એ.આર. કે. શર્માના અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda & Success of Students’ માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
કારગીલમાં પોતાની અંતિમ પર્વત ટેકરીને પાકિસ્તાનના કબજામાંથી જીતી લેવાના સંઘર્ષમાં આપણી સેનાના અનેક બહાદુર જવાનોએ પોતાના પ્રાણોની કુરબાની કરી દીધી. બહાદુર કેપ્ટન વિજયંત થાપરે લખેલ અંતિમ પત્ર આપણને એ વાતનો અવસર આપે છે કે આપણે એ બહાદુર આત્માના અંત :કરણમાં એક ડોકિયું કરી શકીએ અને એની ભાવનાઓ, અહેસાસ અને લાગણીઓને સમજી શકીએ. કેપ્ટન વિજયંત ૨૨ વર્ષની ઉંમરે કારગીલ યુદ્ધમાં દેશનું રક્ષણ કરતાં કરતાં શહીદ થયા. તોલોલીંગ પર્વતીય પ્રદેશ પર સફળતાપૂર્વક કબજો કર્યા પછી એમણે પોતાનાં માતા સાથે વી-સેટ ટેલિફોન પર વાત કરતાં ગર્વપૂર્વક આ શબ્દો ઉચ્ચાર્યા હતા, ‘મા, અમે તોલોલીંગ પર કબજો મેળવી લીધો છે.’ ત્યાર પછી એમની ટીમને થ્રી પિમ્પલ્સ, ધ નોલ તથા લોનના પર્વતીય ક્ષેત્રો પર કબજો મેળવવાનું કાર્ય સોંપાયું.
વિજયંતની પલટને પૂર્ણિમાની રાત્રે એક સાંકડા પહાડી રસ્તેથી આગળ વધીને આ આક્રમણ કરવાનું હતું. અહીં છુપાવા માટે કોઈ સાધન ન હતું. દુશ્મન દળ તરફથી બંદૂક અને તોપો દ્વારા લગાતાર સતત અને સીધી ગોળાબારી થતી હતી. એમના કેટલાક પ્રિય સાથી આ અભિયાનમાં માર્યા ગયા. વળી કેટલાક ઘાયલ પણ થયા. એને લીધે આ આક્રમણમાં અડચણ આવી. પરંતુ પોતાની અજયભાવના તથા નોલ પર કબજો મેળવવાની પ્રબળ ઇચ્છાની શક્તિથી એમણે બાકી બચેલા સાથીઓને એકઠા કર્યા અને એકંદ્રાના માર્ગે આગળ વધીને એમણે દુશ્મનોનો સામનો કર્યો. આ આક્રમણનો રાતના ૮ વાગ્યે ધમાકેદાર ગોળી છૂટવા સાથે પ્રારંભ થયો. ૧૨૦ બંદૂકોમાંથી ગોળીઓ વરસી રહી હતી અને આકાશમાં રોકેટ જાણે કે અગ્નિ વરસાવતાં હતાં. ભારતીય તથા પાકિસ્તાની બન્ને સૈન્ય તરફના સૈનિકો દ્વારા તોપના ગોળાથી પૂરેપૂરું ક્ષેત્ર ઘેરાઈ ગયું હતું. વચ્ચે વચ્ચે ઘાતક મશીનગનથી પણ ગોળીઓની વણઝાર છૂટતી. કેપ્ટન વિજયંત થાપરની ટીમ આક્રમણનું નેતૃત્વ કરી રહી હતી. પોતાના કંપની કમાંડર મેજર પી. આચાર્યના મોતના સમાચાર સાંભળીને કેપ્ટન વિજયંતના ગુસ્સાનો પાર ન રહ્યો. તેઓ પોતાના સાથીનાયક તિલ્લકની સાથે ઝડપથી આગળ વધ્યા. બન્ને મળીને પોતાનાથી માત્ર ૧૫ મિટર દૂર રહેલ દુશ્મનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. દુશ્મનની મશીનગનો દ્વારા તેમના તરફ ફાયરિંગ થઈ રહ્યું હતું. લગભગ દોઢેક કલાક ગોળીઓ અને ગોળાઓનો વરસાદ વરસતો રહ્યો. ત્યાર પછી કેપ્ટન વિજયંતે નિર્ણય કર્યો કે હવે દુશ્મનનો ખાતમો કરવો છે. જ્યારે તેઓ આવો ખાતમો બોલાવવા આગળ વધ્યા ત્યારે દુશ્મનની કેટલીયે ગોળીઓ તેમના માથામાં લાગી અને તેઓ પોતાના સાથી નાયક તિલ્લકસિંહના ખોળામાં પડી ગયા.
અંતિમ આક્રમણ પહેલાં થોડા સમય પૂર્વે કેપ્ટન વિજયંતે પોતાના પરિવારને એક અંતિમ પત્ર લખ્યો હતો. કે જેના માધ્યમથી આપણે એક બહાદુર આત્માના અંત :કરણમાં ડોકિયું કરી શકીએ એવી એક ખુલ્લી બારી જેવો છે.
મારા પરિવાર માટે :
આદરણીય પાપા, મમ્મા, બિર્દી અને ગ્રેમી,
૧. જે સમયે મારો આ પત્ર મળશે ત્યાં સુધીમાં સ્વર્ગમાં અપ્સરાઓનાં આતિથ્યનો આનંદ લેતાં લેતાં ત્યાંથી હું આપને જોતો હોઈશ.
૨. મને એ બાબતનો કોઈ પસ્તાવો થતો નથી કે જો વાસ્તવમાં મને ફરીથી માનવજન્મ મળે તો હું ફરીથી સૈન્યમાં જોડાઈને પોતાના દેશ માટે યુદ્ધ કરીશ.
૩. જો આપના માટે સંભવ બને તો ક્યા સ્થાને ભારતીય સેના આપની ઊજળી આવતીકાલ માટે યુદ્ધ કરી રહી છે, એ સ્થાન પર જઈને જોજો, એવી મારી વિનંતી છે.
૪. જ્યાં સુધી (અમારા આ) યુનિટને લાગે વળગે છે ત્યાં સુધી નવા આવનારા લોકોને તેના બલિદાન વિશે બતાવવું જોઈએ. મને એવી આશા છે કે મારી છબી ‘અ’ કંપની મંદિરમાં કરણી માતા પાસે રાખવામાં આવે.
૫. મારું જે કોઈ પણ અંગ લઈ શકાય તે લેવું.
૬. કેટલુંક ભંડોળ અનાથ આશ્રમમાં દાનમાં દેવું. રુકસાનાને દર મહિને રૂપિયા ૫૦ આપવા અને યોગી બાબાને પણ મળી લેવું.
૭. બિર્દીને હાર્દિક શુભકામનાઓ. એ લોકોના આ બલિદાનને ક્યારેય ન ભૂલતા. પાપા, તમારે તો ગર્વ અનુભવવો જોઈએ અને મમ્મા તમારે પણ. એને મળી લેજો (હું એને ચાહું છું). મામાજી, મેં કંઈ ખોટું કર્યું હોય એને માટે ક્ષમા કરજો.
વારુ, હવે સમય થઈ ગયો છે કે હું ડર્ટી ડઝનમાં સામેલ થઈ જાઉં. અમારા આક્રમણ દળમાં ૧૨ લોકો છે.
આપ સૌને મારી શુભકામનાઓ; પ્રેમ અને શાનથી જીઓ.
આપનો
વિજયંત થાપર
Your Content Goes Here