હું શું બની શકું ? માંથી – સં.

સર વિલિયમ આૅસ્લર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકો માંહેના એક ચિકિત્સક હતા. વિદ્યાર્થી અવસ્થામાં ચિંતાઓ, માનસિક તાણ એમને સતત સતાવતાં રહેતાં. જ્યારે તેઓ મોન્ટ્રિયલની જનરલ હાૅસ્પિટલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને પોતાના ભાવિના ચિંતાભર્યા વિચારોથી જન્મેલી અત્યંત ઘેરી હતાશાએ ઘેરી લીધા હતા. ચિંતા, શંકાકુશંકા અને ભાવિની અચોક્કસતાએ એમને ચારે બાજુએથી મૂંઝવી દીધા હતા.

અંતિમ વર્ષની પરીક્ષા માટે મસમોટા ગ્રંથોનું વાચન-મનન તેમને વિક્ષુબ્ધ કરી મૂકતું. એ વર્ષે આ બધા અભ્યાસક્રમને પહોંચી વળશે કે કેમ એ વિશે તેમના મનમાં સંશય હતો. આ બધી અસંખ્ય વિગતો અને તેના પરીક્ષામાં આલેખનના મૂંઝવતા મુશ્કેલ કાર્યને નજર સમક્ષ રાખતાં તેઓ પોતાને એ માટે અસમર્થ ગણતા હતા. પરીક્ષામાં ઉત્તીર્ણ તો થઈ ગયા પણ હવે કામધંધો મેળવવાની સમસ્યા એમની સામે આવી. શું તેમણે સ્વતંત્ર ચિકિત્સા વ્યવસાયમાં પડવું જોઈએ ? એમાં તો ઘણી મોટી મૂડીનું રોકાણ કરવું પડે અને વળી પાછું એ ચાલે કે નહિ એ વાત તો હરિના હાથમાં !

આકસ્મિક રીતે એમની નજરે પડેલા વિશ્વના મહાન ચિંતક કાર્લાઈલના એકમાત્ર વિધાને એમના જીવનની અદ્‌ભુત કાયાપલટ કરી નાખી: ‘આપણી સમક્ષ સ્પષ્ટ દેખાતા અને જણાતા કાર્યમાં મંડી પડવું એ આપણા જીવનનું મુખ્ય ધ્યેય અને કાર્ય છે, નહિ કે દૂરસુદૂર પડેલા ઝાંખા અંધકારમય ભાવિને જોયા કરવાનું.’ આ કથને એમને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢ્યા. આ કથનમાંથી આવશ્યક પ્રેરણાની અમરજ્યોત એમના હૃદયમાં ઝળહળી ઊઠી. આ રીતે તેઓ સામાન્ય ક્ષુદ્ર માનવમાંથી મહામાનવ બની ગયા. એમણે પોતાની જાતને એક વીરને છાજે તેવાં કાર્યો કરવા માટે નવો ઘાટ આપ્યો. કાર્લાઈલનું આ કથન એમના જીવનવિજયમાં એક જાદુઈ ચમત્કારિક સૂત્ર બની ગયું.

પોતાના જીવનકાળમાં એમણે સુખ્યાત જ્હાૅન હાૅપકિન્સ ઈન્સ્ટિટ્યૂટને તેના સાર્વત્રિક વિકાસ સાથે વિશ્વમાં અગ્રગણ્ય સ્થાને મૂકી દીધું. એમને ચાર ચાર વિશ્વવિદ્યાલયોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કરવાનાં સદ્ભાગ્ય અને સન્માન સાંપડ્યાં હતાં. તેઓ આૅક્્સફર્ડ વિશ્વવિદ્યાલયના મૅડિસિન શાખાના પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન યશસ્વી સેવાઓ આપીને નિવૃત્ત થયા. બ્રિટિશ સરકારે એમને અનેક ચંદ્રકો અને માન-અકરામોથી નવાજ્યા હતા. એક વખત યૅલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું: ‘આૅક્્સફર્ડ જેવી યુનિવર્સિટીના સુખ્યાત અને વિલક્ષણ પ્રતિભાવાળા પ્રાધ્યાપક અને લેખક તરીકેની મારી ખ્યાતિ તમારામાંથી કેટલાંકને એમ માનવા પ્રેરશે કે હું એક જન્મજાત પ્રતિભાસંપન્ન, વિલક્ષણ માનવ છું. પણ એ વાત સાચી નથી. મારા નજીકના મિત્રો જાણે છે કે પ્રતિભાશક્તિનાં ક્ષેત્રોમાં હું કેટલો સામાન્ય પ્રતિભાવાળો માનવ છું !’

Total Views: 118
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram