‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’નો ઉદ્ઘાટન સમારોહ’
૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સોમવારે આશ્રમના ‘વિવેક હોલ’માં સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન આ ‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’ના ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું હતું.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રીમત્ સ્વામી આત્મપ્રિયાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ-મિશનના અન્ય આમંત્રિત સંન્યાસીગણ અને ઇલ્યુમિનના સી.ઈ.ઓ શ્રી વી.શ્રીનિવાસ દ્વારા આ પ્રોગ્રામ્સનાં વિષય, ઉપયોગિતા, કાર્યક્ષેત્રની રૂપરેખા અને તેના સંચાલન વિશે માહિતી આપવામાં હતી.
જપયજ્ઞ
૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૧૫ દરમિયાન શ્રીમંદિરમાં જપયજ્ઞનું આયોજન થયું હતું. અંતિમ દિવસે આધ્યાત્મિક શિબિરનું આયોજન કરાયું હતું.
મહાશિવરાત્રી પૂજા
૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ ને રવિવારના રોજ ‘વિવેક હોલ’માં સાંજે ૫.૦૦ થી ૬.૩૦ સુધી સ્વામી વિવેકાનંદ ચિલ્ડ્રન લાઈબ્રેરીનાં બાળકોએ શ્રીઠાકુરના જીવન પર આધારિત શિવજી વિશેનું નાટક અને શિવનૃત્ય રજૂ કર્યાં હતાં.
૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ અને મંગળવારના રોજ શ્રીમંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા રાતના ૯ :૦૦થી સવાર સુધી યોજાઈ હતી.
શ્રીરામકૃષ્ણદેવની ૧૮૦મી જન્મજયંતી
૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૫ અને શુક્રવારે શ્રીરામકૃષ્ણદેવની ૧૮૦મી જન્મજયંતીમહોત્સવ શ્રીમંદિરમાં યોજાયો હતો. સવારના ૫.૦૦ વાગ્યે મંગળ આરતી, વેદપાઠ, સ્તોત્ર અને ધ્યાન. સવારે આઠ વાગ્યે આશ્રમના પ્રાંગણમાં શ્રીશ્રીઠાકુર, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદની પાલખી સાથે યોજાયેલ શોભાપદયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ત્યાર પછી ૮.૦૦ થી ૧૨.૧૫ સુધી વિશેષ પૂજા, ભજન, હવન, પુષ્પાંજલિ અને ભોગઆરતી પછી પ્રસાદ વિતરણ થયું હતું. પ્રસાદ વિતરણનો લાભ ૨૦૦૦ થી વધારે ભક્તજનોએ લીધો હતો. સાંજના ૫.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન, ૭.૩૦ વાગ્યે આશ્રમના સંન્યાસી દ્વારા પ્રવચન, ૮.૧૫ વાગ્યે ભક્તિગીતનું આયોજન થયું હતું.
રામકૃષ્ણ મિશન, વડોદરામાં પારિતોષિક વિતરણ
ગુજરાતભરમાં ધોરણ ૯ થી ૧૨ના ૯૮૯ શાળાના ૭૪,૫૨૯ વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલ લેખિત ક્વિઝ સ્પર્ધાના રાજ્યકક્ષાના પ્રથમ-૪ અને દરેક જિલ્લાના પ્રથમ-૩ લેખે ૯૮, એમ કુલ મળીને ૧૦૨ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના વરદ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં. રામકૃષ્ણ મિશન, વડોદરાનો આ સમારંભ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૧ ફેબ્રુઆરી, રવિવાર , ૨૦૧૫ના રોજ સયાજીરાવ નગરગૃહમાં યોજાયો હતો. આનંદીબહેને ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતર કરવાની હાકલ વિદ્યાર્થીઓને કરી હતી. એ માટે સારાં પ્રેરક પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી. તેઓશ્રીએ સ્વચ્છ ભારતની રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિની માહિતી આપતી પત્રિકા બહાર પાડી હતી. આ પહેલાં સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સહુનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાની શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના પ્રતિભાવો ઘણા સારા રહ્યા છે અને સ્વામીજીનાં જીવન અને સંદેશમાંથી તેમને ઘણી પ્રેરણા મળી છે, તેની વાત કરી હતી.
વડોદરાના વિશ્વવિદ્યાલયના તેજસ્વી તારલાઓનું સન્માન
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં યશસ્વી સફળતા મેળવનાર સુવર્ણચંદ્રક વિજેતા એવાં ૫૧ વિદ્યાર્થીભાઈ-બહેનોનું સન્માન થયું હતું. દરેક વિદ્યાર્થીને સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી પુસ્તકો અને સ્વામી વિવેકાનંદની તસ્વીર ભેટ અપાયાં હતાં. આ સમારંભમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનો ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો!’ આ સંદેશ ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ ધપવાની અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની તેમ જ ચારિત્ર્ય ઘડતર અને કારકિર્દીની ઉન્નતિ સાધવા જણાવાયું હતું. આનો પ્રતિભાવ ઘણો સારો રહ્યો. ઘણા વિદ્યાર્થીઓ ‘વિવેકાનંદ સેન્ટર ફોર પોઝિટિવ થિંકિંગ એન્ડ યુથ કાઉન્સેલિંગ’ના સભ્યો બન્યા હતા.
૧૧ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ નામના પુસ્તકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના અગ્રણીઓ, યુવાનો અને ભારત અને વિદેશમાંથી ઘણા ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે વિવિધ સંસ્થાઓમાં નિ :શુલ્ક વિતરણ માટે ૧ લાખ નકલ ખરીદી હતી. આ પુસ્તકનું અંગ્રેજી પ્રકાશન પણ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા ૧૨ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ થયું હતું. આ બન્ને પુસ્તકોમાં રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
Your Content Goes Here