નડિયાદના મહાનંદ નામના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા રહ્યા. સજ્જન તરીકે ચૂંટણીમાં જીતવાની પૂરી શક્યતા, પણ નડિયાદના દેસાઈ કુટુંબના એક નબીરા તેમની વિરુદ્ધ ઊભા રહ્યા હતા. સારું વર્ચસ્વ ધરાવતા એ સજ્જને મૂછ પર તાવ દઈને પડકાર ફેંક્યો, ‘એ માસ્તર મારી સામે જીતી જાય, તો જીવવું બેકાર છે. તો તો પછી મારી મૂછ મૂંડાવી નાખું !’ શિક્ષક માટે મહાપ્રશ્ન બની ગયો. એ વખતે એક છોકરો આગળ આવ્યો. એણે જાહેર પ્રતિજ્ઞા કરી, ‘મારા ગુરુજીને જિતાડું અને તેમના પ્રતિસ્પર્ધીની મૂછ ઉતરાવું તો જ હું ખરો !’ તેણે વિદ્યાર્થીઓનું મોટું ટોળું જમાવ્યું, રાતદાડો એક કરીને શિક્ષકને જિતાડ્યા. આ છોકરાએ પેલા નબીરાના ઘર બહાર જઈને પડકાર ફેંક્યો, ‘મરદનો બચ્ચો હોય, તો નીકળ ઘર બહાર અને મુંડાવી નાખ મૂછ !’ પેલાને તો આબરૂ બચાવવી આકરી પડી. આ હતા બાળ વિદ્યાર્થી સરદાર વલ્લભભાઈ પટેલ.

ગુજરાતી પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરીને તેઓ પેટલાદની અંગ્રેજી શાળામાં જોડાયા. ત્યાંથી વધુ અભ્યાસ માટે નડિયાદ ગયા. અહીં એમણે શહેરના છોકરાઓની આગેવાની લીધી. નીડરતા, નિ :સ્વાર્થતા, અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તિ અને આત્મશ્રદ્ધાને કારણે તેઓ વિદ્યાર્થીઓના નેતા બની ગયા.

એક વખત એવું બન્યું કે એક શિક્ષક પીરિયડના સમયે ઓફિસમાં ગપ્પા મારતા બેઠા હતા. એક છોકરાએ આવીને ગીત ગાવાનું શરૂ કર્યું અને બાકીનાએ ઉપાડી લીધું. આ સમૂહનો અવાજ ઓફિસ સુધી પહોંચ્યો અને શિક્ષકના કાન ચમક્યા.

નેતરની સોટી સાથે આવ્યા વર્ગમાં અને ગીત ગવરાવનારને મંડ્યા ધમકાવવા. બાકીના તો ચૂપ. પણ વલ્લભભાઈએ કહ્યું, ‘એક તો વાંક તમારો છે અને બિચારા વિદ્યાર્થીઓને ધમકાવો છો ? વર્ગમાં આવવાને બદલે ઓફિસમાં ગપ્પા મારતા તમે બેસી રહો, તો પછી અમે વર્ગમાં નવરા બેસીને ગાઈએ નહીં તો શું રોઈએ ? શિક્ષકે વલ્લભભાઈને વર્ગ બહાર કાઢી મૂકયા, બીજા વિદ્યાર્થીઓ પણ બહાર નીકળી ગયા. બીજે દિવસે છોકરાઓ આવ્યા, એમણે કહ્યું, ‘વલ્લભભાઈને આવવા દો તો જ અમે અંદર આવીએ.’ શિક્ષકે હેડમાસ્તરને વાત કરી, હેડમાસ્ટરે વલ્લભભાઈને શિક્ષકની માફી માગવાનું કહ્યું. વલ્લભભાઈએ દૃઢતાથી જવાબ આપ્યો, ‘માફી તો સાહેબે માગવી જોઈએ કારણ કે ભૂલ એમણે કરી છે. ભણાવવાને બદલે તેઓ ઓફિસમાં બેસીને ગપ્પાં માર્યા કરે અને અમે નવરા બેસીને વર્ગમાં નકામો ઘોંઘાટ કરીએ, એને બદલે ગીત ગાઈએ એમાં શું ખોટું છે ?’ વલ્લભભાઈની નીડરતા અને વકીલ જેવો કુશળ બચાવ સાંભળીને હેડમાસ્ટર વાત સમજી ગયા અને એમણે બધા વિદ્યાર્થીઓને વર્ગમાં બેસવા કહ્યું.

Total Views: 876

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.