વિમાન ઉડ્ડયનની ઉત્કટ ઇચ્છાએ ‘ઍર ઈન્ડિયા’નું નિર્માણ કર્યું
એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda & Success of Students’ માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
બાળપણથી જ જે.આર.ડી. ટાટાને વિમાનમાં ઉડ્ડયન કરવાની ઉત્કટ ઇચ્છા હતી. પાયલટ બનવાનું એમનું સ્વપ્નું હતું. ભારતમાં નવી ફ્લાઇંગ ક્લબ ખૂલ્યાના બાર દિવસમાં જ એમણે ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટનો ઉડ્ડયનનો અનુભવ કર્યો હતો. એમણે વિમાન ઉડ્ડયન માટે ‘એ’ લાયસન્સ મેળવ્યું હતું. જે.આર.ડી. ટાટાને માત્ર પાયલટના લાયસન્સથી સંતોષ ન થયોે. એમણે પોતાના ઈન્સ્ટ્રક્ટર કુમિંગ્સ પાસેથી એરોબેટિક્સ (વિમાન કૌશલ્ય) શીખવાનું શરૂ કર્યું. કુમિંગ્સ પાસે પૂરતો સમય ન હતો એટલે એમણે થોડાં સૂચનો સાથે કહ્યું, ‘બીજું કંઈ પણ કરો એ પહેલાં વધુ ઊંચે વિમાનને લઈ જાઓ.’ જે.આર.ડી. ટાટા એરોબેટિક્સ વિશે બધું જ પોતાની જાતે શીખ્યા.
૧૯૨૯માં સર આગાખાને ‘ઇન્ડિયા-ઇંગ્લૅન્ડ પ્રાઇઝ’ નામની પડકારરૂપ સ્પર્ધાની ઘોષણા કરી. આ સ્પર્ધામાં કોઈ પણ ભારતીય પાયલટ ભાગ લઈ શકે, એ આ સ્પર્ધાની શરત હતી. આ ઉડ્ડયનયાત્રા એકલાએ જ કરવાની હતી અને શરૂ થયાની તારીખથી છ અઠવાડિયાંની અંદર એ પૂર્ણ થવી જોઈએ. જે.આર.ડી. ટાટાએ આ સ્પર્ધામાં ભાગ લીધો. આ એકાકી વિમાનયાત્રામાં કંપાસ-દિશાસૂચક યંત્રની ખામી જણાવા લાગી, પરંતુ કંપાસની નિષ્ફળતા અને ખામી હોવા છતાં, ચતુર જે.આર.ડી. એમના નેવિગેશન-દિશાનિયંત્રણને પોતાની રીતે અંકુશમાં રાખી શક્યા.
અંગ્રેજ મિત્ર નેવીલ વિન્સેન્ટની સાથે મળીને જે.આર.ડી.એ ૧૯૩૨માં ટાટા ઍરલાઇન્સ શરૂ કરી હતી. ૧૯૪૬માં દેશના પ્રત્યેક ત્રણ પ્રવાસીમાંથી એકને ટાટા ઍરલાઈન્સ લઈ જતી હતી. ભારતની સ્વતંત્રતા પછી સરકાર અને ટાટા વચ્ચેના સંયુક્ત સાહસ રૂપે ઍર ઇન્ડિયાની રચના કરવા માટે ભારત સરકાર સહમત થઈ. આપણો દૂરંદેશી અભિગમ અને ઉત્કટ ઇચ્છાનો સુમેળ સધાય તોે ભવ્ય સફળતા અનિવાર્યપણે મળશે, એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે – જે.આર.ડી. ટાટાનું જીવન.
Your Content Goes Here