ગોપાલકૃષ્ણ ગોખલે નાના હતા ત્યારે એક શાળાની અંદર અભ્યાસ કરતા હતા. એકવાર એમના શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને ઘેરથી થોડા દાખલા ગણી લાવવા આપ્યા. ગોખલે ઘેર આવ્યા. એમનો એક મિત્ર હતો; એ મિત્રની મદદ લઈને ગોખલેએ દાખલા ગણ્યા.

બીજે દિવસે તે શાળામાં આવ્યા. શિક્ષકે બધાના દાખલા તપાસ્યા. ગોખલેના બધા જ દાખલા ખરા પડ્યા. શિક્ષક ખુશ થયા. એમણે ગોખલેને ઇનામ આપવા માંડ્યું. ગોખલે પોતાની જગાએથી ઊભા થયા. શિક્ષક તરફ તેમણે થોડાં પગલાં ભર્યાં, પણ એવામાં કશીક વસ્તુ યાદ આવતાં તેઓ ત્યાં જ ઊભા રહી ગયા. વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમના તરફ જોઈ જ રહ્યા.

ગોખલેના મુખ પર એક જાતનું દુ :ખ છવાયું. આંખોમાંથી ટપક ટપક આંસુ ટપકવા લાગ્યાં. શિક્ષક આ જોઈને તાજુબ બન્યા.

એમણે ગોખલેને પૂછ્યું : ‘તને તો ઇનામ મળે છે. આ પ્રસંગે તો તારે આનંદ પામવાનું હોય. આમ રડાય નહિ. મને કહે તો ખરો કે હસવાને બદલે રડે છે શા માટે ?’

ગોખલેએ જવાબ આપ્યો : ‘એ ઇનામ લેવા હું અધિકારી નથી.’

‘તારો જ અધિકાર છે. તારા બધા દાખલા સાચા છે. તું પહેલા નંબરે આવે છે એટલે તું એ ઇનામને પાત્ર ઠરે છે.’

ગોખલેએ કહ્યું : ‘સાહેબ, દાખલા સાચા છે, પણ ખરી વાત એ છે કે, એમાં મેં મારા એક મિત્રની મદદ લીધી છે. મેં જાતે ગણ્યા નથી.’

શિક્ષક અને વિદ્યાર્થીઓ આ સાંભળી જ રહ્યા.

ગોખલેની આ સચ્ચાઈ જોઈને શિક્ષક પણ મનોમન બોલી રહ્યા : ‘જ્યાં સુધી આવાં બાળકો ભારતમાં વસે છે, ત્યાં સુધી ભારતની સંસ્કૃતિની પ્રણાલીને ઊની આંચ પણ નહિ આવે.

Total Views: 142
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram