભિન્ન ભિન્ન રીતે થાય છે. સ્મૃતિશક્તિની પેલે પાર જઈને વિચારવું, મનોમંથન અને ભાવાત્મક વિચારો જેવા શબ્દોની પ્રયોગ સાંસારિક જગતમાં થાય છે, તેના કરતાં આધ્યાત્મિક વિશ્વમાં આપણને ઘણા નવા નવા શબ્દો સાંભળવા મળે છે, જેમ કે મન-મગજથી વિચારવાની શક્તિ, વર્તમાનમાં જીવવું, ધ્યાન કેન્દ્રિત રાખવું, વિકલ્પ વિહીન જાગરુકતા કેળવવી, વગેરે. આમ છતાં પણ ભૌતિક અને આધ્યાત્મિક બન્ને વિશ્વમાં અંતર્નિહિત પરિકલ્પના એક જ છે. ભેદ છે, માત્ર શબ્દોનો.

દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો

વ્યવહારુ પ્રયોગ -સ્વામી વિવેકાનંદ

જો તમારે ભૌતિક સંપત્તિ જોઈતી હોય તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરો તો એ તમને જરૂર મળશે. જો તમારે બુદ્ધિનો વૈભવ જોઈતો હોય તો બૌદ્ધિક ક્ષેત્રમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરો, એટલે તમે પ્રખર બુદ્ધિશાળી બનશો. અને જો તમારે મુક્તિ મેળવવાની ઇચ્છા હોય તો આધ્યાત્મિક ભૂમિકા પર એનો ઉપયોગ કરો એટલે તમે જરૂર મુક્ત થશો તથા નિર્વાણપદને, શાશ્વત સુખને પ્રાપ્ત કરશો. પરંતુ અદ્વૈતવાદમાં એક જ ખામી રહી હતી; તે એ કે અત્યાર સુધી કેવળ આધ્યાત્મિક ભૂમિકા પર જ તેનો અમલ કરવામાં આવ્યો છે, બીજી કોઈ ભૂમિકા પર નહીં. હવે તમારે તેને વ્યવહારુ બનાવવાનો સમય આવી પહોંચ્યો છે. હવે એ વધુ સમય રહસ્યરૂપે, માત્ર સાધુઓની પાસે ગુફાઓમાં, જંગલોમાં અને હિમાલયમાં રહી નહીં શકે; એણે હવે લોકોના રોજિંદા જીવનમાં આવવું પડશે. એનો ઉપયોગ રાજાઓના મહેલોમાં થશે, સાધુની ગુફામાં થશે, ગરીબોની ઝૂંપડીઓમાં થશે, રસ્તા પરના ભિખારીઓ સુદ્ધાં એનો ઉપયોગ કરશે; સર્વ દિશામાં અને સર્વ સ્થળે એનો ઉપયોગ થઈ શકશે…. (સ્વા.વિ. ગ્રંથમાળા : ૪.૩૪૩-૩૪૪)

સ્વામીજીએ ધર્મના વ્યવહારુ અમલીકરણ વિશે ઉમેર્યું અને કહ્યું,

‘મેં જોયું છે કે અમેરિકાના લોકો પાસે સામાજિક જીવન તથા રોજના વ્યવહારમાં ઉતારવાનું બતાવ્યા વિના ધર્મનો ઉપદેશ કરી શકતો નહોતો. જે અદ્‌ભુત રાજદ્વારી પરિવર્તનો વેદાન્ત લાવી શકે, એ બતાવ્યા વિના હું ધર્મનો ઉપદેશ ઈંગ્લેંડમાં પણ કરી ન શક્યો. અને સામાજિક સુધારાની નવી પદ્ધતિ આધ્યાત્મિક જીવનમાં કેટલો વધારો કરી શકશે એ બતાવીને જ ભારતમાં સામાજિક સુધારાનો ઉપદેશ આપી શકાશે અને રાજકારણનો ઉપદેશ પણ પ્રજાની ઈષ્ટ વસ્તુ આધ્યાત્મિકતામાં કેટલો સુધારો કરી શક્શે તે બતાવવાથી જ આપી શક્ાશે. દરેક દરેક વ્યક્તિએ અને દરેક રાષ્ટ્રે પોતાની પસંદગી જાતે કરવી પડશે.’ (સ્વા.વિ. ગ્રંથમાળા : ૪.૧૨૪)

લકીરના ફકીર : કૂવાનો દેડકો

લકીરના ફકીરના કૂવામાંના દેડકાની વૃત્તિવાળા લોકોએ પોતાના મગજની કોશિકાઓમાં સંગ્રહી રાખેલી જૂની પુરાણી જ્ઞાનમાહિતીનો ઉપયોગ કરીને નિર્ણય લે છે. આવી વૃત્તિવાળા લોકો નવા વિચારોને ઉવેખનારા અને કલ્પનાશીલ અંતર્દૃષ્ટિની ઉમંગ કે ઉત્કંઠાનો નાશ કરવામાં કુશળ હોય છે. તેઓ અસફળતા અને જોખમ ખેડવા માટે માનસિક ભય ઊભો કરે છે અને ‘છીએ તે જ ઠીક છીએ’ એ બનાવી રાખવાનું પસંદ કરે છે. એ બધાંને ગઈકાલના અનુભવ અને જ્ઞાનનું ઘણું મિથ્યાભિમાન હોય છે અને પેલા કૂવામાંના દેડકા જેવો વ્યવહાર કરે છે. તેઓ એમ માનતા હોય છે કે ‘જાણીતો દૂષ્ટ અજાણ્યા મિત્ર કરતાં વધારે સારો છે. નવા વિચારોને જાણવાનો અને જોખમભરી હિંમત કરવાનો એમની પાસે સમય નથી એમ તેઓ માને છે. ‘પુરુષાર્થ વિના સિદ્ધિ ન મળે’ એ જૂની કહેવત પ્રત્યે પોતાના બહેરા કાન ધરે છે.

યુ.એસ.એ.ના શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શ્રોતાઓને કહેલી ‘કૂવામાંનો દેડકો’ની આ વાર્તા આપણે જોઈએ :

વિશ્વધર્મપરિષદમાં ‘કૂવામાંનો દેડકો’ની

સ્વામી વિવેકાનંદે કહેલી વાર્તા

હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને બોલતા તમે સહુએ સાંભળ્યા. એમણે કહ્યું, ‘એકબીજાને ગાળો દેતાં આપણે અટકવું જોઈએ.’ આટલો બધો ભેદભાવ હંમેશાં રહેતો હોય છે, તેથી તેમને દુ :ખ થયું.

આ અંગે મને લાગે છે કે એ ભેદભાવનું કારણ બતાવતી એક વાર્તા મારે તમને કહેવી જોઈએ. એક દેડકો હતો. ઘણા વખતથી એ કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો, ને ત્યાં જ ઊછર્યો હતો; અને એમ છતાં એ એક નાનકડો દેડકો જ હતો. અલબત્ત, એ સમયે દેડકાએ આંખો ખોઈ હતી કે કેમ, તે કહેવાને ઉત્ક્રાંતિવાદીઓ હાજર ન હતા; પણ આપણી આ કથા પૂરતું આપણે એમ કહીએ કે, એને આંખો હતી. વળી અત્યારના જંતુશાસ્ત્રીને માત કરે એવી શક્તિ વડે, આ દેડકો કૂવામાંનાં જીવ-જંતુઓનો નાશ કરી ત્યાંના પાણીને સ્વચ્છ રાખતો હતો, એમ પણ આપણે માની લઈએ. આમ દેડકાનું જીવન વહ્યું જતું હતું. પરિણામે એ શરીરે જરા સુંવાળો અને સ્થૂળ બન્યો. પછી એવું બન્યું કે એક દિવસ સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડયો.

પેલાએ તેને પૂછ્યું : ‘તમે કયાંથી આવો છો ?’

‘હું સાગરમાંથી આવું છું.’

‘સાગરમાંથી ? સાગર વળી કેવડો મોટો હશે ? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો ?’ આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યો.

સાગરના દેડકાએ જવાબમાં કહ્યું, ‘મિત્ર ! સાગરને શું તમે તમારા નાનકડા કૂવા સાથે સરખાવો છો?’

પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યો અને પૂછ્યું, ‘ત્યારે તમારો સાગર આવડો મોટો છે ?’

‘તમે મૂર્ખાઈભરી વાત કરી રહ્યા છો. સાગરને તે વળી કૂવા સાથે સરખાવાતો હશે ?’

કૂવામાંના દેડકાએ કહ્યું, ‘સમજ્યા હવે ! મારા કૂવા કરતાં કશું મોટું ન હોઈ શકે; આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોઈ ન શકે, આ સાગરનો દેડકો જુઠ્ઠાબોલો છે; એને કાઢી મૂકવો જોઈએ.’

અત્યાર સુધી આપણી આ જ મુશ્કેલી રહેલી છે.

હું હિંદુ છું; મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે સમગ્ર જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે.

ખ્રિસ્તી ધર્મનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને સમગ્ર જગત એના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઈસ્લામ ધર્મનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને એને જ સમગ્ર જગત માને છે.

આપણા આ નાના જગતની ભેદભાવની દીવાલો તોડવાનો મહાપ્રયત્ન કરી રહેલા અમેરિકન બંધુઓ ! તમારો સહુનો હું આભાર માનું છું. તમારા મનનો હેતુ પરિપૂર્ણ કરવામાં પરમેશ્વર તમને ભવિષ્યમાં સહાયભૂત થાય, એવી હું શ્રદ્ધા સેવું છું. (સ્વા.વિ. ગ્રંથમાળા : ૧.૪-૫)

સ્મૃતિની સીમાની પાર વિચારનારા લોકોને

પાંખો હોય છે અને ઊડી પણ શકે છે

સ્મૃતિની સીમાઓને ઓળંગીને વિચારનારા લોકોના મનની બારી ઉઘાડી રહે છે અને તેમને અવનવાં કાર્યો કરવાનું ગમે છે. એમને નૂતન વિચારોની પાંખો હોય છે. એમને પાંખ છે માત્ર એનો જ સંતોષ નથી પણ એ પાંખો વીંઝીને એમને ઊડવાનું બહુ ગમે છે અને એને માણે પણ છે. બીજાને સાંભળવા એમના કાન સદૈવ તૈયાર અને આતુર રહે છે.

નવા નવા વિચારો ઊભા કરવાનો અને પોતાની આડે આવતી બધી અડચણોને દૂર કરીને તેનું અમલીકરણ કરવાનો તેમનામાં ઉત્કંઠા અને ઉમંગ હોય છે. તેઓ સર્જનાત્મક કલ્પનાશીલતાના મહત્ત્વને સમજે છે અને એમને પોષે પણ છે. પોતાના આદર્શો કે વિચારો સાકાર થતા જોઈને અને તેમાંથી ઉત્પન્ન થતાં પરિણામોથી તેઓને ખુશી મળે છે.

Total Views: 426

One Comment

  1. Maithili July 29, 2023 at 8:41 am - Reply

    Ahi to be j article che. Triju kya?

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.