(ગતાંકથી આગળ…)

૫. કલ્યાણ મહારાજની મહાસમાધિ અને અન્ય ઘટનાઓ

૧૯૩૭ના ઉનાળામાં મસૂરી જવા છેવટની પળ પહેલાં કલ્યાણ મહારાજે સેવાશ્રમના સર્વે સંન્યાસીઓની સમક્ષ મને તિજોરીની ચાવી આપતાં કહ્યું, ‘મારી ગેરહાજરીમાં તું કામકાજ સંભાળજે’. કામકાજ સંભાળવા માટે તેઓ કોઈ વરિષ્ઠ સંન્યાસીને કહી શકતા હતા. તેમના દ્વારા મને કાર્યભાર સોંપવાનું મને યોગ્ય લાગ્યું નહીં. મેં તેમને ચાવી પરત કરતાં કહ્યું, ‘હું આને સંભાળી શકું નહીં, હું કશું જાણતો નથી. મેં આપની તિજોરી ક્યારેય ખોલી નથી.’ તેમણે મક્કમ રહેતાં કહ્યું, ‘નહીં, તું આ લઈ લે.’ આ લગભગ આદેશ જેવું હતું. મેં ચાવી દુર્ગાનંદજીને આપી, પરંતુ તેમણે તેનો ઇન્કાર કરીને મને પાછી આપી દીધી. પછી મહારાજે એ સહુને કહ્યું, ‘તમે બધા તેને સહયોગ કરજો.’ મારી તરફ ફરીને તેમણે કહ્યું, ‘ચાવી રાખવા માત્રથી તું મુખ્ય અધિકારી બની જતો નથી. તું બધાનો સેવક છે. તારે એ બધાની સલાહ લઈને કામ કરવાનું રહેશે. ચાવી તું તારી પોતાની પાસે જ રાખ તથા રૂપિયા-પૈસાનો હિસાબ-કિતાબ બધું કામ સંભાળ.’ મેં વરિષ્ઠ સંન્યાસીઓનાં ચરણસ્પર્શ કર્યાં. તેઓએ કહ્યું, ‘ચિંતા ન કર. અમે બધા તને સહયોગ કરીશું. તારો કાર્યભાર સંભાળવો ઘણું જ ઉચિત છે.’ એટલે પછીથી સેવાશ્રમમાં નવા અધ્યક્ષ તથા સહાધ્યક્ષ આવી ગયા તો પણ સ્વામી માધવાનંદજીએ એક પત્ર લખી મોકલ્યો હતો, ‘કલ્યાણ સ્વામીના નિર્દેશાનુસાર નારાયણ યથાવત્ કામકાજ સંભાળશે.’

કલ્યાણ મહારાજની મહાસમાધિ

સ્વામી વીરેશ્વરાનંદજી, સ્વામી શ્રીવાસાનંદજી તથા તેમના પૂર્વાશ્રમના પૌત્ર નારાયણ મહારાજ (પછીથી સ્વામી વંદનાનંદજી) ૧૯૩૬ના અંતમાં કનખલ આવ્યા. અદ્વૈત આશ્રમનું અધ્યક્ષપદ છોડ્યા પછી સ્વામી વીરેશ્વરાનંદજીએ એક વર્ષ કનખલમાં વિતાવ્યું. તેઓ તપસ્યા માટે હૃષીકેશ પણ ગયા. ત્યાં તેમણે શાંત તથા ચિંતનપૂર્ણ મનોભાવમાં પોતાનો સમય પસાર કર્યો. ક્યારેક ક્યારેક અમે તેમના માટે જરૂરી વસ્તુઓ લઈને જતા હતા. સ્વામી કલ્યાણાનંદજી તથા સ્વામી વીરેશ્વરાનંદ વચ્ચે અદ્‌ભુત પ્રેમભાવ હતો. ઓક્ટોબર ૧૯૩૭માં જ્યારે કલ્યાણાનંદજી મહાસમાધિમાં લીન થયા ત્યારે અમારી સાથે વીરેશ્વરાનંદજી કનખલ રહેવા આવ્યા. તેઓ બધી જ વ્યવસ્થા પર નજર રાખતા હતા અને કઠિન પરિસ્થિતિઓમાં અમારા માટે તેઓ સમયોચિત સધિયારો હતો.

કલ્યાણ મહારાજનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તેઓ મસૂરી ગયા હતા. ૨૦ ઓક્ટોબરે મને ગરમ પાણીનો શીશો તથા કેટલીક દવાઓ લાવવા લખ્યું. ૨૩ ઓક્ટોબરે આ વસ્તુઓ લઈને હું મોટર-કાર દ્વારા દહેરાદૂન અને પછી મસૂરી તરફ ઊપડ્યો. રસ્તો એટલો સાંકડો હતો કે ફક્ત એક તરફથી જ માર્ગવ્યવહાર થઈ શકતો હતો, કાં તો ઉપર તરફ – કાં તો નીચે તરફ. પરંતુ વચ્ચે વચ્ચે ખુલ્લી જગ્યા હતી. આવી જ એક જગ્યાએ મેં સાંભળ્યું કે મને કોઈ બોલાવી રહ્યું છે, જાણે કે મારા આવવાની રાહ જોવાતી હોય. તેઓ શ્રીવાસાનંદજી હતા જેઓ નારાયણ મહારાજ સાથે એક મોટી બસમાં બેઠા હતા. હું બસ પાસે ગયો અને તેમને પૂછ્યું,

‘મહારાજ ક્યાં છે?’ તેમણે નીચે તરફ સંકેત કર્યો જ્યાં કલ્યાણ મહારાજનો નશ્વર દેહ પડ્યો હતો. મહારાજના મૃતદેહને જોતાં જ મને આઘાત લાગ્યો અને હું લગભગ બેહોશ થઈ ગયો. જાતને સંભાળી હું મહારાજનાં ચરણોમાં બેઠો તથા અમે કનખલ પહોંચ્યા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે મને ઘણો ભારે તાવ આવી ગયો હતો. આશ્રમવાસીઓએ મારા આરામની વ્યવસ્થા કરી.

અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં બહારના સંન્યાસીઓએ પણ ભાગ લીધો. અગ્નિ-સંસ્કાર પહેલાં મહારાજના પાર્થિવ શરીર સાથે સમૂહ તસ્વીર લેવા સૌને ભેગા થવાનું કહેવાયું. મેં કહ્યું કે આમાં હું સામેલ થવા ઇચ્છતો નથી. ત્યારે મને ખેંચીને ત્યાં લઈ આવ્યા અને મને કહેવામાં આવ્યું,

‘તારે મહારાજ સાથે બેસવું જ પડશે.’ મને તસ્વીર લેવામાં રુચિ ન હતી. જ્યારે માણસ જ જતો રહ્યો ત્યારે પછી તસ્વીરમાં શું રાખ્યું છે? પરંતુ તસ્વીર લેવામાં આવી. મને તસ્વીરની જે નકલ આપવામાં આવેલી તેને મેં ફાડી નાંખી. મારે તે જોવી જ ન હતી. મને ખબર નથી કે બીજી બધી નકલોનું શું થયું. પછી તેઓ મહારાજના નશ્વર દેહને અગ્નિ-સંસ્કાર માટે લઈ ગયા, પરંતુ હું પથારીમાં બીમાર પડ્યો રહ્યો. લગભગ એક મહિના સુધી બીમાર રહ્યો. મને ઘણો જ માનસિક આઘાત લાગ્યો હતો.

માનસિક આઘાતમાંથી મુક્ત થવું

હવે મેં વિચાર્યું કે આશ્રમનું કામકાજ કોણ સંભાળશે? મહારાજે મને ચાવી આપી હતી તથા બધી બાબતોની દેખરેખ રાખવાનું કહ્યું હતું. તેમણે કહેલું, ‘બીજા તને સહયોગ કરશે.’ પરંતુ મેં કહેલું, ‘હું કંઈ જાણતો નથી.’ પરંતુ એ મુશ્કેલ મહિનામાં સ્વામી વીરેશ્વરાનંદજી સૌમ્ય સ્વરમાં મને કહ્યા કરતા, ‘ચિંતા ન કર. તું સફળ બનીશ. તું સ્વસ્થ થઈ જઈશ. અમે બધું કામકાજ જોઈ લઈશું.’

કેટલાક દિવસો પછી તેમણે ધીરે ધીરે કેટલાક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. જેમ કે અમુક વસ્તુ શું છે, તે શું છે ? અમુક ઔષધિઓ અંગે શું કરવું પડશે? હું જેટલું જાણતો હતો, તે મુજબ તેમને જણાવતો. તે પછી તેઓ સેવાશ્રમના હિસાબો લાવ્યા ને મને ધીરે ધીરે કેટલાંક વધુ પ્રશ્ન પૂછ્યા. કેટલાક સમય પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો તથા બધાએ કામકાજની સરળતામાં મને મદદ કરી.

સેવાશ્રમના સચિવની જવાબદારી સંભાળવા માટે બેલુર મઠથી એક સ્વામીજીની નિમણૂક કરવામાં આવેલી હતી. પરંતુ તો પણ તેમણે મને જ કાર્ય વ્યવસ્થા જોવાનું કહ્યું. બીજા બધાની સહયોગથી મેં કાર્ય કર્યું. અધિકારની દૃષ્ટિએ તો બધા જ ત્યાં હતા, પણ કલ્યાણ મહારાજે મને બધું જણાવેલું હતું તથા તે અર્થમાં મને કાર્યવ્યવસ્થા જોવાવાળો બનાવ્યો હતો. હું તો હકીકતમાં નગણ્ય હતો, વિધિવત્ દીક્ષિત બ્રહ્મચારી પણ ન હતો. પરંતુ કલ્યાણ મહારાજને મારા પર પૂર્ણ વિશ્વાસ હતો.

કલ્યાણ મહારાજનો પ્રેમ તથા મારા પર તેમનો વિશ્વાસ

સ્વામી કલ્યાણાનંદજી પ્રેમસભર હતા. મારે માટે તેઓ સર્વસ્વ હતા. આ જ કારણે મારા માટે તેમની મહાસમાધિ ભારે આઘાતજનક હતી, જેમ કે મારી બધી આશાઓ તેમનામાં જ હતી. તેઓ મને એટલો પ્રેમ કરતા હતા કે જે મારી કલ્પનાથી અતીત હતું અને એ વિશ્વાસ, મેં એવી કોઈ વ્યક્તિ જોઈ ન હતી કે જેઓ મારા પર આટલો વિશ્વાસ રાખે.

સ્વામી દુર્ગાનંદજીએ આ અંગે એકવાર કહ્યું હતુંં, ‘નારાયણના આવ્યા પછી કલ્યાણ મહારાજે પોતાનું હૃદય બહુ જ વિશાળ કર્યું હતું, તેમાં કોઈ પણ કાંઈ પણ મેળવી શકતું.’ જ્યારે બીજા લોકો દરેક બાબતે મને આગળ કરી દેતા, ત્યારે કલ્યાણ મહારાજે ક્યારેય ના નહોતી કહી.

કલ્યાણ મહારાજ હંમેશાં પ્રેમાળ અને અનુગ્રહ રાખનારા હતા. મેં સાચે સાચ અનુભવ કર્યો કે તેમણે મને નવું જીવન આપ્યું હતું. મને લાગ્યું કે મારા જીવનમાં નવો પ્રકાશ આવી ગયો છે. તેમની મહાસમાધિ પછી કેટલાક સમયે ચીજ-વસ્તુઓની સફાઈ કરતી વખતે મને કાશ્મીરી ઊનની શાલો, જે ‘અલોવન’ તરીકે ઓળખાય છે, તેનું એક મોટું પોટલું મળ્યું. તે મંદિરમાં ઓઢવા માટેની ચાદરો હતી. તેનું ઊન વજનમાં હલકું અને વણાટ સુંદર હતા. મને ખબર નથી કે તેમણે આ ક્યારે ખરીદી હશે. તેમણે કાગળની ચબરખીઓમાં અમારા સહુનાં નામ લખી દરેક શાલમાં મૂકેલ.

આ માનવું અસંભવ હતું. સંભવત : તેમણે ઠંડીના દિવસોમાં અમને સહુને આપવા માટે વાત વિચારેલી પણ તેમને મસૂરી જવું પડ્યું. તેમની મહાસમાધિ થઈ ગઈ પણ ચાદરો પડી રહી. મેં તેની જવાબદારી સ્વામી વીરેશ્વરાનંદને સોંપી. તેમણે અમને સહુને વહેંચી આપી. ચાદરો પર અમારા સહુ બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓનાં નામ હતાં. અમે બધા ભાવુક બની ગયા અને અમારી આંખો આંસુથી ભરાઈ ગઈ.

ટપાલ વિભાગથી કલ્યાણ મહારાજના ભંડોળનું હસ્તાંતરણ

ટપાલ વિભાગ તરફથી સૂચના આવેલી કે મહારાજના નામે કેટલુંક ધન-ભંડોળ જમા છે. ટપાલ વિભાગ અધિકારીએ વિચાર્યું કે હું મહારાજનો શિષ્ય છું એટલે રકમ લેવા હસ્તાક્ષર કરવા મને કહ્યું. ભારતમાં જો કોઈ સંન્યાસીનું મૃત્યુ થાય તો તેમના ઉત્તરાધિકાર તેમના શિષ્ય કે શિષ્યો કે સંન્યાસી સંઘ કે ગુરુને મળે છે. ભારતમાં વસિયતનામું સંબંધે આવો કોઈ કાયદો છે, એટલે પોસ્ટમાસ્ટરે સહજભાવે કહ્યું, ‘આપ તેમના શિષ્ય છો, આપ સહી કરી આપો એટલે રોકડ રકમ હું આપને આપી દઈશ.’ મેં તેમને જણાવ્યું, ‘હું તેમનો શિષ્ય નથી.’ ‘અમે જાણીએ છીએ કે આપ તેમના શિષ્ય છો, કેમ કે તેમણે પોતાના વતી ટપાલ કચેરીએ અન્ય કોઈનેય ક્યારેય મોકલ્યા નથી. અન્ય સ્વામીજી પણ હતા અને તેઓ તેમને પણ મોકલી શકતા હતા.’ કેમ કે કલ્યાણ મહારાજ જ્યાં પણ જતા, હું હમેશાં તેમની સાથે રહેતો હતો, એટલે લોકોમાં એવી જ માન્યતા થઈ ગઈ કે હું તેમનો શિષ્ય છું. જો મેં સહી કરી આપી હોત તો પોસ્ટ માસ્ટર મને રકમ આપી દેત. એક દૃષ્ટિએ તો હું કલ્યાણ મહારાજના શિષ્યથી પણ વધુ હતો. પરંતુ કાનૂની દૃષ્ટિએ તો હું તેવો દાવો કરી શકું નહીં. સ્વામી અખંડાનંદના શિષ્ય હોવાના સંબંધે મેં કાંઈ ન કહ્યું તથા વારસાઈ હક્કના પ્રમાણપત્ર માટે અમારે અદાલતમાં જવું પડ્યું. આ સંબંધે અમે તેમના સહુ ગુરુબંધુઓને લખ્યું : સ્વામી પરમાનંદજી તથા બોધાનંદજી તે સમયે અમેરિકામાં હતા તથા સ્વામી અચલાનંદજી, વિરજાનંદજી અને બ્રહ્મચારી જ્ઞાન મહારાજ, એ પાંચેયને આ પત્ર પર તેમની સહી કરવાની હતી. આ રકમ મેળવવા માટે અમને એક વર્ષથી વધુ સમય લાગ્યો. (ક્રમશ 🙂

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.