સંપાદકીય નોંધ : લેખક સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. એમણે રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપ્યું હતું. સંન્યાસ પછી એમનું નામ સ્વામી સત્યકામાનંદ પડ્યું. પોતાના સંઘજીવનમાં એમને શ્રીશ્રીમા, સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ વગેરેના સ્નેહસાંનિધ્યમાં આવવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. સુદીર્ઘકાળ (૧૩ વર્ષ) સુધી એમને શ્રીશ્રીમાની સેવાનું સૌભાગ્ય મળ્યું હતું. શ્રીમા એમને સ્નેહથી ‘મારો કાર્તિક’ કહીને બોલાવતાં. પછીથી દુર્ભાગ્યવશ એમને સંઘ છોડીને ચાલ્યા જવું પડ્યું.

આ લેખ ‘શ્રીમા’ નામના પુસ્તકરૂપે ૧૯૪૪ના નવેમ્બરમાં પ્રકાશિત થયો હતો. બંગાળી ગ્રંથ ‘શ્રીશ્રી માયેર પદપ્રાંતે’માંથી આ અંશનો હિન્દી અનુવાદ અલ્લાહાબાદનાં શ્રીમતી મધૂલિકા શ્રીવાસ્તવે કર્યો હતો. તેનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

૧૮૯૮ની ૨૨ એપ્રિલ, શુક્રવારની વાત છે. હું લગભગ ૨.૩૦ વાગ્યે સારદા મહારાજ (સ્વામી ત્રિગુણાતીતાનંદ) ની સાથે ૧૦/૨ બોઝપાડા લેન ગયો હતો. એ વખતે એ મકાન કોનું છે, ત્યાં કોણ રહે છે અને હું ત્યાં શા માટે ગયો હતો વગેરે વિશે કંઈ જાણતો ન હતો. મકાનના નીચેના માળમાં પહેલાં જ પૂર્વ-પશ્ચિમમાં બે ઓરડા હતા. વચ્ચે મુખ્ય દરવાજો હતો. એ દરવાજેથી જઈને દક્ષિણ તરફ જોયું તો એક સાધુ સૂતા છે. એ સાધુએ સારદા મહારાજને મારા વિશે પૂછ્યું, ‘આ શું તમારા ભાઈ છે?’ એમણે કહ્યું, ‘હા’. સાધુએ કહ્યું, ‘પણ શ્રીશ્રીમા હજુ વિશ્રામ કરી રહ્યાં છે. મંદિરમાં શ્રીઠાકુરનું ઉત્થાપન થાય પછી કહીશ.’

આ ‘મા’ કોણ છે, એ કંઈ મારી સમજમાં ન આવ્યું. ત્યાં સુધી શ્રીશ્રીમા વિશે હું કંઈ જાણતો ન હતો. ત્યાં સુધી કે એ પણ ન જાણતો હતો કે તેઓ શ્રીરામકૃષ્ણનાં કોણ છે. આમ તો શ્રીરામકૃષ્ણ વિશે થોડું-ઘણું સાંભળ્યું હતું અને એકવાર ચાર-પાંચ વર્ષની ઉંમરે મારી માતાની ગોદમાં બેસીને શ્યામપુકુર વાડીમાં એમને જોયા હતા. પણ એ બહુ યાદ નથી. વારુ, સાધુનું નામ પછીથી મેં જાણ્યું, એ હતા યોગીન મહારાજ (સ્વામી યોગાનંદ). પછી એમના સંકેતથી ઓરડાના એક ખૂણામાં રાખેલ એક વાટકામાંથી થોડા દૂધ-ભાત લાવીને એમાંથી થોડા સારદા મહારાજને દીધાં અને બાકીનાં મેં ખાધાં. ઘણા સ્વાદિષ્ટ લાગ્યાં. પછીથી સાંભળ્યું કે તે શ્રીશ્રીમાનો પ્રસાદ હતો. વારંવાર ‘મા’નું નામ સાંભળીને મેં વિચાર્યું કે તે કદાચ આ સાધુનાં મા હશે.

થોડીક વાર વિશ્રામ લીધા પછી સાંજે ૪.૦૦ વાગ્યા બાદ ઉપરના ઓરડામાં જમીન પર કટોરી રાખવાનો અવાજ સાંભળ્યા પછી યોગીન મહારાજે કહ્યું, ‘હવે તમે જાઓ, શ્રીશ્રીમાએ ઠાકુરનું ઉત્થાપન કરી લીધું છે.’ સારદા મહારાજ ન આવ્યા. લેખકને પશ્ચિમના ઓરડાની ઉપરની સીડી બતાવીને ત્યાં જવા કહ્યું. એમના આદેશ પ્રમાણે ઉપર જઈને પહેલાં તો પશ્ચિમના ઓરડામાં કોઈને ન જોઈને પછી પૂર્વના ઓરડામાં એક સ્ત્રીને બેઠેલ જોઈ. મને જોતાં જ એમણે મોટા અવાજે કહ્યું, ‘તમે સારદાના ભાઈ છો ને? મઠમાં જશો? ઠીક છે, થોડી મીઠાઈ ખાઓ.’ એમણે મને તલપાકના બે ટુકડા અને પાણી આપ્યાં. ખાઈને હું તો ચાલી નીકળતો હતો ત્યાં એમણે મને બોલાવીને કહ્યું, ‘પ્રણામ ન કર્યા?’

હું ખચકાતો ગભરાતો પ્રણામ કરવા ગયો, ત્યારે એમણે સામે શ્રીઠાકુરને બતાવ્યા. વારંવાર શ્રીઠાકુર અને એમને પ્રણામ કર્યા એટલે એમણે મારી દાઢીને સ્પર્શીને પોતાનો હાથ ચૂમી લીધો.

મઠ જતી વખતે સારદા મહારાજને શ્રીશ્રીમા વિશે પૂછતાં જાણવા મળ્યું કે તેઓ જ શ્રીશ્રીમા શારદાદેવી છે. મેં વળી પૂછ્યું, ‘શું આપે પોતે કોઈ દ્વારા પહેલેથી કહેવડાવ્યું હતું કે હું આપનો ભાઈ છું?’ તેમણે આ વાતનો નકારમાં જવાબ આપ્યો અને કહ્યું, ‘ના’. આ રીતે શ્રીશ્રીમા સાથે પરિચય થયા પછી બીજી વાર જે દિવસે એમનાં દર્શન કર્યાં એ મારા માટે અવિસ્મરણીય દિવસ હતો. તે ૧૫ મે, ૧૮૯૮ને રવિવારનો દિવસ હતો. હું સવારે શ્રીશ્રીમાની દૈનંદિન પૂજા માટે મઠમાંથી ફૂલ વીણીને લાવ્યો. નીચે યોગીન મહારાજ હતા, તેમણે કહ્યું, ‘તું નાનો છો. સીધો ઉપર ચાલ્યો જા.’ ત્યારે મારી ઉંમર ૧૮ વર્ષની હતી. શ્રીશ્રીમા એ સમયે પૂજાના આસન પર બેઠાં હતાં. એમણે ફૂલ લઈ લીધાં અને મને પાસે જ રહેલા એક આસન પર બેસવાનો આદેશ આપીને કહ્યું, ‘પહેલાં પૂજા કરી લઉં.’

અરધા કલાક પછી પૂજા સમાપ્ત થતાં મારા તરફ વળીને કહ્યું, ‘મંત્ર લેશો?’ હું તો અવાક્ બની ગયો. મારા મનમાં ભલે ગમે તે હોય, પણ મેં તો એમને કંઈ આવું બતાવ્યું ન હતું. એમણે મારા મનની વાત કેવી રીતે જાણી લીધી? અસ્તુ, એમણે મને પોતાનાં શ્રીચરણોમાં સ્થાન આપ્યું. એમની નજીક એક પાકું ફળ રાખ્યું હતું, તે મારા હાથમાં રાખીને કહ્યું, ‘હવે એ મને આપો. બેટા, એમ આપવાનું હોય છે.’ એમની જ વસ્તુ એમને દક્ષિણામાં આપી. એ દરમિયાન હું વચ્ચે વચ્ચે શ્રીશ્રીમા પાસે જવા લાગ્યો. એક દિવસ સવારે લગભગ ૮.૦૦ વાગ્યે યોગીન મહારાજ અને કૃષ્ણલાલ (પછીથી સ્વામી ધીરાનંદ બન્યા) શ્રીશ્રી માને મઠમાં લઈ આવ્યા. સાથે ગોલાપમા (શ્રીઠાકુર અને માનાં સ્ત્રીભક્ત) હતાં. એ સમયે મઠ બેલુરના નીલાંબર મુખોપાધ્યાયના ઉદ્યાનમાં હતો. શ્રીશ્રીમાની નૌકા ઘાટ પર લાંગરતાં જ મઠમાં શંખધ્વનિ ગુંજવા લાગ્યો. શ્રીશ્રીમા ઊતર્યાં એટલે એમનાં ચરણ ધોઈને ઠાકુરવાડીની ઓસરીમાં બેસાડીને પંખો નખાવા લાગ્યો. ગ્રીષ્મકાળ હતો અને ગરમી ઘણી હતી. નંદલાલ ભોગની વ્યવસ્થા કરવા ગયા. સુશીલ મહારાજ (સ્વામી પ્રકાશાનંદ)ની સાથે હું પણ શ્રીશ્રીમાની સેવામાં લાગી ગયો. મઠના નાના મોટા સૌ કોઈ એક પછી એક પ્રણામ કરીને ગયા. વિશ્રામ પછી શ્રીશ્રીમા પૂજાઘરમાં ગયાં. પૂજાની તૈયારી પહેલેથી જ થઈ ચૂકી હતી. પૂજા પછી એમણે છોકરાઓને નાસ્તો આપવા કહ્યું. નંદલાલે શ્રીશ્રીમા અને ગોલાપમાને ખાંડનું સરબત, શ્રીઠાકુરની પ્રસાદીનું ફળ અને મિષ્ટાન્ન આપ્યાં. વધેલો પ્રસાદ તેઓ રસોડામાં લઈ ગયા. અમારા બેમાંથી એક શ્રીશ્રીમાને મોં ધોવા માટે પાણીની વ્યવસ્થા કરવા અને પંખો નાખવા લાગ્યા. શ્રીશ્રીમાએ ખાતાં ખાતાં બન્નેને પ્રસાદ આપ્યો. એ પ્રસાદ મેળવીને અમે ધન્ય બન્યા.

ત્યાર પછી ભોગ આવ્યો અને શ્રીશ્રીમાએ ઠાકુરને ભોગ ધરાવીને શયન કરાવ્યું. નંદલાલે એમની અને ગોલાપમાની ભોજનવ્યવસ્થા ઓસરીમાં કરી. શ્રીશ્રીમાએ દૂધભાત ભેળવીને એમાં કેરીનો રસ અને ખાંડ નાખ્યાં. એમનો ઉદ્દેશ્ય સમજીને નંદલાલ દ્વારા એક ખાલી કટોરી મગાવી. કટોરી આવી ગયા પછી શ્રીશ્રીમાને તે કટોરીમાં છોકરાઓને પ્રસાદ આપવાનો અને પહેલાંની કટોરીમાં પોતાને માટે રાખવાનો અનુરોધ કર્યો. પણ શ્રીશ્રીમા રાજી ન થયાં. ઘણો આગ્રહ કરવાથી એમણે પોતાના માટે થોડો પ્રસાદ રાખીને બાકીનો બધો પ્રસાદ આપી દીધો. નંદલાલ એ લઈ ગયા પછી શ્રીશ્રીમા જમવા બેઠાં. જમતાં જમતાં પૂછવા લાગ્યાં, ‘કોણ ક્યાં રહે છે, શું ખાય છે, ત્યાં કોણ સૂએ છે, ઠાકુરની પૂજા કોણ કરે છે?’ વગેરે વગેરે.

ભોજન પૂરું થયા પછી એક ચટાઈ પાથરી દીધી. શ્રીશ્રીમાએ એના પર અર્ધનિદ્રામાં વિશ્રામ કર્યો. ગોલાપમા ભોંય પર સૂઈને નસકોરાં બોલાવવા માંડ્યાં. અમે બન્ને વારાફરતી ભોજન કરીને આવ્યા. સાંજે ૪ વાગ્યે શ્રીશ્રીમાએ ઠાકુરનું ઉત્થાપન કર્યું. નાસ્તા પછી એમના પાછા ફરવાની તૈયારી થવા લાગી. એક પછી એક મઠના લોકોએ શ્રીશ્રીમાને પ્રણામ કર્યા.

હવે શ્રીશ્રીમા હોડીમાં બેસશે. ગોલાપમા, યોગીન મહારાજ અને કૃષ્ણલાલ એમની સાથે જશે. જેવાં શ્રીશ્રીમા ચાલવા લાગ્યાં કે તરત જ કૃષ્ણલાલ રાખાલ મહારાજની (સ્વામી બ્રહ્માનંદની) આંતરિક પ્રાર્થના લઈને આવ્યા. એ વિનંતી આ હતી, ‘જતાં પહેલાં શ્રીશ્રીમા મઠની નવી ભૂમિ પર એકવાર પોતાની ચરણરજ દેતાં જાય.’ શ્રીશ્રીમા ત્યાં હોડીમાં જશે, એવું નિશ્ચિત થયું. યોગીન મહારાજ પગે ચાલીને મઠની જગ્યા પર ગયા. શ્રીશ્રીમા, ગોલાપમા, કૃષ્ણલાલ, સુશીલ તથા લેખક પોતે હોડીમાં ગયાં. શ્રીશ્રીમાએ લગભગ બધી જમીન ફરીને જોઈ. એ દિવસોમાં ભગિની નિવેદિતા, શ્રીમતી બુલ અને કુમારી મેક્્લાઉડ ત્યાં રહેતાં હતાં. સમાચાર સાંભળીને તેઓ ત્યાં આવ્યાં અને શ્રીમાને સાથે લઈ જઈને જમીન બતાવવા લાગ્યાં. જમીન જોઈને શ્રીશ્રીમાએ સંતુષ્ટ થઈને કહ્યું, ‘આટલા દિવસો પછી છોકરાઓને માથું ટેકવવાની એક જગ્યા મળી છે. અરે, એ લોકો આજે અહીં, તો કાલે ત્યાં એમ ભટકતા હતા. આટલા દિવસો પછી શ્રીઠાકુરે મુખ ઊંચું કરીને જોયું છે.’

શ્રીશ્રીમા હોડીમાં બેઠાં. સુશીલ અને લેખક રોકાઈ ગયા. તેઓ પગે ચાલીને મઠ પાછા ફરશે. એમના મનની વાત સમજીને શ્રીશ્રીમાએ એમને બોલાવીને કહ્યું, ‘ચિંતા ન કરશો, હું તો છું જ. મન ઉદ્વિગ્ન થાય ત્યારે વચ્ચે વચ્ચે ત્યાં આવતા રહેજો.’

આ પહેલાં જ કહ્યું છે કે ભોજન પછી શ્રીશ્રીમા અરધું-પરધું લંબાવીને વિશ્રામ લેતાં લેતાં વાતો કરી રહ્યાં હતાં. આ વાતોમાંથી જે જણાવવા યોગ્ય છે, એ જ વાતો અહીં જણાવું છું.

એમણે કહ્યું, ‘જ્યારે હું આ મકાનમાં હતી, એ સમયે સારદા પણ મારી પાસે રહેતો હતો. તે શું કરતો હતો, એ તું જાણે છે?’ અમે સાંભળવાની ઇચ્છા બતાવી એટલે એમણે આંગળી ચીંધીને ઠાકુરભંડારની પશ્ચિમ દિશા બતાવીને કહ્યું, ‘ત્યાં એક હરસિંગારનું વૃક્ષ છે?’ મેં કહ્યું, ‘હા, મા છે.’

પછી શ્રીશ્રીમાએ કહ્યું, ‘સારદા દરરોજ સાંજે એક ચાદર ધોઈને તેને સૂકવી રાખતો. રાતે સૂતાં પહેલાં તે ચાદરને વૃક્ષ નીચે પાથરી દેતોે. સવારે ઊઠીને ફૂલ વીણતી વખતે ચાદરને સમેટીને એના પર પડેલાં બધાં ફૂલ લઈને મારી ઠાકુર-પૂજા-વિધિ માટે સજાવીને રાખી દેતો. હરસિંગારના વૃક્ષ પરથી રાતના અંતિમ પહોરમાં જ ફૂલ ખરે છે. એટલે એ ફૂલ ક્યાંય ગંદી જગ્યાએ પડીને અશુદ્ધ ન થઈ જાય એ માટે તે આમ કરતો હતો. જો કેવી નિષ્ઠા હતી!’

સુશીલ મહારાજે પૂછ્યું, ‘અને મા, અહીં જ તમે શ્રીઠાકુરને ગંગામાં વિલીન થતા જોયા હતા ને?’

(ક્રમશ 🙂

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.