‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું ઠાકોરજીને ભોગ ધરાવજે ને ભગવાનને જમાડજે.’ સમય થતાં છોકરાએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પણ ઠાકોરજી તો મૂંગા બેઠા છે, બોલે નહિ કે ચાલે નહિ; ને ખાય પણ નહિ. છોકરાએ ઘણી વાર સુધી બેઠાં બેઠાં જોયું કે ઠાકોરજી તો ઊઠતા નથી. તેની પાકી ખાતરી હતી કે ઠાકોરજી આવીને આસન પર બેસીને જમશે. એટલે તે વારે વારે કહેવા લાગ્યો કે ‘ભગવાન ! આવો અને જમી લો, બહુ વાર થઈ, હવે મારાથી બેસાતું નથી.’ તોય ભગવાન તો બોલતા નથી. છોકરાએ રડવાનું શરૂ કર્યું ને કહેવા લાગ્યો કે ‘ભગવાન, બાપુ તમને ખવરાવવાનું કહી ગયા છે, તો તમે કેમ આવતા નથી ? મારે હાથે કેમ ખાતા નથી ?’ વ્યાકુળ થઈને જેવો તે ઘડીક રડ્યો, તેવા જ ભગવાન હસતા હસતા આવીને આસન પર બેસીને જમવા લાગ્યા.
ઠાકોરજીને જમાડીને જેવો તે મંદિરમાંથી બહાર આવ્યો એટલે ઘરનાં માણસોએ પૂછ્યું : ‘ભોગ દેવાઈ રહ્યો ? તો હવે બધું લઈ આવ.’ છોકરાએ જવાબ આપ્યો કે ‘હા, દેવાઈ ગયો, ઠાકોરજી બધું જમી ગયા !’ ઘરના માણસો કહેવા લાગ્યા કે ‘અરે એ શું ?’ છોકરાએ સરળતાથી જવાબ આપ્યો કે ‘કેમ, ઠાકોરજી તો જમી ગયા !’ એટલે મંદિરમાં જઈને જોયું તો સૌ નવાઈ પામ્યાં.
Your Content Goes Here