શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ આ લીંબડી નગર માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી શકાય. આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદની પવિત્ર ચરણરજથી પાવન થયેલ આ લીંબડી રાજ્યના તત્કાલીન રાજા યશવંતસિંહજી દ્વારા નિર્મિત ટાવર બંગલોમાં ૧૯૯૪માં એક ભવ્ય ‘વિવેકાનંદ મેમોરિયલ’નું ઉદ્‌ઘાટન થયું હતું.

લગભગ ૨૦ વર્ષ પછી શ્રીરામકૃષ્ણદેવના આ ભવ્ય વૈશ્વિક મંદિરના નિર્માણથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર માટે ‘રામકૃષ્ણ મિશન, લીંબડી’ એક ઉત્કૃષ્ટ કેન્દ્ર બની ગયું છે, એમાં કોઈ સંદેહ નથી. સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા કે આપણા દેશના દરેક જિલ્લામાં, દરેક ગામડામાં આવાં વૈશ્વિક મંદિરોનું નિર્માણ થાય. એ મંદિરોને કેન્દ્ર બનાવીને ભારતભરમાં આધ્યાત્મિકતાના ભાવાંદોલનનું મોજું દેશના તમામ અભિગમોને તરબોળ કરી દેશે અને એમને ઉન્નતિના પથ પર દિશાનિર્દેશ કરશે.

સ્વામીજીએ એક વાર કહ્યું હતું : ‘A unification in India has to be a unification of its scattered spiritual forces.’ એટલે સ્વામીજી દૃઢપણે માનતા કે ભારતમાં એકતા કેવળ એમની આધ્યાત્મિક શક્તિઓના સમન્વય દ્વારા જ સંભવ છે. આ ભગીરથકાર્ય કરવા માટે જ તેમણે શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિર અને એની સાથે સંલગ્ન તમામ પ્રવૃત્તિઓને પ્રેરણા આપવા માટે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં મોટી સંખ્યામાં શાખાકેન્દ્રો ખોલવાની ઇચ્છા સ્વામી વિવેકાનંદે વ્યક્ત કરી હતી. આ વૈશ્વિક મંદિરોમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી તેમજ સ્વામી વિવેકાનંદ અને એમના અન્ય ગુરુભાઈઓના કેવળ વિગ્રહ કે છબીઓની પારંપરિક રીતે પૂજા, હવનહોમ, આરતી થાય છે એટલું જ નહિ પણ એમનાં જીવન અને સંદેશને કેન્દ્રમાં રાખીને તમામ સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે.

શ્રીરામકૃષ્ણદેવના ‘શિવજ્ઞાને જીવસેવા’ના મહામંત્રને સ્વામી વિવેકાનંદે ફક્ત ભારતમાં નહિ પણ આખાય વિશ્વમાં આ યુગની સાધના રૂપે પ્રતિષ્ઠિત કર્યો છે. આ જ સંદેશને આવાં વૈશ્વિક મંદિરોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સંસ્થા સાથે સંલગ્ન તમામ અંતેવાસી તેમજ ભક્તો કે શુભેચ્છકોનું કર્તવ્ય છે.

પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની હોય – શૈક્ષણિક, આરોગ્ય ચિકિત્સા, રાહત, કે આધ્યાત્મિક પ્રચાર-પ્રસાર કાર્ય – દરેક કાર્યને આ ‘શિવજ્ઞાને જીવસેવા’ના ભાવથી કરવા માટેની પ્રેરણા આ મંદિરમાંથી સતત વહેતી રહેશે અને જીવનના મૂળ અને અંતિમ ધ્યેય સુધી પહોંચવા માટે દરેક માનવીને દિશાનિર્દેશ આપશે, એવી સંકલ્પના સ્વામી વિવેકાનંદની હતી.

ભારતમાં અનાદિકાળથી આધ્યાત્મિક ક્ષેત્રમાં અસંખ્ય સાધકો, આચાર્યો, સંતો, અવતારપુરુષોએ અલગ અલગ ઉપાસના પદ્ધતિ કે દર્શન દ્વારા માનવીને યોગ્ય માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. પરિણામ સ્વરૂપે આ વૈવિધ્યના કારણે વિભિન્ન સંપ્રદાયો કે મતો વચ્ચે અવારનવાર સંઘર્ષો પણ આપણને જોવા મળે છે. આવા સંઘર્ષોના પરિણામ સ્વરૂપે અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિક અભિગમના તાર્કિક પરિબળ કે તાકાત સામે આ સાંપ્રદાયિક અભિગમો ઉત્તરોત્તર ક્ષીણ થતા ગયા.

જો કે આધ્યાત્મિકતા અને આધુનિક વિજ્ઞાન પરસ્પર વિરોધી નથી. પણ મતો, રૂઢિચુસ્ત વિચારો, નિરર્થક કર્મકાંડો, વગેરેના જંજાળમાં ફસાઈ ગયેલા માનવીને ધર્મ ઉપરનો વિશ્વાસ ધીરે ધીરે ઓછો થતો ગયો અને સામ્યવાદ જેવા દર્શનની અસર પ્રબળ થતી ગઈ. ઈશ્વરના અસ્તિત્વ વિશે સુદ્ધાં લોકોના મનમાં શંકા થવા લાગી.

આવા સમયે શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ થયું અને એમણે પોતાના જીવન અને સંદેશ દ્વારા ફક્ત ભારતમાં નહિ પણ આખા વિશ્વમાં ફરીથી ‘ઈશ્વરપ્રાપ્તિ જીવનનું સર્વોચ્ચ ધ્યેય છે’ એ વાતને પ્રસ્થાપિત કરી બતાવી. એ જ સંદેશનો સ્વામીજીએ ભારતમાં અને વિશ્વભરમાં અથાક પરિશ્રમ કરીને પોતાના ગુરુના આદેશથી પ્રચાર અને પ્રસાર કર્યો. એ જ કાર્યને પારંપરિક રીતે આગળ લઈ જવા માટે તેમણે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. શ્રીમા સારદાદેવીના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓએ આ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને આ સંઘના માધ્યમથી ક્રમશ : ભારતમાં અને વિશ્વમાં ચોતરફ વિસ્તરિત કરી છે. રામકૃષ્ણ સંઘનાં વિભિન્ન શાખાકેન્દ્રોનાં આવાં વૈશ્વિક મંદિરો અસંખ્ય સંન્યાસીઓ, ભક્તો તેમજ શુભેચ્છકોને પ્રેરણાના સ્રોત બનીને પોતાના જીવનને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના ઢાચામાં ઢાળી દેવાનું કાર્ય કરે છે.

સર્વ યોગોનો સમન્વય તેમજ સર્વ ધર્મ સમન્વય રામકૃષ્ણ-ભાવધારાનું એક અતૂટ અંગ છે. દરેક મંદિર લોકોમાં આ ઉદાત્તભાવ સ્થાપિત કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. રામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરની આ એક અનુપમ વિશેષતા છે, જે બીજા મંદિરો કરતાં એક આગવી ઓળખ પૂરી પાડે છે.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રોમાં અને શ્રીરામકૃષ્ણદેવનાં વૈશ્વિક મંદિરોમાં દરેક ધર્મના પર્વોત્સવ અને ધર્મના પયગંબરોના જન્મોત્સવની ઉજવણી થાય છે. એમાં ભાવિકો ભક્તિભાવથી ભાગ લે છે.

લોકોની આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય, આપણી પ્રાચીન સંસ્કૃતિને લોકો ઓળખતા બને અને પોતાના જીવનને ચરિતાર્થ કરવા સર્વસેવાનાં કાર્યમાં રસરુચિ દાખવીને પોતાના જીવનનું કલ્યાણ કરતાં કરતાં બીજા બધા લોકોનું યોગક્ષેમ સાધે એવી શુભભાવનાને ધ્યાનમાં રાખીને સમયે સમયે વ્યાખ્યાનમાળાઓ, નિયમિત વ્યાખ્યાનો, આધ્યાત્મિક સાંસ્કૃતિક શિબિરો, યુવશિબિરો, બાલસંસ્કારની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સૌની ઉન્નતિ સાધવાનો વિનમ્ર પ્રયાસ રામકૃષ્ણ મઠ અને મિશનનાં દેશ અને વિદેશમાં છવાયેલાં કેન્દ્રો દ્વારા સતત થતો રહે છે. રામકૃષ્ણ મઠ અને મિશનની ભાવધારામાં અને તેમનાં વૈશ્વિક મંદિરોમાં પ્રત્યેક ધર્મના અનુયાયીઓને ભાવપૂર્વક આવકાર મળે છે. અહીં જ્ઞાતિ-જાતિ કે સંપ્રદાયના વાડા નથી.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રોની પ્રત્યેક સેવાની પાછળ ‘શિવજ્ઞાને જીવસેવા’નો આદર્શ રહેલો છે. તેમાં ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’નો બેવડો હેતુ રહેલો છે. સૌની નિષ્કામભાવે સેવા એ જ સાચો ધર્મ છે એમાં સૌ માને છે.

લીંબડીમાં નિર્માણ પામેલું નૂતન અને વૈશ્વિક રામકૃષ્ણ મંદિર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો જ્યોતિસ્તંભ પૂરવાર થશે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.