ચાલો આપણે એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું ખરેખર સ્ત્રોત છે સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણના ઉપદેશો.

એક સમયની વાત છે. એક જંગલમાં એક સિંહણ નિવાસ કરતી હતી. એક દિવસ તે શિકારની શોધમાં જંગલમાં નીકળી. જંગલની એક ટેકરીની ટોચે ઊભા રહીને તેણે આમતેમ નજર ફેરવી. નીચેના ભાગે ઘાસનું એક મેદાન હતું અને તેમાં ઘેટાંનું ટોળું શાંતિપૂર્વક ઘાસ ચરતું હતું, અને સિંહણને પોતાનો શિકાર નજરે પડતાં તે આનંદિત થઈ ઊઠી. તેણે ત્યાંથી નીચે તરફ કૂદકો માર્યો! અરેરે! પણ તે ઘાસની ગાઢ ઝાડી નીચે છુપાયેલા પર્વતની ટોચ પર ધડામ દઈને પછડાઈ પડી. તે ગંભીર રીતે ઘવાઈ અને લોહીલુહાણ થઈ ગઈ. પણ, એક બાબત કહેવાની છે કે તેના ગર્ભમાં એક બચ્ચું હતું. તેના ગર્ભ પર થયેલા તીવ્ર આઘાતની પીડાને પરિણામે બચ્ચાનો જન્મ થઈ ગયો પરંતુ ઘાતક ઈજાને પરિણામે તે મૃત્યુ પામી.

ટોચ પરથી કૂદકો મારી રહેલી સિંહણને જોઈને ઘેટાં સ્વબચાવ માટે આમતેમ ભાગી ગયાં. દૂર સુધી ભાગી જઈને તેઓ હાંફતાં હાંફતાં ઉદ્વેગપૂર્વક જોવા લાગ્યાં કે તેઓમાંનાં બધાં સલામત છે કે નહીં. કુતૂહલ અને ભય મિશ્રિત ભાવે, તેઓએ ભૂમિ પર લોહીથી લથપથ થઈને સૂતેલી સિંહણને જોઈ. સાચે જ તેઓને ખાતરી થતી ન હતી કે સિંહણને શું થયું છે. તેઓમાંનાં એકાદ-બે બહાદુર ઘેટાં સ્વેચ્છાપૂર્વક સિંહણ પાસે ગયાં અને સત્ય બિના જાણી શીઘ્ર તેઓ પાછાં વળ્યાં અને બાકીનાંને જણાવ્યું કે તેઓએ સિંહણ સમીપ જઈને ચોક્કસ કર્યું છે કે સિંહણનું મૃત્યુ થયું છે. સમાચાર સાંભળીને ઘેટાં અત્યંત આનંદિત થઈ ઊઠ્યાં અને ખુશી મનાવવા લાગ્યાં. ત્યાં તો એકાએક બીજો જ અવાજ સંભળાયો. અરે ! પેલું શું છે ? તેઓ વિસ્મિત થઈ ગયાં. શું સિંહણ પુન : જીવિત થઈ છે કે! સિંહણની સમીપ આ પહેલાં ગયેલા તે ઘેટાની બહાદુરીની પ્રશંસા કરીને તેમને અવાજનું મૂળ શોધવા જવા માટે સમજાવ્યાં. તેમણે ત્યાં જઈને તપાસ કરીને પાછા આવીને સમાચાર આપ્યા કે મૃત સિંહણની નજીકમાં નવું જન્મેલું બચ્ચું પડ્યું છે અને તે બાળ અત્યંત રુદન કરી રહ્યું છે. બધાં ઘેટાં આપસમાં ચર્ચા કરવા લાગ્યાં. કેટલાંકે સૂચન કર્યું કે બચ્ચાને મરવા દો! જો કે તે સમૂહમાં એક માતા-ઘેટું હતું. તે આ નિર્ણયને સ્વીકારવા તૈયાર ન હતું. બાકીનાં સાથીદારોની સલાહને કાને ન ધરીને તે માતા-ઘેટું સિંહ-બાળ પાસે ગયું અને તેને લઈને પાછું સમૂહમાં આવ્યું. નાના એવા સિંહ-બાળને જોઈને સર્વે ઘેટાં આનંદોલ્લાસિત થઈ ગયાં. તેઓએ પોતાની સાથે તે બચ્ચાને રાખવાનો નિર્ણય કર્યો. તેમાંના એકે પૂછ્યું, ‘આપણે તેને કયા નામે બોલાવીશું?’ માતા-ઘેટાએ ગર્વભર્યા સ્વરમાં પ્રત્યુત્તર આપ્યો, ‘તે મારો બાળ છે. મને તેનું નામ પાડવા દો.’ તેણે થોડું વિચારીને કહ્યું, ‘આપણે તેને ‘શેરુ’ એવા નામે બોલાવીશું.’ બધાએ આનંદ સાથે તાળીઓથી આ નામકરણ વધાવી લીધું. ‘શેરુ! શેરુ ! કેવું મજાનું નામ!’

હવે આ રહ્યો શેરુ. તેણે કદાપિ તેની સિંહણ-માતાને જોઈ ન હતી. તેણે વિચાર્યું કે માતા-ઘેટું જ તેની માતા છે અને બાકીનાં બધાં ઘેટાં તેનાં સગાંસંબંધી છે. ખરેખર તે સમજતો ન હતો તે ઘેટું નથી પણ સિંહ-બાળ છે, સિંહ છે. દિવસો વીતતા ગયા. ઘેટાંના સમુદાયમાં સિંહ-બાળ મોટો થતો ગયો. હવે તે બચ્ચું ન હતો પણ મોટો થઈ ગયેલો સિંહ હતો. તેમ છતાં ઘેટાં સાથે રહેવાને કારણે તે સિંહનાં માનસિકતા, વર્તણૂક અને શારીરિક આચરણ ઘેટા જેવાં હતાં. તે ઘાસ ખાતો, અન્ય હિંસક પશુઓ જોઈને ગભરાઈ જતો અને ઘેટાની જેમ બેં-બેં કરવાનું પણ શીખી ગયો.

એક દિવસ એક બીજો સિંહ જંગલમાં શિકાર અર્થે આવી પહોંચ્યો. આમતેમ આંટા મારતાં, તેની નજરે ઘેટાંનું ટોળું આવ્યું. અચાનક તેની નજર શેરુ પર પડી. તે વિસ્મિત થઈ ગયો! આ વળી શું! ઘેટાં મધ્યે સિંહ રખડે છે! આ જાદુ છે કે વળી બીજું કંઈ! તેને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. એક સિંહ ઘાસ ચરી રહ્યો હતો! બીજાં ઘેટાં તેનાથી ડરતાં ન હતાં! ધીરેથી તે સિંહે પોતાની જાતને એક ઝાડના ઓથે સંતાડી અને આશ્ચર્યપૂર્વક તે ઘેટા જેવા સિંહનું અવલોકન કરવા માંડ્યો. અરેરે! તે ક્ષણે શેરુએ માથું ઊંચું કર્યું અને ઘેટાની માફક બેં-બેં કરવા માંડ્યું. આગંતુક સિંહે વિચાર્યું, ‘આ કોણ છે એ મારે જાણવું જ જોઈએ – એ ઘેટું છે કે એ સિંહ છે કે પછી બીજું કંઈક!’ તે દોડ્યો અને શેરુને પકડ્યો. સિંહને જોતાં જ બાકીનાં બધાં ઘેટાં ડરનાં માર્યાં ભાગી છૂટ્યાં. શેરુ આક્રંદ કરવા લાગ્યો, ‘બચાવો! બચાવો! મને સિંહથી બચાવો! બચાવો!’ સિંહ શેરુને એક ખૂણામાં ઢસડી ગયો અને તેને ધમકાવ્યો, ‘અરે મૂર્ખ! તું આમ શા માટે વિલાપ કરે છે?’ શેરુ ડરનો માર્યો ધ્રૂજતો હતો. તે બોલ્યો, ‘કૃપયા મારા પર દયા કરો. કૃપયા મને ખાઈ ન જતા.’ સિંહે પ્રત્યુત્તર વાળ્યો, ‘શું એક સિંહ અન્ય સિંહને કદાપિ ખાઈ જાય ખરો?’ આ સાંભળીને શેરુ બોલ્યો, ‘તમે સિંહ છો અને હું તો ઘેટું છું.’ સિંહે કહ્યું, ‘જો! હું તને વચન આપું છું કે હું તને કોઈ પણ પ્રકારની ઈજા નહીં પહોંચાડું. આમ ધ્રૂજીશ નહીં અને હું તને જે કહું છું તે તું ધ્યાન૫ૂર્વક સાંભળ. તું ઘેટું નથી. તું તો સિંહ છો.’ વિસ્મિત બનીને શેરુએ જવાબ આપ્યો, ‘એવું કેમ કરીને બને?’ સિંહે કહ્યું, ‘ચાલ, આપણે તળાવ કાંઠે બેસીએ.’ તળાવ કાંઠે બેસીને સિંહે કહ્યું, ‘તારું નામ શું છે?’ જવાબ મળ્યો, ‘શેરુ’. સાંભળતાં વેંત ખુલ્લા દિલે સિંહ હસ્યો અને કહ્યું, ‘અરે! તારું નામ તો ખરેખર સિંહનું જ છે. તો પછી ઘેટા જેવું આચરણ કેમ કરે છે? મારા બંધુ, શેરુ! મારી સામે જો. હું કેવો દેખાઉં છું?’ સિંહ સામે જોતાં વેંત શેરુ ગભરઈ ગયો. તે બોલ્યો, ‘તમારી સામે જોતાં મને ડર લાગે છે. તમે બિહામણા લાગો છો.’ સિંહે કહ્યું, ‘સિંહ તો તેવા જ દેખાય છે. હવે, શેરુ, તળાવના પાણીમાં પડતા તારા ચહેરાના પ્રતિબિંબને જો. તું કેવો દેખાય છે?’ શેરુએ પાણીમાં ડોકિયું કર્યું અને આશ્ચર્યચકિત થયો. તે થોડોક મૂંઝાયો પણ ખરો! તેણે ફરી એકવાર પોતાના પ્રતિબિંબ સામે જોયું અને સિંહના ચહેરા તરફ પણ જોયું. ગંભીરતાપૂર્વક વિચારીને રૂંધાયેલા સ્વરે તેણે કહ્યું, ‘હું તમારા જેવો જ દેખાઉં છું!’ સિંહે જવાબ આપ્યો, ‘હા, મારા ભાઈ! તું સિંહ છે અને તેથી સિંહ જેવો દેખાય છે. હવે, શેરુ! તું જાણે છે કે સિંહ કેવો અવાજ કરે છે? સાંભળ!’ અને સિંહે ગર્જના કરી. ગર્જનાથી સમસ્ત જંગલ ગાજી ઊઠ્યું. પછી સિંહ શેરુ તરફ વળ્યો અને કહ્યું, ‘શેરુ, ઘેટા જેવું જીવન તું ક્યાં સુધી જીવીશ? – નિર્બળ, શક્તિહીન અને બધાથી ભયભીત? તું સિંહ છે, સિંહની જેમ ગર્જના કર.’ શેરુ હજુ પણ દ્વિધાભર્યા તેના પૂર્વજગતમાં અવસ્થિત હતો. તેણે નરમ અવાજે કહ્યું, ‘હા, હું પ્રયાસ કરીશ.’ તેણે તેનું મોં ઉઘાડ્યું અને પ્રયાસ કર્યો. સિંહે ફરીથી તેને ઠપકો આપ્યો, ‘વાસ્તવમાં સિંહ હોવા છતાં તું ઘેટા જેવું જીવન ક્યાં સુધી વિતાવીશ? તારું ઘેટાપણું તું સર્વાંશે ભૂલીજા અને તારી જાતને કહે : ‘હું સિંહ છું.’ શેરુએ તેનાં નેત્રો બંધ કર્યાં, ઊંડો શ્વાસ લીધો અને સ્વયંને કહ્યું, ‘હું સિંહ છું, હું સિંહ છું, હું સિંહ છું.’ અને તેણે ગર્જના કરી – તે સિંહગર્જના હતી. ગર્જનાથી સમસ્ત જંગલ વળી પાછું ગૂંજી ઊઠ્યું.

શેરુ જાણે કે ગાઢ નિદ્રામાંથી જાગ્યો, જાણે કે તેનો પુનર્જન્મ થયો! તેણે કહ્યું, ‘હવે મને ખબર પડી કે હું સાચે કોણ છું.’ સિંહે તેને પૂછ્યું, ‘હવે તને ખબર પડી કે તું વાસ્તવમાં કોણ હતો? તારે ખરેખર શું કરવાનું છે? શું ખાવાનું છે? શું તારે ઘેટાની જેમ બેં-બેં કરવાનું અને સર્વદા અન્યથી ડરતા રહેવાનું છે?’ શેરુએ દૃઢતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો, ‘ના! ના! ના! હવે મને ખબર પડી કે હું ‘સિંહ છું’ અને હવેથી હું સિંહની જેમ જ જીવીશ. હું માંસભક્ષણ કરીશ. હું ત્રાડ પાડીને ગર્જના કરીશ. હું નિર્ભય બનીશ.’

તો આવી હતી આ વાર્તા! શું આપણે બધા ઘણી બધી વખત આપણી જાતને – હું આ નથી કરી શકતો, હું પેલું નથી કરી શકતો, હું દુર્બળ છું, આ કાર્ય કરવું મારા માટે સંભવ નથી – એવું કહીને શેરુ જેવું અણછાજતું આચરણ નથી કરતા?’

પરંતુ આપણા સ્વામીજી – સ્વામી વિવેકાનંદ – આપણી સમક્ષ સિંહપુરુષ થઈને આવ્યા છે. પુન : પુનશ્ચ તેઓ ઢંઢેરો પીટીને ઉચ્ચારી રહ્યા છે, ‘તમે દિવ્યાત્મા છો! તમે દિવ્યાત્મા છો! તમે દિવ્યાત્મા છો! બધી શક્તિ તમારામાં રહેલી છે!’

સ્વામીજીનું આહ્‌વાન ધ્યાનપૂર્વક સાંભળો અને તમારી જાતને કહો, ‘હું દિવ્યાત્મા છું.’

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.