રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં.

મંદિર દરેક સંસ્કૃતિમાં જીવનનું અંગ

દરેક સંસ્કૃતિમાં મંદિર જીવનનું એક સર્વ સામાન્ય અંગ છે. માનવની માનસિક આવશ્યકતાની પાદપૂર્તિ કરવા કદાચ મંદિરો અસ્તિત્વમાં આવ્યાં છે. માનવ ભગવાનને સાકાર રૂપમાં પકડવા માગે છે, જે ભગવાન અનંત છે. સાકાર રૂપમાં ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવા માટે તે કોઈક સ્થાન શોધે છે. આપણાં ઘરોમાં મંદિરોની પાર્શ્વભૂમિમાં તેમજ દેવળો અને મસ્જિદોમાં આરાધના કરવા પાછળ આ જ ભાવના રહેલી છે.

મંદિરોની બે શ્રેણી

ભગવાન શિવ, દુર્ગા, કાલી અને અન્ય દેવતાઓ અથવા અવતારો અને સંતમહાત્માઓને પ્રતિસ્થાપિત કરવા માટે મંદિરો બંધાય છે. આ મંદિરનો અવતાર અને સંતમહાત્માઓનાં મંદિરોની શ્રેણીમાં સમાવેશ થાય છે.

બધા ધર્મો સાચા છે

શ્રીરામકૃષ્ણદેવ કેવળ સંત જ ન હતા, તેમનામાં કંઈક અદ્વિતીય વિશેષતા હતી. પોતાના જીવનમાં વિવિધ ધર્મોએ નિર્દિષ્ટ કરેલી સાધનોઓ દ્વારા તેમણે પ્રત્યક્ષ અનુભૂતિ કરી કે બધા ધર્મો આખરે તો એક જ સત્ય પ્રતિ લઈ જાય છે. પ્રત્યક્ષ સાક્ષાત્કાર દ્વારા તેમણે જાણ્યું કે બધા ધર્મો સાચા છે અને તેઓ એક જ ધ્યેય પ્રતિ માનવને લઈ જાય છે. એટલે એમણે જણાવ્યું કે ‘ઈશ્વરના સાક્ષાત્કાર માટે જેટલા મત એટલા પથ.’

ધાર્મિક અને માનવજાતની એકતાના પ્રતીક

શ્રીરામકૃષ્ણ આમ ધાર્મિક એકતાના તેમ જ માનવજાતની એકતાના પણ પ્રતીક છે. તેમણે અનુભવ્યું કે એક જ આત્મા પ્રત્યેક માનવમાં વિદ્યમાન છે. કોઈ પણ જાતિ, ધર્મ કે રાષ્ટ્રિયતા ધરાવતા પ્રત્યેક માનવની ભીતરમાં આ જ આત્મા છે.

ભેદભાવો અજ્ઞાનનું પરિણામ

મોટા કે નાના, વિદ્વાન કે અજ્ઞાની, ગરીબ કે અમીર બધામાં આ આત્મા વિદ્યમાન છે. શ્રીરામકૃષ્ણે પ્રત્યક્ષ અનુભવ્યું કે ચામડીના રંગ, જ્ઞાતિઓની જુદાઈ કે સામાજિક દરજ્જાઓના ભેદભાવો આપણા અજ્ઞાનને કારણે છે, પરંતુ વાસ્તવમાં માનવજાત એક છે. ‘જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘટ ઘટ મેં લેટા’ એ હિંદી કાવ્ય પંક્તિમાં રહેલા સત્યનો તેમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ મંદિર – વૈશ્વિક મંદિર

આમ શ્રીરામકૃષ્ણના મનમાં માનવ-માનવ વચ્ચે કોઈ ભેદભાવ હતો નહીં. એટલે રાષ્ટ્રીયતા, જાતિ, દેશ કે જ્ઞાતિ, અમીર, ગરીબ, પંડિત, અપંડિત – સૌ કોઈ માટે હરકોઈ વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ તેમજ અન્ય ધર્મના લોકો માટે આ મંદિર ખુલ્લું છે. તેઓ જોશે કે શ્રીરામકૃષ્ણ તેમના પોતાના જ છે. કેમ કે આ એકેએક ધર્મની સાધના દ્વારા તેમણે પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એટલે બધા મનુષ્યોને ‘એક માનવજાતિ’માં સમાવી લેતું આ એક વૈશ્વિક મંદિર છે. આપણા દેશ માટે તો એકતાનો આ આદર્શ ખાસ કરીને અત્યંત આવશ્યક છે કેમ કે આપણે આપત્તિ-વિપત્તિના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ.

આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ‘ભારત શ્રીરામકૃષ્ણનું છે અને શ્રીરામકૃષ્ણ ભારત છે.’ એટલે શ્રીરામકૃષ્ણદેવના નેજા હેઠળ સૌ એક થાઓ. અનેક ધર્મો અને અત્યંત જાતીય ભેદભાવવાળા આપણા દેશમાં સૌ કોઈ રાષ્ટ્રીય ઐક્ય આ રીતે જ પ્રાપ્ત કરી શકે. હું શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરું છું કે તેઓ સૌની ઉપર કૃપા વરસાવે, જેથી સૌનું શ્રેય થાય, ધર્મ અને માનવજાતની એકતાના આદર્શાેનો પ્રચાર આપણા દેશ અને સમગ્ર જગતમાં થાય.

‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.