(સપ્ટેમ્બરથી આગળ…)

યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં કહ્યું, ‘પહેલાં મારા માટે વીશ પચીસ માઈલ ચાલવું રમતવાત હતી. પણ હવે હું કેટલો નબળો થઈ ગયો છું ! આટલું ચાલવું પણ મુશ્કેલ લાગે છે !’ પછી થોડું થોભીને આગળ કહ્યું, ‘જો, બેટા, હવે હું ખરેખર મારા જીવનના અંતની નજીક છું.’ આ સાંભળીને વિરજાનંદજીનું હૃદય જાણે કે બેસી ગયું. અંતે યાત્રાળુની ટુકડી પોતાના નિશ્ચિત સ્થળે યાત્રાના પાંચમા દિવસે એટલે કે ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ પહોંચી. જો હિમપાત ન થયો હોત તો તેઓ એક દિવસ વહેલા પહોંચ્યા હોત.

સ્વામીજી માયાવતીમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા, પરંતુ તેઓ દરેકને માટે સતત પ્રેરણા અને આનંદનું સ્રોત બની રહ્યા. હિમાલયની પર્વતમાળાના આ એકાંતમાં પોતાના ગુરુદેવ સાથેના નિકટના સંગાથની સ્મૃતિઓ વિરજાનંદજીના શેષજીવન સુધી સંગ્રહાયેલી રહી.

એક દિવસ જ્યારે સ્વામીજી ત્યાં હતા ત્યારે વિરજાનંદે એકાંતમાં રહેવાની અને સંપૂર્ણપણે તપધ્યાનમાં સમય ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્વામીજીએ તેને વારવા પ્રયત્ન કરતાં આમ કહ્યું, ‘કઠિન તપશ્ચર્યા કરીને તું તારી તબિયત ન બગાડ. એનો શો ઉપયોગ છે ? તારે અમારા અનુભવમાંથી શીખવું જોઈએ. વળી ખરેખર તું કેટલા સમય સુધી જપધ્યાન કરી શકે, કદાચ પાંચેક મિનિટ. એમ પણ કેમ ? જો મન સ્થિર અને શાંત હોય તો એક મિનિટ માટે પણ ધરેલું ધ્યાન પૂરતું છું ! આને માટે તારે જપ અને ધ્યાન નિયમિત રીતે સવારે અને સાંજે કરવાં જોઈએ. આમ છતાં કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને દિવસના બાકીના સમયમાં શાસ્ત્રગ્રંથોના વાંચન અને વિશ્વનું ભલું થાય એવાં કાર્યમાં પ્રવૃત્ત રાખવી જોઈએ. મારા શિષ્યો કઠિન તપશ્ચર્યા કરતાં, કાર્યને વધુ મહત્ત્વ આપે એમ ઇચ્છું છું.’ આમ છતાં વિરજાનંદ જરાય ડગ્યા નહીં. તેમણે મક્કમતાથી કહ્યું, ‘હા, તમે જે કંઈ કહો છો તે સાચું છે છતાં પણ ચારિત્ર્યની પવિત્રતા માટે અને આધ્યાત્મિક સામર્થ્ય મેળવવા ધર્મસાધના કરવી નિતાંત આવશ્યક છે; નહીં તો નિ :સ્વાર્થભાવે કાર્ય કરવાનું શક્ય ન બને.’ થોડીવાર પછી જ્યારે વિરજાનંદ ઓરડામાંથી બહાર ગયા ત્યારે સ્વામીજીએ બીજાઓને કહ્યું, ‘કાલીકૃષ્ણ જે કહે છે તે ખરેખર સાચું છેે. હું એને પૂરેપૂરો જાણું-સમજું છું. સંન્યાસીના મુક્ત જીવન અને ધ્યાન સમું બીજું છે શું ? ત્યાગના જીવનની આ સૌથી શ્રેષ્ઠ ભવ્યતા છે, શું એ મેં અનુભવી નથી ? હું પણ એવી જ રીતે સ્થળે સ્થળે જઈને, ભિક્ષાટન કરીને, અને માત્ર ઈશ્વર પર જ આધાર રાખીને જીવ્યો છું. કેવા સુખદ દિવસો હતા તે ! મારા જીવનના એ દિવસો પાછા મેળવવા હું મારું ગમે તે આપવા રાજી છું.

આમ છતાં પણ વિરજાનંદજી માયાવતીમાં કર્મ અને ધ્યાનનો સમન્વય સાધીને રહ્યા અને એમના ગુરુએ શીખવેલા આદર્શનું અનુસરણ પણ કર્યું.

જ્યાં શ્રીરામકૃષ્ણદેવની છબી પૂજાતી હતી એવું પૂજાઘર પણ અદ્વૈત આશ્રમમાં થોડો વખત સ્થપાયું હતું. પરંતુ સ્વામીજી આ જોઈને રાજી ન હતા. આ આશ્રમ અદ્વૈત અને માત્ર અદ્વૈતને જ સમર્પિત થયેલો છે. એટલે ત્યાં કોઈ વૈધિક પૂજા થાય તેવું તેઓ ઇચ્છતા ન હતા. પ્રારંભમાં આ પૂજાઘર સ્થાપવા માટે વિમલાનંદ અને વિરજાનંદ જવાબદાર હતા. જો કે સ્વામીજીએ તેમને આ પૂજાઘરથી અલગ રહેવા આદેશ ન આપ્યો પણ એટલું તો સ્પષ્ટ સમજાઈ ગયું કે તેઓ અહીં આવાં વિધિવિધાનોને માન્ય રાખતા નથી. વિરજાનંદ ભીંસમાં આવ્યા અને આ વૈધિક પૂજાવિધિ બંધ થઈ.

માયાવતીમાં આવેલું નાનું તળાવ શિયાળામાં થીજી જતું. એક દિવસ વિરજાનંદે એમાંથી થોડો બરફ એકઠો કર્યો અને એમાંથી આઈસ્ક્રીમ બનાવ્યો. સ્વામીજી એ આઈસ્ક્રીમ ખૂબ આનંદથી ખાઈ ગયા. માયાવતીમાં વિરજાનંદ સ્વામીજી માટે રસોઈ બનાવતા. એક વખત સ્વામીજીના બપોરના ભોજનમાં ઘણું મોડું થયું. સ્વામીજી નાના બાળકની જેમ અધીર બની ગયા અને વિરજાનંદને ઠપકો આપવા રસોડામાં ગયા. પણ ત્યાં રસોડામાં એમણે જે જોયું એનાથી એક શબ્દ બોલ્યા વિના ત્યાંથી પાછા નીકળી ગયા. વિરજાનંદજી ખૂબ મહેનત કરીને સગડી ફૂંકતા હતા અને આખુ ંરસોડું ગૂંગળાવી દેતા ધુમાડાથી ભરાઈ ગયું હતું. પછી મોડેથી જ્યારે બપોરનું ભોજન પીરસાયું ત્યારે સ્વામીજીએ એક બાળકની જેમ કચકચ કરતાં કહ્યું, ‘આ બધું લઈ જાવ, મારે કંઈ ખાવું બાવું નથી.’ સ્વામીજીનો આવો બાળસુલભ સ્વભાવ જોઈને વિરજાનંદ શાંતિથી ત્યાં ઊભા રહ્યા. તરત જ સ્વામીજીએ ખાવાનું શરૂ કર્યું અને એમનો ગુસ્સો ઓગળી ગયો. પછી તેમણે હસતાં હસતાં સમજાવ્યું, ‘હવે મને ખબર પડી કે હું આટલો બધો ગુસ્સે કેમ થયો. અરે મને ભયંકર ભૂખ લાગી હતી !’

એક દિવસ સ્વામીજી માયાવતીમાંથી નીકળવાના હતા ત્યારે વાદળછાયું વાતાવરણ હતું. એટલે કોઈ મજૂરને મેળવવો મુશ્કેલ હતો. જ્યારે વિરજાનંદજીએ જોયું કે સ્વામીજી આને લીધે ચિંતાતુર છે ત્યારે તેમણે કહ્યું, ‘સ્વામીજી કંઈ વાંધો નહીં. જરૂર પડે તો અમે તમને નીચે સુધી ઊંચકી જઈશું!’ આ સાંભળીને સ્વામીજીએ વિનોદથી કહ્યું, ‘અરે, એમ છે! તમે તો મને સાંકડી ખીણમાં ફેંકી દેવાની યોજના કરો છો ને!’

અને પછી મજૂરોની વ્યવસ્થા થઈ ગઈ અને યાત્રાની બીજી વ્યવસ્થા પણ થઈ. આ વખતે તેમણે બીજા રસ્તે જવાનું નક્કી કર્યું. સ્વામીજીએ સદાનંદને બોલાવ્યા અને કહ્યું, ‘જુઓ ભાઈ, આ બધું આયોજન અને વ્યવસ્થા કાલીકૃષ્ણ પર છોડી દો. તે ઠંડા મિજાજનો છે અને નાની નાની બાબતોમાં અધીર બની જતો નથી. તે આપણને જે કંઈ પણ કરવા કહે તે આપણે માનવું પડશે.’

ભાત રાંધતી વખતે દેવરીના ડાક બંગલામાં વિરજાનંદજી ફરીથી એક મુશ્કેલીમાં આવી પડ્યા ! એમણે જ્યારે ભાત બરાબર રંધાઈ જાય ત્યારે એ વાસણમાં સમાય તેના કરતાં વધારે માત્રામાં ભાત ઓરી દીધો. પરિણામે અરધો રંધાયેલો ભાત ઊભરાવા લાગ્યો અને વિરજાનંદજી એક નવી મુશ્કેલીમાં મુકાયા. ઓચિંતાના સ્વામીજી ત્યાં આવ્યા અને તેમણે કહ્યું, ‘એમાં થોડું ઘી નાખીને વાસણ પર ઢાંકણ ઢાંકી દે. ભાત સરળતાથી ઊકળી જશે અને સ્વાદિષ્ટ પણ બનશે.’ વિરજાનંદજીએ સૂચનાનો અમલ કર્યો અને આ યુક્તિ કામે લાગી એ જોઈને તેમને નિરાંત થઈ. બધાએ આનંદથી ભાત આરોગ્યો.

જ્યારે તેઓ પીલીભીતની નજીક આવ્યા ત્યારે સ્વામીજી ડોળીમાંથી નીચે ઊતરી ગયા, વિરજાનંદજીને બોલાવ્યા અને કહ્યું, ‘અહીં આવ, હું તને ઘોડા પર કેવી રીતે સવારી કરવી તે શીખવીશ.’ કેવી રીતે ઘોડા પર બેસવું અને લગામ પકડવી તે વિશે થોડી સૂચનાઓ આપીને તેમણે ઘોડા ઉપર બેસવા માર્ગદર્શન આપ્યું અને પોતે બીજા ઘોડા ઉપર બેઠા. ઘોડાને દોડાવવા સ્વામીજીએ ચાબુક ફટકાર્યો અને વિરજાનંદજીને પણ એમ કરવા કહ્યું. પરંતુ એમના ઘોડાએ બીજાને રેવાલ ચાલે દોડતો જોઈને તેણે ચાબુકની રાહ ન જોઈ. એટલે હવે વિરજાનંદ માટે એને પકડી રાખવો કે નીચે પડી જવું એવી સમસ્યા ઊભી થઈ!

સ્વામીજી પીલીભીતમાં ગાડીમાં બેઠા. સ્વામીજી સાથેની વિરજાનંદની આ છેલ્લી મુલાકાત હતી.

૧૯૦૧માં પોતાના બ્રહ્મચારી જ્ઞાન નામના શિષ્ય સાથે વિરજાનંદ કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ ગયા. એમનું સ્વાભાવિક અંતર્યામી મન બદ્રીનાથના ધ્યાન ધરવા યોગ્ય ભવ્ય વાતાવરણમાં વધારે અંતર્મુખી બન્યું. યાત્રાની સુવિધા માટે તેમણે માત્ર પાંચ રૂપિયા જ લીધા હતા.

આ યાત્રાએથી પાછા ફર્યા પછી અદ્વૈત આશ્રમના વિકાસમાં સહાય કરવા વિરજાનંદે પોતાની જાતને પૂરેપૂરી લગાડી દીધી. સ્વામીજીની ઇચ્છા પ્રમાણે સ્વામી સ્વરૂપાનંદ અને માતા સેવિયર સાથે વિરજાનંદે પોતાની જાતને ‘પ્રબુદ્ધ ભારત’ને લોકપ્રિય બનાવવા અને વેદાંતના સંદેશને ફેલાવવાના કાર્યમાં લગાડી દીધી. ઉત્તર પ્રદેશ, પંજાબ, સિંધ, ગુજરાત અને મહારાષ્ટ્રનાં શહેરોમાં આ પત્રિકાનો પ્રચાર-પ્રસાર કરવાના હેતુથી વિરજાનંદ ૧૯૦૧ના નવેમ્બરમાં ભારતના ઉત્તર અને પશ્ચિમના પ્રવાસે નીકળી પડ્યા. આ જવાબદારીનું કાર્ય કરતાં કરતાં જીવનનાં કેટલાંય ક્ષેત્રોની વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા. એક સમજદાર – શાણા આધ્યાત્મિક ઝંખના કરનારને શાંતિ પ્રાપ્ત કરવામાં કેવી રીતે શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના આદર્શાે સહાયરૂપ બનતા હતા, એ જોઈને તેમનામાં નવી આશાનો સંચાર થયો. અને બીજી બાજુએ સમાજની વધુ અંધકાર ભરેલી બાબતથી તેઓ જાણે કે ટેવાઈ ગયા. સાથે ને સાથે કેવી કડવાશ અને ભૌતિકતાવાદ ઘણાં સુખી સમૃદ્ધ અને ભણેલા ગણેલામાં પણ છવાઈ ગયાં છે એ જોઈને એમને આશ્ચર્ય પણ થતું. કેટલાંક સ્થળે તેમનું ઉષ્માભર્યું અને ઘણા માન સાથે સ્વાગત થયું. વળી કેટલેક સ્થળે ઠપકો કે અપમાન પણ સહન કરવાં પડ્યાં. એક જગ્યાએ તો જોડો મારવાની ધમકી પણ મળી. આ બધું તેમણે એક સાચા સંન્યાસીની માનસિક સ્થિરતાથી હસતે મુખે સ્વીકારી લીધું.

આ સમય દરમિયાન વિરજાનંદે મથુરા, વૃંદાવન, કનખલ અને હરિદ્વારની મુલાકાત લીધી. એમના ગુરુબંધુ સ્વામી કલ્યાણાનંદજીના પ્રયાસોને લીધે કનખલનું સેવાશ્રમ શરૂ થઈ ચૂક્યું હતું. વિરજાનંદે આ સંસ્થા માટે ભંડોળ ઊભું કરવામાં પોતાની સહાયની દરખાસ્ત મૂકી. ત્યાર પછી તેઓ હૃષીકેશ ગયા. અહીંના શાંત અને આધ્યાત્મિક વાતાવરણે વિરજાનંદના હૃદયને તપ અને ધ્યાનસાધનાના જીવન માટે આકર્ષ્યું. (ક્રમશ 🙂

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.