‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. – સં.
પુણેને નજીક આણંદીમાં કુકમા બાઈ રહેતાં હતાં. એક દિવસ તેઓ ભક્તિભાવથી વટવૃક્ષની પ્રદક્ષિણા કરતાં હતાં. એ સમયે એક સંત પસાર થયા. કુકમા બાઈ તરફ જોઈને તેઓ ઊભા રહ્યા. તેમણે મનમાં વિચાર્યું કે આ બહેન સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી વટવૃક્ષની પ્રદક્ષિણા કરતાં હોય તેવું લાગે છે. એવામાં કુકમા બાઈની નજર સાધુસંતની પર પડી. તેને થયું કે અરે, આ તો સાધુ પુરુષ છે. ચાલો એમને પ્રણામ કરી આવું. કુકમા બાઈ સાધુ પાસે આવ્યાં, પ્રણામ કર્યા. સાધુએ કુકમાબાઈની ભક્તિ જોઈને કહ્યું, ‘દીર્ઘાયુ બનજે, પુત્રવતી બનજે.’ કુકમાબાઈને તો આ અમીવચન સાંભળીને હસવું આવ્યું. એટલે સાધુએ પૂછ્યું, ‘અરે બહેન, તમે હસો છો કેમ ?’
કુકમાબાઈએ કહ્યું, ‘મહારાજ, આપ તો મહાન સંત છો. તમારી વાણી અફળ ન જ જાય. પરંતુ મારા પતિ ઘરબાર છોડીને ચાલ્યા ગયા છે. તેઓ કાશીમાં તેમનાં માતપિતાનાં અસ્થિ ગંગામાં પધરાવવા ગયા છે અને ત્યાં તેમણે એક સંત પાસેથી સંન્યાસ દીક્ષા લઈ લીધી છે અને સંસારત્યાગ કર્યો છે. તેને વર્ષો વીતી ગયાં. તો હવે સંતાનપ્રાપ્તિની વાત જ ક્યાં રહી, મહારાજ.’ હવે વાત એમ હતી કે આ સંતે જ એમના પતિ વિઠોબાને દીક્ષા આપી હતી. એટલે તેમણે પોતાની યાત્રા અટકાવી અને સીધા પહોંચ્યા કાશી. ત્યાંથી તેઓ કુકમાબાઈના પતિ વિઠોબાને બોલાવી લાવ્યા અને કહ્યું, ‘વત્સ, તારે પત્ની છે, એ વાત તો મને કહી જ નહીં. પત્નીની રજા વિના પતિ સંન્યાસ લઈ શકે ખરો ? જા તારા ઘરે જા, જો તારાં પત્ની તને રજા આપે તો સંન્યાસી બનજે. નહીં તો ગૃહસ્થ જીવન જીવજે.’
ગુરુની આજ્ઞાથી વિઠોબાની મૂંઝવણનો પાર ન રહ્યો. પરાણે તેને સંસારમાં ધકેલવામાં આવ્યો હતો. એની મન :સ્થિતિ જોઈને પત્નીએ કહ્યું, ‘પતિદેવ, ચિંતા ન કરો. વટવૃક્ષદેવે મને સ્વપ્નમાં આવીને કહ્યું, ‘આ ધરતીનું મંગળ કરનાર મહાન સંતાનોને જન્મ આપવા પૂરતું આપણે સંસાર જીવન જીવવું પડશે.’
સ્વપ્ન સાચું પડ્યું અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની કૃપાથી તેમને ચાર બાળકો; ત્રણ પુત્રો નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર અને સોપાન તેમજ એક પુત્રી મુક્તાબાઈ અવતર્યાં. પુત્ર જ્ઞાનેશ્વર જાણે ભગવાન નારાયણનો અવતાર ! નિવૃત્તિનાથ જ્ઞાનેશ્વરના ગુરુ હતા. ગામના લોકોને આ ન ગમ્યું. સંન્યાસીનાં આ સંતાનોની સૌ હાંસી ઉડાડવા લાગ્યા. પિતા વિઠોબાએ સંતાનોને એવું શાસ્ત્રજ્ઞાન આપ્યું કે લોકો આશ્ચર્યમાં પડી ગયા. છતાંય લોકો એમની ઠેકડી ઉડાવતાં કહેવા લાગ્યા, ‘અધ :પતિત સંન્યાસીએ કેવાં મજાનાં સંતાનો પેદાં કર્યાં છે !’ આ બધું સાંભળીને વિઠોબાએ કહ્યું, ‘હું આપનાં બાળકોનું આવું અપમાન સહન કરી શકતો નથી. ચાલો આપણે કાશી ઊપડીએ.’ તેઓ પેલા સંતના આશરે ગયા અને એમ કહેવાય છે કે તેમણે ગંગામાં સમાધિ લીધી.
સમાજે વિઠોબાનાં ચારેય સંતાનોનો બહિષ્કાર કર્યો. નાનો પુત્ર જ્ઞાનેશ્વર દેવગિરિ રાજા સમ્રાયના રાજમહેલે ગયો. તેણે કહ્યું, ‘મારા પિતાને સંસારમાં આસક્તિ નહોતી છતાં તેઓ ગુરુની આજ્ઞાનું પાલન કરવા સંસારમાં આવ્યા. શું આ મહાબલિદાન ન કહેવાય ? શું સમાજે તેમની હાંસી ઉડાવવી જોઈએ ? અને અમારો સામાજિક બહિષ્કાર કરવો યોગ્ય ગણાય? અને રાજા તરીકે તમે તેને એવી પરવાનગી આપી શકો ખરા ?’ રાજાએ કહ્યું, ‘બેટા, તારી વાત સાચી છે. પણ આ શાસ્ત્રોની વાત છે. તું પંડિતોની સભામાં જા. એ નિર્ણય લે તે ખરો.’
રાજાની સલાહ પ્રમાણે જ્ઞાનેશ્વર પંડિતોની સભામાં ગયા. પંડિતોએ કહ્યું, ‘ભાઈ, તારી વાતો તો જાણે સાચી છે, પણ શાસ્ત્રોનું પ્રમાણ શોધી લાવ. કોઈ પણ માણસ શાસ્ત્રમાંથી પ્રમાણ લાવી શકે છે. અરે, આ શેરીમાં ઊભેલો પાડો પણ શાસ્ત્રપ્રમાણ આપે તો અમને કબૂલ છે.’
સાંભળીને જ્ઞાનેશ્વરે કહ્યું, ‘અરે પંડિતો ! આ પાડો પણ પ્રભુનું રૂપ છે, સાક્ષાત્ દુર્ગાદેવી તેના મસ્તક ઉપર પોતાનાં ચરણ રાખીને વેદોથી રસતરબોળ રહે છે.’ આમ કહીને જ્ઞાનેશ્વરે પાડાને પ્રણામ કરીને તેની ભાવથી પ્રાર્થના કરી. ‘હે, ઈશ્વરના સ્વરૂપ સમા મહિષદેવ ! આ પંડિતોને શાસ્ત્રપ્રમાણ બતાવો.’ અને એ પાડાએ વેદમંત્રોનું ગાન કર્યું. બધા પંડિતો આશ્ચર્યમાં પડી ગયા. અને બોલી ઊઠ્યા, ‘વાહ ! કેવું સુંદર ! હે દેવ, અમારા આ અજ્ઞાનને ક્ષમ્ય ગણજો.’
પછી જ્ઞાનેશ્વરને સંબોધીને કહ્યું, ‘જ્ઞાનેશ્વર, તમે તમારા પિતાનું કલંક ધોઈ નાખ્યું છે. તમને આત્માનુભૂતિ થઈ છે, તમે પૂર્ણ છો.’
પછી જ્ઞાનેશ્વરે કહ્યું, ‘જોનારની આંખ બે છે, દૃશ્ય એક જ છે, જ્ઞાન અને ભક્તિ વચ્ચે ભેદ નથી. તે અદ્વૈત છે. જીવ અને શિવ એક છે, તે ભિન્ન ભિન્ન નથી.’
૨૧ વર્ષની વયે જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરીગીતા, અમૃતાનુભવ, હરિપાત નામના ત્રણ ગ્રંથો લખ્યા. સમગ્ર દેશમાં તેમની કીર્તિ પ્રસરી. આજે પણ તેઓ મહારાષ્ટ્રના અને ભારતના મહાન જ્ઞાની સંત તરીકે પ્રખ્યાત છે.
Your Content Goes Here