(નવેમ્બરથી આગળ)

અમારા વડલાની જેમ આ ભૂમિ પર બહુ વસતી ન હતી. જે વૃક્ષ પર મેં મારું ઘર બનાવ્યું હતું ત્યાંથી આ સમગ્ર સ્થળનું ભવ્યરૂપ જોવા મળતું હતું. મારા આ સ્થળેથી હું કામિલ લોકોને દૂર ક્યાંક ઘૂમતાં ફરતાં, ગાતાં અને ધીમે ધીમે ગણગણતાં જોઈ-સાંભળી શકતો હતો. મનમાં ને મનમાં હું બબડ્યા વગર રહી ન શક્યો, ‘કોયલજી! ક્યાં છો તમે? અહીં આવો અને આ સંગીતને સાંભળો, આવીને જુઓ કે સંગીત એટલે શું?’

મારી વણટેવાયેલી આંખોને બધા કામિલ એક સરખા દેખાતા હતા. એકવાર મને કહેવામાં આવ્યું કે મનુષ્યને અમારા પોપટની જાતમાં કોઈ ભેદભાવ દેખાતો નથી. આ વાત પર હું કેટલો હસ્યો હતો! હવે મને એ વાતની શરમ આવે છે કે આ કામિલ મારા વિશે શું વિચારશે. પણ હું એટલો તો નિશ્ચિંત હતો કે તેઓ મારા પર હસશે નહીં અને મને લજ્જિત પણ નહીં કરે.

હું મારા આ પ્રિય ઘરથી એટલો ખુશખુશાલ હતો કે કોઈ બીજા કામિલની સાથે મળવાની ઇચ્છા મારા મનમાં જાગી જ નહીં. તેનું આવવું જવું અને તેનું મારી સમીપ હોવું અથવા તેનું મારાથી દૂર રહેવું મને મદમત્ત બનાવી દેતું.

પોતાના વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવવા મેં ગાવાનું અને નાચવાનું શીખવાનો વિચાર કર્યો. શ્રીમાન કામિલ તરત જ મારા શિક્ષક બનવા તૈયાર થઈ ગયા. એટલે આ રીતે મારા માટે અલૌકિક આનંદનું બારણું ખૂલી ગયું. હવે દિવસભર એમની સાથે વાતો કરતો અને નાચવા-ગાવાનું શીખતો. બધું સ્વર્ગ જેવું હતું.

આટલા કુશળ પ્રશિક્ષક મળવા છતાં હું શિષ્યના રૂપે અસફળ રહ્યો. સંગીતના સૂરને બદલે મારા ગળામાંથી ટીં ટીં અવાજ નીકળતો. મેં જ્યારે નૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારા પગ કોઈ મૂરખાની જેમ પડ્યા. હું જેટલા પ્રયત્ન કરતો એટલી જ મને અસફળતા મળતી. હું મારા જન્મદાતા અને નસીબને દોષ દેતો રહ્યો. કારણ કે એમણે મને આવું નકામું શરીર અને વ્યર્થ અવાજ આપ્યો હતો. શીખવામાં અસમર્થ થતાં હું શ્રીમાન કામિલને ખુશ કરવા માટે અર્થહીન અડચણો ઊભી કરતો રહ્યો. હવે જ્યારે હું એ દિવસો વિશે વિચારું છું ત્યારે મારા ખરાબપણા માટે હું એમને દોષી ગણતો નથી. જે કાંઈ કર્યું હતું એ મેં જ કર્યું હતું.

આ રીતે મારી જિંદગી ચાલતી હતી. કેટલા દિવસ ચાલી એની ખબર નથી. હું મદમત્ત અવસ્થામાં દિવસ ગણવાનું ભૂલી ગયો.

અંતે એક દિવસ જ્યારે મેં કામિલજીના આખા શરીર પર ઉઝરડાનાં નિશાન જોયાં ત્યારે મારો આ નશો ઊડી ગયો. આટલા દિવસો સુધી હું અંધ કેવી રીતે બની ગયો ? આ બધું હું પહેલાં કેમ ન જોઈ શક્યો? મારું માથું ફરવા લાગ્યું.

મેં પૂછ્યું, ‘શ્રીમાન કામિલ, આપને આ શું થયું છે? આપના સુંદર શરીર પર આ ઉઝરડા કેમ થયા? આ તો ઘણી અદ્‌ભુત વાત હોય એવું લાગે છે.’

સાંભળીને મારો મિત્ર હસ્યો. અરે! એનું કેવું મીઠું હાસ્ય! હું એના એ મરકલડા પર મારી આખી જિંદગી અર્પણ કરી શકું તેમ હતો. પરંતુ કામિલજીએ મારું ધ્યાન એમની આંગળીઓ તરફ ખેંચીને વાસ્તવિક હકીકત તરફ ધ્યાન ખેંચ્યું.

અરે મારા ભગવાન! આ બધું હું કેમ પહેલાં જોઈ ન શક્યો? કામિલજીની બધી આંગળીઓ, વાસ્તવિક રીતે બધા કામિલ લોકોની આંગળીઓ સરાણ પર ચડાવેલી છરીના જેવી ધારદાર કરાયેલી હતી. હું ચીસ પાડતાં પાડતાં અટકી ગયો. સૌંદર્યનું આ તે કેવું પાસું! નવાઈની વાત તો એ છે કે એ બધા હજી સુધી જીવતા હતા. વાહ! દુનિયા રચનારા! કેવી ગજબની ચીજ બનાવી તેં! ભયથી હાંફતાં હાંફતાં મેં વિચાર્યું.

મારા વિચારોનો તંતુ શ્રીમાન કામિલના સંગીતમય અવાજથી તૂટ્યો, ‘આપ આટલા બધા હેરાન કેમ દેખાઓ છો? પ્રેમથી થાબડવા એ અમારી પ્રકૃતિમાં છે અને એને લીધે જ અમારી આંગળીઓની આ ધારથી ઉઝરડા થઈ જાય છે. પણ એમાં બીજાનો શો દોષ! ભગવાને અમને એવા જ બનાવ્યા છે.’

મને તો આજ સુધી તે સમજવામાં ન આવ્યું કે જેનાથી પોતાને જ દુ :ખ થાય એવું કોઈ શા માટે કરે? પરંતુ કદાચ આ એમની પ્રકૃતિમાં જ છે. કદાચ જાણે અજાણ્યે આ થઈ જતું હશે. પણ એ દિવસોમાં હું લીલો હતો એટલે આ કામિલ લોકોને હું મૂર્ખ માનવા માન્યો. મેં એમને સાચે રસ્તે લાવવાનો વિચાર કર્યો.

સાચી વાત કોઈ પણ શીખવા ઇચ્છતું નથી અને એમાંય સામાવાળો ભૂલ કરતો હોય તો જરાય નહીં. શ્રીમાન કામિલની સજ્જનતાથી મને બોલવાની હિંમત આવી. મેં પૂછ્યું, ‘તો પછી બુદ્ધુ, આપ અંતર કેમ રાખતા નથી? શું આપને દર્દ થતું નથી?’

પહેલાં મારો બોલવાનો લહેકો ઠીક ઠીક પ્રમાણમાં સખત રહેતો, પણ કંઈક આ નવી જગ્યાને કારણે અને થોડું ઘણું શ્રીમાન કામિલને કારણે મારો લહેકો ઠીક ઠીક નરમ રહ્યો હતો.

કામિલે કહ્યું, ‘એ વાત સ્પષ્ટ છે કે અમને દર્દ તો જાણે થાય છે ભાઈ, પણ તમારો અવાજ કેમ જરા ઊંચો જણાય છે? મને તો લાગ્યું કે જાણે તમે ચીસ પાડી રહ્યા છો. શું હું તમને ગમતો નથી?’

મેં એમના શબ્દો તરફ ધ્યાન ન આપ્યું અને એમને સુધારવાના અસફળ પ્રયત્નમાં મગ્ન રહ્યો.

મેં કહ્યું, ‘આપ કેટલા મૂરખ છો! આ થાબડવાનું છોડી કેમ દેતા નથી? એમ કરશો તો આપને આ ઉઝરડા કે જખમ નહીં થાય.’

કામિલે કહ્યું, ‘પ્રિય ભાઈ, સ્વભાવથી જ અમે પ્રેમ કરવાવાળા છીએ. અમને ભગવાને આવા જ સર્જ્યા છે. શરીર અને આત્મા-એ બંને એકીસાથેનો સોદો છે. એક ને લો, તો બીજો આવશે. વહાલા દોસ્ત, અમારા જીવનનો ઉદ્દેશ છે, પ્રેમ કરવો અને પ્રેમ પામવો.’

એનો વાત કરવાનો લહેકો મને આકર્ષતો હતો પણ મેં ફરી એકવાર પ્રયત્ન કર્યોે. કહ્યું, ‘આટલું દુ :ખદર્દ સહન કરીને પણ!..’

‘અમે પરસ્પર પ્રેમ કર્યા વિના રહી શકતા નથી અને અમારે રહેવું પણ ન જોઈએ. જ્યારે આપ જે ઇચ્છો તે બધું કરી શકો છો અને જે કરવા માટે જન્મ્યા છો તો પછી એના પરિણામની શી ચિંતા? પ્રેમથી ઉદ્ભવેલું સુખ આંગળીઓથી જન્મતા દુ :ખને દૂર કરી દે છે. પ્યાર, મહોબત અને આનંદ સિવાય જીવનમાં બીજું છે શું? જો એને માટે થોડું દુ :ખ ભોગવવું પડે તો એમાં ખોટું અને ખરાબ શું છે? બીજી વાત – તમારા આ ઉગ્ર ગરમ શબ્દો તમારા સ્વભાવ સાથે મેળ ખાતા નથી. કદાચ એ આસપાસનાં કોમળ ફૂલોને સૂકવી નાખે એવું બને. ચાલો, હવે હું તમારા ગળાને આરામ આપું છું.’

આ સ્થળમાં કોઈક એવો જાદુઈ ચમત્કાર હતો કે જેને લીધે હું શાંત થઈ ગયો. હું કંઈ કરું કે શ્રીમાન કામિલની મનની ઇચ્છા સમજું એ પહેલાં એમણે મારા ગળાની પાસે હાથ ફેરવ્યો. જાણે કે તેઓ મારા અવાજને સુવડાવી રહ્યા ન હોય. હું વાત ન કરી શક્યો. અને મને લાગ્યું કે કોઈએ મને ચૂપ રહેવા માટે કાંઈક નશીલું પાઈ દીધું ન હોય.

શ્રીમાન કામિલ આગળ બોલતા રહ્યા, ‘હે ખૂબસૂરત પંખી, હવે મને જવાની રજા આપો. હું તમારી પાસે થોડીવાર વધારે રોકાવા ઇચ્છું છું પણ આજે હું વ્યસ્ત છું અને મારે આજનો પ્રેમ આપવાનો બાકી છે. નિયમિતરૂપે અમારા પ્રેમની આપલે થતી રહે છે. હવે આપ અને અમે એક થઈ ગયા છીએ. હું મારા મિત્રોને કહીશ કે આપનું નામ એમની યાદીમાં સામેલ કરી લે.’

એક પ્રેમભરી નજરે જોઈને શ્રીમાન કામિલ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે થોડું ઘણું ભાન આવ્યું. હું એમાંનો એક છું એમ એમનો કહેવાનો મતલબ શો હતો? તેઓ એમ શા માટે ઇચ્છતા હતા કે બીજા કામિલ મારી પાસે આવેે, જે આ પહેલાં ક્યારેય આવ્યા ન હતા? કોણ જાણે કેમ મારું દિમાગ ફરીથી કામ કરવા લાગ્યું અને હું મારા વિશે ફરીથી વિચારવા લાગ્યો.

એ જ વખતે મેં મારા કોમળ લીલા ગળાની આસપાસ લાલ રંગના લોહીની ધાર જોઈ. આ ભેદી કામિલે મને સ્પર્શ કર્યો હતો અને એની મારા ગળા પર ધારદાર અસર થઈ. મને પણ આ સ્પર્શનો રોગ લાગુ પડ્યો. અને હવે જીવનભર ગળા પરની લાલ રેખા લઈને ફરવું પડશે. આને તેઓ પ્રેમ અને મિત્રતા કહેતા હતા!

મારો ગુસ્સો હવે પહેલાં જેવો રહ્યો ન હતો. પણ આ જગ્યા માટે તે આગ જેવો બની ગયો. સાલા મરઘાચોર!

‘સાલા ગધેડાચોર ! હવે મારી પાસે ફરકતો નહીં. તમે કે તમારા ચોર મિત્રો મારી પાસે આવતા જ નહીં. હવે હું તમારી પકડમાં આવવાનો જ નથી. તમે અને તમારું સૌંદર્ય ભગવાન કરે અને છાણમાં પડે. ભગવાન કરે… ભગવાન કરે…’

‘વહાલા ભાઈ, શાંત થાઓ.’

‘હું કેવી રીતે શાંત થાઉં? તમે અને તમારું સૌંદર્ય – તમારો અવાજ અને તમારું સૌજન્ય – તમારો દેશ અને એનું દર્શન – ભગવાન કરે અને તમારી ટપકતી છતોમાંથી કાળી સાહી પડે. ભગવાન કરે અને તમારાં ખેતરો સેવાળથી ભરાઈ જાય. ભગવાન કરે અને તમારાં શરીર ગળીની જેમ નીલ રંગે રંગાઈ જાય. ભગવાન કરે.. ભગવાન કરે…’

‘વહાલા, હું તને બહુ ચાહું છું. તમને મનથી માનું છું. શું તમે અમારી સાથે વિતાવેલા દિવસો ભૂલી ગયા?’

‘હું પણ તમને ચાહું છું, તમને પ્યાર કરું છું. બસ, મારી આંગળિયો તમારી જેમ ધારદાર નથી. એટલે હું તમને તમારા જેવો પ્રેમ બતાવી શકતો નથી. જાઓ, જઈને તમારા પ્રેમનું અથાણું બનાવો.’

‘બીજાની જેમ તમે પણ ચાલ્યા જશોને? પણ હું હંમેશાં તમારી રાહ જોઈશ, આટલું યાદ રાખજો. તમે મારા માટે વિશેષ છો.’

‘હા, ખાસ વિશેષ, મને કાપી નાખવો સહેલો છે ને!’

હું ખૂબ નારાજ હતો. ક્રોધે ભરાયેલો સાંઢ લાલ કપડું જુએ તો કેવી અસર થાય છે? અને અહીં મારા ગળા પર એક લાલ લીટી સદાને માટે બની ગઈ. હવે હું ચૂપ રહેવાનો નથી. મારા ગુસ્સામાં હું એ ન જોઈ શક્યો કે મારી આંગળીઓના નખ વધીને ધારદાર બનતા જતા હતા. કામિલને સ્પર્શવાનો જાદુ મને પણ એના જેવો જ બનાવી દેતો હતો. પળવારમાં મારું શરીર, મારું દિમાગ અને ભાવનાઓ એ લોકો જેવી થઈ જશે. હવે જો મારે જીવતા રહેવું હોય અને મારી જાતને બચાવવી હોય તો મારે આ સ્થળેથી ભાગવું પડશે. હવે મને કોઈ રોકી શકવાનું નથી. મેં મારી પાંખ ફફડાવી, પગને ડાળની મદદથી ધક્કો દીધો અને પાંખો વીંઝીને હવામાં સરકી ગયો. ‘જીવ બચ્યો તો બધું મળશે!’ એના જેવું થયું. પ્રેમના નામે ભલાંભોળાંની જિંદગી સાથે ખેલ ખેલનારા! ખેર બીજાને ઉઝરડા ભરવા કરતાં પોતાના શરીરની સુંદરતાને રગદોળતા હોય તો કેવું સારું! પ્રેમ અને મિત્રતાને નામે બીજાની કતલ કરવી એ જ એમના મનનો આનંદ હતો!

કામિલના દેશની એ નિશાની આજે પણ મારા ગળા પર રેખાના રૂપે છે. જ્યારે પણ કદીય તમે લાલ કાંઠલાવાળા કોઈ લીલા પોપટને જુઓ તો સમજી જશો કે તે પ્રાણી કયો દેશ ફરી આવ્યું છે. (ક્રમશ 🙂

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.