‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્મોનો ભારે ડોળ રહે. જેમ જેમ ઈશ્વર તરફ આગળ વધાય, તેમ તેમ કર્મોનો આડંબર ઘટે; એટલે સુધી કે ઈશ્વરનાં નામ, ગુણકીર્તન સુદ્ધાં બંધ થઈ જાય. (શિવનાથ પ્રત્યે) જ્યાં સુધી તમે સભામાં આવ્યા ન હો, ત્યાં સુધી તમારાં નામ, ગુણ વગેરેની વાતો ઘણીએ થાય. પણ જેવા તમે આવી પહોંચ્યા કે તરત જ એ બધી વાતો બંધ થઈ જાય. ત્યારે તો તમને જોવામાં જ આનંદ. ત્યારે લોકો કહેશે, ‘આ શિવનાથ બાબુ આવી પહોંચ્યા.’ તમારી બાબતમાં બીજી બધી વાતો બંધ થઈ જાય.’ ‘મારી આ અવસ્થા થયા પછી ગંગાના જળમાં પિતૃ-તર્પણ કરવા ગયો. ત્યાં જોયું કે હાથનાં આંગળાંની વચમાંથી પાણી નીકળી જાય છે. એટલે મેં રોતાં રોતાં હલધારીને પૂછ્યું : ‘મોટાભાઈ, આ શું થયું?’ હલધારીએ જવાબ આપ્યો કે એનું નામ ‘ગલિતહસ્ત’. ઈશ્વરદર્શન પછી તર્પણાદિ કર્મો કરવાનાં રહે નહિ… ‘સંકીર્તનમાં પ્રથમ બોલે, ‘નિતાઈ મારો મસ્ત હાથી,’ ‘નિતાઈ મારો મસ્ત હાથી.’ ભાવ જામે એટલે માત્ર બોલે ‘હાથી, હાથી.’ ત્યાર પછી કેવળ ‘હાથી,’ એ એક જ શબ્દ મોઢામાં રહે. છેવટે ‘હા’ બોલતાં બોલતાં ભાવસમાધિ થાય. એટલે પછી એ વ્યક્તિ કે જે અત્યાર સુધી કીર્તન કરતો હતો તે ચૂપ થઈ જાય. ‘જેમ કે બ્રાહ્મણભોજન વખતે આરંભમાં ખૂબ શોરબકોર થઈ રહે. જ્યારે બધા પંગતમાં પાતળ પર બેસી જાય, ત્યારે ઘણોખરો ઘોંઘાટ ઓછો થઈ જાય, માત્ર ‘લાડુ લાવો, પૂરી મોકલો,’ એવા અવાજો થયા કરે. ત્યાર પછી જ્યારે લાડુ, પૂરી, શાક વગેરે ખાવાની શરૂઆત થાય ત્યારે અવાજ બાર આના ઓછો થઈ જાય અને છેવટે દાળભાત વખતે કેવળ ‘સુપ, સુપ!’ (સૌનું હાસ્ય). અવાજ નહિ એમ કહીએ તોય ચાલે અને જમ્યા પછી નિદ્રા! એ વખતે બધું શાંત.‘એટલે કહું છું કે પ્રથમ પ્રથમ કર્મોની મોટી ભાંજગડ હોય. ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય, છેવટે કર્મત્યાગ અને સમાધિ.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૨૧-૧૨૨)

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.