(સપ્ટેમ્બરથી આગળ…)

નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા

યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે ? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ?’ આ સાંભળીને યમે કહ્યું, ‘સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છસિ (કઠ : ૧.૧.૨૩) – તું જ્યાં સુધી જીવન ધારણ કરવા ઇચ્છે ત્યાં સુધી ધનઐશ્વર્ય સાથે લઈને સુખપૂર્વક એનો ઉપભોગ કર. પરંતુ – મરણં મા ઽનુપ્રાક્ષી : (૧.૧.૨૫) – મરણ પછી શું થાય છે એવો પ્રશ્ન ન કર.’ દેવતાઓને પણ આ વિષયમાં સંદેહ રહે છે – દેવૈરત્રાપિ વિચિકિત્સિતં પૂરા – તમે મનુષ્ય છો, ભલા તમે શું જાણશો ? તમે બાળક છો, આ બધાં દાર્શનિક તત્ત્વો જાણવાની ઇચ્છા ન કરો.

બાળક નચિકેતા તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. એમણે કહ્યું, ‘જે અનેક લોકો નથી જાણતા અને એમ કહે છે કે એ આપ જ આપી શકો છો. મને એ જ દો. ઐશ્વર્ય આદિ આપની પાસે જ ભલે રહે. મારે એની આવશ્યકતા નથી.’

મનુષ્ય ઐશ્વર્ય મેળવવાના લોભમાં ઈશ્વરની આરાધના કરે છે. જ્યાં તે (ઈશ્વર) નથી, ત્યાં ભક્તિ નથી હોતી. જાણે કે શાસ્ત્રો આપણને આકર્ષવા માટે જ એવું કહે છે કે આપણે એવા ભગવાનની વાત બતાવીશું, જે તમને બન્ને લોકમાં સુખપૂર્વક રાખશે. પાર્થિવ ઐશ્વર્ય પણ મેળવશો અને મુક્તિ ઇચ્છો તો તે પણ મેળવી શકશો.

શ્રીકૃષ્ણ અને ભક્ત સુદામા

ભક્તોમાં પણ ભૌતિક વસ્તુની ઇચ્છા જરાય રહેતી ન હોય એવું નથી. ભક્ત સુદામા શ્રીકૃષ્ણના સખા હતા. સુદામાનાં પત્નીએ કેવળ એટલું જ કહ્યું કે આપણા ઘરમાં એટલો બધો અભાવ છે અને તમારા મિત્ર તો રાજા છે, એમની પાસેથી કંઈક માગી લાવો ને! સુદામા તો મૂંઝવણમાં પડી ગયા. એક દિવસ સુદામા પોતાના મિત્ર શ્રીકૃષ્ણને મળવા ગયા. શ્રીકૃષ્ણે ઘણા આદર સાથે એમનું સ્વાગત કર્યું. સુદામા ભાવવિભોર બની ગયા. ભગવાનની ચતુરાઈનો કંઈ અંત નથી. એમણે પૂછ્યું, ‘મિત્ર, મારા માટે શું લાવ્યા છો?’ સુદામાનાં પત્નીએ તાંદુલ દીધા હતા. પરંતુ સુદામા તેને ખોલીને આપવામાં સંકોચ અનુભવી રહ્યા હતા. શ્રીકૃષ્ણે એ તાંદુલ પોટલીમાંથી શોધી લીધા અને પ્રેમથી ખાવા લાગ્યા. સુદામાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પ્રભુના સત્કારથી તૃપ્ત થઈને પાછા ઘરે જતી વખતે સુદામા વિચારે છે – જે માગવા માટે આવ્યો હતો, તે તો હું કહી ન શક્યો. હું તો અત્યંત દીન અને દરિદ્ર છું. સામાન્ય એવી વસ્તુ (તાંદુલ) લાવ્યો હતો, એને પણ એમણે કેટલા ભાવપૂર્વક ગ્રહણ કાર્યા; એવું વિચારીને સુદામા આનંદિત થઈ ગયા. એના પછી જે થયું, જે પુરાણોમાં સર્વત્ર બને છે એમ સુદામાનાં બધાં દુ :ખદુર્દશા દૂર થયાં. પોતાના ગામે પાછા ફરીને તેઓ પોતાની પર્ણકુટીર શોધે છે. પરંતુ એ જગ્યાએ તો એક મોટો મહેલ ઊભો થઈ ગયો હતો. પત્ની આનંદપૂર્વક એમનું સ્વાગત કરીને અંદર લઈ ગયાં. સુદામાના આશ્ચર્યનો પાર નથી. તેઓ બોલી ઊઠ્યા, ‘આ કોનું ભવન છે!’ તેમનાં પત્નીએ કહ્યું,‘તમારા સખાએ જ આ બધું કર્યું છે.’

ભક્ત અને માનવજન્મ

મત એ છે કે જરૂર પડે ત્યારે તેઓ આ બધું આપે છે. પરંતુ આ બધી ચીજવસ્તુના લોભમાં એમની સાથે સંબંધ ન જોવો જોઈએ. જેમ શ્રીરામકૃષ્ણ કહેતા, ‘રાજા પાસેથી દૂધી અને કોળાં માગવાં.’ જે મેળવી લીધા પછી બીજું વધારે કંઈ માગવું ન પડે એ જ માગવું ઉચિત છે.

એક બ્રાહ્મણ સ્વપ્નમાં શિવજી દ્વારા સંકેત મેળવીને પોતાની દરિદ્રતા દૂર કરવાની આશા સાથે સનાતન ગોસ્વામી પાસે ગયો. સનાતન ગોસ્વામીએ કહ્યું, ‘આ રેતીમાં પારસમણિ છે એને લઈ જાઓ, તમારાં દરિદ્રતા અને અભાવ દૂર થઈ જશે.’ રેતીને ખોદીને એને પારસમણિ મળી ગયો. રવીન્દ્રનાથની કવિતામાં આવે છે, ‘એમને સ્પર્શ કરાવતાં જ લોખંડનાં બે તાવીજ સોનાનાં થઈ ગયાં.’ એ કવિતા ઘણી સુંદર છે. અંતે બ્રાહ્મણ કહે છે, ‘હું વિનયપૂર્વક થોડું એ ધન માગું છું કે જે ધનથી ધનવાન બનીને વ્યક્તિ મણિને મણિરૂપે ઓળખતો-સમજતો નથી.’ એમ કહીને એણે મણિને નદીના જળમાં ફેંકી દીધો. આ ધનની મારે આવશ્યકતા નથી, એ જ ભક્તની વાત છે. ધ્રુવની જેમ ભલે કોઈ ભક્ત સકામ ભાવે એમની પાસે જાય તો પણ એમનો એવો દિવ્ય પ્રભાવ છે કે બધી કામના દૂર થઈ જાય છે, દિવ્યજ્ઞાનનું સ્ફુરણ થાય છે અને ત્યારે ભક્ત એમને જ (ઈશ્વરને) ચાહે છે.

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભગવાનના ગુણદોષ પર વિચાર ન કરતાં, તમે એ જ કરો કે જેનાથી તમારું જીવન ધન્ય બની જાય.’ જે બુદ્ધિ દ્વારા વિચાર થશે, તેઓ એ બુદ્ધિની સીમાથી પર છે. શ્રીરામકૃષ્ણ કહેતા હતા, ‘હેમ દક્ષિણેશ્વર આવજા કરતો હતો, મુલાકાત થતાં જ મને કહેતો – કેમ ભટ્ટાચાર્ય મહાશય, સંસારમાં એક જ વસ્તુ છે ને, માન, બરાબરને ? ઈશ્વરની પ્રાપ્તિ જ મનુષ્ય જીવનનું ઉદ્દેશ્ય છે, આ વાત બહુ ઓછા લોકો કહે છે.’

આપણે લોકો મુખેથી જે કહીએ છીએ કે ઈશ્વરપ્રાપ્તિ જ જીવનનો ઉદ્દેશ છે, આ વાત આપણે કેટલા આંતરિક વિશ્વાસ-શ્રદ્ધા સાથે કહીએ છીએ વિચારવા જેવી વાત છે. તેઓ જ (ઈશ્વર) જો જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હોય તો શું આપણી પૂરેપૂરી જીવનધારા બદલાય નહીં જાય? જે માન, યશ, ભોગ, ઐશ્વર્ય માટે આપણે પ્રાણ આપી દઈએ છીએ, તે બધું શું ધૂળકચરો નહીં લાગે? શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જીવનનો ઉદ્દેશ્ય શું છે એ હૃદય દ્વારા સમજો. માનવજીવન દુર્લભ છે. એમાં આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે.’

શાસ્ત્ર આપણને સાવધાન કરે છે.

દુર્લભં ત્રયમેવૈતદ્ દેવાનુગ્રહેતુકમ્ —।

મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રય : —।।

– વિવેક ચૂડામણિ, ૩

‘ઈશ્વરના અનુગ્રહ વિના આ ત્રણ દુર્લભ વસ્તુ મળતી નથી. પહેલાં તો માનવજન્મ, પછી એમાં મુક્તિની આકાંક્ષા અને ત્યાર પછી મહાપુરુષનો આશ્રયલાભ.’ જીવનમાં આ ત્રણેય ચીજો મળી જાય તો સાર્થક બની જાય છે. એટલે જે સુઅવસર આપણને આ જીવનમાં મળ્યો છે, એની આપણને ખબર નથી કે પાછો ક્યારે મળે. એનો પૂરેપૂરો સદુપયોગ કરવાની તીવ્ર વ્યાકુળતા જો આપણા મનમાં ન જાગે, જો આપણે સદા સાવધાન ન રહીએ, આપણા સંપૂર્ણ જીવનને નિયંત્રણ કરવાની પ્રાણપૂર્વક ચેષ્ટા ન કરીએ તો પછી મનુષ્ય બનીને જન્મ લેવાની કોઈ સાર્થકતા નથી. આ જ વાત શ્રીરામકૃષ્ણ કહે છે. ભગવાનને મેળવવા એ જ માનવજીવનનો ઉદ્દેશ્ય છે. (ક્રમશ 🙂

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.