અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર 14
બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪; બેલુર મઠ

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનાં કૌશલ, સમય, સામર્થ્ય અને અનુભવનો લાભ આપીને સ્વયંસેવકો આપણી સંસ્થાને સબળ બનાવે છે. દેખીતા બાહ્ય પાસાથી પણ વિશેષ, સ્વયંસેવકોની સક્રિય સહભાગીતા અને સમાવિષ્ટતાની મનોભાવના સંસ્થાના સામર્થ્યને માનસિક સ્તરે સુદૃઢ બનાવવામાં ફાળો બક્ષે છે. જેઓ રામકૃષ્ણ મઠ અને મિશનમાં સ્વૈચ્છિક સેવા આપે છે તેઓને પોતાનાં મૂલ્યોને યોગ્ય રીતે કાર્યરત કરવાનો અવસર મળે છે.

સ્વૈચ્છિક સેવાક્ષેત્રનાં કેટલાંક વ્યવહારુ પાસાંનો વિચાર થવો જોઈએ. આ સ્વયંસેવકોમાં આપણને અસંગત ક્ષેત્રોના લોકો જોવા મળે છે, જેવા કે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, શિક્ષણસંસ્થાના સભ્યો અને એવા બીજા સેવા આપવા આવતા લોકોમાં વિશદપાયે શૈક્ષણિક લાયકાતો, અનુભવો અને આકાંક્ષાઓનું વૈવિધ્ય હોય છે. આપણે સેવાકાર્યને સ્વયંસેવક સાથે પદ્ધતિસર સુસંગત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આધ્યાત્મિકતાના પરિપ્રેક્ષ્યમાં રામકૃષ્ણ મઠ અને મિશન પ્રથમ કક્ષાનું સંસ્થાન છે. આપણી સેવાપ્રવૃત્તિઓ આધ્યાત્મિકતાની અભિવ્યક્તિ છે – ‘શિવજ્ઞાને જીવસેવા’. આવી અભિગમપરક શિબિરનો ઉદ્દેશ સ્વયંસેવકોને આ આદર્શવાદ – વિચારસરણી પ્રતિ પ્રોત્સાહિત કરવાનો છે. સ્વૈચ્છિક સેવાક્ષેત્રનાં કાર્યોનાં સુસંગત વ્યવહારુ પાસાં પણ ચર્ચામાં હતાં.

પ્રશિક્ષણ તાલીમકેન્દ્રના બ્રહ્મચારીઓના વૈદિક મંત્રગાન સાથે સવારે ૮.૩૦ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ થયો. બેલુર મઠના સ્વામી દિવ્યવ્રતાનંદ દ્વારા પ્રારંભિકગાન પ્રસ્તુત કરાયું. રામકૃષ્ણ મઠ અને મિશનના મહાસચિવ સ્વામી સુહિતાનંદજીએ ૨૪૦૦ સ્વયંસેવકોની શિબિર સમક્ષ સંસ્થાનને સ્વૈચ્છિક સેવા આપતા સ્વયંસેવકોની ફરજો અને જવાબદારીઓની રૂપરેખાનો વિસ્તારપૂર્વક ચિતાર રજૂ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રામકૃષ્ણ મઠ અને મિશન સાથે સંકળાયેલ સ્વયંસેવકોએ પવિત્ર જીવન વિતાવવું, સારા નાગરિક બનવું, પ્રેમ કરવો અને સેવા કરવા તત્પર રહેવું, એ એમની ચાર જવાબદારીઓ છે.

તેમણે સ્વયંસેવકો માટેનાં ધારાધોરણો પણ સ્પષ્ટપણે રજૂ કર્યાં :

* સ્વયંસેવક સચ્ચારિત્ર્યવાન હોવો જોઈએ અને સુસ્થાપિત વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ.

* તેનું આશ્રમ સાથે તાદાત્મ્ય હોવું જોઈએ.

* તેણે અહમ્નો ત્યાગ કરવો જોઈએ.

* તેણે સમૂહમાં કેવી રીતે કામ કરવું તે શીખવું જોઈએ.

* તેમણે નેતાગીરીના ગુણો વિકસિત કરવા જોઈએ.

* બધા પ્રકારની જવાબદારીઓ ઉઠાવવા તથા સહભાગીદારીથી સેવા અદા કરવા ઇચ્છુક હોવો જોઈએ તથા જરૂર ઊભી થાય ત્યારે અન્યને સોંપવા માટે પણ ઉદ્યુત હોવો જોઈએ.

* સ્વયંસેવકોએ આસક્તિ અને અનાસક્તિની કળા શીખવી જ જોઈએ.

મુખ્ય સચિવે આશા વ્યક્ત કરી કે બધા જ સ્વયંસેવકો સામાજિક કાર્યકરો તરીકે શરૂઆત કરે અને ક્રમશ : દૃઢ આધ્યાત્મિક વ્યક્તિમાં પરિણતિ પામે. ક્રિસ્ટોફર ઈશરવુડનાં ઉદ્‌બોધનમાંથી સંદર્ભ લઈને તેમણે સ્વયંસેવકોના સમુદાયને ‘ક્રિયેટિવ માયનોરિટિ – સર્જનાત્મક લઘુમતિ’ એમ વ્યાખ્યાયિત કર્યો. તેમણે સ્વયંસેવકોને – જ્ઞાન, ભક્તિ, રાજ અને કર્મ – એમ ચારેય યોગોને અનુસરવાનું જણાવ્યું.

જ્યારે સ્વામીજીએ શુકદેવની જેમ સમાધિમાં નિમગ્ન રહેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીરામકૃષ્ણે ઠપકાભર્યા જે ભાવિકથનરૂપ શબ્દો ઉચ્ચાર્યા હતા તેનું ભારપૂર્વક પુનરુચ્ચારણ કર્યું. ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’નું દૃષ્ટિબિંદુ ધરાવતા રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપનાની પાછળ શ્રીરામકૃષ્ણે સ્વામીજીને આપેલી નાનીશી શિખામણ એક આધારશિલારૂપે રહેલી છે. રામકૃષ્ણ મિશનનો આધારસ્થંભ ‘ત્યાગ’ એ એકમાત્ર શબ્દ પર આધારિત છે. તેના પર સ્વામીજીએ સ્પષ્ટપણે નિરૂપિત કરેલા સિદ્ધાંતો વિશે તેમણે ચર્ચા કરી. તેમણે વધુમાં જણાવ્યું કે સ્વામીજીના સિદ્ધાંતો વેદાંત પર આધારિત છે અને તેની પશ્ચિમમાં વિસ્તૃત પાયે કદર થઈ છે. ઇર્ષ્યાનો ત્યાગ કરવાના સ્વામીજીના આદેશની પણ તેમણે યાદ અપાવી. સ્વામીજીની ગણનામાં આપણા રાષ્ટ્રીય આદર્શ ‘ત્યાગ અને સેવા’ પર ભાર મૂકીને સ્વામી દિવ્યાનંદે, (સચિવ, રામકૃષ્ણ મિશન સારદાપીઠ) પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો. ભક્તો તથા મઠ અને મિશનનાં કેન્દ્રોની મુલાકાત લેતા બીજા મુલાકાતીઓ સાથે સ્વયંસેવકોએ વિનમ્ર અને વિનયી રહેવાની જરૂરિયાત પર તેઓએ ભાર મૂક્યો. વળી સ્વયંસેવકોએ સેવાતત્પર રહેવું અને સેવા કરતી વખતે લાભ કે હાનિનો ઉદ્દેશ ન રાખવો. મઠ અને મિશનમાં સેવા કરતી વખતે તેઓ ખરેખર ગુરુ મહારાજની પૂજા-ઉપાસના કરી રહ્યા છે તેવું યાદ રાખવું જોઈએ.

સ્વયંસેવકો ઉચ્ચ ચારિત્ર્યવાન વ્યક્તિઓ હોવી જોઈએ અને પરમપાવન ત્રિપુટિના ઉદાત્ત આદર્શાે પ્રત્યે પ્રગાઢ સદ્ભાવ હોવો જોઈએ. તેઓએ નિયમિતપણે રામકૃષ્ણ-વિવેકાનંદનાં સાહિત્યનું પઠન-પાઠન કરવું જોઈએ. તેમણે સ્વયંને સતતપણે શક્તિ, મનોબળ અને જ્ઞાનથી સંપન્ન કરતાં રહેવું જોઈએ અને વધુ બળવત્તર બનવું જોઈએ. તેમણે જણાવ્યું કે આવા સ્વયંસેવકો ઈસુ ખ્રિસ્તની વ્યાખ્યા ‘અનેકોને આમંત્ર્યા પરંતુ અલ્પસંખ્યક પસંદ કરાયા’ મુજબના છે. તેમણે સ્વયંસેવકોને ખાતરી આપી કે ગુરુ મહારાજની સેવા કરવાથી નાણાં, સત્તા કે પદવીના રૂપે તેમને આકર્ષક વળતર પ્રાપ્ત નહીં થાય. પરંતુ મનુષ્યજાતિ જેના માટે ઝૂરી રહી છે તેવાં અતિવાંચ્છનીય અને દુષ્પ્રાપ્ય પરમ સુખ અને શાંતિ પ્રાપ્ત થશે!

બેલુર મઠના પીઢ સ્વયંસેવક શ્રીપવિત્ર ચક્રવર્તીને સ્વામી પ્રેમેશાનંદજી મહારાજના સત્સંગનો વિશેષ લાભ મળ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં સ્વામીજીના સેવાપરક સંદેશની રૂપરેખા નિરૂપિત કરી હતી. તેમણે ઉપનિષદોનાં ઉદ્ધરણો ટાંક્યાં, શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીએ પ્રચારિત કરેલ જીવંત દેહધારીઓની સેવા દ્વારા નારાયણ સેવાની પણ વાત કરી. શ્રીચક્રવર્તીએ ભવિષ્યમાં રાજ્યવાર આવા અભિગમ ધરાવતી શિબિરોનું આયોજન કરવાનું સૂચવ્યું.

હૈદરાબાદના શ્રી ડી.નરસિંહ રાવે તેમના વક્તવ્યમાં સ્વીકાર્યું કે વિશ્વાસના અભાવે ત્રણ વર્ષ પહેલાં તેઓને રંગમંચ છોડવો પડ્યો હતો. પરંતુ શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના રુચિકર ક્ષેત્રમાં સ્વયંસેવક તરીકે કાર્યરત બનીને તેઓ અતિ ઉત્સાહ સાથે ઉદાત્ત આદર્શાેને વશીભૂત થઈને નિમગ્ન થયા અને ખરેખર શિવસેવારૂપ જીવસેવાના આદર્શાેથી પ્રભાવિત થઈને તેઓ સેવાના યજ્ઞમાં આહુત થયા. તેમણે જણાવ્યું હતું કે રામકૃષ્ણ મિશન માત્ર હિંદુઓ પૂરતું સિમિત નથી, તે બધા માટે ખુલ્લું છે. ધ્યાન વ્યક્તિને સત્યની નિકટતમ દોરી જાય છે, એવું સ્વામીજીનું ઉદ્ધરણ તેમણે ટાંક્યું. તેમણે એકત્રિત સમગ્ર સમુદાયને જાપાનની આ કહેવતની યાદ અપાવી – ‘જો એક વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો તે દરેક કરી શકે છે પણ જે કાર્ય કોઈ ન કરી શકે તે તમારે કરવું જોઈએ’ તેમણે પ્રત્યેકને આ કહેવતમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું આહ્‌વાન કર્યું.

શિલોંગના શ્રી રિપન દેવે દાવો કર્યો કે તેઓ દેશના દૂરના પર્વતીય પ્રદેશમાંથી આવે છે કે જ્યાં સ્વામીજીએ હજારો શ્રોતાઓ સમક્ષ પોતાનું અંતિમ જાહેર વક્તવ્ય આપ્યું હતું. તેમણે વારંવાર કહ્યા કર્યું કે રામકૃષ્ણ મિશન એ ક્રાંતિકારી સ્વરૂપનું વ્યવસ્થાપન છે કારણ કે તેણે જીવનમાંથી વિશ્વાસ અને આશા ગુમાવેલ ઘણા લોકોની જીવનતરાહ બદલી છે. રામકૃષ્ણ મિશનના દૃષ્ટિબિંદુથી જોતાં, તે સમગ્ર માનવજાતને બિરદાવે છે. તેમણે સવિસ્તર જણાવ્યું કે ચોતરફ ૦૦ તાપમાનવાળી અસહ્ય કાતીલ ઠંડીમાં શિલોંગના લોકો રાષ્ટ્રીય યુવા દિવસે હિંમત દાખવીને પવિત્ર ત્રિપુટિની પ્રેરણા અન્વયે સ્વયંસેવકો પડકારરૂપ સંજોગોમાં લોકોની સેવા કરવા એકઠા થયા હતા. તેમણે તે પણ કહ્યું કે ઠાકુર, મા અને સ્વામીજીના અપ્રતિહાર્ય રક્ષણ હેઠળ ખાસી, ગેરો, બંગાળીઓ એ બધા મિશ્રપણે એકત્રિત થઈ ગયા છે, તેમણે અહમ્ ત્યજ્યો છે અને માનવજાત સાથે સ્વયંનું તાદાત્મ્ય સાધ્યું છે.

રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ પૂજનીય સ્વામી સ્મરણાનંદજી મહારાજે તેમના અધ્યક્ષીય વક્તવ્યમાં રામકૃષ્ણ ભાવધારાના પ્રસારમાં સ્વયંસેવકોની વિશિષ્ટ કામગીરી અને પાવનકારી ત્રિપુટિની રાહે માનવજાતની સેવા કરવા વિશે ભાર મૂક્યો. તેઓએ એ પણ જણાવ્યું કે સ્વયંસેવકો જે કરે છે તે પંચમયોગ એટલે કે સેવાયોગ છે. આ નવો શબ્દ રામકૃષ્ણ સંઘના અગિયારમા પરમાધ્યક્ષ પૂજનીય સ્વામી ગંભીરાનંદજી મહારાજે આપ્યો હતો. પોતાના આભારદર્શનના વક્તવ્યમાં સ્વામી સર્વલોકાનંદજીએ કહ્યું કે આશ્રમની હદમાં પ્રવેશતી વખતે સ્વયંસેવકોએ પોતાનાં પ્રતિષ્ઠા, અહંકાર અને સામાજિક મોભો દ્વાર પર છોડી દેવાં જોઈએ, ત્યારબાદ જ તેઓ તેમને સોંપાયેલ કાર્ય કરવામાં ન્યાય આપવા શક્તિમાન થશે, એટલે કે તેના સાચા અર્થમાં સેવા કરી શકશે. તેમણે અંતમાં શિબિરને વાસ્તવિક સ્વરૂપ આપવા બદલ બધા આયોજકો, સ્વયંસેવકો, સહભાગીઓનો આભાર માન્યો.

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના અધ્યક્ષ પૂજનીય સ્વામી ગૌતમાનંદજી મહારાજના અધ્યક્ષપણા હેઠળ સવારના ૧૦.૪૫ કલાકે દ્વિતીય બેઠક આરંભાઈ. રામકૃષ્ણ મઠના સ્વામી આત્મજ્ઞાનાનંદના ‘રામકૃષ્ણ કથામૃત’ના સંક્ષિપ્ત વાચન બાદ, પ્રારંભિક પ્રવચન ‘અખિલ ભારત ભાવપ્રચાર પરિષદ’ના કન્વીનર સ્વામી શિવમયાનંદજી મહારાજે આપ્યું. પોતાના વક્તવ્યમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વયંસેવકો મઠ અને મિશનના સંન્યાસીઓના જીવનવ્યવહારને જોઈને આ સંસ્થાની સેવા કરવા પ્રેરાય છે. તેમણે જણાવ્યું કે ગુરુ મહારાજ તેમના મુલાકાતીઓને ‘ફરીથી આવજો’ એવું કહ્યા કરતા અને તે એટલું બધું પ્રેમયુક્ત અને હૃદયસ્પર્શી હતું કે મનમાં સોંસરવું ઊતરી જતું અને સાંભળનારના હૃદયના અંતરતમ પ્રદેશમાં યોગ્ય સ્થાન મેળવી લેતું. ગુરુ મહારાજ પાસેથી માર્ગદર્શનનું ભાથું મેળવીને આ સંઘના સંન્યાસીઓ અનુકૂળ માર્ગને અનુસરે છે. જે સિદ્ધાંત વ્યક્તિને સફળતાના સુખ અને નિષ્ફળતાના દુ :ખમાંથી મુક્ત ઘોષિત કરે છે, એમણે સમૂહમાં આટોપતા કાર્યના તે સિદ્ધાંત પર ભાર મૂક્યો.

વિભિન્ન આશ્રમોના સ્વયંસેવકોએ રામકૃષ્ણ મિશનના નેજા હેઠળ માનવજાતની સેવાના પ્રયાસમાંથી મળતાં આનંદ અને સુખ અંગે કહ્યું હતું. તેમણે સ્વયંસેવકોની ફરજો અને જવાબદારીઓનું વર્ણન કર્યું. તેમણે કહેલા શબ્દોનો નિષ્કર્ષ હતો કે રામકૃષ્ણ મિશનના નેજા હેઠળ કરાતું સેવાકાર્ય ગૌરવપ્રદ નીવડે છે. ભુવનેશ્વરના શ્રીવિશ્વરંજન સત્પથી, મુંબઈના શ્રીદીપક કે. કામત, રાજકોટના શ્રીકૌશિકભાઈ ગોસ્વામી, લખનૌના શ્રીવિવેક શર્મા, નારાયણપુરના શ્રીસુરંજન વૈરાગી અને મૈસુરના શ્રીદયાપ્રસાદ એસ., નવી દિલ્હીના શ્રીશંભુનાથ દત્ત આ બેઠકના સ્વયંસેવકમાંહેના પ્રતિનિધિ વક્તાઓ હતા. તેઓનાં વક્તવ્યનો વિષય હતો – ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ અને ‘શિવજ્ઞાને જીવસેવા’ (જનસેવા એ જ પ્રભુસેવા).

પોતાના અધ્યક્ષીય ભાષણમાં સ્વામી ગૌતમાનંદજી મહારાજે સ્વામી ગંભીરાનંદજી મહારાજે પ્રચારિત કરેલા પંચમયોગના પ્રસંગાનુરૂપ આવિર્ભાવ પર ભારપૂર્વક જણાવ્યું. તેમણે સ્વયંસેવક-ભાવધારાનાં વિવિધ પાસાં પણ સ્પષ્ટતાપૂર્વક કહ્યાં કે જે ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ ના મનોવાંછિત ઉદ્દેશને ફળીભૂત કરે છે. પરંતુ તેમણે સ્વયંસેવકોને સમય અને સ્થાનના પરિપ્રેક્ષમાં સેવાના અવકાશના નિર્ધારણ પરત્વે સાવચેતી રાખવા ચેતવણી આપી.

૧.૪૫ બાદની બપોર પછીની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. બેલુર મઠના સ્વયંસેવકોએ ‘ભારતીયતીર્થે મહામાનવ’ની સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરી, જ્યારે રામકૃષ્ણ મિશન આશ્રમ, આસાનસોલના સચિવ સ્વામી સુખાનંદ રામચરિત માનસ અંગે વક્તવ્ય આપ્યું. રામકૃષ્ણ મઠ, શ્યામપુકુરવાટીના સ્વામી દિવ્યવ્રતાનંદનાં ભજનોની રજૂઆત બાદ રામકૃષ્ણ મિશન આશ્રમ, મોરાબાદી, રાંચીના સ્વામી શશાંકાનંદજીએ રામકૃષ્ણ કથાસરોવર અંગે સંગીતમય પ્રવચન રજૂ કર્યું.

આશીર્વચન બેઠકનો બપોર પછી ૩.૪૫ વાગે પ્રારંભ થયો. મુખ્યાલયના સ્વામી સત્ત્વપ્રિયાનંદે શ્રીમા સારદાદેવીના વચનામૃતમાંથી વાચન અને બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના આચાર્ય સ્વામી સર્વપ્રિયાનંદે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી વાચન કર્યું હતું.

સ્વયંસેવક – પ્રતિનિધિઓએ આપેલાં વક્તવ્યોનો વિષય હતો ‘રામકૃષ્ણ ભાવ-આંદોલનમાં સ્વયંસેવકનું પ્રદાન’. વક્તાઓ હતા – રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, ગોલપાર્કના શ્રી શાન્તનુ દાસ શર્મા, પટણાના શ્રી હરેન્દ્ર કુમાર, બાગબજાર મઠના ડૉ. સોમનાથ ભટ્ટાચાર્ય, હતમુનિગુડાના શ્રી આકાશ કબાશી અને બેલુર મઠના શ્રી શુભેન્દુ મઝુમદાર.

રામકૃષ્ણ મઠ અને મિશનના સહસચિવ સ્વામી બોધસારાનંદે ‘કેન્દ્રમાં સ્વયંસેવકની જવાબદારીઓ’ વિષે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યાર પછીના વક્તા હતા રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચરલ સેન્ટર, કોલકાતાના સ્વામી ૫ૂર્ણાત્માનંદ. તેઓએ સ્વયંસેવકોના પદ્ધતિસરના નવીન વ્યવસ્થાતંત્ર અને પ્રેરકતાની લંબાણપૂર્વક છણાવટ કરી. તેમના વક્તવ્યનો વિષય હતો ‘સ્વૈચ્છિક સેવા અને સામાજિક જવાબદારીઓનો કેવી રીતે સુમેળ સાધવો.’

સ્વામી તત્ત્વસારાનંદે તેમના વક્તવ્યમાં સ્વૈચ્છિક સેવાને આધ્યાત્મિક સુગમતાના સ્રોત તરીકે વર્ણવી. તેમણે દક્ષિણ આફ્રિકાનો પોતાનો અનુભવ વર્ણવ્યો કે જ્યાં મઠ અને મિશનની પ્રવૃત્તિઓ પૂર્ણપણે સ્થાનિકોની સ્વૈચ્છિક સેવા પર જ નિર્ભર છે. રામકૃષ્ણ આંદોલનના ઉમદા ઉદ્દેશને સહાયભૂત થવા સમાજના વિભિન્ન વિભાગોમાંથી સાથે ને સાથે સમાજનાં પરસ્પર વિસંગત વિભિન્ન ક્ષેત્રોમાંથી લોકો અગ્રસર થયા છે, એમ તેમણે ઉમેર્યું.

પૂજનીય મહાસચિવ મહારાજે પોતાના આશીર્વચનમાં તેમનો સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ સાથેનો અનુભવ વર્ણવ્યો. તેમણે કહ્યું કે મહારાજે તેમને સ્વામી વિવેકાનંદના પગલે ચાલવાની સલાહ આપી હતી. તેમણે સ્વયંસેવકોને બધી જ જાતના રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી. રાજકારણ એ સમય અને શક્તિનો દુર્વ્યય જ છે, વળી વ્યક્તિઓ તેમજ આશ્રમની પ્રતિષ્ઠાને ઝાંખી પાડે છે.

અંતમાં, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી પ્રભાનંદજી મહારાજે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું. તેમણે ભવિષ્યવાણી ભાખી કે ભાવપ્રચાર અને સ્વયંસેવકો ‘રામકૃષ્ણ’ નામની અદ્‌ભુત – અસાધારણ વૈયક્તિક સત્તામાં વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ પરિમાણ ઉમેરશે. તેમના અનુભવ દ્વારા તેઓએ વર્ણવ્યું કે મોટાભાગના સાધુસંઘો-ખાસ કરીને શંકરાચાર્ય મઠો ગૃહસ્થ શિષ્યો મારફત નિયંત્રિત થાય છે, પણ રામકૃષ્ણ મિશન એ કદાચ એકમાત્ર એવો સંઘ છે કે જેણે સાધુઓ દ્વારા થતા સંચાલનને જાળવી રાખ્યું છે. પૂજનીય મહારાજે વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ ‘સ્વયંસેવક’નો અર્થ સમજાવ્યો. આ વિશિષ્ટ શબ્દનો અર્થ છે – નાણાં વિના સેવા અર્પિત કરવી.

અંતમાં, સ્વામી બલભદ્રાનંદજીએ આભારવિધિ કર્યો અને શ્રીશાંતનુ રાૅય ચૌધરી દ્વારા સમાપન ગીત ગવાયું. તેનું અનુસરણ ‘જય શ્રી ગુરુ મહારાજજી કી જય’ના સામૂહિક ઉચ્ચારણથી બધાએ કર્યું હતું.

બેંગાલુરુના શ્રીપ્રવીણ ડી. રાવ અને મંડળીએ સાંજના ૭.૩૦ વાગ્યાથી શરૂ કરેલ નેવું મિનિટની મધુર સંગીત પ્રસ્તુતિ સાથે આખા દિવસનો કાર્યક્રમ પૂરો થયો.

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.