ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જયારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ ! જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે છે, ‘ભાગી જાઓ’ તેઓ પણ નારાયણ છે, તો તેમની વાત કેમ ન સાંભળવી ? ‘એક વાત સાંભળો. એક જંગલમાં એક સાધુ રહેતો હતો. તેને અનેક શિષ્યો. તેણે એક દિવસે શિષ્યોને ઉપદેશ આપ્યો કે સર્વભૂતમાં નારાયણ છે, એમ જાણીને સૌને નમસ્કાર કરવા. એક દિવસ એક શિષ્ય હોમ માટે લાકડાં વીણવા જંગલમાં ગયો. એ લાકડાં વીણતો હતો એટલામાં બૂમ સંભળાઈ કે ‘જે કોઈ રસ્તામાં હો તે નાસી જજો, એક ગાંડો હાથી આવે છે !’ આજુબાજુમાંથી બધા નાસી ગયા, પણ શિષ્ય નહીં ! તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ છે, તો પછી નાસવું શા માટે ? એમ વિચારીને તે ઊભો રહ્યો; અને નમસ્કાર વગેરે કરીને સ્તુતિ કરવા લાગ્યો. આ બાજુ મહાવત ઉપરથી બૂમો પાડી રહ્યાો છે કે ‘ભાગી જાઓ, ભાગી જાઓ !’ તોય શિષ્ય હઠ્યો નહિ. છેવટે હાથી તેને સૂંઢમાં પકડી એક બાજુ ફેંકી દઈને ચાલ્યો ગયો. શિષ્ય લોહીલુહાણ અને બેભાન થઈને પડ્યો રહ્યાો.

આ ખબર આશ્રમમાં પહોંચતાં ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા અને સારવાર કરવા લાગ્યા. થોડીવારે તેને ભાન આવ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યું : ‘હાથી આવે છે તે સાંભળવા છતાં તમે નાસી ગયા નહિ?’ તે બોલ્યો, ‘ગુરુદેવે કહ્યું છે કે નારાયણ જ માણસ, જીવ, જંતુ, બધું થઈ રહેલા છે. એટલે હાથી-નારાયણને આવતા દેખીને હું ત્યાંથી ખસ્યો નહિ.’ ત્યારે ગુરુએ કહ્યું, ‘બાપુ, હાથી-નારાયણ આવતા હતા એ ખરું, એ સત્ય; પણ મહાવત-નારાયણે તો નાસી જવાનું કહ્યાું હતું ને? જો બધાંય નારાયણ છે તો પછી તેનું કહેવું કેમ સાંભળ્યું નહિ? મહાવત-નારાયણનું પણ સાંભળવું જોઈએ ને ?’

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.