લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.

સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદનાં પગલાંથી પાવન થયેલ ઝાલાવાડ પંથકના શિરમોર સમા લીંબડી શહેરમાં નવનિર્મિત મંદિરમાં ૧લી નવેમ્બર, ૨૦૧૪ના રોજ વાજતે ગાજતે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી અને આખું શહેર રામકૃષ્ણદેવમય બની ગયું.

ઈ.સ. ૧૮૯૧માં સ્વામીજીનું આગમન, લીંબડીના મહારાજા ઠાકોર શ્રીયશવંતસિંહજી સાથે તેમનું મિલન થયું હતું. ત્યાર પછી રાજકુટુંબ તથા સ્થાનિક અનન્ય ભક્તમંડળના ભાવભક્તિના પરિપાકરૂપે ઈ.સ. ૧૯૯૪માં લીંબડીમાં લોકસેવાનાં અનન્ય સેવાકાર્યો માટે રામકૃષ્ણ મિશન, લીંબડીનો ઉદય થયો. આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવનાની દૃષ્ટિએ આ એક ઐતિહાસિક દિન હતો. ત્યાર પછી આ કેન્દ્ર દ્વારા આરોગ્ય મંદિર, ગૃહમંદિર, જળમંદિર (પાણીનાં તળાવો), વિદ્યામંદિર અને અંતે શ્રીરામકૃષ્ણદેવનું આ વૈશ્વિક મંદિર સ્થાપાતાં ત્યાં આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિનું એક ઝરણું પ્રબળ વેગે વહેતું થયું છે.

જેમણે પોતાના પ્રાગટ્યથી ભારત અને વિશ્વભરનાં મંદિરોમાં સાચા અર્થમાં પ્રાણનો સંચાર કર્યો છે. એવા ભગવાન શ્રીરામકૃષ્ણના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા. ૩૧મી ઓક્ટોબરથી ૨ નવેમ્બર, ૨૦૧૪ દરમિયાન ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. આ ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસના પ્રારંભે રામકૃષ્ણ મઠ, કોચીના શ્રીમત્ સ્વામી વિનિર્મુક્તાનંદજીએ ગુરુસ્તોત્રથી માંડીને ‘નારાયણનું નામ જ લેતાં…’ જેવાં ભજનો ગાઈને ઉપસ્થિત સંન્યાસી તેમજ ભક્તોમાં ભક્તિભાવ ઉદિપ્ત કરી દીધો હતો. રામકૃષ્ણ મઠ, મુંબઈના શ્રીમત્ સ્વામી કૃપાકરાનંદજીએ ‘ગોરાંગ, અર્ધાંગ.., માતા કાલિકા.., જેવાં શાસ્ત્રીય રાગબદ્ધ ભજનો દ્વારા સહુને તન્મય કરી દીધા હતા. જય દ્વારકાધીશ રાસ મંડળ, લીંબડીના શ્રીગોવિંદભાઈ ભરવાડ સાથે ખેલૈયાઓએ ‘એ આવે છે વિવેકાનંદ આવે છે…’ જેવા રાસ ગાઈને દાંડિયારાસની જમાવટ કરી હતી. રાજકોટના બાલશ્રી એવોર્ડ વિજેતા શ્રી ઉત્તમકુમાર મારુએ ‘અગ્નિમંત્ર તેજ દે દો…’ જેવાં સ્તવનો રજૂ કરીને પોતાની બાળઅવસ્થામાં અદ્‌ભુત ક્ષમતાથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. સુરતનાં ‘બેટી બચાવો અભિયાન’ના પ્રચારક કુમારી ભાષા વાઘાણીએ સ્વામીજીની ઓજસ્વીવાણીને છટાદાર શૈલીમાં ગીતાના શ્લોકો ટાંકીને પ્રભાવક રીતે રજૂ કરી હતી અને નવી પેઢીમાં સ્વામીજીના વિચારોની અસરકારકતાની સૌને પ્રતીતિ થઈ હતી. જામનગરના બાળકલાકાર શ્રી સૌમ્ય પંડ્યાએ વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી ‘સ્વદેશ મંત્ર’ સહિતનું વક્તવ્ય આપ્યું હતું અને લોકોની પ્રશંસા મેળવી હતી. સાંધ્ય આરાત્રિકમમાં શ્રીમત્ સ્વામી મુક્તેશ્વરાનંદજી સાથે સમૂહગાનમાં ભક્તો જોડાયા હતા તથા શ્રીમત્ સ્વામી કલ્યાણાનંદજીએ પખવાજવાદન કર્યું હતું. આંતરરાષ્ટ્રિય લોકગાયક, ખડિર-કચ્છના શ્રી મુરાલાલ મારવાડાએ વાદકવૃંદ સાથે આગવી કચ્છી શૈલીમાં ભજનો રજૂ કરીને સૌની દાદ મેળવી હતી. પોરબંદરના મેર રાસમંડળે ‘માતા જીજાબાઈ ઝુલાવે..’, ‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે..’ જેવાં રાસ, એક તલવાર, બે તલવાર, લાઠી અને દાંડિયા સાથે જૂથમાં રજૂ કરીને રંગત જમાવી હતી. રાત્રિ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રસિદ્ધ કલાકાર શ્રી હરિઓમ પંચોલીએ ‘ઓમ નમ : શિવાય…’ ‘યથા જોગી જટા જોગી ચાલ..’, ‘ડમરુ.. ડુમ..’, ‘શંકર મહારાજ આજ તાંડવ નાચે’ જેવા શબ્દસંગીત સાથે શિવનૃત્ય રજૂ કરી સૌને ડોલાવી દીધા હતા.

મહોત્સવનો દ્વિતીય દિવસ તા. ૧લી નવેમ્બર, ૨૦૧૪ને શનિવાર એ તો જગદ્ધાત્રિ પૂજાનો પાવન દિવસ. એ જ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ. આધ્યાત્મિક પ્રસન્નતાના આ દિવસના પ્રારંભે મંગલ આરતી પછી રામકૃષ્ણ મઠ, બેંગલોરના સ્વામીજીએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે પધારેલા સહુ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓએ નૂતન મંદિરની ફરતે વિવિધ રાગમાં, સૂરમાં અને તાલમાં એકતાન થઈ કીર્તનાનંદમાં મસ્ત બનીને પ્રદક્ષિણા કરી હતી. એનાં દર્શનથી ભક્તોને દક્ષિણેશ્વરના શ્રીઠાકુરની આનંદપૂર્ણ ભાવાવસ્થાની ઝાંખી થઈ હતી.

સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદહસ્તે નૂતન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઈ હતી અને સેવા પ્રતિષ્ઠાન, કોલકાતાના શ્રીમત્ સ્વામી મુક્તેશાનંદજીએ મંદિરમાં ભજનો ગાઈને શ્રીઠાકુરની ભાવપ્રતિષ્ઠા કરી હતી. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદામણિદેવી અને સ્વામી વિવેકાનંદની ફૂલોથી સજાવેલી છબીઓને પાલખીમાં રાખીને લીંબડી નગરમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં શણગારેલાં બળદગાડાં, ઘોડા, ટ્રેક્ટરો, બાઈક, વિવિધ વાહનો જોડાયાં હતાં. એની સાથે સાધુ-સંતો, ગૃહસ્થ ભક્તો, યુવાનો, આબાલવૃદ્ધ, નરનારી સહુ સંકીર્તન કરતાં કરતાં જોડાયાં હતાં. નાની કઠેચીના પઢાર રાસમંડળે તથા રાણાગઢના પઢાર યુવક મંજીરા રાસમંડળે રાસગરબાની રમઝટ બોલાવી હતી.

શારદા ભજન મંડળી, લીંબડી તથા અંધમહિલા વિકાસ ગૃહ, રાજકોટના બહેના કંઠે ભક્તિભાવના ભજનોના સૂરથી આખું વાતાવરણ ભાવમય બની ગયું હતું. સુરેન્દ્રનગરની જય દ્વારકાધીશ રાસમંડળીએ અઠંગો રાસ રચીને ભજનસંગીત પીરસ્યું હતું. રામકૃષ્ણ મઠ, શ્યામપુકુરવાડી, કોલકાતાના શ્રીમત્ સ્વામી દિવ્યવ્રતાનંદજીએ ‘પરદુ :ખે ઉપકાર કરે તોયે..’, ‘જૂનું રે થયું દેવળ..’, ‘નાનું સરખું ગોકુળિયું રે મારું..’, ‘સારે જગ મેં ગુંજ રહી હૈ તેરી મહિમાગાન રામકૃષ્ણ ભગવાન..’ જેવાં ગુજરાતી ભજનો મધુર કંઠે રજૂ કર્યાં હતાં.

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ધર્મસભાના પ્રારંભમાં શ્રીમત્ સ્વામી કૃપાકરાનંદજીએ ‘આઓ મહારાજ… આનંદ આયે પ્રભુ..’ એ આવકાર ગીતની ભાવવાહી પ્રસ્તુતિ કરી હતી. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આ વૈશ્વિક મંદિરમાં સૌ કોઈ આવતા રહે અને મંદિરના ભક્તિમય અને પવિત્ર વાતાવરણથી પરમ આનંદ અને શાંતિ મેળવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત સહુ સંન્યાસીઓ, ભક્તો, અગ્રણીઓનું સ્વાગત કર્યું હતું. સમસ્ત રામકૃષ્ણ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનપત્રનું રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ વાચન કર્યું હતું. આ પત્રમાં પ્રસન્નતા વ્યક્ત કરતાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે હવે આ મંદિર લીંબડીના ભક્તો અને શુભેચ્છકોને માટે આધ્યાત્મિક પ્રેરણાનો સ્રોત બની રહેશે. અજરામર જૈન સંઘ, લીંબડીના ગાદીપતિ આચાર્ય ભાવચંદ્રસાહેબે તેમના વક્તવ્યમાં આ પ્રસંગને લીંબડીનું સદ્ભાગ્ય ગણાવ્યું હતું. પોતાના જીવનમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનો પ્રભાવ છે એમ જણાવી મિશન પ્રત્યે શુભકામના વ્યક્ત કરી હતી. રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ લીંબડીમાં રામકૃષ્ણ ભાવધારાનો ઇતિહાસ વર્ણવ્યો હતો અને સ્વામી વિવેકાનંદના લીંબડી મુલાકાતનો ઘટનાક્રમ દર્શાવી અત્યાર સુધીના પ્રસંગોને તાજા કર્યા હતા. લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાના વક્તવ્યમાં આનંદ તથા ગૌરવની લાગતી વ્યક્ત કરી હતી અને મિશનનાં સેવાકાર્યો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરી હતી અને સંસ્થાને હંમેશાની જેમ સાથસહકાર મળતો રહેશે એવી ઇચ્છા પ્રગટ કરી હતી. શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર, લીંબડીના મહંત શ્રીમત્ સ્વામી લલિતકિશોરદાસજી મહારાજે આ રામકૃષ્ણ મંદિરમાં ભગવાનનું સ્મરણ થતું રહે, વિવેકશક્તિ કેળવાય તેમ જ સ્વચ્છતા સાથે સ્વસ્થતા અનુભવાય એવી અભિલાષા વ્યક્ત કરી હતી. અંતે સહુના સુખ-સ્વાસ્થ્ય, શાંતિ માટેની પ્રાર્થના કરી હતી. કબીર આશ્રમ, લીંબડીના મહંત શ્રીમત્ ચરણદાસજી મહારાજે તેમના વક્તવ્યમાં લીંબડીની ધરતીને પ્રણામ કરી ગુરુ પ્રત્યક્ષ પરમાત્મા છે તેના દિવ્ય મંદિરના નિર્માણ પ્રસંગે દશે દિશાઓમાં લીંબડીનો ડંકો વાગે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સ્વામીનારાયણ મંદિરના શ્રીમત્ પુરુષોત્તમદાસજી મહારાજે બંગાળીમાં થોડું વક્તવ્ય આપી જણાવેલ કે મનને સ્થિર કરે તે મંદિર. આ સાથે તેમણે લોકોને નૂતન મંદિરમાં શુભ પ્રસંગોએ આવવા તથા સંધ્યા આરતીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે રામકૃષ્ણ મંદિરની વૈશ્વિકતા, અંતર્ભાવ, અભિવ્યાપકત્વ, શિવભાવે જીવસેવા, નૈતિકતા, ધર્મ, સમાજ તેમજ સંસ્કૃતિનાં નૂતન પરિણામ છે તેમ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું અને કેનેડાના એક સજ્જનને તેની આધ્યાત્મિક ઝંખના સંતોષવા કેથોલિક ચર્ચના એક બિશપે શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચવા કહ્યું હતું તે ઘટનાનું દૃષ્ટાંત પણ આપ્યું હતું.

દાતાઓ સર્વશ્રી દેવદૂતભાઈ ઇસરાની, રમેશભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ વાઘેલા, રામભાઈ તડવી, અરવિંદભાઈ, રાજુભાઈ નાણાવટી, ગિરીશભાઈ મારુ, ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજીએ માંગલિક પ્રવચનમાં ‘આનંદ’ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. સ્વામી આદિભવાનંદજીએ નૂતન મંદિરના નિર્માણને જાદુ સમાન ગણાવ્યો હતો. વિશેષમાં તેમણે કહ્યું હતું કે ધર્મ એટલે આચરણ. ભગવાનનાં દર્શન કરવાં જોઈએ. તે માટે વ્યાકુળતા, સાધના જોઈએ. ભગવાન સાથે એક થવું જોઈએ. સહુ આધ્યાત્મિક આનંદમાં રહો. વિવેકાનંદ આશ્રમ, શ્યામલાતલના સચિવ શ્રીમત્ સ્વામી અવ્યયાત્માનંદજીએ સહુનું આભારદર્શન કર્યું હતું.

નૂતન મંદિરમાં સાંધ્ય આરતીમાં સ્વામી વિનિર્મુક્તાનંદજી સાથે સમૂહગાનમાં ભક્તો જોડાયા હતા અને પખવાજવાદન સ્વામી કૃપાકરાનંદજીએ કર્યું હતું.

રાજકોટના અદ્વૈત આર્ટ્સ તરફથી ‘લીંબડીમાં સ્વામી વિવેકાનંદ’ નાટક અસરકારક રીતે ભજવાયું હતું. દિવસના અંતે યોજાયેલ ભજનસંધ્યામાં ભારતીય શાસ્ત્રીય સંગીતના માહિર અને ષડજ એકેડેમી, બેંગલોરના સ્થાપક શ્રી દત્તાત્રેય વેલણકરે ‘સૂર કી મહારાણી દેવી…, હે વિવેકાનંદ સ્વામી શાંતિ કે તુમ દૂત હો…, કબ ખોલોગે દ્વાર ઠાકુર…, વૈશ્ણવજન તો તેને રે…, બીત ગયે દિન ભજન…’ જેવાં ભજનો ગાઈને લોકોને મુગ્ધ કરી દીધા હતા.

મહોત્સવના તૃતીય અને સમાપન કાર્યક્રમનો શુભારંભ પ્રાત :કાળની મંગલ આરતી અને રામકૃષ્ણ મિશન, વરાહનગર, કોલકાતાના શ્રીમત્ સ્વામી કલ્યાણેશાનંદજી દ્વારા થયેલ મંત્રોચ્ચારથી થયો હતો. ત્યારબાદ શ્રીમત્ સ્વામી દિવ્યવ્રતાનંદજીએ સુમધુર ભજનોથી મંદિરને ગુંજિત કરી દીધું હતું. નવનિર્મિત મંદિરમાં સવારે શ્રી ચંડી હોમ થયો હતો. સ્વામી કૃપાકરાનંદજીએ ‘તુમ હો સાકાર, તુમ નિરાકાર..’ જેવા શાસ્ત્રીય રાગે ગવાયેલ ભજનોની આહ્લાક પ્રસ્તુતિ કરી હતી. ત્યાર બાદ સ્વામી વિનિર્મુક્તાનંદે અન્ય બ્રહ્મચારીઓની સાથે સ્વામીજી અને ઠાકુરના કેટલાક જીવનાંશોને સંગીતમય લીલાગીતી રજૂ કરીને તાદૃર્શ કર્યા હતા. આ મહોત્સવના ભાગરૂપે શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીના અધ્યક્ષપદે બીજી એક ધર્મસભાનું આયોજન કરાયું હતું. સ્વાગત પ્રવચનમાં સ્વામી આદિભવાનંદજીએ ભગવાન પ્રત્યે પ્રેમભક્તિ રાખનારા સહુનું સ્વાગત કર્યું હતું. રામકૃષ્ણ મઠ, બેલુરના ટ્રસ્ટી, મેનેજર શ્રીમત્ સ્વામી ગિરીશાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલા વૈશ્વિક ધર્મ, ભાવ તેમજ સત્યની અનૂભૂતિ માત્ર મનુષ્ય જ કરી શકે છે એમ જણાવી રામકૃષ્ણદેવને ‘જ્ઞાનના મૂર્ત સ્વરૂપ’ તરીકે વર્ણવ્યા હતા. રામકૃષ્ણ મિશન, મુંબઈના સચિવ સ્વામી સર્વલોકાનંદજીએ શ્રીમાના અપૂર્વ પ્રેમ, સહિષ્ણુતા અને સહનશીલતાના ગુણોને મહિલાઓના આંતરિક અને બાહ્ય સશક્તીકરણ માટે જરૂરી ગણાવ્યા હતા. રામકૃષ્ણ મઠ, પૂનાના અધ્યક્ષ સ્વામી શ્રીકાંતાનંદજીએ શાસ્ત્રોને સમજવા રામકૃષ્ણનું માધ્યમ જરૂરી છે, દેહબુદ્ધિને આત્મબુદ્ધિમાં પરિવર્તિત કરવી એ જ ધર્મ છે તે માટે દિવ્ય દૃષ્ટિથી સંસારને ઓળખવાનો છે તેમ સમજાવ્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ રામકૃષ્ણ મંદિરને ચારેય યોગોના સમન્વયરૂપ ઓળખાવ્યું હતું તથા ધર્મને સેવામાં રૂપાંતરિત કરવાના તથા સંન્યસ્ત જીવનને નવા આયામમાં લઈ જવાના માધ્યમ તરીકે વર્ણવ્યું હતું. શાશ્વત મૂલ્યો થકી ગુજરાતના, વિશ્વના લોકોનું આધ્યાત્મિક જાગરણ થાય તે માટે શુભ ભાવ પ્રગટ કર્યો હતો.

રામકૃષ્ણ મઠ, બેલુરના શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજીએ કબીર, તુલસીદાસનાં અવતરણો ટાંકીને આપણી સંસ્કૃતિને સમન્વયની સંસ્કૃતિ દર્શાવી હતી. શ્રીરામકૃષ્ણદેવને ‘સમન્વયના અવતાર’ કહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને એમના ઉપદેશ આજના સમયની માગ છે. આ મંદિર સહુને કલ્યાણના માર્ગે લઈ જશે એવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. મુંબઈના ઇન્કમટેક્ષ કમિશનર શ્રી વી.સત્યનારાયણ રાજુએ સ્વાનુભાવની વાત કરતાં કહ્યું હતું કે તેઓ પોતાના ગજવામાં સ્વામી વિવેકાનંદની નાની પુસ્તિકાઓ રાખતા અને વાંચતા રહેતા, એને લીધે જ તેમને આટલી મોટી સફળતા મળી હતી. અભ્યાસમાં ખૂબ મોડા પ્રવેશ્યા હોવા છતાં પરીક્ષાઓમાં સતત મહેનત પછી સફળતા મળી હોવાનું રહસ્ય સ્વામી વિવેકાનંદની પુસ્તિકાઓ છે, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે સારું જીવન, ઈશ્વરમાં શ્રદ્ધા અને અવતારના અનુયાયી આ બધું જરૂરી છે. ક્રિસ્ટોફર ઈશરવૂડ, આઈન્સ્ટાઈન, આર્નાેલ્ડ ટોયમ્બી, સ્વામી શારદાનંદજીનો સંદર્ભ દઈને સત્યની ઝાંખી કરીને ‘હોવું’ અને ‘થવું’ તે જ ધર્મ છે એમ સમજાવ્યું હતું. રામકૃષ્ણ મિશન, વિશાખાપટ્ટનમના સચિવ શ્રીમત્ આત્મવિદાનંદજીની આભારવિધિ અને શ્રીમત્ સ્વામી મુક્તેશાનંદજીનાં સમાપન ગીતથી ધર્મસભા સંપન્ન થઈ હતી. રાજકોટના શ્રી જીતુભાઈ અંતાણી તથા રામકૃષ્ણ મિશન, આસાનસોલના શ્રીમત્ સ્વામી સુખાનંદજીએ રામકૃષ્ણ પુરાણના અંશો ગાયન તથા પઠન કરીને રજૂ કર્યા હતા. સ્વામી વિવેકાનંદે આપેલ સામાજિક સમસ્યાઓના ઉકેલને લીંબડીના શ્રી હિતેશભાઈ પંડ્યાએ એકાંકી નાટક દ્વારા રજૂ કર્યા હતા. ગુજરાતના સંતકવિ નરસિંહ મહેતાના જીવનપ્રસંગોને ઊજાગર કરતું અને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા-દર્શન બતાવતું નાટક અદ્વૈત આર્ટસ, રાજકોટ દ્વારા રસપ્રદ રીતે રજૂ કરાયું હતું. ધી ગેલેક્ષી એજ્યુકેશન સીસ્ટમ, રાજકોટ તરફથી બહેનોએ ભજનસંગીત પીરસ્યું હતું. સાંધ્ય આરાત્રિકમમાં સ્વામી દિવ્યવ્રતાનંદજી સાથે ભક્તો સમૂહગાનમાં જોડાયા હતા; પખવાજ વાદન શ્રીમત્ સ્વામી કૃપાકરાનંદજીએ કર્યું હતું. રાજકોટના શ્રીનિરંજનભાઈ પંડ્યાએ ભક્તિસભર ભજનો ગાયાં હતાં. લોકસાહિત્યકાર શ્રીધીરુભાઈ સરવૈયાએ હાસ્ય વેરતી વાતો કરીને પરમહંસ, માતા, સંસ્કૃતિ અને મંદિરનો મહિમા લોકભોગ્ય શૈલીમાં રજૂ કર્યોે હતો. શારદા સંગીત એકેડમી, ઈન્દોરના ડૉ. આભા ચોરસિયા અને ડૉ. વિભા ચોરસિયાએ ‘શારદાદેવી બિરાજે…’, ‘તું દયાલુ હો…’ જેવાં ભજનો શાસ્ત્રીય રાગોમાં રજૂ કર્યાં હતાં. સમાપનમાં શ્રીમત્ સ્વામી આદિભવાનંદજીએ ભક્તિનું ભાથું લઈ જવા અનુરોધ કર્યો હતો.

સંગીતના કાર્યક્રમોમાં હાર્મોનિયમ વાદન રાજકોટના શ્રી શરદભાઈ દવે તથા તબલાં વાદન લીંબડીના શ્રી ભાર્ગવભાઈ વ્યાસે કર્યું હતું. આ ત્રિદિવસીય મહોત્સવનું ઉદ્ઘોષણા-સંચાલન સ્વામી સુખાનંદજી તેમ જ બુદ્ધાનંદજીએ કર્યું હતું. સ્વામી હરેશાનંદજી (મુકેશ મહારાજ)ના મંદિરના બાંધકામ-નિર્માણમાં ઈજનેરી કૌશલ્યનો લાભ મળ્યો હતો. અને સ્વામી મંત્રેશાનંદજીએ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન કુશળતાપૂર્વક સંભાળ્યું હતું. અનેક સાધુ-સંતો, ભક્તો અને સ્વયંસેવકોના પરિશ્રમથી મહોત્સવ સફળ બન્યો હતો. લીંબડીની અનેક સંસ્થાઓએ તથા ભક્તજનોએ વિવિધ વ્યવસ્થાઓ સેવાભાવે કરી હતી.

આ મહોત્સવની સફળતામાં લીંબડી શહેરનાં અહીં જણાવેલ સંસ્થાઓ અને મહાનુભાવોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

શિવાંગી કન્યા છાત્રાલય, દિગ્વિજયસિંહ છાત્રાલય, જગદીશ આશ્રમ, નામદાર ઠાકોર સાહેબ સ્કૂલ, સેફ્રોન હોટેલ, મોટા મંદિર, સ્વામીનારાયણ મંદિર, કબીર આશ્રમ, લાઈફ મિશન-જાખણ, ભાણુભાનો બંગલો, ઠાકરધણી છાત્રાલય, બ્રાહ્મણ બોર્ડીંગ, દેરાવાસી જૈન બોર્ડીંગ, સર જે મિડલ સ્કૂલ શાળા નં.૯, શાળા નં.૧, બી.આર.સી.બી.ભવન, જીવન વિકાસ મંડળ, બી.એ.કન્યા વિદ્યાલય, લાભુભાઈનો બંગલો, કરશનભાઈ ટુંડિયા, રણજિતસિંહ રાઠોડ, હિતેષભાઈ પંડ્યા. શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાજકોટ, વડોદરા, પોરબંદર તથા દેશના અન્ય કેન્દ્રોના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તેમજ રાજકોટ આશ્રમના મોટી સંખ્યામાં ભક્તજનો ભાઈઓ અને બહેનોએ વિવિધ વ્યવસ્થામાં સેવા આપી હતી.

નોંધ : આ લેખના પ્રાસંગિક ચિત્રો દૃશ્ય વિવિધામાં આપ્યાં છે.

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.