એક દિવસે શ્રીરામકૃષ્ણે માતાજીને આર્જવપૂર્વક પ્રાર્થના કરી : ‘ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિવાળો એક બાળક મારી પાસે સદા રહે તેવું કરો.’ થોડા દિવસ પછી દક્ષિણેશ્વરમાં તેઓ વડ નીચે બેઠા હતા ત્યારે એમને એક છોકરાનું દર્શન થયું. જ્યારે પોતાના ભાણેજ હૃદયને એ વિશે વાત કરી ત્યારે હૃદયે આનંદપૂર્વક કહ્યું : ‘મામા, તમે એક બાળકના પિતા થવાના.’ ‘તું તે કેવી વાત કરે છે ?’ નવાઈ પામતાં રામકૃષ્ણ બોલ્યા : ‘બધી સ્ત્રીઓને હું મારી માતા માનું છું. હું વળી દીકરાનો બાપ કઈ રીતે બનું ?’

શ્રીરામકૃષ્ણને બીજું દર્શન થયું : ‘રાખાલના આવવાના થોડા દિવસો પહેલાં, માને મારા ખોળામાં એક બાળક મૂકી કહેતાં સાંભળ્યાં, ‘આ તારો પુત્ર છે.’ હું ધ્રૂજી ઊઠ્યો અને આશ્ચર્ય સાથે મેં માને પૂછ્યું, ‘તું શું કહેવા માગે છે ? મને પણ પુત્ર ?’ જરા મલકીને માએ કહ્યું કે, ‘એ તારો આધ્યાત્મિક પુત્ર થશે.’ એટલે મને શાંતિ થઈ. આ દર્શન પછી ટૂંક સમયમાં જ રાખાલ આવ્યો અને માતાજીની ભેટ તરીકે તરત જ મેં એને ઓળખી કાઢ્યો.’

સને ૧૮૮૧ના મધ્ય ભાગમાં શ્રીરામકૃષ્ણને બીજું દર્શન થયું. ગંગા ઉપર તરતા પૂર્ણ પ્રફુલ્લ કમળ ઉપર બે છોકરાઓને એમણે નાચતા જોયા. એમાંનો એક શ્રીકૃષ્ણ હતો અને માએ પોતાને ખોળે જેને બેસાડ્યો હતો તે બીજો હતો. એ દિવસે, ગંગા પાર કરીને કોન્નગરથી રાખાલ દક્ષિણેશ્વર આવ્યા. પોતાના આધ્યાત્મિક પુત્ર તરીકે ઠાકુરે તરત જ એમને ઓળખી કાઢ્યા.

૧૮૬૩ના જાન્યુઆરીની ૨૧મીને મંગળવારે, રાખાલચંદ્ર ઘોષનો જન્મ સિકરા કુલિંગ્રામમાં થયો હતો. એ નાનું ગામ કોલકાતાને ઈશાન ખૂણે છત્રીસ માઈલ દૂર આવેલું છે. એના પિતા આનંદમોહન ઘોષ સમૃદ્ધ જમીનદાર હતા અને મીઠું-સરસવ વેચીને પણ એ સારું કમાતા હતા. રાખાલની માતા કૈલાસકામિની કૃષ્ણભક્ત હતાં એટલે પોતાના પુત્રનું નામ એમણે રાખાલ પાડ્યું હતું (રાખાલનો અર્થ છે ગોપબાલ-ગોપાલકૃષ્ણનો સખો).

રાખાલની યોગ્ય ઉંમર થતાં આનંદમોહને પોતાના ઘરની પાસે જ એક વિદ્યાલય સ્થાપ્યું અને તેમાં તેમને દાખલ કરાવી દીધા. ત્યાં બાળક રાખાલે પોતાના સુંદર સૌમ્ય ચહેરાથી અને મધુર સ્વભાવથી બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરી લીધા. થોડા દિવસોમાં જ તે વિદ્યાર્થીઓના અગ્રણી બની ગયા. અભ્યાસ વગેરેમાં તેમની બુદ્ધિપ્રતિભા વ્યક્ત થવા લાગી. બાળક રાખાલ સ્વભાવે મિત્રવત્સલ હતા.

નિશાળમાં શિક્ષકો જ્યારે અન્ય વિદ્યાર્થીઓને શિક્ષા કરતા ત્યારે તે સહાનુભૂતિથી દ્રવિત થઈ જતા. એને પરિણામે ધીમે ધીમે તેમના શિક્ષકોના હૃદયમાં પણ કોમળતા જાગ્રત થવા લાગી અને એ લોકોએ મારવાની શિક્ષા કરવી છોડી દીધી. શાળાકીય શિક્ષણ ઉપરાંત અન્ય વિષયોમાં પણ રાખાલને ખૂબ રસ હતો. દાખલા તરીકે રમતગમતમાં એમનો બરોબરીઓ કોઈ ન હતો. તેવી જ રીતે કુસ્તીમાં પણ તેમની સાથે કોઈ હરિફાઈ કરી શકતું નહિ. રમતગમતની વિવિધ સ્પર્ધાઓમાં તેમની અસાધારણ શક્તિ પ્રગટ થતી રહેતી. પિતાની જેમ જ તેમને પણ બાળપણથી જ ફળફૂલના બગીચા તરફ વિશેષ પ્રેમ હતો.

પરંતુ એનાથી એ ન માની લેવું જોઈએ કે રાખાલ સાધારણ બાળકોની જેમ ફક્ત રમવા-ભમવામાં જ મશગૂલ રહેતા હતા. ક્યારેક ક્યારેક તે પોતાના મિત્રોની સાથે ગામની છેવાડે આવેલા કાલી મંદિરની પાસે રહેલા બોધનવૃક્ષ (બિલીવૃક્ષ જેની નીચે શારદીય દુર્ગાપૂજાનું પ્રારંભિક અનુષ્ઠાન ‘બોધન’ કહેવામાં આવે છે.)ની નીચે પોતે બનાવેલી કાલીની મૂર્તિની પૂજામાં મગ્ન રહેતા. વળી એમના પોતાના ઘરે પણ જ્યારે ધામધૂમથી શારદીય દુર્ગાપૂજા થતી ત્યારે તે પૂજામંડપના પુરોહિતની પાછળ બેસીને એ પૂજન જોતાં જોતાં તન્મય બની જતા અને સંધ્યાકાળે થતી માની આરતીને અપલક દૃષ્ટિથી નિહાળતા કોણ જાણે કયા અદૃશ્ય જગતમાં ખોવાઈ જતા. સંગીત પ્રત્યે એમને વિશેષ પ્રીતિ હતી. ઘણી વાર તે પોતાના મિત્રોની સાથે ગામની બહાર નિર્જન સ્થળે જતા અને ત્યાં બધાની સાથે મળીને શ્યામા સંગીત (કાલી માતાનું ભજન) ગાતાં ગાતાં એટલા મગ્ન થઈ જતા કે એમને સ્થળ-કાળનું પણ ભાન રહેતું નહિ. ક્યાંય કોઈ નવું શ્યામા સંગીત સાંભળે, તો તે શીખી લેતા અને વૈષ્ણવ ભિક્ષુકોના મુખે વૃંદાવનના મુરલીધર ગોપાલનાં ભજનો સાંભળતાં સાંભળતાં તે પોતાની સુધ-બુધ ખોઈ બેસતા.

રાખાલનો પાઠશાળાનો અભ્યાસ પૂરો થયો અને ૧૨ વર્ષની ઉંમરે (સને ૧૮૭૫) અંગ્રેજી શિક્ષણ અપાવવા તેમના પિતા તેમને પોતાની સાથે કોલકાતા લાવ્યા. તેમણે ત્યાં વારાણસી-ઘોષ સ્ટ્રીટમાં પોતાની બીજી પત્નીના પિયરમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી.

કોલકાતા આવી રાખાલના પિતાજીએ એમના લગ્ન કરાવ્યાં. મોટા સાળા મનમોહને પહેલેથી જ શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં શરણ મેળવેલું હતું. તેમનાં ધર્મપરાયણા સાસુ શ્રીરામકૃષ્ણનાં અનન્ય ભક્ત હતાં. લગ્ન પછી એક દિવસ કોન્નગરથી કોલકાતા આવતી વખતે સાસરે આવેલા રાખાલને મનમોહન દક્ષિણેશ્વર લઈ ગયા.

રાખાલને જોતાંવેંત ઠાકુર બોલી ઊઠ્યા હતા : ‘કેવું તો અદ્‌ભુત પાત્ર !’ પછી ઠાકુરે પૂછ્યું : ‘તારું નામ શું છે ?’ ઉત્તર મળ્યો : ‘રાખાલચંદ્ર ઘોષ.’ ‘રાખાલ’ નામ સાંભળીને ઠાકુર સમાધિમાં સરી પડ્યા અને ધીમે સ્વરે બોલ્યા : ‘એ નામ ! રાખાલ – વૃંદાવનનો ગોપબાળ !’ સમાધિ ઊતરતાં અને ભાનમાં આવતાં, એ જાણે પોતાનો અંગત જ હોય એમ ઠાકુર વર્તવા લાગ્યા અને આખરે એ બોલ્યા : ‘તું ફરી આવજે.’

આ બાજુ પ્રથમ મિલનમાં જ રાખાલના હૃદયમાં વિદ્યુતના ઝબકારાની જેમ ભાવાવેગનો સંચાર થયો. એમનાં સંપૂર્ણ દેહ-મન-પ્રાણ બધું જ આ મહાપુરુષ પ્રત્યે તીવ્રપણે આકર્ષિત થઈ ગયું.

એમણે મનોમન વિચાર્યું – ‘આ કોણ છે ? આ સૌમ્ય મહાપુરુષ કોણ છે ? એમનાં અનિમેષ નેત્રોમાં જે દિવ્ય માધુર્ય રહેલું છે, તે કંઈ આ લોકનુ ંતો નથી જ. એમની દૃષ્ટિ સમક્ષ જરૂર એ નિત્ય-સત્ય-વસ્તુ હંમેશાં રહેતી જ હશે.’ પાછા ફરતી વખતે આખે રસ્તે રાખાલના કાનોમાં એ મંજુલ સ્વર ગૂંજતો જ રહ્યો – ‘પાછો આવજે.’

પ્રેમઘનમૂર્તિ શ્રીરામકૃષ્ણના અપૂર્વ આકર્ષણને લઈને રાખાલ ફરીથી દક્ષિણેશ્વર જવાનો અવસર શોધવા લાગ્યા. એક દિવસ વિદ્યાલયમાં રજા પડતાં તેઓ દક્ષિણેશ્વર પહોંચી ગયા. શ્રીઠાકુરને મળીને એમને એવું લાગ્યું કે જાણે તેઓ કેટલાય સમયથી તેમની રાહ જોતા હતા. રાખાલના આવતાં જ એમને મીઠો ઠપકો આપતાં કહ્યું : ‘તને અહીં આવતાં આટલો વિલંબ કેમ થયો ?’

રાખાલ, ભલા શું જવાબ આપે ? બંને એક ક્ષણ એકબીજાને જોતા રહ્યા અને પછી દિવ્ય ભાવપ્રદેશમાં પહોંચીને ત્યાં લીલાવિલાસમાં બંને લીન થઈ ગયા. પછી ત્યાં વાણી, ભલા શું કરે ! માતાવિહોણા રાખાલને પ્રેમઘન શ્રીરામકૃષ્ણ માતૃસ્વરૂપે મળ્યા. રાખાલ ભલે દેખાવે યુવાન જેવા લાગતા હતા પણ શ્રીરામકૃષ્ણે તો એમને નાના બાળક તરીકે સ્વીકાર્યા હતા. ત્યારથી રાખાલ મોટે ભાગે દક્ષિણેશ્વર આવવા લાગ્યા. ક્યારેક તેઓ ત્યાં રોકાતા પણ ખરા.

પોતાની દક્ષિણેશ્વરની ૧૮૮૧ની એક મુલાકાત પ્રસંગે રાખાલને એક આધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી. પાછળથી શ્રીરામકૃષ્ણે યાદ કરી કહ્યું હતું :

‘અહીં મારા પગ દબાવતી વેળા રાખાલને પ્રથમ ધર્માનુભૂતિ થઈ હતી. આ ઓરડામાં એક ભાગવત પંડિત ભાગવતની ખૂબીઓ સમજાવતા હતા. એને સાંભળતો રાખાલ અવારનવાર કંપન અનુભવતો હતો. પછી એ સાવ શાંત બની ગયો. બલરામ બાબુને ઘેર એને બીજો સમાધિ અનુભવ થયો હતો. એ દશામાં પોતાની જાતને એ ટટ્ટાર રાખી શક્યો નહીં અને ભોંય પર ચાોપાટ પડ્યો. રાખાલ વ્યક્ત બ્રહ્મનું માણસ છે. કોઈ અવ્યક્તની વાત કરે તો એ ત્યાંથી ચાલી જાય છે.’

આ બાળક રાખાલે મોટા થઈ સંન્યાસ ગ્રહણ કર્યો અને એમને સ્વામી બ્રહ્માનંદ નામ મળ્યું. શ્રીરામકૃષ્ણદેવના આ અતિપ્રિય શિષ્ય સમય જતાં શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ બન્યા. એમના ગભીર આધ્યાત્મિક વ્યક્તિત્વના સંપર્કમાં આવી અનેક નરનારીઓએ ધાર્મિક વિકાસ સાધ્યો હતો.

Total Views: 383

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.