શ્રીરામકૃષ્ણ – ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ કલિયુગને માટે નથી.’

આ વિષયમાં વેદમાં સાત ભૂમિકાઓ (Seven Planes) ની વાત છે. એ સાત ભૂમિકાઓ મનનાં સ્થાન. મન જ્યારે સંસારમાં હોય, ત્યારે લિંગ, ગુદા અને નાભિ એ તેનાં વાસ-સ્થાન. એ વખતે મનની ઊર્ધ્વદૃષ્ટિ ન હોય, કેવળ કામકાંચનમાં જ એ રહ્યા કરે. મનની ચોથી ભૂમિકા હૃદય. ત્યારે પ્રથમ જાગૃતિ થાય અને ચારે બાજુ જ્યોેતિ-દર્શન થાય. એ વખતે એ વ્યક્તિ ઈશ્વરી જ્યોેતિ જુએ અને ચક્તિ થઈને બોલી ઊઠે, ‘આ શું! આ શું!’ એ પછી મન નીચે સંસાર તરફ ન જાય.’

‘મનની પાંચમી ભૂમિકા કંઠ. જેનું મન કંઠની ભૂમિકાએ ચડ્યું હોય તેની અવિદ્યા, અજ્ઞાન બધું નીકળી જાય. તેને ઈશ્વર સંબંધી વાત વિના બીજી કોઈ વાત સાંભળવાનું કે બોલવાનું ગમે નહિ. જો કોઈ બીજી વાતો કરે તો તે ત્યાંથી ઊઠી જાય.’

‘મનની છઠ્ઠી ભૂમિકા કપાળ, ભ્રૂમધ્ય. મન ત્યાં ચડે એટલે રાતદિવસ ઈશ્વરી રૂપનાં દર્શન થાય. ત્યારે પણ જરાક ‘અહં’ રહી જાય. એ વ્યક્તિ એ નિરૂપમ રૂપનાં દર્શન કરીને ભાનભૂલ્યો થઈને એ રૂપનો સ્પર્શ અને આલિંગન કરવા જાય પણ તેમ કરી શકે નહિ. જેમ કે ફાનસની અંદર પ્રકાશ છે, આપણને થાય કે જાણે હમણાં જ પ્રકાશને અડી જઈશું, પણ કાચનો અંતરાય રહ્યો હોય એટલે અડી શકાય નહિ.’

‘મસ્તક એ સાતમી ભૂમિકા. મન ત્યાં પહોંચે એટલે સમાધિ થાય અને બ્રહ્મજ્ઞાનીને બ્રહ્મનાં પ્રત્યક્ષ દર્શન થાય. પરંતુ એ અવસ્થામાં શરીર વધુ દિવસ ટકે નહિ. હંમેશાં બેહોશ રહે, કશું ખાઈ શકે નહિ, મોઢામાં દૂધ રેડો તો બહાર નીકળી જાય. એ ભૂમિકામાં એકવીશ દિવસની અંદર મૃત્યુ થાય. આ છે બ્રહ્મજ્ઞાનની અવસ્થા. તમારે માટે ભક્તિમાર્ગ બહુ જ સારો અને સહજ.’

(શ્રીરામકૃષ્ણ કથામૃત : ૧.૧૨૧)

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.