સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા – સં.
પિતા ગુરુ તેગબહાદુર અને માતા ગુજરીજીના પુત્ર ગુરુ ગોવિંદસિંહજી બાળપણમાં પિતા પાસેથી રામાયણ, મહાભારત જેવા ગં્રથો અને વીરતા, બહાદુરીની વાર્તા સાંભળ્યા કરતા.
બાળપણમાં જ ધર્મ અને શૌર્યના સંસ્કાર માતપિતાએ એનામાં રેડી દીધા હતા. વળી બાળક ગોવિંદસિંહ શાસ્ત્ર તો જાણતા હતા પણ શસ્ત્ર સાથે પણ એમને જબરો પ્રેમ હતો. આ રીતે જોઈએ તો એનામાં મા શારદા અને શક્તિ બન્ને જેવા મળતાં હતાં.
માતાના મુખેથી ગુરુનાનક અને અર્જુનદેવ જેવા ગુરુઓની મહાન જીવનગાથા સાંભળીને તેઓ રોમાંચિત બની જતા. માને મુખેથી ગુરુ અર્જુનદેવની બલિદાન ગાથા બાળક ગોવિંદસિંહ સાંભળતા અને ક્યારેક તો એ સાંભળીને વીરની જેમ ઉત્તેજિત થઈને હાથમાં મ્યાન વિનાની તલવાર લઈને ધર્મનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા પણ લેતા.
માતાના દાદા હરગોવિંદસિંહની વાતો સાંભળીને એમનું મન શ્રદ્ધાથી ભરાઈ જતું. માતાએ પુત્રને વીરોચિત સ્વભાવ અને સદાચારપૂર્ણ બનાવવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો હતો.
એ જમાનામાં કાશ્મીરના ધર્મજ્ઞ અને શાસ્ત્રજ્ઞ પંડિતો પર અત્યાચારો શરૂ થયા. ત્યાંના શિષ્યો ગુરુ તેગબહાદુરને મળ્યા અને ધર્મરક્ષા કરવા માગણી કરી. તેગબહાદુરે કહ્યું કે આ કાર્ય એક પવિત્ર આત્માનું બલિદાન માગે છે.
તે વખતે નવ વર્ષના બાળક ગોવિંદસિંહે કહ્યું, ‘પિતાજી, આજે ભારતમાં આપનાથી વધારે પવિત્ર આત્મા બીજો કોણ હોઈ શકે ! અયોધ્યા, મથુરા, કાશી, અમૃતસર જેવાં પવિત્ર ધાર્મિક સ્થળોને આપના બલિદાનની અપેક્ષા છે.’
નવ વર્ષના આ બાળકના શબ્દો સાંભળીને તેગબહાદુર પુત્રને ભેટી પડ્યા. આ નાના બાળકને શીખોના ગુરુની જવાબદારી સોંપીને ૫૦૦ શિષ્યો સાથે તેગબહાદુર દિલ્હી તરફ રવાના થયા. ‘સિર દિયા, પર સાર ન દિયા’ની અસાધારણ ઘટનાએ શીખો અને ભારતના ઇતિહાસને ગૌરવપૂર્ણ બનાવી દીધો. તેગબહાદુરના બલિદાન પછી બાળક ગોવિંદસિંહે શીખોની રગેરગમાં વીરતાનો મંત્ર ફૂંકી દીધો.
Your Content Goes Here