પૂજનીય તેનઝીંગ ગ્યોત્સો ચૌદમા દલાઈ લામા તરીકે સમગ્ર વિશ્વમાં શાંતિના દૂત રૂપે સુખ્યાત છે. ઉજ્જવળ ભવિષ્યના આપણા સપનાને સાકાર કરવામાં સહાયક એવા તેમના અમૂલ્ય વિચારોને પ્રસ્તુત કરતા ‘પ્રબુદ્ધ ભારત’માં જાન્યુઆરી, ૨૦૦૦ના માસિકમાં પ્રકાશિત લેખનો શ્રી નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં

વીસમી સદી હવે જ્યારે તેના અંતિમ ચરણમાં છે, ત્યારે વિશ્વ વધુ નાનું બન્યું છે અને આપણે સહુ લગભગ એક પરિવાર બન્યા છીએ. લશ્કરી અને રાજકીય સંધિઓ દ્વારા અસ્તિત્વમાં આવેલા ઔદ્યોગિક એકમોએ અને વ્યાપાર ગૃહોએ એક વૈશ્વિક સમાજનું નિર્માણ કર્યું છે. વિશ્વ વ્યવહારથી અંતર, ભાષા તથા જાતિભેદના પ્રાચીન સીમાડાઓ લુપ્ત થયા છે. વસ્તી વધારો, ક્ષીણ થઈ રહેલી કુદરતી સંપદાઓ તથા આ નાનકડા સુંદર ગ્રહના આધારરૂપ વાયુ, જળ અને વૃક્ષો માટે ભયજનક બનતી જતી પર્યાવરણની ગંભીર સમસ્યાઓના પ્રભાવથી આપણે એકબીજાની નજીક આવ્યા છીએ.

કેટલાક સમયથી એકબીજા પ્રત્યેની જવાબદારીની વૃદ્ધિ અને તેના પરિણામરૂપ સર્વનું હિત સાધતા સિદ્ધાંતો વિશે વિચાર કરું છું. માનો કે ન માનો, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે આ ધરા પર સમસ્ત માનવીય પરિવારના એક અંશરૂપે જન્મ લીધો છે. માનવ એકતાની સ્વીકૃતિ એ આજની તાતી જરૂરિયાત છે. વિશ્વના કોઈ પણ ભાગમાં બનેલી ઘટના સમગ્ર વિશ્વને અસર કરે છે. આવી આંતરનિર્ભરતાની આવશ્યકતાના સંદર્ભમાં સ્વ-હિતના વિકલ્પમાં સર્વ-હિતનો વિચાર કરવો તે સ્વ-હિતનું એક સ્પષ્ટ સાધન છે. માત્ર પારસ્પરિક સહકારથી જ મનુષ્ય વધુ સામર્થ્યવાન બને છે. કારણ કે ફક્ત રાજકીય અને આર્થિક જોડાણોથી નહીં, પરંતુ આવા યથાર્થ પારસ્પરિક પ્રેમ અને કરુણા દ્વારા જ આ નવીન વિશ્વની બુનિયાદ વધુ સલામત બને છે. વધુ સારા, સુખી, સ્થિરતાથી ભરેલા અને શિષ્ટ ભવિષ્ય માટે આપણે સહુએ હાર્દિક અને ઉષ્માભર્યા ભાઈચારાની લાગણી કેળવવી જોઈએ.

જીવનની અંતરનિર્ભરતા

તિબેટમાં અમે માનીએ છીએ કે પ્રેમ અને કરુણાના એકમાત્ર ઔષધ દ્વારા ઘણા રોગો નિવારી શકાય છે. ગુણો આપણાં સુખોનું ઉદ્ગમસ્થાન છે. તેમની જરૂરિયાત આપણા વ્યક્તિત્વના હાર્દમાં રહેલી છે. સહકાર અને સહિષ્ણુતાનો સ્રોત છે, પરમાર્થની ભાવના. એખલાસની સુમેળ જરૂરિયાતને માત્ર માનવાથી નહીં ચાલે. કરુણાસભર મન એ એક એવું છલકતું સરોવર છે, જ્યાંથી સામર્થ્ય, નિશ્ચયશક્તિ અને ભલમનસાઈનો પ્રવાહ સતત વહેતો રહે છે. આ જ કારણસર આપણી પ્રેમ અને કરુણાની અભિવ્યક્તિ માત્ર પરિવાર અને મિત્રો પૂરતી સીમિત ન રહેવી જોઈએ.

જ્યારે હું માનવસમાજમાં સહકારભાવનો અભાવ જોઉં છું, ત્યારે એકબીજાનો આધાર લઈને ચાલવાની આપણી સ્વાભાવિક વૃત્તિ વિશેની અજ્ઞાનતા એ તેનું મૂળ કારણ છે તેવું મને લાગે છે. દા.ત. મોટાં શહેરોમાં લાખોની સંખ્યામાં રહેવા છતાં, સહચાર સુલભ હોવા છતાં, આપણામાંના ઘણા એકલતાની લાગણી અનુભવે છે. આ ઘણું દુ :ખદાયક છે. ગઈ સદીમાં માનવ સભ્યતાએ સાધેલા ઝડપી વિકાસ છતાં, આ અનિષ્ટનું મૂળ કારણ એ છે કે આપણે માત્ર ભૌતિક વિકાસ પર જ ભાર મૂકેલ છે, મારી એ સ્પષ્ટ માન્યતા છે. કરુણાની ભાવના માત્ર ત્યારે જ ઉજાગર થાય કે જ્યારે આપણે આપણી ફરજો પ્રત્યેખરેખર સભાન હોઈએ. વૈશ્વિક જવાબદારીનો ભાવ કેળવવો એ મૂળત : એક વ્યક્તિગત વાત છે, અસ્પષ્ટ રીતે કરેલી માત્ર વાતો જ નહીં. પરંતુ દૈનંદિન જીવનમાં આપણે કરેલાં વર્તનવ્યવહાર એ જ કરુણા, સહૃદયતાની ખરી કસોટી છે. છતાં પણ સર્વહિતનું વલણ કેળવવા માટે કેટલીક બુનિયાદી બાબતો પાયામાં જ હોવી જરૂરી છે. રાજ્ય ચલાવવા માટે કોઈ પણ પદ્ધતિ સંપૂર્ણ નથી, છતાં લોકશાહી તંત્ર મૂળ માનવ-પ્રકૃતિ સાથે વધુમાં વધુ સામીપ્ય ધરાવે છે. આપણી પોતાની રીતે કાર્યશીલ રહેવાં છતાં બધા લોકો અને રાષ્ટ્રોને તેમનાં પ્રકૃતિ અને મૂલ્યો અનુસાર ચાલવાનો હક્ક છે. તેનો આપણે સ્વીકાર કરવો જોઈએ. વિશેષ કરીને બહુરાષ્ટ્રિય વ્યાપાર અને આધુનિક વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સહૃયતા કેળવવામાં પ્રચંડ પુરુષાર્થ જરૂરી બને છે. આપણાં કાર્યોનો પાયો જો મૂલ્યો પર આધારિત ન હોય તો જીવનના નાજુક માળખાને ઘણી હાનિ પહોંચી શકે તેવો ખતરો છે.

ધાર્મિક વૈવિધ્ય

આવી જવાબદારીમાંથી વિશ્વના ધર્મો બાકાત ન રહી શકે. સુંદર મંદિરો કે દેવળોનું નિર્માણ કરવું, તે ધર્મની એકમાત્ર જવાબદારી નથી. પરંતુ સહિષ્ણુતા, હકારાત્મક માનવ મૂલ્યો, ઉદારતા અને પ્રેમ જેવા ભાવોનો વિકાસ થાય તે ધર્મોનું દાયિત્વ છે. ધર્મ માત્ર એક પ્રકારના ખાદ્ય પદાર્થની જેમ દરેકને સંતોષી શકે નહીં. વ્યક્તિગત વલણ પ્રમાણે અમુકને એક પ્રકારનો, તો વળી બીજાને અન્ય પ્રકારનો ધર્મ ઉપકારક થાય. આમ, અસહિષ્ણુતા અને ધર્માંધતા જેવી વિભાજનવૃત્તિઓએ જોડાવાનું કોઈ કારણ નથી અને બધા ધર્મોને માન આપવાના અને તેઓ પ્રતિ સદ્ભાવ સેવવાનાં ઘણાં કારણો છે.

જુદી જુદી પરંપરાઓ અને જીવનદર્શન ધરાવતા હોવા છતાં, સહૃદયતા, પ્રેમ અને ક્ષમાશીલતા બધા ધર્મોની સર્વમાન્ય ભૂમિકા છે. વિવિધ ધર્મોની પરંપરાઓમાં કેટલાક પાયાના મતભેદ ભલે રહ્યા, જેમ કે સર્વશક્તિમાન સૃષ્ટિકર્તાનો સ્વીકાર. પરંતુ તે બધાનો સંદેશ એક જ છે અને તે છે ઉષ્માસભર સહૃદયતા ધરાવતા માનવ બનો. ભૂતકાળમાં બધા ધર્મો ભિન્ન ભિન્ન સ્થળે સ્થાપિત હતા, જેમની વચ્ચે સંદેશવ્યવહાર નહિવત હતો. પરંતુ આજે જ્યારે દુનિયા નાની થઈ છે, ત્યારે આ વ્યવહાર મજબૂત બન્યો છે. આવા સંજોગોમાં બધા ધર્મોના અનુસરનાર લોકો વચ્ચે બહુવિધતા જરૂરી બની છે. આખરે તો માનવજાતમાં ભિન્ન મનોવૃત્તિઓ પ્રવર્તમાન હોવાથી કોઈ પણ ધર્મ ગમે તેટલો ગહન હોવા છતાં તે વિવિધ પ્રકારના મનુષ્યોને સંતોષ પ્રદાન કરવામાં અસમર્થ છે. દા.ત. ધાર્મિક પરંપરાઓમાં આટલું વૈવિધ્ય હોવાં છતાં, મોટા ભાગના લોકો ધર્મથી હજુ પ્રભાવિત નથી. પાંચસો અબજ મનુષ્યોમાંથી ફક્ત એકસો અબજ માણસો જ ધર્મથી પ્રભાવિત છે, બાકીની માનવજાત ધાર્મિક વલણ ધરાવતી નથી. આમ, ખરું જોતાં ફક્ત એક જ ધર્મ સમગ્ર માનવજાતને સંતોષી ન શકે. ખરેખર તો આવા સંજોગોમાં ધર્મની વિવિધતા ઉપકારક અને અનિવાર્ય બની ગઈ છે અને ફક્ત એ જ કારણે એ ડહાપણભર્યું છે કે બધા ધર્મો સાથે મળીને સંવાદિતાપૂર્વક પરસ્પર સહાયક બને. આ બાબતમાં વિકાસ થતો જાય છે. બધા ધર્મો વચ્ચે સામીપ્ય વધતું જાય છે તેવું મારા જોવામાં આવ્યું છે. (ક્રમશ 🙂

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.