મૂલ્યલક્ષી શિક્ષણ પ્રકલ્પના પુસ્તક ‘અરુણોદય’માંથી સંકલન. – સં.

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ.

આ અમરગીતના લેખક અને પ્રખર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ કે જેમણે અંગ્રેજ સલ્તનતનું સિંહાસન હચમચાવી નાખ્યું, તેમને ફાંસી આપવાનો હુકમ થઈ ચૂક્યો હતો. આગલા દિવસે આખરી મુલાકાત માટે ગોરખપુરની જેલમાં કેદી રામપ્રસાદને મળવા તેમનાં માતાજી આવ્યાં. માતા પોતાના વીર અને લોખંડી તાકાત ધરાવતા પુત્રને ઓળખતી હતી, જેણે શક્તિશાળી અને નિર્દય બ્રિટિશ સરકારને નાકે દમ લાવી દીધો હતો. રામપ્રસાદની સાથે અનેક દેશપ્રેમી યુવાનો ગુલામ રહેવાને બદલે લડતાં લડતાં ખપી જવા તત્પર હતા. આવતી કાલે પુત્રને ફાંસી આપવાની હતી એટલે આજે તે છેલ્લી વખત પુત્રને મળવા આવી હતી. માતા અને પુત્ર એકમેકને જોઈ રહ્યાં. અંગ્રેજોના અત્યાચારો સહીને રામપ્રસાદની સુકાઈ ગયેલી આંખો અને પોલાદી હૃદય માતાને જોઈ કાબૂમાં ન રહ્યાં અને આંસુઓની ધાર પુત્રની આંખમાંથી વહેવા લાગી. રામપ્રસાદ પોતાનું બચપણ, માનાં હાલરડાં અને તેનો પ્રેમાળ ખોળો યાદ કરતાં કરતાં રોતા રહ્યા. પરંતુ મા… ? અચળ અને તટસ્થ ભાવથી પોતાના પુત્રને જોઈ રહી. તેની આંખમાં આંસુ નહીં પણ અંગારા હતા.

ગરમ સીસું કાનમાં રેડાય તેમ માના શબ્દો પુત્રના કાનમાં ઘૂસ્યા :

 

‘તું.. તું રડી રહ્યો છે ? તેં આજે મારા વરસોના વિશ્વાસને દગો કર્યો છે. મોતનો આટલો ડર ? અને જિંદગીને આટલો પ્રેમ કરતો હતો તો આ માર્ગે પગ નહોતા માંડવા. હું વર્ષોથી એમ સમજતી રહી કે મારો દીકરો સાચો ક્રાંતિકારી અને દેશભક્ત છે. વર્ષો સુધી મારા મનમાં એ ભ્રમ રહ્યો કે મારો પુત્ર એટલો નીડર અને સાહસિક છે કે અંગ્રેજોને કંપાવવા માટે માત્ર તેનું નામ જ કાફી છે, પણ મને ખબર નહોતી કે મારો પુત્ર આટલો કાયર નીકળશે… ધિક્કાર છે તારા ઉપર…’

આટલું બોલી જ્યાં મા જવા માંડી ત્યાં પુત્રની ગંભીર વાણી તેના કાને પડી :

‘ના… મા, તેં મને ખોટો સમજ્યો છે. તારો પુત્ર મોતથી નથી ડરતો. આ તો માના પ્રેમ માટેનાં આંસુ છે. છેલ્લીવાર મારી સામે હસી લે.’

સાંભળીને માના હોઠ ઉપર અનાયાસ જ ગર્વભર્યું મંદ હાસ્ય આવી ગયું. અમર શહીદ રામપ્રસાદ બિસ્મિલનું શરીર લોખંડી હતું પણ મન પુષ્પ જેવું કોમળ હતું. ભારતની સ્વતંત્રતાની તમન્ના દિલમાં લઈ હસતાં હસતાં તેઓ ફાંસીને માંચડે ચડી ગયા.

Total Views: 145
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram