કાશીની અદાલતમાં એક પારસી મેજિસ્ટ્રેટની સામે સોળ વર્ષનો તરુણ ઊભો છે. સુંદર સોહામણું શરીર અને પ્રભાવક ચહેરો ! મેજિસ્ટ્રેટ પૂછે છે :
‘બોલ, તારું નામ શું ?’
તરુણે નિર્ભયતાપૂર્વક કહ્યું, ‘આઝાદ’
‘અને તારા પિતાનું નામ ?’
ગર્વભેર જવાબ મળ્યો, ‘સ્વતંત્ર !’
મેજિસ્ટ્રેટે ત્રીજો સવાલ પૂછ્યો,‘અને રહેઠાણ ?’
યુવકે જવાબ આપ્યો, ‘મારું ઘર છે જેલખાનું !’
આ સાંભળીને મેજિસ્ટ્રેટ અત્યંત ક્રોધિત થઈ ગયા. એને થયંુ કે ઊગતો જુવાન અને આટલો બધો મિજાજ!
એનું ઘમંડ ઉતારવા પંદર ચાબખાની સજા ફટકારી. જેલર ગંડાસિંહે પૂરેપૂરી ક્રૂરતાથી ચાબખા ફટકાર્યા. પણ યુવકનું રુંવાડું પણ ન ફરકયું. ફટકા સાથે લોહીના ટશિયા વહે અને ચંદ્રશેખરના મુખેથી ‘બોલો! ભારતમાતાકી જય !’, ‘વંદે માતરમ્’, ‘ગાંધીજીનો જય હો !’ શરીરની ચામડી ઉતરડાઈ ગઈ. લોહી ટપકવા માંડ્યું. દરવાજાની બહાર નીકળ્યા ત્યારે લોકો બોલી ઊઠ્યા, ‘વાહ ! નવજવાન વાહ ! તું સાચે જ આઝાદ છે !’ અને ત્યારથી તેને ‘આઝાદ’નું બિરુદ મળ્યું.
એના બાળપણની એક આ ઘટના છે :
પોતાનું સંતાન મોટું થઈને કેવું બને, એનાં લક્ષણો માબાપને પોતાના બાળકમાં નાનપણથી જ દેખાતાં હોય છે. ચંદ્રશેખર એક નિર્ભય અને નીડર બનશે એનો અણસાર તેમનાં માબાપને ચંદ્રશેખરના બચપણના પ્રસંગોમાંથી મળતોે.
એક વાર દિવાળીના તહેવારો હતા. ચારે તરફ પ્રકાશ અને પ્રસન્નતાનું વાતાવરણ હતું. નાનાં નાનાં ભૂલકાં ફૂલઝડીઓ લઈને સળગાવતાં સળગાવતાં શોર મચાવતાં હતાં. થોડીકવારમાં એક ફૂલઝડી બુજાઈ જાય એટલે એમનો ઉત્સાહ ઓસરી જતો અને ચહેરા પર ઉદાસીનતા છવાઈ જતી. એટલામાં બાળક ચંદ્રશેખરના મનમાં વિચાર આવ્યો, ‘એકાદ ફૂલઝડીને બદલે ફૂલઝડીઓનો આખો થોકડો એકીસાથે સળગાવીએ તો કેવું ?’ અને એણે દસબાર ફૂલઝડીઓ એક સામટી સળગાવી. રંગીન પ્રકાશથી આકાશ ઝગમગી ઊઠ્યું ! બાળવૃંદ આનંદ અને ખુશીથી ઘેલું બનીને નાચવા લાગ્યું. એવામાં એક બાળકે ચીસ પાડી, ‘અરે, દોડો ! ચંદ્રશેખરનો હાથ દાઝી રહ્યો છે, દોડો !’
નાનાં મોટાં સૌ દોડી આવ્યાં ! કોઈએ કહ્યું, ‘હકીમની પાસે લઈ જાઓ !’ વળી બીજાએ કહ્યું, ‘વૈદ્યને બોલાવો !’ પણ ચંદ્રશેખર જરાય ગભરાયો નહીં ! એણે હસતાં હસતાં કહ્યું, ‘ખાલી શોરબકોર શું કામ કરો છો ? શરીર છે તો એ દાઝે પણ ખરું અને દાઝવાથી પડેલા ફોલ્લા રુઝાઈ પણ જાય !’
બાળ ચંદ્રશેખરની સહનતા અને ખુમારી જોઈને સહુ ચકિત થઈ ગયાં.
Your Content Goes Here