સિમલામાં સ્ટર્લિંગ કાસલ હિલ ખાતે ઉનાળો ગાળવા ઘણા સભ્યો સાથે એ કુટુંબ રહેવા આવ્યું. કુટુંબ સાથે બીજા પણ ઘણા સભ્યો હતા. બાળકોને અહીં મજા પડી ગઈ. સિમલાનું સૌંદર્ય કોને ન ગમે ? કુટુંબના સભ્યો માટે પર્યટન ગોઠવાય, તેમાં નાનાં બાળકો પણ જોડાય. આ બાળકો પ્રકૃતિની ગોદમાં રમતો રમે, સાથોસાથ અનુભવ સાથે જ્ઞાન મેળવે.

આ રમણીય સ્થળે કુટુંબના મોટેરા સભ્યોને રોજ રોજ ઢગલાબંધ ટપાલ આવે. પરંતુ કુટુંબના નાના ભાઈને આ બધું જોઈને થતું કે મારે તો કોઈ કાગળ આવતો નથી. મનમાં થયેલી ઇચ્છાને હવે સંતોષ મળવો જોઈએ. એ સમયે એમની ઉંમર ૫ થી ૬ વર્ષની હશે. કાગળ એક પણ મારા માટે આવતો નથી, તે મેળવવા શું કરવું ?

આ નાના ભાઈ તો પહોંચ્યા પિતાશ્રીના મંત્રીશ્રી પાસે. તેમની પાસેથી થોડા પરબીડિયાં લીધાં, ઉપર પોતાના સરનામા ટાઈપ કરાવી લીધાં અને પોતાના ખંડમાં જઈ કાગળ લખવા લાગ્યા અને પરબીડિયાં મૂકી બંધ કરી કેમ વહેલી તકે પત્ર મળે તે માટે સ્ટર્લિંગ કાસલ હિલની નીચે પહોંચી, જ્યાં પોસ્ટ બોક્સ હતું તેમાં એકી સાથે બધાં જ પરબીડિયાં નાખીને હરખાતા હરખાતા ઉપર આવ્યા અને વિચારવા લાગ્યા – કાલે સવારે પપ્પા-મમ્મીની સાથે મારી પણ ટપાલ આવશે, ત્યારે કેવી મજા પડશે !

બીજે દિવસે ઘણા બધા પત્રો આવ્યા. તેની સાથે આ નાનાભાઈના : પણ પરબીડિયાં આવ્યાં. તેમને પત્રો મળવા લાગ્યા. આ રીતે તેમનાં પરબીડિયાં મેળવી દરરોજ પત્ર પોતાના નામથી લખીને પોસ્ટ બોક્સમાં નાખતા. દરરોજ તેમના પત્રો આવતા. થોડા દિવસ પછી તેમના પિતાશ્રીને નવાઈ લાગી. તેમનામાં થોડી જિજ્ઞાસા જાગી. પુત્રને પૂછ્યું, ‘આ નિયમિત રીતે કાગળ લખનાર કોણ છે ?’ પુત્ર તો નિર્દાેષભાવે બોલી ઊઠ્યો, ‘પપ્પા, હું મારી જાતે જ પત્રો લખું છું.’ આવો નિખાલસ જવાબ સાંભળીને બધાં ખડખડાટ હસવા લાગ્યાં. આ રીતે નાનાભાઈની યુક્તિથી પોતાની જાતને સંતોષી, બીજાઓને પણ ખૂબ મજા કરાવી.

આપ આ નાનાભાઈને જાણો છો ? આ નાનાભાઈ એટલે આપણા વિક્રમ સારાભાઈ. તેમના પિતાનું નામ હતું, અંબાલાલ સારાભાઈ અને માતાનું નામ હતું, શ્રીમતી શારદાદેવી. આ બાળક આગળ જતાં બહુ નામના મેળવશે એવું કહેનાર હતા, શ્રીરવીન્દ્રનાથ ટાગોર.

આપણા દેશને અવકાશયુગમાં લઈ જનાર અને અવકાશયુગના પિતા એટલે વિક્રમ સારાભાઈ.

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.