પ્રસ્તાવના :
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શબ્દ સાંભળતાં જ આપણે કલ્પના કરવા લાગીએ છીએ કે આ એક એવું સંકુલ હશે કે જેમાં બાળકોના કિલકિલાટથી સમગ્ર પરિસર ગૂંજતું હશે. જેમાં બાળકો, તરુણો, કિશોરોના શિક્ષણ માટેના અનેક વિભાગો ચાલતા હશે. જેમાં અધ્યયન અધ્યાપનની સાથે સાથે બાળકોને મનગમતી અને તેમની શક્તિઓને ઉજાગર કરતી અનેક વિધ પ્રવૃત્તિઓ ચાલતી હશે. આવી કલ્પના કંઈ ખોટી નથી. પરંતુ આ યુનિવર્સિટી તદ્દન જુદા જ પ્રકારની છે. તેનું કાર્યફલક ઘણું વિશાળ છે. વિશ્વમાં અત્યારે ચાર ચિલ્ડ્રન યુનિવર્સિટીઓ કાર્યરત છે. આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એ રીતે પાંચમી છે. પરંતુ તેના કાર્યફલકની દૃષ્ટિએ જોતાં આ યુનિવર્સિટી વિશ્વમાં પ્રથમ છે કેમ કે આ યુનિવર્સિટી બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી બાળકના શિક્ષણનો પ્રારંભ કરે છે, તે બાળક ૧૮ વર્ષનું પુખ્તવયનું થાય ત્યાં સુધીના તેના સર્વાંગી વિકાસને એટલે કે શારીરિક, માનસિક, વૈશ્વિક, ભાવાત્મક અને આધ્યાત્મિક વિકાસને આવરી લે છે. જેથી ઉત્તમ ચારિત્ર્યવાન મનુષ્યો સમાજને – રાષ્ટ્રને મળી શકે. આ યુનિવર્સિટીનું ધ્યેયસૂત્ર છે. ‘પ્રત્યેક બાળક મહત્ત્વનું છે.’ દરેક બાળકને સર્વાંગી વિકાસ માટેની પૂરી તકો મળી રહે, એવું વાતાવરણ પૂરું પાડવાનું યુનિવર્સિટીનું ધ્યેય રહેલું છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પ્રારંભ :
તારીખ ૯મી જૂન ૨૦૦૮ના રોજ દેશના અગ્રણ્ય શિક્ષણવિદોની કાર્યશાળા યોજાઈ હતી, તેમાં તે વખતના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સંકલ્પના રજૂ કરી હતી. તેમણે જણાવ્યું, ‘આપણો ધર્મ છે કે દરેક બાળકનો ઉછેર હૂંફથી અને સંભાળપૂર્વક થાય કે જેથી શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક દૃષ્ટિએ એ એક સ્વસ્થ માનવરૂપે વિકાસ પામે અને તેને પોતાના આત્મસાક્ષાત્કાર માટેના બધા અવસરો મળી રહે. આ દૃષ્ટિએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું સર્જન કરવામાં આવી રહ્યું છે. તેમાં એ જાતનું વાતાવરણ અને એવી વ્યવસ્થાનું સર્જન કરવામાં આવશે કે જેથી શિશુઓનો સર્વાંગી વિકાસ નિશ્ચિત રૂપે સંભવી શકે.’ તેમની આ સંકલ્પનાને સાકાર કરવાનું કાર્ય માનનીય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર વિદ્વાન પ્રોફેસર શ્રી કિરીટભાઈ જોષીને સોંપાયું. એમની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો અધિનિયમ બન્યો. યુનિવર્સિટીનાં દર્શન અને ધ્યેય નિશ્ચિત થયા. તેનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું.
તેના મુસદ્દાને ૨૮/૦૭/૨૦૦૯ના દિવસે વિધાન સભાએ પસાર કર્યો. ૩૧/૦૭/૨૦૦૯ના રોજ મહામહિમ રાજ્યપાલશ્રીએ અનુમતિ આપતા વિશ્વની એક અનોખી અને ભારતની એક માત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું સર્જન થયું. તે વખતના ઉચ્ચશિક્ષણ કમિશનર ડૉ.જયંતીરવિના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા.
૧૬ જાન્યુઆરી, ૨૦૧૨માં આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે શ્રીહર્ષદભાઈ શાહની નિયુક્તિ કરવામાં આવી. તેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીનું કાર્યફલક વિસ્તાર પામી રહ્યું છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર :
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર ચાર વિભાગોમાં વહેંચાયેલું છે – ૧. શિક્ષણ, ૨. પ્રશિક્ષણ, ૩. સંશોધન, ૪. વિસ્તરણ.
શિક્ષણ : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો આ વિભાગ બાળશિક્ષણને લગતા અભ્યાસ ક્રમો હાથ ધરે છે. યુનિવર્સિટીના શિક્ષણની સંકલ્પનાને સાકાર કરવા તથા યુનિવર્સિટી દ્વારા શિક્ષણક્ષેત્રમાં જે નવા પ્રકલ્પો અને કાર્યક્રમો સૂચવવામાં આવે તે કાર્યક્રમોને હાથ ધરવા માટે જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ સહયોગ આપવા ઇચ્છે તેમને યુનિવર્સિટી ‘વિદ્યાનિકેતન’ નો દરજ્જો આપી પોતાની સાથે જોડે છે. આવાં અત્યારે ૨૦ વિદ્યાનિકેતનો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં કાર્યો સાથે જોડાયેલાં છે.
પ્રશિક્ષણ : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આ વિભાગમાં બાળવિકાસના પ્રત્યેક તબક્કે કાર્ય કરનારોઓની તાલીમને આવરી લેવામાં આવે છે. જન્મપૂર્વેનું શિક્ષણ, શૈશવના પ્રારંભિક તબક્કાઓનાં શિક્ષણ સાથે જોડાયેલ આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, તબીબી વિજ્ઞાન અને શિક્ષણ સાથે જોડાયેલા બધાના પ્રશિક્ષણનું આયોજન આ વિભાગમાં આવે છે. વર્તમાનમાં વિદ્યાનિકેતન સંસ્થાઓના શિક્ષકો માટે ભાષા, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સંસ્કૃત, સંગીત, યોગ-વ્યાયામ અને નાટ્યકલા દ્વારા શિક્ષણ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ – રમકડાં દ્વારા શિક્ષણ વગેરેના ત્રણ દિવસના અને સાપ્તાહિક પ્રશિક્ષણો સમયાંતરે યોજવામાં આવી રહ્યા છે.
સંશોધન : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો આ વિભાગ સંશોધન, શિક્ષણ અને તાલીમ દ્વારા જે નિષ્કર્ષ મળ્યા તેનું સમગ્ર રાજ્યમાં પ્રસારણ કરીને તેના અમલીકરણ માટે પ્રયત્નો કરશે. બાળવિકાસ પ્રત્યે લોકોને અભિમુક્ત કરવાના કાર્યક્રમો, બાળકો માટેનાં પ્રદર્શનો, વાલીઓ અને માતાઓ સાથે તજ્જ્ઞોના વાર્તાલાપ જેવા કાર્યક્રમોનું આયોજન આ વિભાગમાં કરવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભાઓને પ્રશિક્ષણ આપવા માટે તપોવન રથ દ્વારા ગામડાંમાં પણ સપ્તાહમાં એક વાર કાર્યક્રમ પસંદ કરેલા ગામમાં યોજાય છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો મહત્ત્વનો પ્રકલ્પ
તપોવન સંશોધન કેન્દ્ર :
તપોવન : તપોવન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના શિક્ષણનું પ્રથમ ચરણ છે. તપોવન એટલે એવું સ્થળ કે જ્યાં સગર્ભા માતાઓને પોષણ, શિક્ષણ અને ભાવિ બાળકના સર્વાંગી શિક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિ સાથે આંતરિક સમજણ આપવામાં આવે છે. તપોવનોમાં પ્રકૃતિ સૌંદર્યથી સભર બાહ્યવાતાવરણ, માતા અને ગર્ભસ્થ શિશુની શારીરિક તંદુરસ્તી માટે ડાૅક્ટર અને નર્સની સેવાઓ, પૌષ્ટિક નાસ્તો, ગર્ભસ્થ શિશુનાં મન-મસ્તિષ્ક અને હૃદયના વિકાસ માટે પુસ્તકાલય, મહાપુરુષોના જીવન પ્રસંગોનું વાચન, ભજનો-ગીતો, વિવિધ રાગોનું શ્રવણ, ચિત્રકાર, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, તેનાં આંતરિક વિકાસ તેમજ આધ્યાત્મિક શક્તિઓના વિકાસ માટે પ્રાર્થના, ધ્યાન, સ્તુતિસ્તોત્રનું પઠન, ગર્ભસંવાદ કરાવવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભામાતા પ્રસન્ન રહે તે માટે તેના ઘરના સભ્યોની મુલાકાત લઈ તેમનું પરામર્શન કરવામાં આવે છે. તપોવન કેન્દ્રોમાં આ બધાં કાર્યો તાલીમ પામેલી કાઉન્સેલર બહેનો દ્વારા થાય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં ૧૬ તપોવન કેન્દ્રો આત્યારે કાર્યરત છે. આ કેન્દ્રોમાં ત્રણ થી ચાર કલાક સુધી સગર્ભાઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ૨ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ ૬ તપોવન કેન્દ્રો શરૂ થયાં. ત્યારથી માંડીને આજ સુધીમાં લગભગ ૨૧૦૦૦ થી વધારે સગર્ભા માતાઓએ આ તપોવન કેન્દ્રોનો લાભ લીધો છે અને સ્વસ્થ, તંદુરસ્ત, હસમુખા બાળકોને જન્મ આપ્યો છે. હવે તપોવનમાં આવતી માતાઓનાં બાળકો અને ત્યાં ન આવતી માતાઓનાં બાળકોના વિકાસમાં શો તફાવત છે, એનું વ્યવસ્થિત સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સંગીત, યોગ, પ્રાણાયામ, ધ્યાન, કલાસર્જન, ગર્ભસંવાદ, સાચું વાચન આ બધું ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કર્યું હોય તો બાળક ઉપર એની કેવી અસર પડે છે એનું સંશોધન કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક હરતું ફરતું તપોવન પણ શરૂ કરવામાં આવ્યું છે. એ દ્વારા અંતરિયા ગામડાંની સગર્ભાઓને ઉત્તમ બાળક માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન અને પ્રવૃત્તિઓની સમજણ મળે છે. આ રીતે તપોવનો અજન્મા શિશુની શાળા છે. બાળકનો ૮૦% વિકાસ તેની માતાના ગર્ભમાં જ થઈ જાય છે. એથી આ ગાળા દરમિયાન જો પૂરતી કાળજી રાખવામાં આવે તો ઉત્તમ બાળકો અવશ્ય જન્મે. તપોવનો દ્વારા આ કાર્યો થઈ રહ્યાં છે.
ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં અન્ય કાર્યો :
આ ઉપરાંત વિદ્યાનિકેતનો, માતાપિતાની પાઠશાળા, મૂલ્યનિષ્ઠ શિક્ષણનો અભ્યાસક્રમ-આવિષ્કાર, શાળાઓનું મૂલ્યાંકન-એક્રેડિશન, પ્રકાશનોમાં માસિક બાળવિશ્વ, બાળવાર્તાઓનાં પુસ્તકો, ગર્ભડાયરી, ગર્ભસંવાદ, અજન્મા શિશુની અંતર્યાત્રા, તરુણ માનસ અને મૂંઝવણ, શૈશવનું સ્મિત વગેરે મુખ્ય છે. ઉત્તમ પ્રકારનાં ગીતો માટે, પ્રેરણા ગીતો, બાળગીતો અને દેશભક્તિનાં ગીતોની ત્રણ ઓડિયો સીડી પણ યુનિવર્સિટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ રીતે જોતાં યુનિવર્સિટીનું કાર્યફલક ઘણું વિશાળ છે, કેમ કે જન્મપૂર્વના શિક્ષણથી લઈને બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધીનો એનો સંપૂર્ણ વિકાસ એ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર હોવાથી આ વિકાસ સાથે સંકળાયેલ માતા, પિતા, શિક્ષકો, સમાજ, રાષ્ટ્ર, અને સમગ્ર વિશ્વ – આ બધાં જ આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલાં છે. આ રીતે આ યુનિવર્સિટી વિશ્વની એક અનોખી યુનિવર્સિટી છે. તેનું ધ્યેય ઉજ્જવળ ભવિષ્યના નિર્માતાઓને તૈયાર કરવાનું છે. એવું ઉજ્જવળ ભવિષ્ય કે જેમાં વૈમનસ્યના સ્થાને સંવાદિત, વેરઝેર અને ધિક્કારના સ્થાને પ્રેમ અને બંધુતા તથા ગરીબી, શોષણ અને ગુલામીના સ્થાને સમૃદ્ધિ, આત્મગૌરવ અને સ્વતંત્રતા હોય અને જ્યાં બધા જ મનુષ્યો આત્માની એકતાથી જોડાયેલા હોય.
Your Content Goes Here