ગામડામાં ઊછરેલા મલ્લીમસ્તાન બાબુને અવારનવાર નજીકની પર્વતમાળાનાં જંગલોમાં રમવાનું ગમતું. સાત વર્ષની ઉંમરે એક વખત તેઓ લાકડાંની શોધમાં પર્વતની ટેકરીઓ પર ગયા અને મિત્રોથી અલગ પડી ગયા. ટેકરીની ટોચને જોઈને તે ટોચ ઉપર ચડવાનો રસ્તો મેળવવા ઇચ્છતા હતા. થોડોક સમય મથામણ કર્યા પછી તે પર્વતારોહણનો પ્રથમ બોધપાઠ શીખ્યા અને તે હતો – પર્વતની ટોચ ખરેખર હોય તેના કરતાં વધારે નજીક દેખાય છે.
છઠ્ઠા ધોરણમાં તેઓ આંધ્રપ્રદેશની સૈનિક શાળામાં જોડાયા. અહીં તેઓ પર્વતારોહકના સંપર્કમાં આવ્યા અને એમની સાહસભાવના પ્રત્યે આકર્ષાયા. સાતમા ધોરણમાં હતા ત્યારે લશ્કરના પર્વતારોહક અને પોતાની શાળાના વરિષ્ઠ એવા લેફ્્ટનન્ટ ઉદયભાષ્કર રાવે પોતાની જિંદગી માઉન્ટ એવરેસ્ટના આરોહણમાં ગુમાવી. મલ્લી શાળામાં ઉદયભાષ્કરનું સ્ટેચ્યૂ જોઈને આશ્ચર્યમાં પડી જતા. વળી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરવાની તેમના મનમાં ઇચ્છા થતી.
સૈનિકશાળાના વિદ્યાર્થી તરીકે અને પછી ઈજનેરી શાખાના અભ્યાસ વખતે તેમણે એન.સી.સી. અને રમતગમતની પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લીધો. તેમણે પર્વતારોહણ વિશેનાં ઘણાં પુસ્તકો વાંચી લીધાં. તેમણે હિમાલયનાં નાનાં નાનાં શિખરોનું આરોહણ કરીને પોતાનો પ્રયાસ ચાલુ રાખ્યો. ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં તેમણે પર્વતારોહણ અને પ્રવાસો કરીને તેમણે ભારતીય અને વિશ્વકક્ષાએ આરોહણના ક્ષેત્રમાં ઘણા નવા રેકોર્ડ સ્થાપ્યા. સાતે ખંડનાં સર્વોચ્ચ શિખરોનું આરોહણ ૧૭૨ દિવસમાં કરીને તેમણે એક રેકોર્ડ સ્થાપ્યો છે.
Your Content Goes Here