સ્વામી રાઘવેશાનંદજીએ લખેલ ‘જજ્ઞિંશિયત જ્ઞર ઉશદશક્ષય ઈવશહમયિક્ષ’ પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘દિવ્યબાળકોની વાર્તા’માંથી આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.

આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી ‘ગુરુકુળવાસ’ કે ‘ગુરુગૃહવાસ’ને નામે જાણીતી હતી. શિષ્યો પોતાના ગુરુના આશ્રમમાં રહી ત્યાં અધ્યયન સાથે ગુરુની સેવા પણ કરતા.

ગૌતમ ઋષિ આવા એક મહાન ગુરુ હતા. એક દિવસ એક બ્રહ્મચારી બાળક તેમના આશ્રમે આવ્યો. તેણે ગુરુજીને પ્રણામ કર્યા. છોકરો તંદુરસ્ત અને તેજસ્વી હતો. તેણે પૂછ્યું, ‘મહારાજ, મને તમારા શિષ્યરૂપે સ્વીકારો અને વિદ્યાજ્ઞાન આપો.’ ગૌતમે પૂછ્યું, ‘બેટા, તારા પિતા કોણ છે ? તું કયા કુળ કે વંશનો છો ?’

ગુરુનો આ જ પ્રશ્ન એણે પોતાની માતાને પૂછ્યો હતો. માતા જ એના જીવનનો આધાર હતી. ઘર છોડતા પહેલાં તેણે માતાને પૂછ્યું હતું, ‘મા, હું શાસ્ત્રો શીખવા ગુરુના આશ્રમે જવા ઇચ્છું છું. મને મારા પિતા, કુળ કે વંશનું નામ આપ.’ પુત્રના આવા અનપેક્ષિત પ્રશ્નથી માતાના હૃદયમાં ખળભળાટ મચી ગયો. તે એક યુવાનને પરણ્યાં હતાં અને તેની સેવામાં સમય ગાળ્યો હતો. પતિના મૃત્યુ પછી મન અને હૃદય બાળક પર વાળી દીધાં હતાં. તેની ઉંમર નાની હતી એટલે પતિના કુળ વિશે કંઈ યાદ ન હતું. પણ તે સત્યનિષ્ઠ હતી અને પવિત્ર જીવન ગાળતી હતી. પોતાનો પુત્ર પણ હંમેશાં સત્ય બોલે તેમ ઇચ્છતી હતી. તેણે પુત્રને કહ્યું, ‘હું તારા પિતાના કુટુંબ કે વંશનું નામ જાણતી નથી. તારા ગુરુજીને કહેજે કે મારી માતાનું નામ જાબાલા છે અને મારું નામ સત્યકામ છે. એ સિવાય હું કંઈ જાણતો નથી.’

નાનકડો સત્યકામ ગૌતમ ઋષિ પાસે આવ્યો અને દૃઢ વિશ્વાસથી બોલ્યો, ‘મહારાજ, મારી માએ જે મને કહ્યું છે તે સિવાય હું કંઈ જાણતો નથી. તેનું નામ જાબાલા અને મારું નામ સત્યકામ છે.’ ઋષિ જવાબ સાંભળીને રાજી થયા અને કહ્યું, ‘હું સત્યને આવકારું છું અને સત્યથી બીજો કોઈ મહાન ધર્મ નથી.’

ઉદાર દિલના ઋષિ એ બાળ બ્રહ્મચારીની શાંતિ, ધીરતા, પવિત્રતા, સત્યનિષ્ઠા જોઈને રાજી થયા. તેમણે કહ્યું, ‘આવતી કાલે હું તને જનોઈ આપીશ. સમિધ (ગુરુ દક્ષિણા સ્વરૂપે હવન માટેના લાકડા) લાવજે અને સવારે વહેલો આવજે.’ આ સાંભળીને સત્યકામનું હૃદય આનંદથી છલકાઈ ગયું.

અધ્યાત્મવિદ્યા અને વેદોનું અધ્યયન કરવાનું તેણે સેવેલું સ્વપ્ન હવે થોડા વખતમાં વાસ્તવિક બની જશે. પણ તેને ખબર ન હતી કે હજુયે કેટલીયે આકરી કસોટીઓમાંથી પસાર થવાનું છે.

થોડા દિવસ પછી ગૌતમ ઋષિએ સત્યકામને બોલાવીને કહ્યું, ‘વત્સ, ગાયો આપણું ધન છે. હાલમાં આપણી ગાયોને ચરવા માટે ઘાસ નથી. હું તને ૧૦૦ ગાયો આપું છું. એને લઈને જ્યાં ઘણું પાણી અને પુષ્કળ ઘાસ હોય તેવી ગોચર ભૂમિમાં જા. ગાયોની સંખ્યા ૧૦૦૦ થાય ત્યારે પાછો આવજે.’

સત્યકામ તો ચાલ્યો દૂરસુદૂર. તેણે એવા સ્થળની પસંદગી કરી કે જ્યાં ધ્યાન અને તપ સરળતાથી કરી શકાય. ગુરુની સૂચના પ્રમાણે તે ગાયોની સંભાળ લેતો અને ધ્યાન-તપ તેમજ અધ્યયન કરતો.

શરૂઆતમાં ઘર યાદ આવતું, મા પણ યાદ આવતી. ૫ણ પછીથી પ્રાર્થના અને ધ્યાન-જપમાં ઓતપ્રોત થઈ ગયો અને આ એકાગ્રતામાં ખલેલ પાડનારા વિચારો પણ ચાલ્યા ગયા.

એક દિવસ ધ્યાન કરતી વખતે નજીકમાંથી એક માનવીય-અવાજ સાંભળ્યો. તેણે નવાઈ સાથે ગાયો તરફ ફરીને જોયું તો ગાયોનો રખેવાળ બળદ તેની સાથે માનવ-અવાજમાં વાતો કરતો હતો. તેણે કહ્યું, ‘સત્યકામ, હું વાયુદેવ છું. હું તારી ભક્તિથી પ્રસન્ન થઈને બળદરૂપે વાત કરું છું. હું તને અધ્યાત્મજ્ઞાન શીખવવા અહીં આવ્યો છું. મારી કૃપાથી વેદાંતની બધી શાખાઓનું જ્ઞાન તને સહજ રીતે મળી જશે. તું તારી ગાયો ગણી જો. તે ૧૦૦૦ થી વધી ગઈ છે અને હવે ગાયોને તારા ગુરુ પાસે લઈ જા.’

અત્યાર સુધી સત્યકામ જ્ઞાન-સાધનામાં લીન હતો, એટલે ગાયોની ગણતરી કરી ન હતી. હવે ગણીને જોયું તો ગાયોની સંખ્યા ૧૦૦૦ થી વધારે થઈ ગઈ હતી. વાયુદેવના આશીર્વાદ લઈને તે ગુરુના આશ્રમે જવા નીકળ્યો. રસ્તામાં અગ્નિદેવનો અવાજ સાંભળ્યો. તેમણે તેને ધ્યાન વિશે વધુ જ્ઞાન આપ્યું.

ગુરુનો આશ્રમ દૂર હતો. સત્યકામ આખો દિવસ ચાલવા છતાં આશ્રમે પહોંચતાં પહેલાં રાત પડી ગઈ. ગાયોને હારમાં ગોઠવી અને પવિત્ર અગ્નિ પેટાવીને તે ધ્યાનમાં બેસી ગયો. તેણે ધ્યાનમાં એક સફેદ હંસને પોતાની પાસે ઊડીને આવતો જોયો. તેને ખ્યાલ આવી ગયો કે હંસ એટલે આત્મા છે. તેની પાસેથી પણ તેણે જ્ઞાન મેળવ્યું. હવે તેનું મુખ બ્રહ્મજ્ઞાનથી ચમકવા લાગ્યું. એણે સત્યને જાણી લીધું અને બ્રહ્મજ્ઞાનની ભવ્યતા સાથે મનની શાંતિ મેળવીને તૃષ્ણાને જીતી લીધી. આખરે સત્યકામ ગુરુજીના આશ્રમે પાછો આવ્યો. ગુરુએ શિષ્યના મુખ પર બ્રહ્મવિદ્યાનો પ્રકાશ જોયો. તેમણે કહ્યું, ‘વત્સ, સત્યપ્રાપ્તિ કરનારના જેવી તેજસ્વિતા તારા મુખ પર છે. વનમાં બીજા કોઈએ તને જ્ઞાન આપ્યું છે ખરું?’ પોતાની પ્રકૃતિ પ્રમાણે સત્યકામે જે કંઈ બન્યું હતું તે કહ્યું.

પોતાના પુરુષાર્થ દ્વારા મેળવેલ જ્ઞાનથી સત્યકામ સંતુષ્ટ હતો. પણ શાસ્ત્રવિધિ અનુસાર ગુરુ પાસેથી બ્રહ્મવિદ્યાનું જ્ઞાન અને ગુરુમંત્ર મળે તેવી તેની અદમ્ય ઇચ્છા હતી. ગૌતમ ઋષિએ સત્યકામને મંત્રદીક્ષા આપી અને પરંપરાગત બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપ્યું. આમ સત્યકામે સેવેલું સપનું સાકાર થયું.

Total Views: 538

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.