મહાસચિવનું સ્વાગત પ્રવચન

અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર
બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ – બેલુર મઠ

સૌ પ્રથમ હું પૂજનીય ઉપાધ્યક્ષ મહારાજ સ્વામી સ્મરણાનંદજી, સ્વામી પ્રભાનંદજીને આદરપૂર્વક પ્રણામ કરું છું. અત્રે ઉપસ્થિત બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. હું હૃદયપૂર્વક સૌ સંન્યાસી ભ્રાતાઓ, ભક્તો, સ્વયંસેવકો, મહેમાનોનું અને બીજા ભાવિકજનોનું સ્વાગત કરું છું.

કદાચ આપણે આ પ્રથમ વખત જ બેલુર મઠના પાવન પ્રાંગણમાં આપણા સંઘને સહાયભૂત થનાર સ્વયંસેવકના સમુદાય વિશે મંતવ્યોનો વિનિમય કરવા એકઠા થયા છીએ. રામકૃષ્ણ મઠ અને મિશનનું પ્રત્યેક કેન્દ્ર એકબીજાથી નિરાળું છે. દરેકને કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. કેન્દ્ર સાથે જોડાયેલા ઘણા ભક્તો પૈકી કેટલાક સ્વયંસેવક તરીકે ખાસ પોતાની સેવા અર્પવા આવે છે. તેમાંથી કેટલાક એવા સમર્પણભાવથી આશ્રમની સેવા કરે છે કે અમે તેઓને અમારા પોતાના તરીકે ગણીએ છીએ. કેટલીક વખત અમે તેમની સેવા સામેથી માગીએ છીએ અને તેઓ પણ અમારા આવા પ્રેમાળ આગ્રહમાં આવવા બદલ સુખ-આનંદ અનુભવે છે.

વળી દરેક સ્વયંસેવક તેની વર્તણૂક, કામગીરી અને સામર્થ્યમાં અજોડ હોય છે. પરંતુ એ સારી વાત છે કે તેમનામાં પરસ્પર સ્પર્ધા કે ઈર્ષ્યા હોતાં નથી. જાણે કે તેઓ આશ્રમના છત્ર હેઠળ એક બૃહદ્ પરિવારના સભ્યો હોય તેવી રીતે એકબીજા સાથે હળીભળીને કાર્ય કરે છે.

સ્વયંસેવકો આપણા આશ્રમો પ્રત્યે કેમ આકર્ષાય છે? કારણ કે તેઓ જાણે છે કે આશ્રમ તેમના સૂક્ષ્મશરીરની કાળજી લે છે. સૂક્ષ્મશરીર એટલે મન, બુદ્ધિ અને આધ્યાત્મિક જીવન.

એક દિવસ શ્રીરામકૃષ્ણે કાશીપુરમાં શ્રી‘મ’ને કહ્યું, ‘તમે મારી પાસેથી કશાની અપેક્ષા રાખતા નથી છતાંય તમને મારી પાસે આવવાનું ગમે છે. કેટલીક વખત તમે ગેરહાજર રહો છો ત્યારે હું પણ વ્યગ્ર બની જાઉં છું.’ આમ સ્થૂળ દેહ દ્વારા કરાતી સેવાની પ્રક્રિયાથી સ્વયંસેવકો સંન્યાસીઓની લાગણી પ્રાપ્ત કરે છે. સંન્યાસીઓની લાગણી એટલે મન, બુદ્ધિ સાથે આધ્યાત્મિક જીવનના વિકાસ અંગેનું હિતચિંતન. આ પ્રક્રિયામાં સ્વયંસેવકો તેમજ આશ્રમ વચ્ચે પારસ્પરિક વિશિષ્ટ નૈતિકબંધન હોય છે – परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ।

શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના ત્રણ પ્રકારના અનુયાયીઓ છે (અ) સંન્યાસી (બ) ભક્તો (ક) ભાવપ્રચાર કેન્દ્રો. સંન્યાસીઓ એકમના હાર્દસમા છે અને આંદોલનના રખેવાળો છે; સ્વાભાવિકપણે તેમનાં જીવન અને કાર્યો બીજાં માટે આદર્શરૂપ હોવાં જોઈએ, એવી અપેક્ષા રખાય છે. દીક્ષિત ભક્તો પાસે સમર્પિત જીવનની અપેક્ષા રખાય છે; એમની જીવનશૈલી નિહાળીને પડોશીઓ તેવું જીવન જીવવાની પ્રેરણા મેળવે. ભાવપ્રચાર કેન્દ્રો મુખ્યત્વે ગૃહસ્થ ભક્તો ચલાવે છે. એમની પાસે મૂળ ભાવધારા સાથે ભળી જતી એક પોષક ભાવધારાની અપેક્ષા રખાય છે. ઉપર્યુક્ત વર્ગો પાસે સ્પર્ધા અને વિશેષાધિકાર મુક્ત જીવનયાપન કરવાના સમાન ઉદ્દેશની અપેક્ષા રખાય છે.

સ્પર્ધામુક્ત જીવન એટલે બીજાની સફળતા જોઈને તેમને ઈર્ષા ન થવી જોઈએ. વિશેષાધિકારમુક્ત એટલે તેઓ આશ્રમ પાસેથી, આશ્રમ બહારથી એટલે સમાજ પાસેથી કોઈ જ વિશિષ્ટ વ્યવહારવર્તનની અપેક્ષા ન રાખે. તેઓ સ્વયંના પરિશ્રમ, કાબેલિયત અને કૌશલથી વિકસિત થશે.

હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે : સ્વયંસેવકોની અપેક્ષા શી હોય છે? તેઓ સંઘને તેમની જાતે જ સેવા અર્પવા સામેથી આવે છે. સ્વયંસેવકો ઉપરની ત્રણમાંની એકેય પ્રકારની કક્ષામાં આબદ્ધ નથી. તેઓનો પોતાનો આગવો જ સમૂહ છે. તે દર્શાવે છે કે તેઓના જાત-વિકાસ અને સુધારણાની તેમની કેટલીક વિલક્ષણ જવાબદારીઓ છે. જો કોઈ વ્યક્તિ સ્વયંસેવક બનવા ઇચ્છે છે – ધારો કે ખ્રિસ્તી સમાજની; તો તેણે ઈસુ પંથના ધારાધોરણોનું અનુસરણ કરવું પડશે અથવા જો કોઈ વ્યક્તિ રેડક્રોસ સોસાયટીનો સ્વયંસેવક બનવા ઇચ્છુક હોય તો તેણે તેના પ્રમાણેનાં ધારાધોરણો અનુસરવાં પડશે. અત્રે ઉપસ્થિત સ્વયંસેવકોને આપણા એક અથવા બીજા શાખાકેન્દ્ર સાથે કંઈક એકનિષ્ઠા અથવા સંગતિ હોવાં જોઈએ, એવું જ કંઈક સમગ્ર સંઘ સાથે. એક દૃષ્ટિએ ઉપરનાં ત્રણ જૂથો પણ સ્વયંસેવકો પૈકીનાં છે – પરંતુ તેમનું સામાજિક ઉત્તરદાયિત્વ તેમને સામાજિક કે કાયદાકીય રીતે નિયંત્રિત કરે છે. એટલે કે સંન્યાસીઓ સંઘની શિસ્તથી આબધ્ધ છે, ભક્તોએ તેમના ગુરુના ઉપદેશનું અનુપાલન કરવાનું હોય છે અને ભાવપ્રચાર કેન્દ્રોએ દસ-મુદ્દાની માર્ગદર્શિકા અનુસરવાની હોય છે. સ્વયંસેવકોએ કોઈ શિસ્તનું પાલન કરવું જોઈએ ખરું? હા. જો કે તેઓની ઉપર કોઈ બાહ્ય સંસ્થાઓ દ્વારા શિસ્ત પાળવા માટેના નિયમો લદાયેલા નથી. સૌ પ્રથમ, તેમણે સારું જીવન જીવવું પડે છે. પછી તેમણે સારા નાગરિક બનવું પડે છે. ત્રીજું, તેમણે પ્રેમાળ અને બીજાની સેવાતત્પર બનવું જોઈએ.

આ આંદોલન સાથે સંલગ્ન સ્વયંસેવકોએ કેટલાંક ધારાધોરણો અનુસરવાં પડશે.

૧. સમાજમાં તે સુપ્રતિષ્ઠિત હોય પરંતુ તે આશ્રમમાં એવી રીતે અણઓળખાયેલા જ છે, તેમનું સાંકેતિક રૂપ તો માત્ર સ્વયંસેવકનું જ છે. પરોક્ષપણે આ તેમને પોતાના અહંકારને કચડવામાં મદદરૂપ થાય છે. આમ છતાં પણ આ તેમને પોતાના સ્વમાનથી અલગ કરતું નથી. તેમની કાર્યકુશળતા બદલ તેમને સર્વત્ર લોકાદર સાંપડશે.

ર. સમુદાયમાં કેવી રીતે કામ કરવું તે અંગે તે શીખે છે. ભારતીયો સંઘબદ્ધપણે કેવી રીતે કામ કરવું તે જાણતા નથી, એનો સ્વામીજીએ ખેદ વ્યક્ત કર્યો હતો. સ્વયંસેવકોમાં નેતાગીરીના ગુણોની અપેક્ષા રખાય છે અને તેઓ સમૂહમાં કામ કરવા સમર્થ હોવા જોઈએ.

૩. જરૂર પડ્યે તેઓ બીજાઓને જવાબદારીઓ સોંપવા અને તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવા તૈયાર હોવા જોઈએ.

૪. જ્યાં સુધી તમારું ચારિત્ર્ય સારું નહીં હોય ત્યાં સુધી તમારાં સૂચનોનું અનુપાલન કરવા તમે બીજાઓને મનાવી નહીં શકો.

પ. આશ્રમમાં વિવિધ પ્રસંગે સ્વયંસેવકોને વિભિન્ન કાર્યોની સોંપણી કરવામાં આવે છે. તેથી તેઓ આસક્તિ અને અનાસક્તિની કળા શીખે છે.

૬. આમ આપણે જોઈએ છીએ કે સ્વયંસેવકો છેવટે બધી ગતિવિધિઓના સાક્ષીભૂત બની રહેવાની સંકલ્પના મેળવી લે છે. સાક્ષી એટલે સઘળી ઉજવણીના નિરીક્ષક જેમ કે દુર્ગાપૂજા, ઠાકુરપૂજા અથવા જ્ઞાનચર્ચા સભા.

૭. આમ તેઓ સામાજિક કાર્યકર તરીકે શરૂઆત કરે છે પરંતુ અંતમાં આસક્તિ અને અનાસક્તિનું આચરણ કરીને સાચા ધાર્મિક પુરુષો બની જાય છે.

કોઈ વ્યક્તિ સમાજની સેવા કરવા ઇચ્છે તો તેણે કોઈ સંસ્થા સાથે જોડાવું જોઈએ કે નહીં? તેવો પ્રશ્ન ઊભો કરી શકાય. તે સ્વતંત્રપણે ન કરી શકે? તે શક્ય છે, પણ તે ઘણું મુશ્કેલ છે. આવા લોકો માટે તેમના આંતરિક જીવનમાં પ્રગતિ કરવી તે ઘણું કઠિન બનશે કારણ કે તેઓ પોતાના અહંકાર દ્વારા પ્રેરિત હોય છે. તેઓ પોતાનાં ધૂન અને મનોરથ દ્વારા દોરવાતા હોય છે. કેટલાક સ્વયંસેવકો એક સંસ્થાથી બીજી સંસ્થા સાથે જોડાણ બદલતા રહે છે અથવા સમાજમાં યશ-નામના મેળવવા એકી સમયે એક કરતાં વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરે છે. તેમાં કોઈ અંકુશ કે નિયમન હોતું નથી અને તેઓ આત્મગૌરવના પિંજરમાં પુરાયેલા રહેશે. આવું સૂક્ષ્મ વિઘ્ન નિવારવું અતિમુશ્કેલ છે.

વિભિન્ન રાજ્યોમાંથી અને સમાજના વિભિન્ન સ્તરોમાંથી આજની અભિગમ શિબિરમાં આશરે ર૪૦૦ સ્વયંસેવકો આવ્યા છે. જો આજે અહીં એકત્રિત થયેલું સ્વયંસેવક-બળ સંયુક્તપણે સંગઠિત કરી શકાય તો કેટલું શક્તિશાળી બની શકે, એ કલ્પના કરવાનો પ્રયાસ કરી જુઓ. ‘સર્જનાત્મક લઘુમતી’એ ઘણું કરીને ક્રિસ્ટોફર ઈશરવુડે ઉચ્ચારેલા શબ્દો છે. તેનો શું અર્થ થાય? સામ્યવાદ અને માકર્્સવાદ એ લઘુમતી દ્વારા બહુમતી ઉપર શાસન કરવાની પદ્ધતિની વિરુદ્ધ છે. મક્કમ મનવાળું બેંક લૂંટારાઓનું જૂથ પણ પ્રબળ શક્તિ અજમાવી શકે છે. પરંતુ આપણે જે સર્જનાત્મક લઘુમતીનો અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે એવી નથી. આ લઘુમતી સર્જનાત્મક બળ છે, સમાજના વિકાસમાં શક્તિશાળી તત્ત્વ બનવાની ક્રિયાશીલતા ધરાવે છે.

ક્રમે ક્રમે, દિન પ્રતિદિન આપણે બૃહદ્ આંદોલન પ્રતિ, ત્રણ મહાન વૈશ્વિક વ્યક્તિત્વો તરફ આગળ વધી રહ્યા છીએ. તમે સંન્યાસી ન હો, ભાવપ્રચાર પરિષદના સભ્ય ન હો; દીક્ષિત શિષ્ય સુદ્ધાં ન હો, છતાંય તમે અનુભવગમ્યતા સાથે ઠાકુર, મા અને સ્વામીજીની નજીક આવી રહ્યા છો.

શ્રીમા સારદાદેવીએ એક વખત કહ્યું હતું, ‘ઠાકુરના ભક્તો તરફ જુઓ. તેઓમાંનો દરેક પરિપૂર્ણ છે! તેઓ વિશિષ્ટ પ્રકારના છે.’

સ્વામીજીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ તેની બધી જ સંભાવ્યતાઓમાં પૂર્ણ વિકસિત થવું હોય તો તેણે તેના જીવનમાં ચારેય યોગનું અનુસરણ કરવું પડશે. જો તમે આપણા આશ્રમનો દૈનિક નિત્યક્રમ જોશો તો તમને જણાશે કે તેની બધી જ પ્રવૃત્તિઓ જ્ઞાન, કર્મ, ભક્તિ અથવા ધ્યાનયોગ ચાર પૈકીના એકાદ યોગ માંહેની છે. આવી રીતે આપણે જ્ઞાન, કર્મ, ભક્તિ અને ધ્યાનયોગના સંશ્લેષાત્મક એકીકરણ દ્વારા આપણી જાતને શ્રીરામકૃષ્ણના બીબામાં ઢાળી રહ્યા છીએ.

સ્વામી વિવેકાનંદે એક વખત અદ્‌ભુત વાત કહી હતી, ‘મારી પાસે આવો, તમારામાંના દરેકને હું ‘વીસ’ (ગણા શક્તિશાળી) બનાવી દઈશ.’

તમારામાંના જેઓને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવમાં ૨૦૧૦-૧૪ દરમિયાન ભાગ લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું, તેઓએ કાર્યની અખૂટ ક્ષમતાની અનુભૂતિ કરી હશે; એવું આશ્ચર્યકારક કાર્ય તેઓ કરી શકે છે.

ઈશ્વરકૃપાથી આપણે સકારાત્મક અને સર્જનાત્મક વિચારો ધારણ કરવા માટે ભાગ્યશાળી છીએ. આવા વિચારોમાં મનુષ્યનું ધીરે ધીરે ઊર્ધ્વીકરણ કરવાની શક્તિ છે. આશા રાખું છું કે પાવન ત્રિપુટીના આશીર્વાદથી આપણે આ સંઘની તથા આપણા રાષ્ટ્રની સેવા કરવા માટે યોગ્ય સાધન બનીશું.

ધન્યવાદ!

Total Views: 152
By Published On: February 1, 2015Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram