(ગતાંકથી આગળ…)

પ્રકરણ : ૧૦

૨૭ ઓક્ટોબર, ૧૮૮૫
શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ

ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના પુરાણા દૃઢ સંસ્કારોને ભૂલી શકતા ન હતા. એટલે તેઓ વિચારે છે કે બીજાની સાથે વ્યવહાર કરતી વખતે શ્રીરામકૃષ્ણને માનવોચિત મર્યાદાનું ધ્યાન રાખીને જ ચાલવું ઠીક રહેશે. શ્રીરામકૃષ્ણ દ્વારા ભાવના આવેશમાં લોકોના શરીર પર પગ રાખી દેવો એ ડાૅક્ટરની દૃષ્ટિએ અત્યંત અશોભનીય છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘હું તો જાણી જોઈને કોઈના શરીર પર પગ રાખતો નથી. એ વખતે કંઈ ખ્યાલ રહેતો નથી. પછીથી એને માટે મને દુ :ખ થાય છે.’ આ સાંભળીને ડાૅક્ટર કહે છે, ‘તેઓ માને છે કે દુ :ખ થાય છે એટલે એટલું સ્વીકારી લીધું છે કે એ કાર્ય અનુચિત છે.’

ગિરીશ અને નરેન્દ્રનાથ એમને સમજાવે છે કે અનુચિત થયું છે એવું વિચારીને તેઓ દુ :ખ અનુભવતા નથી. ‘દુ :ખ’ એટલા માટે છે કે એનાથી દેહયંત્રમાં કેટલીયે પ્રકારના રોગ પ્રગટે છે. એટલે જીવના કલ્યાણ માટે પગ રાખવાથી હોય કે બીજી ગમે તે રીતે હોય. જીવને સ્પર્શ કરવાથી એમને દુ :ખ થતું નથી. તેઓ જગન્માતાના હાથના યંત્રના રૂપે કાર્ય કરે છે, સ્વયંનો કર્તૃત્વબોધ કે ગુરુભાવ એમનામાં નથી.

શ્રીરામકૃષ્ણ વિશે આ વિશેષરૂપે સમજવા જેવી વાત છે. તેઓ કેટલીયે વાર કહેતા, ‘ગુરુ, સ્વામી, બાબા – આ ત્રણ વાતોથી મારા શરીરમાં કાંટો ખૂંચે છે.’ એમણે ક્યારેય ગુરુપદ ગ્રહણ કર્યું નથી. તેઓ કહેતા, ‘એક સચ્ચિદાનંદ જ ગુરુ છે.’ પરંતુ એમના જેવા મહાન ગુરુ બીજા કોઈ છે? એમણે બધાનાં અજ્ઞાન-દુ :ખ દૂર કરવા માટે, બધાને સંસારસમુદ્રને પાર કરવા માટે પ્રાણ અર્પણ કર્યા છે. જીવનની અંતિમ પળને પણ આ જ કાર્યમાં એમણે લગાડી દીધી છે, એમાં ક્યાંય કૃપણતા દાખવી નથી. પરંતુ આટલું બધું જે થયું તે – ‘મેં કર્યું છે’ એ ભાવથી નથી કર્યું. એમણે જગદંબાના યંત્રના રૂપે કાર્ય કર્યું છે. આ વિચારવા જેવી વાત છે. એમની ભીતર એક બાજુ વિનય તો બીજી બાજુએ ગુરુભાવ, આ બન્નેનું એવું અપૂર્વ સહઅસ્તિત્વ છે કે સાધારણ મનુષ્ય એના પર ભ્રમિત થઈ જાય છે.

‘લીલા પ્રસંગ’ ગ્રંથમાં આ વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. શ્રીરામકૃષ્ણના પાર્ષદોએ જ્યારે એમને બધાની સામે જગદ્ગુરુના રૂપે સ્થાપિત કર્યા ત્યારે તેની પ્રતિક્રિયારૂપે અનેક લોકોના મનમાં આવ્યું કે જે વિનયની પ્રતિમૂર્તિ છે એમને જગદ્ગુરુની કોટિમાં મૂકવા એ ભક્તોની ગુરુભક્તિનો અતિરેક છે. વસ્તુત : જેવી રીતે એમનો અતિવિનયભાવ સત્ય છે, તેવી જ રીતે ક્યારેક ક્યારેક એમનો ભક્તો સમક્ષ પોતાને ગુરુભાવના રૂપે પ્રગટ કરવો એ પણ સત્ય છે. બન્ને ભાવ એક જ આધારમાં કેવી રીતે સંભવ છે એને લીલા પ્રસંગમાં સમજાવ્યું છે.

જગદ્ગુરુના રૂપે તેઓ કહે છે, ‘તમને સૌને ચૈતન્ય પ્રાપ્ત થાઓ, તમે લોકો શું માગો છો?’ એનું તાત્પર્ય એ છે કે અહીં તેઓ વ્યક્તિના રૂપે નહીં પણ ઈશ્વરના રૂપે બોલે છે. જાણે કે જે વ્યક્તિ જે કંઈ પણ ઇચ્છે છે તેને તેઓ દેવા માટે પ્રસ્તુત છે. ઋગ્વેદમાં અમ્ભૃણ ઋષિની કન્યા વાક્ કહે છે, ‘અહં રાષ્ટ્રી સઙ્ગમની વસૂનામ્’ (દેવીસૂક્ત ૩) – ‘હું જગતની ઈશ્વરી છું, જે કોઈ જે કંઈ સંપત્તિ ઇચ્છે છે તેને આપું છું.’ જ્યારે તેઓ આ વાત કહે છે ત્યારે તેઓ ઋષિકન્યા નથી, સાક્ષાત્ જગદીશ્વરી છે. શાસ્ત્રમાં ઋષિ વામદેવના સંદર્ભમાં પણ આ પ્રશ્ન પર ચર્ચા થઈ છે. વામદેવ કહે છે, ‘અહમ્ મનુરભવમ્ સૂર્યશ્ચ’ – ’હું મનુ બની ગયો છું, હું સૂર્ય બની ગયો છું’. આ ‘હું’ કોણ છે? નિશ્ચય જ ઋષિ વામદેવ નથી, કારણ કે વામદેવના જન્મ પહેલાં ઘણા સમય પૂર્વે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા તથા મનુનો આવિર્ભાવ થઈ ચૂક્યો છે. વામદેવનું તાત્પર્ય એ છે કે ‘હું’ એમના શરીરમાં જ સીમિત નથી. એ એમના ઈશ્વરબોધનો ‘હું’ છે, જે બધા ભૂતોમાં જીવોના રૂપે અભિવ્યક્ત થયો છે.

શ્રીરામકૃષ્ણ જ્યારે દીનાતિદીનના રૂપે વ્યવહાર કરે છે ત્યારે તેઓ શ્રીરામકૃષ્ણના રૂપમાં છે અને જ્યારે તેઓ કહે છે, ‘તમને સૌને ચૈતન્ય પ્રાપ્ત થાઓ. તમે લોકો શું માગો છો?’ ત્યારે જાણે તમે જે કંઈ માગો તે દેવા સમર્થ છે. આ વાત તેઓ ઈશ્વરબોધથી કહે છે. આ બન્ને ભાવ એક જ આધારમાં કેવી રીતે સંભવ છે? આ વાત તેઓ જ સમજી શકશે કે જેમણે કોઈ લોકોત્તર પુરુષનું દર્શન કર્યું છે. જેમ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે મારા અને તમારા પહેલાં પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે. જીવોના કલ્યાણ માટે એમનો અનેકવાર, અનેકરૂપોમાં આવિર્ભાવ થઈ ચૂક્યો છે. પરંતુ આ આવિર્ભૂતરૂપ સીમિત હોય છે. આ રૂપની ઉત્પત્તિ છે. એટલે એનો નાશ પણ છે; આ નિત્યરૂપ પણ નથી. પરંતુ એ અનિત્યરૂપની પાછળ એક નિત્યરૂપ પણ છે. ક્યારેક તો તેઓ એ નિત્ય સ્વરૂપમાં ‘હું’ બોધ કરીને બોલે છે અને ક્યારેક અનિત્યરૂપમાં.

અવતાર તત્ત્વ

જીવોના કલ્યાણ હેતુ ભગવાનને વારંવાર આવવું પડે છે. શ્રીરામકૃષ્ણ પણ કહે છે, ‘અવતારની મુક્તિ નથી. અનેકવાર આવવું પડે છે અને આવવું પડશે, અંત નથી.’ આ દૃષ્ટિએ શ્રીકૃષ્ણ કહે છે કે મારો જન્મ અનેકવાર થયો છે. એવું નથી કે દસ અવતારોમાં દસ વાર જન્મ લીધો હોય. કહે છે – અનેકવાર. ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે હું સ્વયંને સરજું છું.’

તેની સાથે જ એ પણ સમજી લેવું પડે કે ભગવાનનો જન્મ સાધારણ મનુષ્યની જેમ કર્મ દ્વારા નિયંત્રિત થઈને અનેક પ્રકારની વાસનાઓને પ્રેરિત બનીને થતો નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે – ‘જન્મ કર્મ ચ મે દિવ્યં એવં યો વેત્તિ તત્ત્વત : (૪.૮) – જે મારા અલૌકિક જન્મ તથા કર્મને જાણે છે.’ આ અલૌકિક જન્મ – કર્મની વિશેષતા એ છે કે એ જીવની જેમ માયાબદ્ધ વાસનાપ્રેરિત બનીને લીધેલો જન્મ નથી. તેઓ માયાના અધીશ્વર જીવોના કલ્યાણ માટે વાસનામુક્ત બનીને જન્મ ગ્રહણ કરે છે. જીવ કલ્યાણને જો વાસના ગણીએ તો એમણે એને એક અવલંબનના રૂપે સ્વીકાર કરી છે. નહીં તો સ્થૂળ દેહધારણ કરવામાં કોઈ સાર્થકતા રહેતી નથી. પરંતુ આ સ્થૂળ દેહધારણ પૂર્વકર્મવશ નથી, કારણ કે સમસ્ત કર્મોની ભીતર પણ તેઓ નિષ્ક્રિય છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને એ જ કહે છે, ‘હું બધું કરું છું છતાં કંઈ કરતો નથી. હું સર્વ કંઈ કરું છું – લૌકિક દૃષ્ટિએ વ્યવહાર થઈ રહ્યો છે, પરંતુ હું કોઈ કર્મમાં લિપ્ત થતો નથી, કર્તૃત્વબુદ્ધિમાં લિપ્ત થતો નથી.’ એટલે એમનો જન્મ અને કર્મ બન્ને અલૌકિક છે. આપણે સાધારણ મનુષ્ય એને સમજી શકતા નથી. એટલે ભગવાન કહે છે, ‘હું માનવદેહ ધારણ કરીને આવ્યો છું, એટલે લોકો મારા સર્વભૂત-અધીશ્વર પરમસ્વરૂપને ન જાણવાથી મારી અવજ્ઞા કરે છે.’

અવતાર તત્ત્વની આ વિશેષતાને સમજ્યા વિના આપણે અવતારને સમજી ન શકીએ. શાસ્ત્રે આ તત્ત્વને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. પરંતુ આપણે પોતાના જ્ઞાનની અસ્પષ્ટતાને કારણે એને સમજી શકતા નથી. જ્યારે એમનો વ્યવહાર આપણા જેવો છે – એમનામાં જન્મ, મૃત્યુ, રોગ, શોક વગેરે જીવધર્મ દેખાય છે ત્યારે આપણે કેવી રીતે સમજીએ કે તેઓ બધા જીવોના અધીશ્વર જગન્નિયંતા છે.

પ્રત્યેક અવતાર વિશે આ જ વાત લાગુ પડે છે. અવતારના એ બન્ને ભાવ સ્વાભાવિક છે, એ કલ્પિત કે અભિનય માત્ર નથી. તેઓ ક્યારેક ઈશ્વરભાવમાં અને ક્યારેક જીવભાવમાં વ્યવહાર કરે છે. દેહઘરમાં આવવાથી દંડભોગ કરવો જ પડે છે. પંચભૌતિક દેહના ફંદામાં પડીને બ્રહ્મને પણ રોવું પડે છે. વ્યવહારમાં જીવભાવ દેખાય છે. અવતારી પુરુષ દેહ ધારણ કરીને તેના પ્રત્યેક વ્યવહારનો સ્વીકાર કરે છે. ભક્તિના અતિરેકમાં આપણે વિચારીએ છીએ કે અવતારનો આ બધો મનુષ્યભાવ એમની કપટતા છે, છલના છે. અવતાર ક્યારેય મિથ્યાચાર નથી કરતા. સાધારણ મનુષ્ય અવિદ્યાથી પ્રેરિત થઈને કર્મના બંધનમાં બાધ્ય થઈને જે ભોગ કરે છે, ભગવાન તેનો જીવના કલ્યાણહેતુ સ્વેચ્છાએ સ્વીકાર કરે છે. શ્રીરામકૃષ્ણનો આ ભાવ સમજવો સાધારણ લોકો માટે કઠિન છે.

શ્રીરામચંદ્ર જ્યારે સીતાના વિયોગમાં રડે છે, ત્યારે શું તે એમની કપટતા છે? શું તે અભિનય માત્ર છે? જો એવું જ હોય તો રામનું ચરિત્ર આપણી દૃષ્ટિએ હીન બની જાત. તેઓ પુરુષોત્તમ ન બની શકત. એમનો પ્રત્યેક વ્યવહાર સત્ય છે. ક્યારેક માયાગ્રસ્ત બનીને રડે છે અને ક્યારેક રાજરાજેશ્વરના રૂપે જેને જે જોઈએ તેને તે વરદાન આપવા પ્રસ્તુત રહે છે. આ બન્ને ભાવ મિશ્રિત રહેવાથી જ આપણે એમને અવતાર કહીએ છીએ.

આ ભાવને સમજવો આપણા માટે કઠિન છે. એટલે શ્રીરામકૃષ્ણ કહેતા, ‘નરલીલામાં વિશ્વાસ બેસવો બહુ કઠિન છે. સાડા ત્રણ હાથના દેહમાં ભગવાન સમાયેલ છે, એ વિચારવું કઠિન છે.’ કલ્પનામાં ભગવાનની જે મૂર્તિ આપણે વિચારીએ છીએ તે લોકોત્તર છે. પરંતુ જે ભગવાન આપણી નજર સામે હાલતા ચાલતા રહે છે, એમને આપણે કેવી રીતે ભગવાનના રૂપે વિચારી શકીએ? શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભગવાનની શ્રેષ્ઠ અભિવ્યક્તિ એ જ છે, જ્યાં તેઓ જીવરૂપમાં લીલા કરે છે.’ નરરૂપમાં લીલા જોઈને મનુષ્ય ભ્રમમાં પડી જાય છે, એમના ભૂતમહેશ્વર રૂપની કલ્પના કરી ન શકાય. સાધનાના ઘણા ઊંચા સ્તરે પહોંચ્યા પછી જ એમને સમજવા સંભવ છે. જ્યારે તેઓ ભૂતમહેશ્વર, જે સીમાથી અતીત છે તેઓ જ સીમાની ભીતર રહીને લીલા કરે છે, એ સમજમાં આવી જાય છે. સીમાની ભીતર અસીમની કલ્પના કેટલી કઠિન છે, એ સાધક જ જાણે છે. અસીમ સમૂદ્રનું જળ શું સીમિત પાત્રમાં એકઠંુ કરી શકાય છે? વિશ્વ-સંસારમાં તથા વિશ્વથી બહાર પણ જે પરિવ્યાપ્ત છે તેઓ જ સાડા ત્રણ હાથના દેહમાં સીમિત બનીને આવિર્ભૂત થાય એ કલ્પનાતીત છે.

પોતાની ઇચ્છાનુસાર સીમા તથા અસીમમાં ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં જઈ શકે છે. રાજપુત્રોના સાત દરવાજા કે અટારીઓમાં અબાધપણે આવવા જવાની સ્વતંત્રતાની જેમ જેમની સસીમ તથા અસીમમાં અબાધ ગતિ છે, એમના સિવાય આ વાતની ધારણા બીજું કોઈ ન કરી શકે. અવતારની કલ્પના કરતી વખતે આ વાતને વિશેષરૂપે ધ્યાનમાં રાખવી યોગ્ય ગણાય.

ભગવાન જેમ બન્ને અવસ્થાઓમાં દોલાયમાન થઈને સ્વચ્છંદ વિહાર કરી શકે છે તેવી જ રીતે સાધક પણ જ્યારે સસીમ અને અસીમની વચ્ચે સમભાવથી વિચરણ કરવા સમર્થ બને છે ત્યારે તે અવતારને સમજી શકે છે. એટલે ડાૅક્ટર સરકાર માટે શ્રીરામકૃષ્ણનો દેવભાવ ન સમજી શકવો એ સ્વભાવિક છે. એટલે તેઓ પણ તેમના માનવરૂપની વિશેષતાઓને જોઈને મુગ્ધ થઈ રહ્યા છે. તેમને આશંકા છે કે દેવતાના આસન પર બેસાડીને આ લોકો આટલા ભલા અને સારા મનુષ્યના મગજને બગાડી નાખશે. એટલે કહે છે, ‘ભગવાન ભગવાન કહીને એમનું દિમાગ ખાઓ છો.’ એમની ભગવત્-તન્મયતા, શિશુ સમાન પવિત્ર સરળ સ્વભાવને જોઈને ભલા કોણ મુગ્ધ ન બને? મહેન્દ્રલાલ સરકાર પણ મુગ્ધ થયા છે. તેઓ કહે છે, ‘આટલા અપૂર્વ શિશુને એક દેવતાની શ્રેણીમાં મૂકીને એમને બગાડી ન નાખો.’ એ સાચું છે કે એમની વાતોમાં આંતરિકતા છે, પરંતુ એમણે ઐશ્વર્યની સીમાની ભીતર જ જોયું છે, એની બહારની ઉપલબ્ધિ થઈ નથી એટલે તેઓ સમજી શકતા નથી. (ક્રમશ 🙂

Total Views: 296

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.