લેખકો બાળરોગ-સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા સર્જન, (ભારત તથા અમેરિકા) છે જેઓ આદિવાસીઓની વચ્ચે સેવારત છે. સેવારુરલ હોસ્પિટલ, ઝગડિયા (જિલ્લો : ભરુચ, દક્ષિણ ગુજરાત) : મૂળ અંગ્રેજી ગ્રંથનો હિન્દી અનુવાદ સ્વામી વિદેહાત્મનંદજી દ્વારા સંપાદિત ‘સ્વામી વિરેશ્વરાનંદ : એક દિવ્યજીવન’માંથી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

માતા-પિતા જ્યારે પોતાના નાનાં બાળકો સાથે કોઈ દૂરના સ્થળની યાત્રા પર જાય છે, ત્યારે તેઓ વહેલી સવારે ઊઠી જાય છે અને તૈયાર થઈને એવી વ્યવસ્થા કરી લે છે કે યાત્રા સરળ અને આરામદાયક બને. તેઓ પોતાનાં બધાં સંતાનોને સાથે લઈ જશે, પરંતુ તે બધાં હજી ગાઢ નિદ્રામાં ડૂબેલાં છે. તેઓ તેમને જગાડતાં નથી, પણ સૂઈ રહેલાઓને એમ જ ઉઠાવી લઈને નીકળી જાય છે. બે-અઢી કલાક પછી જ્યારે બાળકોની ઊંઘ ઊડે છે, ત્યારે તેઓ એ જોઈને આશ્ચર્ય પામે છે કે તેમનાં માતા-પિતા ઘણો રસ્તો પાર કરી ચૂક્યાં છે. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં અમને બન્નેને પૂજ્યપાદ પ્રભુ મહારાજ પાસેથી દીક્ષા મળી. આ ઘટનાને યાદ કરતી વખતે અમને ઉપરોક્ત દૃષ્ટાંતની યાદ આવી જાય છે.

ઈ.સ.૧૯૭૧માં અમે બન્ને વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્યારે મે મહિનામાં અમને રાજકોટ આશ્રમના તત્કાલીન અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજીનો એક તાર મળ્યો. તેમની ઇચ્છા હતી કે અમેરિકા જતા પહેલાં અમે પૂજ્યપાદ વીરેશ્વરાનંદજી પાસેથી દીક્ષા લઈએ, જેઓ જૂનમાં રાજકોટ આવી રહ્યા હતા. દીક્ષા માટે નક્કી થયેલ દિવસે અમારે એક સામાજિક પ્રસંગમાં હાજર રહેવાનું હતું અને અમેરિકા માટે નીકળવામાં હવે માત્ર બે સપ્તાહ બાકી હતાં. હજી તો ઘણી બધી તૈયારી બાકી હતી. પરંતુ આત્મસ્થાનંદજી પાસે અમારી કોઈ દલીલ ચાલી નહીં. તેમણે પ્રેમપૂર્વક અમને સમજાવ્યું કે વિદાય પહેલાં અમે દીક્ષા લઈએ. તે મુજબ રાજકોટ આશ્રમના જૂના મંદિરમાં અમે બન્ને પ્રભુ મહારાજનાં કૃપાધન્ય શિષ્ય બની ગયાં. તે સમયે પેલી નિદ્રાધીન બાળકો સમાન અમે અમારા ગુરુદેવના માધ્યમથી પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયેલ શ્રી મા સારદાદેવીની કૃપા – પ્રાપ્તિના મહા-સદ્ભાગ્યને સમજી શક્યા ન હતા.

રામકૃષ્ણ મિશન જ અમારું પહેલું સાચું ઘર છે. દક્ષિણ ગુજરાતના એક નાના એવા તાલુકામાં કોલેજનો અભ્યાસ કરવા સમયે ‘સ્વામી વિવેકાનંદની વાણી’ નામની એક નાની એવી પુસ્તિકા મારા હાથમાં આવી. તેમના આહ્‌વાને નિર્ધનો-પીડિતોની ઉન્નતિ માટે કામ કરવા માટે અમારા જીવનને એક નવી દિશા બતાવી હતી.૧૯૬૦ ના દસકામાં ભારતીય સેનાના ચિકિત્સકોના રૂપમાં અમે લખનૌના રામકૃષ્ણ મિશન તરફ આકર્ષાયા હતા. ત્યાં સ્વામી શ્રીધરાનંદજી એક વિશાળ ‘વિવેકાનંદ પોલીક્લિનિક (ચિકિત્સાલય)’ બનાવી રહ્યા હતા. જયારે અમે અનુસ્નાતક અભ્યાસ માટે ગુજરાત પરત આવ્યા, ત્યારે તેમણે રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી સાથે અમારો પરિચય કરાવ્યો હતો. અમે ઘણીવાર રાજકોટના આશ્રમમાં ગયા અને પૂરના સમય દરમિયાન તેમનું અસાધારણ રાહત કાર્ય જોયું. તેમનાં અદ્‌ભુત સેવા-કાર્યોથી ભારે પ્રભાવિત થયા હોવા છતાં અમને મિશનના આધ્યાત્મિક પાસાની કોઈ વિશેષ જાણકારી ન હતી.

અમે બન્નેએ નિર્ણય કર્યો કે આપણે અમેરિકા જઈશું, પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ત્યાં થોડા પૈસા કમાઈને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પાછાં ફરીશું અને સ્વામી વિવેકાનંદના વિચારો તથા આદર્શાે અનુસાર દરિદ્ર-નારાયણની સેવામાં લાગી જઈશું. આવી મન :સ્થિતિમાં પ્રભુ મહારાજ પાસેથી મળનાર મંત્રદીક્ષાએ અમારા આંતરિક વિકાસને એક અકલ્પ્ય તીવ્રતા આપી. અમારી સાધનાની પ્રારંભિક અવસ્થાની સાથે અમેરિકા પહોંચ્યા પછી, ન્યૂયોર્કમાં આવેલ રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરના સ્વામી આદીશ્વરાનંદજીએ પોતાનાં સાપ્તાહિક પ્રવચનો તથા વ્યક્તિગત સત્સંગોના માધ્યમથી અમને માર્ગદર્શન તથા સધિયારો આપ્યો.

ઠાકુરજી અને શ્રી માની કૃપાથી ઈ.સ.૧૯૭૯ ની અમે અમારી યોજના મુજબ અમારાં બે બાળકોની સાથે ભારત પાછાં આવી ગયાં. અમારા સ્વપ્નને સાકાર કરવામાં, અમારાં પ્રિય તથા કર્મઠ મિત્રો ડૉ. દિલીપ તથા પ્રતિમા દેસાઈ પણ જોડાઈ ગયાં, જેઓ અમેરિકામાં જ પી.એચ.ડી. કરી ચૂક્યાં હતાં. અમે સહુ સાથે મળીને ગંભીરતાપૂર્વક યોજના બનાવી રહ્યાં હતાં કે દક્ષિણ ગુજરાતના ક્યા ગ્રામ્ય વિસ્તારમાં અમે અમારું કામ શરૂ કરીએ. એ જ સમયે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં રામકૃષ્ણ મિશનની નવી હોસ્પિટલ બનીને તૈયાર થઈ હતી અને ત્યાં ડોક્ટરોની જરૂર હતી. ગરીબોની સેવાના અમારા સંકલ્પ અંગે જાણતાં તેમણે અમને ત્યાં આમંત્રણ આપ્યું. આ જ દિવસોમાં આસામમાં આંદોલન તથા ઉત્તેજના ટોચ પર હતાં. આ કારણે અમે અરુણાચલ પ્રદેશનો પ્રવાસ ન કરી શક્યાં અને અમારે કેટલાંય સપ્તાહ બેલુર મઠમાં રહીને સ્થિતિ સામાન્ય થવાની પ્રતીક્ષા કરવી પડી. પછીથી જ્યારે એવું લાગ્યું કે સ્થિતિમાં થોડો સુધારો થયો છે, ત્યારે અમારા પ્રવાસનો દિવસ નક્કી થયો. બીજા દિવસે સવારે અમે મઠથી નીકળીને ડમ-ડમ એરપોર્ટથી વિમાનમાં બેસવાના હતા. તે રાત્રે પૂજ્યપાદ મહારાજે રેડિયો પર સાંભળ્યું કે ઈટાનગરની એક શાળાના વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કરી દીધું છે અને તેમણે પૂરો કાર્યક્રમ બંધ રખાવી દીધો. પછીથી તેમણે અમને જણાવ્યું કે અમારાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આખરી પળમાં આ નિર્ણય લીધો હતો. અંતરિયાળ જનજાતીય ક્ષેત્રોમાં રામકૃષ્ણ મિશનનાં કાર્યોની શ્રેણીમાં ઈટાનગરની આ હોસ્પિટલ એક અતિ મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ હતી અને ત્યાં ડોક્ટરોનો ખાસ અભાવ હતો, તો પણ મહારાજે મિશનની ખાસ જરૂરિયાતને પ્રાથમિકતા ન આપી. હવે અમે પોતે જ આવી એક સંસ્થાનું સંચાલન કરી રહ્યાં છીએ, જે અનેક પ્રકારની સેવાઓમાં વ્યસ્ત છે. ઉપરના પ્રસંગથી આપણને તેમની અનાસક્તિની મહાન ક્ષમતાનો બોધ મળે છે, જે જોતાં તેમણે મિશનની તાત્કાલિક આવશ્યકતાને ધ્યાન બહાર કરીને શ્રીરામકૃષ્ણનાં ગૃહસ્થ સંતાનોનાં સર્વાગીણ હિતમાં નિર્ણય લીધો હતો.

આ દૃષ્ટિએ પણ અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે અમારા અમેરિકા પ્રવાસ દરમિયાન પણ અમે પૂજ્યપાદ મહારાજની નાની-મોટી સેવા કરી શક્યાં હતાં. તેમની આંખોની દૃષ્ટિ નબળી થતી જતી હતી અને અમે જ્યારે ન્યૂયોર્કથી ભારત આવતાં, ત્યારે તેમના માટે દવાઓ લઈને આવતાં. અમે તેઓને ત્યાંથી પણ દવાઓ મોકલતાં રહેતાં. એકવાર અમે તેમને માટે એક ખાસ લાકડી લાવ્યાં હતાં, જે વજનમાં હળવી હતી પરંતુ ઘણી મજબૂત હતી. પ્રવાસ સમયે લઈ જવાની સરળતાની દૃષ્ટિએ તેને ચાર જગ્યાએથી વાળી શકાતી હતી. પાછળથી અમને જાણવા મળ્યું કે તેમણે તે સંઘના ઉપાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીને આપી દીધી હતી. આ તેમની એક ખાસ વિશેષતા હતી. પોતાના માટે કંઈ પણ ન રાખીને બીજાઓની આવશ્યકતાઓનું ધ્યાન રાખવું.

અનેક પ્રસંગોએ જોવામાં આવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં તત્કાલ સ્પષ્ટ રીતે સમજી જતા કે શું સારભૂત છે અને શું અસાર. અમે ન્યૂયોર્કના રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરના સ્વામીજીના આગ્રહથી શ્રીરામકૃષ્ણ વિશે એક શ્વેત-શ્યામ ચલચિત્ર ખરીદ્યું હતું. ફિલ્મ અમને સારી લાગી હતી અને તેને બેલુર મઠના સાધુ-બ્રહ્મચારીઓને દેખાડવા માટે પૂજ્યપાદ મહારાજ પાસે પરવાનગી માગી હતી. તેમણે કોઈપણ કારણ કે મંતવ્ય આપ્યા વિના તત્કાલ મનાઈ કરી દીધી. અમને એક શબ્દ પણ બોલવાની હિંમત ન થઈ. જો કે તે ફિલ્મ શ્રીરામકૃષ્ણના જીવન પર આધારિત હતી, તો પણ તેને ન જોવા વિશે તેમણે ક્ષણ માત્રમાં નિર્ણય લઈ લીધો હતો. કેમ કે રામકૃષ્ણ સંઘની પરંપરા ચલાવવા બાબતમાં તેઓ ઘણા સંવેદનશીલ હતા અને જરા પણ સમજુતી કરવા તૈયાર ન હતા.

પરંતુ સાથે જ, કોઈની સત્ય તથા ગુરુ પ્રત્યે નિષ્ઠાની રક્ષા કરવા માટે જે સાધક-જીવન માટે અતિ આવશ્યક છે, તેઓ વ્યવહારુ ઉદાર વલણ રાખવા પણ તૈયાર રહેતા. એક વાર અમે અમારી પુત્રી સાથે તેમનાં દર્શન કરવા બેલુર મઠ ગયા હતા. અમે રોજ સંધ્યા-આરતી પછી તેમને મળવા જતા હતા. એક દિવસ મારી પુત્રીએ તેમની પાસેથી દીક્ષા લેવાની વાત કરી. તેની નાની ઉંમરને કારણે તેઓ બોલ્યા કે હવે પછી બેલુર મઠ આવશો ત્યારે તેને દીક્ષા આપશે. ૧૯૮૦ માં જયારે અમે ફરી વાર આવ્યા તે સમયે રામકૃષ્ણ મઠ તથા મિશનનું બીજું મહાસંમેલન ચાલી રહ્યું હતું. તે પ્રસંગ પર લગભગ ૧૦,૦૦૦ પ્રતિનિધિ બેલુર મઠમાં રહેવાના હતા, એટલે મઠ દ્વારા લેવાયેલ નિર્ણય યોગ્ય જ હતો કે તે દરમ્યાન કોઈને પણ દીક્ષા આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી અજાણ મારી બાર વર્ષની પુત્રીએ પૂજયપાદ મહારાજને પત્ર લખ્યો અને તેમને તે વચનની યાદ કરાવી કે તેમના બીજી વાર આવવા પર તેઓ તેને દીક્ષા આપશે. ફક્ત તેમની કક્ષાના એક ધર્માચાર્ય જ પોતે આપેલા વચનને પૂરુ કરવાનું મહત્ત્વ સમજી શકે અને એક બાળકીના સંવેદનશીલ મન પર પડનાર પ્રભાવને ધ્યાનમાં રાખીને સંમેલન દરમ્યાન થનાર મંત્રદીક્ષાની મુશ્કેલીઓને લક્ષ બહાર કરશે. આ જ કારણ હતું કે સંમેલન દરમ્યાન જ તેમણે તેને ચુપચાપ દીક્ષા આપવાનો નિર્ણય લીધો. આ પૂરા પ્રસંગે અમને બન્નેને તથા પુત્રીને પણ ગહનતાપૂર્વક પ્રભાવિત કર્યાં. (ક્રમશ 🙂

Total Views: 186
By Published On: November 1, 2014Categories: Anil Desai, Dr., Lata Desai, Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram