રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની અસીમ કૃપા-આશીર્વાદથી લીંબડી નગરમાં રામકૃષ્ણ મિશનના પ્રાંગણમાં શ્રીરામકૃષ્ણ વૈશ્વિક મંદિરનું નિર્માણકાર્ય સહુના સાથસહકારથી પૂર્ણ થયું. ગત તા. ૧લી નવેમ્બર, ૨૦૧૪ના રોજ જગદ્ધાત્રી પૂજાના પવિત્ર દિવસે સમગ્ર દેશમાંથી પધારેલા સાધુ-સંતો અને ભક્તજનોની આનંદ ઉલ્લાસપૂર્વકની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો.

યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આવિર્ભાવથી નવભારતના જાગરણનો શંખધ્વનિ થયો છે. ઓગણીસમી સદીના અંતભાગમાં વિદેશી શિક્ષણપ્રણાલીએ ભારતના નવયુવકોમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા પ્રત્યે અવિશ્વાસ જન્માવી દીધો હતો. આ સમયે ભારતની અતિદુરાવસ્થાથી અને વ્યક્તિગત જીવનની દિશાહીનતાથી અસંતુષ્ટ કેટલાક મેધાસંપન્ન નવયુવકો શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવની ગંભીર આધ્યાત્મિક અનુભૂતિએ, સતત ઈશ્વરીય આવેશે અને યુવમાનસ પ્રત્યેની અંતર્દૃષ્ટિએ યુવકોનાં હૃદય જીતી લીધાં હતાં. આ નવયુવકોમાં મુખ્ય હતા નરેન્દ્રનાથ વિશ્વનાથ દત્ત. જેઓ પછીથી ‘સ્વામી વિવેકાનંદ’ના નામે જગતમાં જાણીતા બન્યા.

સ્વામી વિવેકાનંદે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ સમગ્ર ભારતમાં પરિવ્રાજક સંન્યાસીરૂપે ભ્રમણ કર્યું. આ ભ્રમણ દરમ્યાન તેમણે પ્રાચીન ભારતના હૃદય-ધબકારાને અનુભવ્યા હતા. અવતાર પુરુષો, સંતો અને વીર રાજવીઓની આ ભૂમિની રગેરગમાં આધ્યાત્મિકતા વસી રહી છે એ તેમણે પ્રત્યક્ષ અનુભવ્યું હતું. ૧૮૯૧ના અંત સમયે તેમણે ગુજરાતમાં પદાર્પણ કર્યું હતું. અમદાવાદથી વઢવાણ થઈને તેઓ લીંબડી પધાર્યા હતા. અહીંના રાજા યશવંતસિંહજી સ્વામીજીનાં શાસ્ત્રજ્ઞાન તેમજ આધુનિક વિજ્ઞાન વિશેની ઊંડી સમજથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. એમણે જ પ્રથમવાર સ્વામીજીને વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતાનો પ્રચાર કરવાની વિનંતી કરી હતી.

સ્વામીજીના આગમનથી શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ ‘શિવજ્ઞાને જીવસેવા’ તેમજ સ્વામીજીના ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ના જીવન મંત્રને ચરિતાર્થ કરવા લીંબડી શહેરની ભૂમિ તૈયાર થઈ હતી. શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંડળ તેમજ બાદમાં શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા આ શહેરમાં અનેક જનસેવાની તેમજ ધર્મપ્રચારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના આ મરુભૂમિ સમા પ્રદેશમાં પીવાના પાણીની ખૂબ જ તંગી હતી. મા-બહેનોને વાસણો લઈ લાંબો રસ્તો કાપીને પાણી ભરવા જવું પડતું હતું. રામકૃષ્ણ મિશને અહીંનાં ગામડાઓમાં તળાવો ઊંડાં કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. અત્યાર સુધીમાં ૬૦થી વધુ તળાવો ઊંડા કરી તેમને આખા વર્ષ દરમ્યાન પાણી સંગ્રહ કરવા માટે સક્ષમ કરવામાં આવ્યાં છે. આ ‘જળ મંદિરો’ના નિર્માણથી મા-બહેનોના ઘણા આશીર્વાદ મિશનને મળ્યા છે.

૨૦૦૧માં મહાવિનાશક ભૂકંપમાં રાહત કાર્ય કરવા માટે મિશનના સંન્યાસીઓ અને સ્વયંસેવકોએ દિવસ-રાત એક કરી દીધાં હતાં. પ્રાથમિક રાહતકાર્ય દરમ્યાન અનેક કુટુંબોમાં અનાજ તેમજ જીવન જરૂરિયાતની સામગ્રી વહેંચવામાં આવી હતી. ત્યાર બાદ ભૂકંપથી ધ્વસ્ત ૨૫ શાળાઓ અને રહેણાંકનાં કેટલાંક મકાનો નિર્મિત કરવામાં આવ્યાં હતાં. આ ‘વિદ્યામંદિરો’ અને ‘ગૃહમંદિરો’ આજે બાળકોનાં હાસ્ય અને ખુશીથી જીવંત થઈ ઊઠ્યાં છે.

મિશનની વિસ્તરતી પ્રવૃત્તિઓ સાથે ભક્તોની સંખ્યા પણ વધવા લાગી હતી. સેવાકાર્યોના મૂળ સમાન શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશથી પરિચિત થવા અનેક આધ્યાત્મ પિપાસુઓ આશ્રમમાં આવવા લાગ્યા હતા. આ કારણે સત્સંગના કેન્દ્ર સમાન આશ્રમના પ્રાંગણમાં આવેલ પ્રાર્થના મંદિરમાં જગ્યાનો અભાવ સાલવા લાગ્યો હતો. આ ભક્તોએ નવા અને મોટા મંદિરનાં નિર્માણકાર્ય માટે વિનંતી કરવા માંડી અને એ નિર્માણકાર્ય માટે તન-મન-ધનથી યોગદાન કરવાની બાંહેધરી પણ આપી હતી.

આ વિનંતીને માન આપીને આશ્રમના સંચાલકો દ્વારા શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિર નિર્માણનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો. મિશનના મુખ્ય મથક દ્વારા આ સંકલ્પ અનુમોદિત થતા રામકૃષ્ણ મઠ તેમજ મિશનના સંચાલન મંડળના સભ્ય પૂજનીય શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે નવમંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આશ્રમના સંન્યાસીગણ તેમજ ભક્તવૃંદ દ્વારા ત્રણ વર્ષના કઠિન પરિશ્રમ બાદ સહુનું સ્વપ્ન સાકાર થયું અને નૂતનમંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.

આ નિર્માણ કાર્ય દરમ્યાન અસંખ્ય ભક્તજનોએ સહાય તેમજ સેવાઓ આપી છે. આમાંનાં કેટલાંક નામો ઉલ્લેખનીય છે. અમદાવાદના શ્રીદેવદૂતભાઈ ઈસરાનીએ ૩ વર્ષ સુધી પ્રત્યેક મહિને રૂપિયા ૫૦,૦૦૦/- નું દાન કર્યું છે. અમદાવાદના જ શ્રી આર.ડી.તડવી અને શ્રીરાજીવભાઈ નાણાવટીનો પણ ઘણો સહયોગ મળ્યો છે.

લીંબડી વિસ્તારના ધારાસભ્ય શ્રીકિરીટસિંહ રાણાએ નવામંદિરના નિર્માણમાં સહાય કરવાનું બીડું ઝડપી લીધું હતું. તેમણે અનેક ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના સર્વ સમાજના અગ્રણીઓનો સંપર્ક કરાવી તેઓનો ઘણો સહયોગ મેળવી આપ્યો હતો. રાજકોટ શહેરના શ્રી રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ વર્કસ), શ્રી શંભુભાઈ પટેલ (પ્રશાંત કાસ્ટીંગ) તેમજ શ્રી અરવિંદભાઈ સી. પટેલ (ગુજરાત ફોર્જ એન્ડ ફોર્જીંગ)નો સહયોગ સરાહનીય છે. રાજકોટના આર્કિટેક શ્રી ગિરીશભાઈ મારૂએ નવામંદિરનો નકશો બનાવવામાં યોગદાન કર્યું છે. નાની કઠેચી ગામના પઢાર રાસ મંડળી સમાજનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. સહુ સંન્યાસી-ભક્તજનોના ભગીરથ પ્રયાસથી સંપન્ન શ્રીરામકૃષ્ણદેવનું વૈશ્વિક મંદિર લીંબડીની ભૂમિમાં આધ્યાત્મિકતાનું સિંચન કરવા માટે મહત્ત્વનું કેન્દ્ર બને એ જ અમારા અંતરની શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના.

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.