(ગતાંકથી આગળ…)

અધ્યાયના આરંભમાં એણે કેટલાક સવાલો પૂછયા હતા. હવે એને બીજો સવાલ કરવાની તક મળે છે અને તમે જોશો કે એ સવાલ આપણી સૌની વતી છે. એ જાણવા માગે છે તે વિષય વિશે આપણે પણ જાણવા માગીએ છીએ.

૫૪ થી ૭૨ શ્લોકો સુધીનો આ વિભાગ અબાધિત સ્થૈર્ય, શક્તિ અને અનંત કરુણાની ચર્ચા કરે છે. માનવીમાં કશુંક મહાન બની રહ્યું છે. જે કંઈ ક્ષુલ્લક અને નાનું હતું તે બધું સાફ થઈ ગયું છે. કઈ છે એ સ્થિતિ ? આપણે એ જાણવા ઇચ્છીએ છીએ. એટલે આપણા સૌના વતી અર્જુન પૂછે છે :

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।

स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ।।54।।

‘હે કેશવ, સમાધિમાં સ્થિતપ્રજ્ઞ થયેલાનું વર્ણન કેવી રીતે થાય ? જેની બુદ્ધિ સ્થિર થઈ હોય તે કેવી રીતે બોલે, બેસે, ચાલે ?’

સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે રહે, હાલેચાલે, બોલે અને વર્તે ? અર્જુનનો મૂળભૂત પ્રશ્ન આ છે. બહારથી એ તમારા-મારા જેવો જ દેખાય છે. ભીતરમાં ઊંડો તફાવત છે. આપણે સૌએ આ ધ્યાનમાં રાખવાનું છે. બહારથી આપણે સમાન દેખાતા હોઈએ તે ભલે પણ અંદરથી ભીતરનો માવો જુદો છે. શ્રીરામકૃષ્ણ કહેતા : હમણાં ગણેશોત્સવ હતો; અનેક ઘરમાં પેલા મોદક બનાવાયા હતા; મજાના, મીઠા, અંદર નાળિયેરના ખમણ અને ગોળવાળા. ઉપર ચોખાનો બારીક લોટ ભભરાવેલો; ખૂબ સ્વાદિષ્ઠ. હવે એ નાળિયેર અને ગોળ છે. ધારો કે તમે દાળનો લોટ થોડો ભેળવ્યો. તો એ મોદક હલકી જાતના થશે. આમ મીઠાઈ બધી બહારથી સુંદર દેખાતી હોય; અંદરની ચીજો જુદી જુદી હોઈ શકે. એવી જ રીતે બધા મનુષ્યો દેખાય સમાન, પરંતુ ભીતરથી ઘણા જુદા હોય. ખૂબ ઉન્નત વિચારો ધારણ કરતી એક વ્યક્તિ છે, ને એનું ચિત્ત બધા લોકોનાં સુખ અને કલ્યાણનું સદા ચિંતન કરે છે; બહારથી એ તદ્દન સાદી દેખાય છે. ને અહીં બીજી વ્યક્તિ છે, એ ક્ષુદ્ર મનની, સંકુચિત સ્વભાવની અને લોકોને છેતરવાની વૃત્તિ ધરાવે છે. એ બંને એક સરખી જ દેખાય છે. પણ આંતરિક રીતે આટલા ભેદવાળી છે.

૬ઠ્ઠી કે ૭મી સદીમાં થઈ ગયેલા મહાન નાટકકાર ભાસના અરુમપળફઇં માં એક શ્લોક આવે છે, प्राज्ञस्य मूर्खस्य च कार्य-योगे समत्वं अभ्येति तनुः न बुद्धिः, ‘શાણો માણસ અને મૂર્ખ માણસ કાર્ય કરતા હોય ત્યારે શરીર પૂરતું બંનેમાં સામ્ય હોય છે, બુદ્ધિની કક્ષાએ નહીં.’ મનુષ્યના ચારિત્ર્યનું દર્શન આપણને અહીં થાય છે. બાહ્ય દેખાવ ઉપરાંત અંદર શું છે તે આપણે જોવું જોઈએ. સ્થિત એટલે ‘સ્થિર’ અને પ્રજ્ઞા એટલે ‘શાણપણ’; આવી સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી દેખાય ? का भाषा ! એનું સ્વરૂપ કેવું હોય ? समाधिस्थस्य केशव, ‘જે આત્મામાં દૃઢ થયેલા હોય તે, स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ? સ્થિતપ્રજ્ઞ કેમ બોલે ? એ કેવી રીતે બેસે ? અને કેવી રીતે હલનચલન કરે ? આ એક શ્લોકમાં અર્જુન આ બધા પ્રશ્નો પૂછે છે. શ્રીકૃષ્ણનો ઉત્તર આ અધ્યાયના બાકીના શ્લોકોમાં આવે છે :

 

આ દરેક શ્લોક અર્થગર્ભ છે. અર્વાચીન ભૌતિક વિદ્યાઓથી અજાણ એવા, માનવીની ગહનતાના પરિમાણનું એ વિજ્ઞાન – વિદ્યા – છે. જગતના કોઈપણ ભાગમાં, માનવચિત્તનો આવો વેધક અભ્યાસ જોવા નહીં મળે – એકદમ ઊંડે સુધી જતો અને પછી આ અન્વેષણા વડે માત્ર જ્ઞાનનું નહીં પણ શાણપણનું પણ નવનીત તારવતો. ફ્રોઈડના અભ્યાસથી, વીસમી સદીના આરંભમાં અવચેતન મનની ગહનતાનો અભ્યાસ પશ્ચિમમાં આરંભાયો. આ અન્વેષણ માનવીની બદીઓ જ દેખાડે છે. ફ્રોઈડનો અભ્યાસ ઊંડાણનો હતો પણ એ એકદમ પ્રાથમિક કક્ષાનો હતો અને માત્ર કામવાસના, હિંસા અને વિવેકહીનતાને પ્રગટ કરતો હતો. પરંતુ એના સમયમાં જ, કાર્લ યુંગ જેવા એના શિષ્યે અને પછીથી મેસ્લો અને બીજાઓએ અમેરિકામાં, કામવાસના અને હિંસા ઉપરાંત પણ માનવચિત્તના ઊંડાણમાં કશું ગહનતર જોવા પ્રયત્ન કર્યો છે. એ કાર્ય ચાલુ જ છે. માનવ ગહનતાના મનોવિજ્ઞાનમાં ભારતના યોગદાન સાથે એ કાર્ય જોડાતું જાય છે. ને આજે મનોવિજ્ઞાનના આ ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમનું સુંદર મિલન થયું છે. અને એ સંદર્ભમાં આ શ્લોકો ખૂબ મહત્ત્વના છે.

प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।

आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।।55।।

‘હે પાર્થ, જે માનવી મનની બધી કામનાઓ ત્યજી દઈને, આત્મામાં જ, આત્મા વડે સંતુષ્ટ રહે છે, તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.’

વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ હોય તે દશા કઈ ? ‘મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે’, આવી, મનમાં ઊઠતી બધી કામનાઓ ઉપર એણે વિજય મેળવ્યો હોય ત્યારે, મન અને હૃદય ઝાવાં નાખતાં બંધ થાય ત્યારે – પોતાના અનંત અને નિત્ય મુક્ત સ્વરૂપની તુલનાએ આ ક્ષુલ્લક તૃષ્ણાઓ નકામી છે એમ માનવી સમજે છે ત્યારે તબક્કો આવે છે. મારી જાતને મારી કામનાઓ સાથે મારે શા માટે એકરૂપ માનવી ? મારા અનંત આત્માની તોલે પાંચ રૂપિયા કે લાખ રૂપિયા કે બહારથી મળતી એવી બીજી કોઈ ભેટ આવી શકે નહીં. એ સત્યને બુદ્ધિપૂર્વક હું સમજું પછી આપણે આ કામનાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. મારા સાચા સ્વરૂપ, મારા આત્માના અનંત મૂલ્યની તોલે એ શી રીતે આવી શકે ? અંતરના મર્મને પામવાના લાંબા સંઘર્ષ પછી આ જ્ઞાન આવે છે. બાળક તરીકે, ‘મને આ જોઈએ છે ને મારે તે જોઈએ છે.’ બાળક પોતાનું સાચું સ્વરૂપ ઓળખી શકતું નથી. એટલે તો એને સતત કશુંક ખાવા, કશુંક કરડવા, કશુંક રમવા જોઈએ છે; બાળકનું ચિત્ત સદા બહાર ને બહાર જ ભમ્યા કરે છે. પરંતુ મન પરિપકવ થાય છે ત્યારે એનામાં સમજ ઊગે છે કે પોતાના સાચા સ્વરૂપની તુલનાએ આ કશું નથી. આ મહાન જીવનસિદ્ધિ છે. પરંતુ આજે, અનેક લોકોને ભાન નથી કે મારી અંદર વસતો આત્મા, મારું પોતાનું અનંત પરિમાણ એ કામ, કાંચન, નામ, કીર્તિ જેવી બધી બાહ્ય વસ્તુઓ કરતાં, ક્યાંય ચડિયાતો છે; તૃષ્ણાથી પ્રેરાઈ બધી બાહ્ય વસ્તુઓ પાછળ આપણે પડીએ છીએ. ને તૃષ્ણા એટલે મનનું બહિર્ગમન. મને અંતરથી સંતોષ નથી, બહારથી મારે કશુંક જોઈએ છે. તૃષ્ણા એ રીતે કાર્ય કરે છે. વિવેક વડે, યોગના અભ્યાસથી, અહીં વર્ણવેલી દશાએ આપણે ડગલે ડગલે પહોંચીએ છીએ.’

(ક્રમશ 🙂

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.