(ગતાંકથી આગળ…)

સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ આપી હતી. એમના ‘શનિવારની સાંજના રાજયોગના વર્ગાે’માં સ્વામીજી યોગની પદ્ધતિના દરેક તબક્કાનો અર્થ અને તેની બુદ્ધિગમ્યતા સાથે યમ, પ્રાણાયામ દ્વારા મનનો સંયમ, એકાગ્રતા તેમજ ગહન ધ્યાન અને અંતે સમાધિની સર્વોત્કૃષ્ટ અવસ્થા વિશે સમજાવતા હતા. (સ્વામી વિવેકાનંદ : ન્યૂ ડિસ્કવરિઝ, ૩.૪૨૨)

એમણે પોતે સંપાદિત કરેલ ‘રાજયોગ’ નામના પુસ્તકમાં પ્રાણાયામ વિશે જાણવા મળે છે તે અંગે તેઓ વધારે વિસ્તૃત અને સહજ-સરળ સૂચનાઓ આપતા. તેઓ ચોક્કસપણે ધ્યાન માટે સૂચનાઓ આપતા અને એમની હાજરીમાં જ તેનો અભ્યાસ કરવા પ્રેરતા. તેઓ બધા પ્રકારના યોગમાં અભ્યાસ પર જ વધારે ભાર દેતા અને તે પણ ઉત્કટ, ધીરસ્થિર અભ્યાસ પર. તેઓ વિશેષ કરીને રાજયોગના સંદર્ભમાં ભારપૂર્વક કહેતા : ‘અભ્યાસ જ સંપૂર્ણપણે આવશ્યક છે.’ તેઓ ઉમેરતાં કહે છે, ‘તમે દરરોજ સ્થિર બેસીને મને સાંભળો પણ જો તમે એનો અભ્યાસ ન કરો તો એક પગલું પણ આગળ વધી ન શકો. એટલે કે આ બધું અભ્યાસ પર આધારિત છે.’ (સ્વામી વિવેકાનંદ : ન્યૂ ડિસ્કવરિઝ, ૩.૪૨૩)

વળી, એ હકીકત છે કે તેમણે પોતાના વર્ગાેમાં વિગતવાર સૂચનો આપ્યાં હતાં. પછીથી પોતાના પુસ્તકમાંથી કેટલાક અંશો દૂર કરીને અને પુસ્તકની પ્રસ્તાવનામાં ચેતવણી આપીને જણાવ્યું કે ‘ગુરુના પ્રત્યક્ષ સાંનિધ્યમાં જ યોગને સલામત રીતે સાધી શકાય છે.’ (સ્વામી વિવેકાનંદ : ન્યૂ ડિસ્કવરિઝ, ૩.૪૨૩)

પતંજલિ યોગસૂત્રના અનુવાદમાં સ્વામીજીની કેટલીક વિશિષ્ટતાઓ છે. સૌ પ્રથમ તો તેઓ પૂર્ણ યોગી, પયગંબર અને પોતાની ઇચ્છાશક્તિથી મુક્તિ અપાવી શકે તેવા હતા. બીજું, યોગમાં જણાવેલ સર્વોત્કૃષ્ટ ધ્યેય તેમણે સિદ્ધ કર્યું હતું. ત્રીજું, તેઓ પોતાના અનુવાદને મનની ઉચ્ચ ભાવાવસ્થામાં લખાવતા જેના પરિણામે એમના કથનની નોંધ કરનારે લખવા માટે લાંબા સમય સુધી પોતાની પેન તૈયાર રાખીને રાહ જોવી પડતી. પોતાના યોગ વિશેનાં વ્યાખ્યાનોમાં પણ તેઓ મનની આવી ઉચ્ચ ભાવાવસ્થાએ રહેતા, કારણ કે તેમને સમાધિભાવમાં આરોહણ કરવા માટે ધ્યાનની જરૂર ન હતી. સમાધિ એમને માટે સ્વાભાવિક હતી. તેથી સ્વામી વિવેકાનંદનું આ ‘રાજયોગ’ નામનું પુસ્તક વિશ્વભરના વૃત્તાંતકારોના ઇતિહાસમાં વિલક્ષણ છે. ચોથું, વિશ્વ પાસે બે વિલક્ષણ ફોટા છે. તેમાંનો એક છે, શ્રીરામકૃષ્ણની સર્વોત્કૃષ્ટ સમાધિ અવસ્થાનો. અને બીજો છે સ્વામીજીનો પોતાનો ગહનતમ સમાધિભાવમાં લીધેલો ફોટો. જ્યાં સુધી જગત ટકશે ત્યાં સુધી આ ફોટાઓ અસ્તિત્વની સર્વોચ્ચ અવસ્થાની સત્યતાના જીવંત પ્રમાણપત્ર – શાંત, ગંભીર, ઐક્યભાવની સ્થિતિ – રૂપે રહેશે.

એનો અર્થ એ નથી કે સ્વામી વિવેકાનંદ યોગની ઉચ્ચતર અવસ્થાની જ વાત કરતા. એમના ‘રાજયોગના છ પાઠો’ અને ‘રાજયોગ’ નામનાં પુસ્તક યમ, નિયમ, આસન, પ્રાણાયામ, કુંડલિની વિષયક સૂચનાઓથી ભર્યાં ભર્યાં છે. આવી રીતે સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને યોગમાં કેળવ્યા. એક વિલક્ષણ વિજ્ઞાનરૂપે, તંત્ર કરતાં જુદી રીતે પતંજલિ યોગને સુદૃઢ પાયા પર મૂકીને, તત્સંબંધિત બધા વહેમોને દૂર કરીને તેને વધુ વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય બનાવ્યો એ સ્વામીજીનું એક મહાન પ્રદાન છે. સાથે ને સાથે એમણે કુંડલિની, પ્રાણ અને પતંજલિ યોગનું સુસંવાદી એકત્રીકરણ કર્યું છે, આમ આ આધુનિક રાજયોગ બન્યો છે. ‘રાજયોગ’ના પરિશિષ્ટમાં સ્વામી વિવેકાનંદે શ્વેતાશ્વતર ઉપનિષદ, શંકરાચાર્યનું યાજ્ઞવલ્ક્યભાષ્ય, સાંખ્ય, બૃહદારણ્યકના બ્રહ્મસૂત્રમાંથી ઉદ્ધરણો ટાંકીને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે યોગનાં મૂળ ઉપનિષદમાં છે. પતંજલિ યોગની અંતિમ અવસ્થા ગણાય એવી સમાધિ સાથે સ્વામી વિવેકાનંદે મુક્તિ વિશેની વેદાંતની સંકલ્પનાને બહુ સુંદર રીતે વણી લીધી છે.

હઠયોગ અને પતંજલિના રાજયોગ વચ્ચેના સંબંધ વિશે થોડા શબ્દોમાં વાત કરવી અત્રે આવશ્યક છે. હાલમાં ઉદારમતવાદી વિશ્વ અને એમાંય વિશેષ કરીને પશ્ચિમના દેશોમાં યોગ લોકપ્રિય બની રહ્યો છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના લાભોને લીધે લોકોમાં જાણીતા બનેલ ‘હઠયોગ’ એટલે કે યોગાસનોનો ઉદાર વિશ્વ અને બુદ્ધિપ્રધાન જગતમાં વિવિધરૂપે અભ્યાસ કરાઈ રહ્યો છે. આ યોગ-અભ્યાસને તેઓએ ‘શક્તિયોગ’, ‘કુંડલિનીયોગ’ એવાં નામ અપ્યાં છે. વધારે વ્યાપારીકરણ કરવા (ભારતમાં ન સાંભળવા મળતી) યોગની કેટલીક શાખાઓ ઊભી થઈ છે. આ બધાંનો માત્ર યોગાસનો પર જ ઝોક છે. પશ્ચિમના જગતમાં હજારો નહીં તો સેંકડો યોગની શાખાઓ અને યોગના ગુરુઓ છે. આ રીતે જોઈએ તો પશ્ચિમમાં જે હઠયોગ કે યોગને નામે સુવિદિત છે તે પદ્ધતિ સ્વામી વિવેકાનંદે આપેલા રાજયોગથી ભિન્ન છે. આમ છતાં પણ એ બાબત આવી નથી.

‘હઠયોગ પ્રદીપિકા’ આવી ઉદ્ઘોષણાથી શરૂ થાય છે : ‘હું ભગવાન શિવને પ્રણામ કરું છું કે જેમણે હઠયોગ શીખવ્યો છે. આ યોગ રાજયોગની ઊંચાઈએ પહોંચવાની સીડી છે.’ (૧.૧) ‘હું મારા ગુરુને પ્રણામ કરું છું કે જે માત્ર રાજયોગની પ્રાપ્તિ માટે જ યોગ શીખવે છે.’ (૧.૨) ‘રાજયોગની ફળપ્રાપ્તિ માટે કોઈ પણ સાધકે હઠયોગનો અભ્યાસ કરવો જોઈએ.’ (૧.૭૦) ‘જે જિજ્ઞાસુઓ રાજયોગ વિશે જાણતા નથી અને માત્ર હઠયોગનો અભ્યાસ કરે છે તે મારી દૃષ્ટિએ પોતાની શક્તિનો નિરર્થક ઉપયોગ કરે છે.’ (૪.૭૯) આ બધાં કથનો ‘હઠયોગ પ્રદીપિકા’નાં છે.

એટલે આ વાત સ્પષ્ટ છે કે હઠયોગ પ્રારંભ છે અને રાજયોગ તેની પરાકાષ્ઠા છે. હઠયોગ એ પોતે કોઈ પરિસમાપ્તિ નથી. અલબત્ત, કેટલેક અંશે હઠયોગ મનના વિજ્ઞાનને સ્પર્શે છે. હઠયોગ પોતે અંતિમસ્થિતિ ન હોઈ શકે એનું સાદું કારણ એ છે કે બધી નહીં પણ મોટાભાગની શારીરિક સમસ્યાઓનું મૂળ માનસિકતામાં છે. મનને કેળવ્યા વિના શરીરને સ્વસ્થ રાખવું એ વ્યર્થ પ્રયત્ન કે અભ્યાસ છે. એટલે જ યોગમાં સંયમનો ગણનાપાત્ર અનિવાર્ય હિસ્સો છે એ પતંજલિનું ભવ્ય પ્રદાન છે અને નિર્વિકલ્પ સમાધિ એવી માનવજાતની સર્વોચ્ચ સંભાવ્ય આધ્યાત્મિક અનુભૂતિનો સ્વયં અનુભવ કરનાર સ્વામી વિવેકાનંદે આધુનિક પશ્ચિમના જગતને આ વિજ્ઞાન આપ્યું છે. આપણે અગાઉ સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમમાં કેવા હઠયોગનો અભ્યાસ થાય છે. એ હઠયોગનો અભ્યાસ સ્વામી વિવેકાનંદે રાજયોગમાં વર્ણવેલ ઉચ્ચતર પ્રકારના અભ્યાસ તરફનું એક પગથિયું જ છે.

(ક્રમશ 🙂

Total Views: 107
By Published On: March 1, 2015Categories: Sarvasthananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram