શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) – હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં કેશવ સેનને પણ આ વાત કહી હતી. એક દિવસ તેઓ બધા ત્યાં કાલીમંદિરે આવ્યા હતા. મેં કહ્યું કે તમે કેવી રીતે લેકચર આપો છો તે મારે સાંભળવું છે. એટલે ગંગાના ઘાટ ઉપરના મંડપમાં સભા ભરી. કેશવ બોલવા લાગ્યા. મજાનું બોલ્યા. મને ભાવસમાધિ થઈ ગઈ. ભાષણ પૂરું થયા પછી મેં કેશવને પૂછ્યું, ‘તમે આ બધું શા માટે બોલો છો?’ – કે ‘હે ઈશ્વર, તમે કેવાં સુંદર ફૂલ બનાવ્યાં છે, તમે આકાશ સર્જ્યું છે, તમે તારાઓની રચના કરી છે, તમે સમુદ્ર બનાવ્યો છે, એ બધું ?’ જેઓ પોતે ઐશ્વર્ય ચાહતા હોય, તેઓને ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન કરવાનું ગમે. જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીરાધાકાંતનાં ઘરેણાં ચોરાઈ ગયાં ત્યારે મથુરબાબુ (રાણી રાસમણિના જમાઈ) રાધાકાંતના મંદિરમાં જઈને કહેવા લાગ્યા કે, ‘હટ્ ઠાકોરજી, તમે તમારાં ઘરેણાંનું રક્ષણ કરી શક્યા નહિ !’ મેં મથુરબાબુને કહ્યું, ‘આ તમારી કેવી બુદ્ધિ! લક્ષ્મી પોતે જેની દાસી થઈને ચરણ ચાંપે, તેમને શું ઐશ્વર્યનો અભાવ ? એ ઘરેણાં તમારી નજરે બહુ ભારે વસ્તુ, પણ ઈશ્વરની દૃષ્ટિએ તો એ થોડાંક માટીનાં ઢેફાં! છિ, છિ, છિ ! એવી હીણબુદ્ધિની વાત કરવી નહિ. તમે તેમને કયું ઐશ્વર્ય આપી શકવાના હતા ? એટલે કહું છું કે જેને લઈને આનંદ મળે તેને જ લોકો ચાહે. તેનું ઘર ક્યાં, તેનાં કેટલાં મકાન, કેટલા બગીચા, કેટલું ધન, માણસો, કેટલાં દાસદાસી એ બધી માહિતીનું કામ શું ?

નરેન્દ્રને જોઉં એટલે હું બધું ભૂલી જાઉં કે ક્યાં તેનું ઘર, તેના બાપા શું કામ કરે છે, તેને કેટલા ભાઈ વગેરે. એ બધી વિગતો એક દિવસેય ભૂલથી પણ પૂછી નથી. ઈશ્વરના માધુર્ય રસમાં ડૂબી જાઓ. તેની અનંત સૃષ્ટિ, તેનું અનંત ઐશ્વર્ય ! એ બધી માહિતીની આપણે જરૂર શી?

એમ કહીને પરમહંસદેવે ગંધર્વનેય શરમાવે એવા કંઠથી એક મધુરતાપૂર્ણ ગીત ઉપાડ્યું :

‘ડૂબ, ડૂબ, ડૂબ રૂપ-સાગરે મારા મન,…

કુબીર કહે સુણ, સુણ,

સ્મર રે ગુરુનાં શ્રીચરણ…

(શ્રીરામકૃષ્ણ કથામૃત : ૧.૧૨૩-૧૨૪)

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.