प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન જીવે છે, જેઓ પોતાના અંગત ખ્વાબો ખાતર બીજાં બધાંનું બલિદાન આપવા તૈયાર થાય છે, તેવા આપણામાં કોઈ ન હોવા જોઈએ. તેવા લોકો હજુ સમય છે ત્યાં સુધીમાં આપણામાંથી નીકળી જાય. શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે, આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો ઉપાય છે અને આ જ ધ્યેય છે. ઊઠો, ઊઠો ! ભરતીનો જુવાળ આવી રહ્યો છે ! આગળ ધપો ! સ્ત્રીઓ, પુરુષો અને ચાંડાળ સુધીના સર્વ લોકો શ્રીરામકૃષ્ણની નજરમાં પવિત્ર છે. આગળ ધપો, આગળ ધપો! નામ માટે, કીર્તિ માટે, મુક્તિ માટે કે ભક્તિ માટે પરવા કરવાનો સમય નથી. તે બધાંની સંભાળ કોઈ બીજે વખતે લઈશું. અત્યારે તો, આ જીવનમાં તો તેના ઉદાત્ત ચરિત્રનો, તેમના ભવ્ય જીવનનો અને તેમના અસીમ આત્માનો અનંત રીતે પ્રચાર કરીએ. ફક્ત આ એક જ કામ છે; તે સિવાય કંઈ કરવાનું નથી. જ્યાં જ્યાં તેનું નામ પહોંચશે, ત્યાં ત્યાં હલકામાં હલકા જંતુમાં પણ દિવ્યતા આવશે, અરે, આવી રહી જ છે. તમને આંખો છે છતાં તે નિહાળી શક્તા નથી ? આ શું બચ્ચાંનો ખેલ છે ? આ શું બેવકૂફીભર્યો બકવાદ છે? કે મૂર્ખાઈ છે ? उत्तिष्ठत जाग्रत। ઊઠો; જાગો! એ મહાન ઈશ્વર આપણી પાછળ છે. હું વધારે લખી નથી શક્તો. બસ, આગળ ધપો! હું તમને એટલું જ કહું છું કે જે આ પત્ર વાંચશે તેનામાં મારી શક્તિ આવશે. શ્રદ્ધા રાખો, આગળ ધપો! પરમેશ્વર મહાન છે. …. મને એમ લાગી રહ્યું છે કે બીજું કોઈ મારો હાથ ચલાવીને આ પ્રમાણે લખાવી રહ્યું છે. આગળ ધપો! હે ઈશ્વર ! દરેક માણસ ખેંચાઈ જશે! સંભાળજો, સાક્ષાત્ ઈશ્વર આવી રહ્યો છે. જે કોઈ તેની સેવા કરવા, ના, તેની નહિ તેનાં ગરીબ અને કચડાયેલાં, પાપી અને દુ :ખી, અરે કીડા સુધીનાં તેનાં સર્વ બાળકોની સેવા કરવા જેઓ તૈયાર થશે તેમનામાં તે પ્રગટ થશે. તેમની જિહ્વા દ્વારા સાક્ષાત્ ભગવતી સરસ્વતી બોલશે અને તેમનાં હૃદયસિંહાસનમાં સર્વશક્તિમયી જગન્માતા બિરાજશેે. જેઓ નાસ્તિક છે, શ્રદ્ધાહીન છે, નકામા છે અને શેખીખોર છે તેઓ પોતાને ઈશ્વરના અનુયાયી શા માટે ગણાવે છે ?

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા : ૬.૧૩૫-૩૬)

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.