(સપ્ટેમ્બરથી આગળ…)

ખુશનો આત્મવિશ્વાસ વધારવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સાંભળ ખુશ, રશિયાના યૂરીગાગારેને ૧૯૬૧માં સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી. પરંતુ સ્પેસવોકની વૈજ્ઞાનિક ટેક્નિક તો પછીથી શોધાઈ હતી. ૧૯૬૫માં રશિયાના જ એલેક્ષી લિયોનોવે પ્રથમ સ્પેસવોક કર્યું અને તેઓ અંતરિક્ષમાં દસ મિનિટ સુધી રહ્યા હતા. ત્યાર પછી સેંકડો અંતરિક્ષ યાત્રીઓએ આવી અંતરિક્ષ યાત્રા કરી હતી. રશિયાના અંતરિક્ષ યાત્રિ એનાતોડી સોલોવે ૧૬ વાર સ્પેસવોક કર્યું અને ૮૨ કલાકથી વધારે સમય સુધી અંતરિક્ષમાં રહ્યા.’ અંતરિક્ષમાં પોશાક પહેરીને, સૈફર પીઠ પર લાદીને તથા સ્પેસ શટલ સાથે પોતાને એક વિશેષ દોરડાથી બાંધીને સ્વામી વિવેકાનંદ અને ખુશ સ્પેશ શટલમાંથી બહાર નીકળ્યા અને અંતરિક્ષમાં સ્પેસવોક કરવા લાગ્યા. ખુશ જેવો શટલમાંથી બહાર નીચે આવ્યો અને ખાલી અંતરિક્ષમાં પહોંચ્યો તો તેને ભયંકર ભય લાગ્યો. પરંતુ સ્વામી વિવેકાનંદ એની સાથે હતા એટલે તરત જ એને હિંમત અને સાહસ આવ્યાં. અંતરિક્ષમાં વજન વિનાની અવસ્થાનો અનુભવ કરવો ખુશ માટે એક મોટો અનુભવ હતો. પરંતુ તેણે પહેલાં વિડિયોની રમતનો અનુભવ લીધો હતો. એટલે અંતરિક્ષમાં જોયસ્ટીકનું બટન દબાવીને ઉપર-નીચે, જમણી-ડાબી બાજુએ ઘુમાવવામાં તેને વિશેષ મુશ્કેલીનો અનુભવ કરવો ન પડ્યો.

થોડી વારમાં ખુશ પરિસ્થિતિથી વાકેફ થયો ગયો અને એનો ભય સાવ દૂર થઈ ગયો. તેણે સ્પેસવોકની મજા મન ભરીને લીધી. ખુશે સ્પેસવોક દરમિયાન પૃથ્વી અને ચંદ્રને પણ જોયાં. તેના મનમાં સૌર્યમંડળના અન્ય ગ્રહોમાં જવાની ઇચ્છા પ્રબળ બની. ખુશે ત્યારે સ્વામી વિવેકાનંદને એ બધા ગ્રહોમાં લઈ જવાની આગ્રહભરી વિનંતી કરી. સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ સ્પેસ શટલ દ્વારા આપણે તે ગ્રહોની યાત્રા કરી ન શકીએ. એને માટે એક વિશિષ્ટ પ્રકારનું લાખો કિ.મિ. ઉડ્ડયન કરી શકે તેવું અંતરિક્ષયાન જરૂરી છે. એમણે ખુશને આશ્વાસન આપ્યું કે હવે પછી તેઓ એક વિશેષ પ્રકારનું અંતરિક્ષયાન લાવશે અને ત્યારે તેવો ખુશને બીજા ગ્રહોની યાત્રા પણ કરાવશે. આ સાંભળીને ખુશ ખૂબ રાજી થયો.

અંતરિક્ષમાં કેટલીક મિનિટ રહ્યા પછી બન્ને સ્પેસ શટલ તરફ વળ્યા તથા જોયસ્ટિક પરનાં બટન દ્વારા નિયંત્રિત બનીને તેવો બન્ને સ્પેસ શટલમાં પ્રવેશ્યા. સ્વામી વિવેકાનંદે સ્પેસ શટલને પૃથ્વી તરફ વાળી લીધું અને ખુશના મકાનની છત પર ઊતર્યા. સ્પેસ શટલમાંથી દોરીની સીડી નીચે ફેંકી અને ખુશ નીચે ઊતરી ગયો. ખુશને વિદાય આપતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘તારે હંમેશાં સાહસિક બનવું જોઈએ તે યાદ રાખવું જોઈએ. ક્યારેય પીછેહઠ ન કરવી. માર્ગમાં આવનારી બધી મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. તું એક મહાન વ્યક્તિ બનીશ. ભારત જગત માટે એક અનોખી ભેટ છે. આ દેશ અત્યંત પ્રાચીન ભૂમિ છે. અહીં સૌથી પહેલાં જ્ઞાનનો ઉદ્ભવ થયો હતો અને ત્યાર પછી તે જ્ઞાન બીજા દેશોમાં ગયું. તારે દેશભક્ત બનવાનું છે અને પોતાનાં સાહસપૂર્ણ કાર્યો દ્વારા ભારતના વિકાસ માટે કાર્ય કરવાનું છે. ભારત આધ્યાત્મિક અને ભૌતિક સમૃદ્વિમાં બીજા દેશો માટે ઉદાહરણરૂપ બનવો જોઈએ.’ આમ કહેતા સ્વામી વિવેકાનંદ આકાશમાં વિલીન થઈ ગયા.

જેવો ખુશ છત ઉપરથી સીડી દ્વારા ઊતર્યો તેવી જ તેના સ્વપ્નની દુનિયા ગાયબ ! તે પથારીમાંથી બેઠો થયો. તેણે નિશ્ચય કર્યો કે સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશ પ્રમાણે ભવિષ્યમાં તે મહાન કાર્યો કરશે.

                                                                                          પ્રકરણ : ૬

                                                                           ખુશે સૌર્ય મંડળની યાત્રા કરી

એ દિવસે ખુશનો ભાઈ શાળામાંથી ખૂબ રાજી થઈને આવ્યો. તેણે બધાંને કહ્યું કે તેની શાળાએ મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમ (તારામંડળ) જવાનું આયોજન કર્યું છે. તે ખૂબ ઉત્સાહથી ગ્રહોનાં નામની સાથે તેની વિશિષ્ટતાઓ વિશે બતાવતો હતો. ખુશની ઇચ્છા થઈ કે તે પણ પોતાના ભાઈ સાથે તારામંડળ જશે. પરંતુ તેને પોતાનો જૂનો માઠો અનુભવ યાદ આવ્યો કે જ્યારે પોતાની બહેન સાથે શિક્ષણયાત્રામાં જવા માટેની તેણે હઠ લીધી હતી એટલે આ વખતે એણે એવી વિનંતી ન કરી. આમ છતાં પણ તેને એવી આતુરતા થઈ કે તે સૌર્યમંડળના વિભિન્ન ગ્રહો વિશે જાણકારી મેળવે.

તેને યાદ આવ્યું કે જ્યારે તે સ્વપ્નલોકની પોતાની ગત અંતરિક્ષ યાત્રામાં ગયો હતો ત્યારે સ્વામી વિવેકાનંદે તેને કહ્યું હતું કે સ્પેસ શટલ બીજા ગ્રહો પર જવા માટે ઉપયોગી થતું નથી. એને માટે એક વિશિષ્ટ પ્રકારના અંતરિક્ષ યાનની જરૂર પડે છે. આ વખતે ખુશ પોતાની આગલી ઉપલબ્ધિઓ પર પ્રસન્ન હતો અને તેને એમ હતું કે સ્વામી વિવેકાનંદ અવશ્ય પોતાનું વચન નિભાવશે. તેને એવું લાગ્યું કે સ્વામી વિવેકાનંદે તરત જ સ્વપ્નલોકમાં આવી જવું જોઈએ. આ વખતે એની આંખમાં પહેલાની જમે આંસુ ન હતાં. નમ્રતાપૂર્વકની પ્રાર્થનાનો એ ભાવ પણ અદૃશ્ય થઈ ગયો હતો. તેની જગ્યાએ ગર્વનો ભાવ આવી ગયો હતો. સ્વામી વિવેકાનંદ તેના સ્વપ્નજગતમાં આવ્યા નહીં. ખુશનો ઘમંડી સ્વભાવ થોડા દિવસ ચાલ્યો. કેટલીયે વાર આવી રીતે અસફળ થવાથી એક દિવસ ખુશ ખૂબ રડવા લાગ્યો અને અત્યંત દીનતા સાથે સ્વામી વિવેકાનંદને પ્રાર્થના કરવા લાગ્યો. એને એ જોઈને આશ્ચર્ય થયું કે સ્વામી વિવેકાનંદ તેની તરફ એક મોટું સ્પેસશિપ લઈને આવી રહ્યા છે. એનું નિર્માણ વિશેષ રીતે સૌર્યમંડળની યાત્રા માટે થયું હતું.

સ્વામી વિવેકાનંદને જોઈને ખુશના આનંદનો પાર ન રહ્યો. તે બોલી ઊઠ્યો, ‘આપ મારા સ્વપ્ન લોકમાં કેમ ન આવ્યા અને મારી પ્રાર્થના શા માટે ન સ્વીકારી ?’ સ્વામી વિવેકાનંદનો ચહેરો થોડો ગંભીર થયો અને તેમણે કહ્યું, ‘બેટા સાંભળ, જેનામાં નમ્રતા અને નિષ્ઠા હોય એવા લોકોની પાસે હું જાઉં છું. હું ઘમંડી લોકોની પાસે ક્યારેય જતો નથી. તારી પાછલી પ્રાર્થનાઓમાં તું કેટલો નમ્ર અને નિષ્ઠાવાન હતો! પરંતુ હવે તું અહંકારપૂર્વક મને આવવા માટે મજબૂર કરતો હતો. જો હું તારી પાસે આવું એમ જો તું ઇચ્છતો હો તો તારે નમ્રતાપૂર્વક મને ચાહવો પડશે. બેટા, આ વાતને સમજાવવા માટે હું તને મારા પોતાના જીવનની એક ઘટના સંભળાવું છું : ‘‘અમેરિકા જતાં પહેલાં ભારત વર્ષના દરિદ્ર લોકોને બરાબર સમજવા અને એમની સમસ્યાઓનું સમાધાન શોધવા આખા દેશમાં મોટેભાગે હું પગપાળો ફરી વળ્યો છું. એ સમયમાં રાજસ્થાનના અલવર શહેરમાં ગયો હતો. કેટલાય દિવસ સુધી ભોજન પણ મળ્યું ન હતું કારણ કે મારી પાસે પૈસા ન હતા. કોઈએ પણ મને ખાવાનું ન આપ્યું. આખરે એક દરિદ્ર મહિલાએ મને પોતાને હાથે બનાવેલી રોટલી આપી. જ્યારે હું પશ્ચિમના દેશોની યાત્રા કરીને પાછો ફર્યો ત્યારે એકવાર ફરીથી અલવર ગયો. કેટલાય ધનવાન વ્યક્તિઓએ મને ભોજન માટે આમંત્રણ આપ્યું, મેં બધાંના નિમંત્રણનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ બધા અભિમાની હતા. સાથે ને સાથે એક સંદેશ પેલાં ગરીબ મહિલાને ઘરે મોકલ્યો જેમણે મને પહેલાં રોટલી ખવડાવી હતી. હું એમને ઘરે જઈશ તેવું સાંભળી તે રાજી રાજી થઈ ગયાં. વળી મિષ્ટાન-ભોજન તો જમાડી નહીં શકે તેનું દુ :ખ પણ તેમને થતું હતું. મેં એમને માત્ર રોટલી કરવાની વિનંતી કરી અને કેટલાક લોકોને સાથે લઈને તેમના ઘરે ગયો. ત્યાં હું રોટલી ખાઈને ખૂબ આનંદિત થયો. મેં બધાને કહ્યું કે તેવો કેટલાં નમ્ર અને પવિત્ર છે, અને એમના હાથની રોટલી ખાઈને મને કેટલો આનંદ થયો ! મેં એમનાં પરિવારજનોને કોઈ ન જુએ તેમ કેટલાક રૂપિયા પણ દીધા.’’

જ્યારે ખુશે સ્વામી વિવેકાનંદ પાસેથી આ સાંભળ્યું કે તેઓ કેવળ સાચા ભક્તના ઘરે જ જાય છે. ત્યારે ખુશે પોતાના ઘમંડી સ્વભાવ માટે ઘણી શરમ અનુભવી. તેનું માથું શરમથી ઝૂકી ગયું. ખુશના મુખ પર પશ્ચાત્તાપનો ભાવ જોઈને સ્વામી વિવેકાનંદ તેના પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કરીને કહેવા લાગ્યા, ‘બેટા, પોતાની ભૂલોની બહુ પરવા ન કરવી. મેં પણ જીવનમાં ઘણી ભૂલો કરી છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખજે કે એ બધી ભૂલોને કારણે જ હું આજે આટલો મહાન બની શક્યો છું. એટલે હું એ ભૂલોની ચિંતા કરતો નથી. તું મને એટલો ચાહે છે એટલે જ તારે પણ મારા આદર્શને સ્વીકારવો જોઈએ.’

અન્ય ગ્રહો પર જતા પહેલાં સ્વામી વિવેકાનંદે સ્પેસક્રાફ્ટને ચંદ્રમાં તરફ વાળ્યું. ચંદ્ર પૃથ્વીથી ૩,૫૬,૦૦૦ કિ.મી. દૂર છે. થોડી જ વારમાં તેઓ ચંદ્રમાં પર પહોંચ્યા. ખુશને ચંદ્રની ધરતી પર ચાલવાની જાણકારી દેતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘કેટલાંય રાષ્ટ્રોએ ચંદ્ર પર ઊતરવાનો પ્રયાસ કર્યો છે. સૌથી પહેલાં માનવ વિનાનાં યાનોને ચંદ્ર પર મોકલાતાં. રશિયાએ ૧૯૫૯માં ચંદ્ર પર લૂનાર નામનું માનવહિન સ્પેસક્રાફ્ટ મોકલ્યું હતું. ૧૦ વર્ષ પછી અમેરિકાએ માનવ સાથે એપોલો-૧૧ સ્પેસક્રાફ્ટ સર્વ પ્રથમવાર મોકલ્યું. એ ૨૦ જુલાઈ, ૧૯૬૯ના રોજ ચંદ્રની ધરતી પર ઊતર્યું. નીલ આર્મસ્ટ્રોંગ એ સ્પેસક્રાફ્ટમાંથી ચંદ્રની ધરતી પર ઊતરનાર પહેલો માનવ હતો. ચંદ્રની ધરતી પર ચાલવા માટે આપણે એક વિશિષ્ટ પ્રકારનો અંતરિક્ષ પોશાક પહેરવો પડે છે. એમાં ઓક્સિજન, દબાણ અને તાપમાનને નિયંત્રિત કરનારાં ઉપકરણો લાગેલાં હોય છે. ચંદ્રનું કદ પૃથ્વીના ૨૫% જેટલું છે અને ત્યાં ગુરુત્વાકર્ષણ શક્તિ પણ પૃથ્વીથી ઓછી છે. જો પૃથ્વી પર આપણું વજન ૬૦ કિ.ગ્રા. થતું હોય તો ચંદ્ર પર જવાથી કેવળ ૧૬ કિ.ગ્રા. વજન રહે છે. જો એક ખેલાડી પૃથ્વી પર ૩ મિટર લાંબી કૂદ લગાવી શકે તો તે જ વ્યક્તિ ચંદ્ર પર એ જ પ્રયાસથી ૧૧.૨૫ મિટર કૂદ લગાવી શકે.’

ચંદ્ર પર કેટલીક મિનિટ સુધી ચાલીને તેઓ ફરીથી સ્પેસક્રાફ્ટ પર આવી ગયા. સ્વામી વિવેકાનંદે હવે તેને મંગળ ગ્રહ તરફ વાળ્યું. સૌર્યમંડળ વિશે ખુશ સાથે ચર્ચા કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહ છે. પહેલાં લોકો નવ ગ્રહ સમજતા હતા. પરંતુ પ્લૂટોને હવે ગ્રહનો દરજ્જો અપાતો નથી. આ આઠ ગ્રહોમાંથી મર્ક્યૂરી (બુધ), વીનસ (શુક્ર), અર્થ (પૃથ્વી) તથા માર્સ (મંગળ)ને પાર્થિવ ગ્રહ કહે છે. એટલે કે એમની ભીતરી રચના અને બનાવટ પૃથ્વી સાથે સામ્ય ધરાવે છે. પરંતુ મંગળ, શુક્ર અને બુધની પરિસ્થિતિ પૃથ્વી કરતાં અનેક રીતે ભિન્ન છે. પૃથ્વી તો જાણે એક હીરા જેવી છે. અહીં જીવનના રક્ષણ માટે જળ અને પ્રાણવાયુની સુવ્યવસ્થા છે. જ્યુપીટર (ગુરુ), સેટર્ન (શનિ), યુરેનસ તથા નેપ્ચ્યૂન આ ચાર ગ્રહોને જોવ્યન ગ્રહ કહેવાય છે. કારણ કે એ બધા ગુરુ સાથે સામ્ય ધરાવે છે. ગુરુ આપણી પૃથ્વીના કદ કરતાં ૧૨૦ ગણો મોટો છે. આપણને અલગ અલગ ગ્રહોમાં જવા માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્પેસક્રાફ્ટની જરૂર પડશે. જે સ્પેસક્રાફ્ટ પર સવાર થઈને આપણે જઈ રહ્યા છીએ તેના દ્વારા કેવળ મંગળ ગ્રહ પર જ જઈ શકાય છે.’

જેવું એમનું યાન મંગળ ગ્રહ તરફ આગળ વધવા લાગ્યું એટલે તરત જ સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘મંગળ ગ્રહને આપણે પૃથ્વી પરથી ખુલ્લી આંખે જોઈ શકીએ છીએ. તેનું કદ પૃથ્વી કરતાં લગભગ ૧૫% જેટલું છે. પૃથ્વી અને મંગળ ગ્રહનું અંતર નિશ્ચિત નથી રહેતું. સૂર્યથી દૂર પૃથ્વી ત્રીજો ગ્રહ છે અને મંગળ ચોથો છે. એટલે પૃથ્વી સૂર્યની ચારે તરફ મંગળ ગ્રહ કરતા ઝડપથી ફરે છે. કોઈ નિશ્ચિત સમયે પૃથ્વીની સ્થિતિના આધારે પૃથ્વી અને મંગળ ગ્રહ વચ્ચેનું અંતર ૫૪.૬ મિલિયન કિ.મિટરથી લઈને ૪૦૧ મિલિયન સુધી બદલાતું રહે છે.’ (ક્રમશ 🙂

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.