શ્રી એસ.જી. માનસેતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને પ્રકાશન વિભાગમાં ઘણા લાંબા સમયથી સેવાઓ આપે છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં ઘણો રસ ધરાવે છે. તેમના હાલના અમેરિકા પ્રવાસના કેટલાંક સસ્મરણો અહીં પ્રસ્તુત છે. – સં.

પારિવારિક જવાબદારીરૂપે દોઢ વર્ષના પૌત્રને જોવાની અને મળવાની ખુશાલીમાં અને તેમને થોડાઘણા મદદરૂપ થવા, મારી પત્ની સાથે ચોથીવાર અમેરિકા પહોંચ્યો ત્યારે બસ, અમેરિકામાં આ વખતે મુક્તપણે હરવું-ફરવું, ખાવું-પીવું અને ‘બાળારાજા’ સાથે મોજ કરવી એ જ ઉદ્દેશ નજર સામે હતો. વર્ષોથી થાકેલાં મન-શરીરને આરામ આપવો, મનમોજી થઈને રહેવું અને શક્ય એટલું જોઈ લેવું એ જ ધ્યેય હતો. હું રહ્યો રિટાયર્ડ શિક્ષક. પૈસા ખર્ચીને ટ્રાવેલ્સ અૅરલાઈન્સમાં એક પ્રવાસીની નજરે અમેરિકા નીરખવા જવાનું શક્ય નહોતું. અમેરિકામાં ક્યાં રહીશું કે કેટલો ખર્ચ કરીશું એની અમને ચિંતા નહોતી, કારણ કે અમારે અમારા ઘરે જ જવાનું હતું. પુત્ર-પુત્રવધૂ-એક પૌત્ર-દીકરી-જમાઈ-બે દોહિત્ર- બધાં દશ-બાર વર્ષથી સ્થાયી થઈ ગયાં હતાં. તેથી સાત સમંદર પાર ધરતીને સામે છેડે વસેલી આ અદ્‌ભુત દુનિયામાં જે કાંઈ જોયું-જાણ્યું અને માણ્યું, તે વિષેના પ્રાથમિક પ્રતિભાવો અત્રે પ્રસ્તુત કરું છું. અમેરિકા વિશે સર્વજ્ઞ હોવાનો કે દેખાવાનો મારો કોઈ પ્રયત્ન નથી.

અમેરિકામાંં ભારતીય સંંસ્કૃતિના પ્રસાર અને પ્રચારમાં કાર્યરત રહીને તે દ્વારા ભારત અને ભારતીયતાના ઝંડાધારી બની એક અનેરો નાદ જગાવનાર સ્વામી વિવેકાનંદે આધુનિક જ્ઞાન – વિજ્ઞાનની જનની મનાતી અમેરિકી ભૂમિના રહેવાસીઓને આશ્ચર્યથી દંગ કરી દીધા હતા. તેમાંના સિયેટલ અને વાૅશિંગ્ટન ડી.સી.નાં વેદાન્ત કેન્દ્રોની ગતિવિધિઓ જોઈને આપણું મસ્તક ગૌરવથી ઉન્નત થઈ જાય છે. સિયેટલ વેદાંત કેન્દ્રના શ્રીમદ્ સ્વામી ભાસ્કરાનંદજીએ અમને સૌને હૃદયપૂર્વક સત્કારી કેન્દ્રમાં પ્રસાદ લેવાની તક આપેલ. વાૅશિ.ડીસી. કેન્દ્રના સ્વામી આત્મજાનંદજીએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું અને આરતી પછી અમે અમારા નિવાસસ્થાને (લેન્કેસ્ટર) જવા ઝડપથી રવાના થઈ ગયા. અમારું નિવાસસ્થાન સંપૂર્ણ લાકડાનું બનેલું છે, કારણ કે અહીંનો શિયાળો, ઉ. ગોળાર્ધના કારણે આકરો હોવાથી ઈંટ-રેતી-સિમેન્ટ-આરસ વાપરી બનાવેલાં ઘર અતિશય ઠંડાં થઈ જાય છે. આ દેશમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ વન એમ બે માળનાં મકાનો (હાઉસ) હોય છે. એપાર્ટમેન્ટ ખૂબ જ ઓછા જોવા મળે છે. અમેરિકામાં ગીચતાને બદલે બધે મોકળાશ જોવા મળે છે. લાકડાંનાં મકાનો ઝડપથી બાંધી શકાય છે. હિટર અને એરકન્ડિશન માટે લાકડું જરૂરી છે. મકાનની ફરતે લીલુંછમ ઘાસ અને ઝાડ ઉગાડવાં ફરજિયાત છે. અહીં જેટલાં જંગલો કપાય છે એટલાં ઉગાડાય છે. તેથી લાકડાંનાં ઘરો મહિના-બે મહિનામાં બાંધવાં ખૂબ જ સરળ કાર્ય બને છે.

આ દેશ વિશે હું એટલું જરૂર કહીશ કે અમેરિકા માનવ-સ્વાતંત્ર્યનું ગૌરવ કરનારો દેશ છે. અતિ સ્વતંત્રતાથી સ્વચ્છંદતા ખૂબ જ જોવા મળે છે. અહીં જે સારું છે, ઉત્તમ છે તે ખરેખર શીખવા લાયક છે. અહીં દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. ૧૨ થી ૧૪ વર્ષની ઉંમર થતાં મા-બાપથી અલગ પોતાનું સ્વતંત્ર જીવન જીવતા વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા. પોતાની સમસ્યાઓ પોતે ઉકેલવાની હોય છે, વ્યક્તિ કુટુંબ અને સમાજનાં બંધનોથી મુક્ત છે, એકલો છે. તેથી હૂંફ કે લાગણીથી વંચિત રહે છે. માનસિક બીમારીનો ભોગ બને છે, તેથી અહીં હૃદયરોગના નિષ્ણાતો તથા માનસચિકિત્સકો, હોસ્પિટલો, પાગલખાનાં તથા જેલ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી હું માનું છું કે અમેરિકાનું બધું જ અનુકરણીય નથી. અહીં મા-બાપ બાળકો પર હાથ ઉપાડી શકતાં નથી. શાળામાંથી જ તેમને શીખવવામાં આવો છે કે ઘરમાં કોઈ વઢે, ગુસ્સે થાય કે મારે તો ૯૧૧ નંબર ઉપર પોલીસને જાણ કરી દેવી. એવા સંજોગોમાં મા-બાપને કસ્ટડીમાં બેસવાનો વખત આવે છે. અહીંનું ગનકલ્ચર ‘હિંસાનો અતિરેક’ આસાન બનાવે છે, કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં સિગારેટ, દારૂ, ડ્રગ્સનાં દૂષણો સાવ સામાન્ય છે.

અહીંની શિસ્ત ખૂબ જ વખાણવા લાયક. સમયની પાબંદી પણ પ્રશસ્ય. કોઈ એક પણ મિનિટ વેડફે નહિ. આરોગ્ય સેવા તો સૌથી શ્રેષ્ઠ. પરંતુ ખૂબ જ મોંઘી. ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત. પગારમાંથી પ્રીમિયમ કંપની ચૂકવે અને પોતાની તથા પરિવારના સભ્યોની સારવાર કંપની ભોગવે. ઇન્શ્યોરન્સ વગર આરોગ્યસેવાનું બિલ આપણે ભરવાનું હોય તો તળિયાઝાટક થઈ જવાય. મારાં પત્ની પાંચ દિવસ તાવમાં સપડાયાં તો તપાસવાનો ચાર્જ ૨૦૦ ડાૅલર અને પૂરી ટ્રીટમેન્ટના ૮૦૦ ડાૅલર. અમે યુનાઈટેડ ઇન્શ્યોરન્સ આૅફ ઇંડિયાની ૩૦,૦૦૦ રૂપિયાની પોલિસી લઈને અહીં આવેલાં તેથી સારવારના ૮૦૦ ડાૅલર પરત મળ્યા. ઇંડિયાથી અમેરિકાનું વિમાન ભાડું ૩૫૦૦૦/- રૂપિયા – ૧૬૫ દિવસ રોકાવાની પોલિસીનો ચાર્જ રૂા. ૩૦,૦૦૦/-. તેથી અહીં ડાૅક્ટરોનું લક્ષ્ય અમેરિકામાં સ્થાયી થવાનું વધુ હોય છે.

અમેરિકા એક વિશાળ અને બહુરંગી દેશ છે. તે વિશ્વની એક મહાસત્તા છે. અહીં માણસની સગવડનું ખૂબ જ ધ્યાન રખાઈ છે. અહીંની સગવડતા અને ભવ્યતા આપણને દંગ કરી મૂકે તેવી છે. મેં જ્યારે આ દેશની ભૂમિ પર પ્રથમવાર પગ મૂક્યો ત્યારે કોઈ જુદી જ દુનિયામાં મહાલતા હોઈએ તેવી અનુભૂતિ થઈ હતી. વિજ્ઞાન અને હાઈ-ટેક્નોલોજીમાં તે વિશ્વમાં ઈજારો ધરાવતો હોવાનું અનુભવ્યું. અહીં શ્રમનો ખૂબ જ મહિમા છે, અમેરિકન પ્રજા ઘરનું કોઈપણ કાર્ય કરવામાં ક્ષોભ કે સંકોચ રાખતી ન હોવાનું નજરોનજર નિહાળ્યું. શનિ-રવિમાં યાર્ડમાં જાતે ઘાસ કાપતા અનેક અમેરિકનોને જોયા. સોમથી શુક્ર સખત મહેનત કરે (૧૧ થી ૬ નહિ પણ ૮ થી ૬) અને શનિ-રવિમાં મોજમઝા કરે. મહેનત દ્વારા સુખસગવડ મેળવવામાં બહુ તકલીફ પડતી નથી. ઓબામા હોય કે અબજોપતિ બિલગૅટ્સ હોય, તેઓ જે ખાદ્યપદાર્થાે આરોગે છે એ જ સામાન્ય નાગરિકને પણ ઉપલબ્ધ છે. મિનરલ વાૅટર મોંઘું – ઠંડાં પીણાં સસ્તાં, બિયર સૌથી વધુ સસ્તી. કપડાંનો પ્રશ્ન સાવ સામાન્ય. કોણે શું પહેર્યું છે, તે કોઈ જોતું નથી. એવું જોવાનો કોઈને સમય પણ નથી હોતો.

પતિ-પત્ની બન્નેએ નોકરી કરવી પડે. તો જ બે પાંદડે થવાય. સેલ્ફ બિલીવ – પોતાની જાતમાં વિશ્વાસ રાખીને આગળ ધપતા ઘણા યુવાનો જોવા મળ્યા. કેટલાક ભારતીય ‘બિઝનેસ બહાદુરો’ પણ મળ્યા. બધું જ સાનુકૂળ હોતું નથી. એમ માનીને ‘લગે રહો’ના સૂત્ર પ્રમાણે ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેનારા પૂજારા કીર્તિ, યશ વસાવડા, ફળદુ ભરત, લાખવા અનિષ, ભાલોડી સુધીર જેવા યુવાનો ‘આજની ઘડી તે રળિયામણી’ ગણી કર્મને મહત્ત્વ આપનારા પણ મળ્યા. તેઓ બધામાં હોશિયારી કરતાં જુસ્સો વધુ મહત્ત્વનો છે એવી ભાવના સાથે નસીબની બાદબાકી જોવા મળી. સુધીરે એમ કહ્યું કે સ્વામી વિવેકાનંદ મારા રોલ-મોડેલ છે. અમે અહીં ‘ઊઠો ! જાગો !’ ના સિદ્ધાંતથી નામાંકિત બન્યા છીએ કારણ કે :

તમારાથી વધુ અહીંયાં તમારું નામ ચાલે છે,

અને એ નામથી અમારું બધુંયે કામ ચાલે છે.

એટલાન્ટિકના એક બીચ (કોલંબીઆથી ૧૩૦ માઈલ) ‘મર્ટલ બીચ’ સુધી સહકુટુંબ ફરવા જવાની તક મળી. ત્યાં જોયું કે કોઈપણ જાતની બીક કે ડર રાખ્યા વગર નાની ઉંમરના અમેરિકન – છોકરાઓ દરિયામાં તરવા પડ્યા હતા, તે જોઈને વિચાર આવ્યો કે આપણે ત્યાં સાહસિકતાનો ગુણ વિકસાવવામાં આવતો નથી.

આપણે ત્યાં નાનપણથી સ્વિમિંગ, ટ્રેકિંગ, રાૅક કલાઈમ્બિગ, રિવર ક્રોસિંગ, ફર્સ્ટ અૅઈડ – વગેરેની તાલીમને બદલે પરીક્ષામાં વધુ માકર્્સ મેળવવા પર નજર સ્થગિત થઈને પડી રહે છે. તેથી સાહસિકતાનો ગુણ ઓછો વિકસિત થયેલો જોવા મળે છે.

અમેરિકામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતી તક અને સુવિધા પૂરાં પડાય છે. અહીં શૈક્ષણિક સંંસ્થાઓને એક્રીડીટેશન (અધિસ્વીકૃતિ) અપાય છે; છતાં પણ અહીં પ્રવેશ લેતા પહેલાં ચકાસણી જરૂરી છે. અહીં પણ અમાન્ય સંસ્થાઓ આવેલી છે. વિદેશથી અમેરિકામાં ભણવા આવનાર વિદ્યાર્થીઓમાં જેપનીઝ, ચાઈનીઝ, કોરિયન અને ભારતીય વિદ્યાર્થીઓ મુખ્ય છે. મોટાભાગના વિદ્યાર્થીઓમાંથી ૭૫ % જેટલા જાૅબ લઈને અહીં સ્થાયી થઈ જતા હોય છે. આપણા વિદ્યાર્થીઓ અમેરિકામાંં યશસ્વી નીવડે છે તેનું કારણ તેમનો અભ્યાસ પ્રત્યેનો ગંંભીર અભિગમ છે. અમેરિકાની શિક્ષણ પદ્ધતિમાંં તેઓ એવા મંડ્યા રહે છે કે તેઓને સફળતા અચૂક મળે જ. ઞ.જ. માં વિદ્યાર્થી ચાલુ વર્ગે રજા લીધા વગર બેસી શકે, જવું હોય તો જઈ શકે, ચાલુ વર્ગમાં બર્ગર કે સેન્ડવીચ ખાતાં ખાતાં ભણી શકે, કોકાકોલાનું કેન ખોલીને પી શકે. વિદ્યાર્થીને કોઈ નિશ્ચિત વર્ગમાં બેસવું પડતું નથી. પોતે જે કોર્સ કરવા આવ્યા હોય તે વિષયનું વ્યાખ્યાન જે ખંડમાં, જેટલા વાગ્યે હોય, ત્યાં પ્રોફેસર સાથે પહોંચી જવું પડે. આમ વિષયવાર વર્ગાે સવાર-બપોર-સાંજના જુદા જુદા સમયે લેવાતા હોવાથી વિદ્યાર્થી પોતાની અનુકૂળતા પ્રમાણે જે વિષયનો વર્ગ જ્યારે ભરવો હોય ત્યારે ચોક્કસ સમયે ભરી શકે. ભારતીય વિદ્યાર્થીઓ લર્નિંગ-વીથ-અર્નિંગ : નું આયોજન કરી, સરસ રીતે ભણતા જોયા, ‘Penn state uni’ ની મુલાકાત વખતે આ બાબત નજરે નિહાળી. તે યુનિ.ના પ્રોફેસરે તેનું વિઝિટિંગ કાર્ડ આપેલું, તે આ સાથે રજૂ કર્યું છે. સ્થાનિક વિદ્યાર્થીઓને આટલી બધી અનુકૂળતાઓ મળતી હોવા છતાં બરાબર ભણતા નથી. કારણ કે તેઓ ભારતીયોની જેમ ભવિષ્યનું વિચારતા નથી. તેમને ભવિષ્યની ચિંતા નથી, તેઓ કોલેજકાળમાં મોજમજા માણી લેવામાં જ માને છે. તેઓ પોતાના ભવિષ્ય વિશે ગંભીર નથી.

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.